દુનિયા હવે વ્યક્તિના વિચારોને આધારે નહીં પણ તેની જાહેર છબી કેવી છે તેને આધારે પોતાના રાજકારણની પસંદગી કરે છે. પહેલાં ટેલિવિઝન અને હવે સોશિયલ મીડિયાના મારાને કારણે આવી ડિબેટ હવે ‘જોણું’ વધારે અને જાણકારી ઓછી બની ગઇ છે.
અમેરિકામાં પ્રમુખની ચૂંટણી યોજાય તે પહેલાં ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર કમલા હેરિસ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપ વચ્ચે ગયા અઠવાડિયે પહેલી પ્રેસિડેન્શિયલ ડિબેટ થઇ. 90 મિનિટ સુધી બન્ને વચ્ચે ઉગ્ર ચર્ચા ચાલી જેમાં દોષારોપણથી માંડીને કાયદા-પરિસ્થિતિઓ અંગે તેમના અલગ અલગ દૃષ્ટિકોણ અને નીતિઓ પર વાત થઇ. ટ્રમ્પે પોતાના મુદ્દાઓને વધુ મજબૂતાઇથી રજૂ કરવા અને કમલા હેરિસના દાવાઓને નબળા સાબિત કરવા માટે કમલા હેરિસ કરતાં પાંચ મિનિટ વધારે લીધી, તે કુલ 42 મિનિટ 52 સેકન્ડ્ઝ બોલ્યા અને કમલા હેરિસે પોતાની રજૂઆત માટે 37 મિનિટ 36 સેકન્ડ લીધી. રશિયા-યૂક્રેઇન, ઇઝરાયલ-હમાસ, સરહદની સમસ્યાઓ, પ્રવાસન, અર્થતંત્ર, અબોર્શન અને કેપિટલ હિલનાં રમખાણો જેવા મુદ્દાઓ આ ડિબેટમાં છેડાયા અને અમેરિકી રાજનીતિના વિશેષજ્ઞોને મતે કમલા હેરિસ આ ડિબેટમાં છવાઇ ગયાં હતાં.
આવી જાહેર ચર્ચાઓમાં ભાગ્યે જ કંઇક નક્કર હાથમાં આવે એમ બનતું હોય છે, અંતે આ ઉમેદવારની પ્રચારની રણનીતિનો જ એક ભાગ હોય છે. સાંઇઠના દાયકામાં અમેરિકામાં થતી પ્રેસિડેન્શિયલ ડિબેટથી મતદારોના વલણમાં ફેર આવી શકતો હતો પણ શું અત્યારે એવી સ્થિતિ છે? આ ડિબેટમાં કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પે એકબીજા પર આક્ષેપો મૂકવામાં કશું જ બાકી નહોતું રાખ્યું . કમલા હેરિસનો હાથ આ ચર્ચામાં ઉપર રહ્યો હતો. કમલા હેરિસ માટે આ પહેલી પ્રેસિડેન્શિયલ ડિબેટ હતી જ્યારે ટ્રમ્પે 2016થી માંડીને 2024 સુધીમાં પાંચ પ્રેસિડેન્શિયલ ડિબેટ્સમાં ભાગ લીધો છે. કમલા હેરિસે સફળતાપૂર્વક એ બધા જ મુદ્દાઓ જ્યાં ટ્રમ્પની નબળાઈ છતી થઇ જતી હતી તે છેડ્યા અને પોતાના હિસાબે ચર્ચાની પકડ રહે તેની પણ તકેદારી રાખી. આંતરરાષ્ટ્રીય રાજકારણ હોય કે મોંઘવારી કે ગર્ભપાત જેવા મુદ્દાઓ હોય હેરિસે ટ્રમ્પની સામે જરા ય નમતું ન જોખ્યું. ટ્રમ્પે સામે આપેલા જવાબો અમુક સમયે તો વાહિયાત પ્રતિભાવ લાગે તેવા હતા.
સાધારણ સંજોગોમાં અમેરિકી પ્રમુખ બનવા માટે રેસમાં જોડાયેલો કોઈ ઉમેદવાર જો એવા વિધાનો કરે કે આપણા દેશમાં ગેરકાયદે આવી ગયેલા ઇમિગ્રન્ટ્સ કૂતરાં, બિલાડાં ખાઇને જીવે છે અને દેશ ખાડે ગયો છે વગેરે તો એ ઉમેદવારને ‘ડેડ’ – ટૂંકમાં ગયા ખાતે જ ગણી લેવામાં આવે. પણ આ તો ડોનાલ્ડ ટ્રમ્પ છે અને જો એ ગળે ઉતરે એવી રીતે, સારી ભાષામાં, મર્યાદામાં રહીને બોલે તો લોકોને નવાઇ લાગે. વળી અમેરિકન પ્રજા પણ કમાલ છે કારણ કે 2016માં પોતે કરેલી જાતીય સતામણીની ફિશિયારી મારતા ટ્રમ્પનું રેકોર્ડિંગ જાહેર થઈ ગયું હોવા છતાં તે રાજકીય રીતે પતી ગયા હોવાની વાતો થઇ હતી પણ એવું કંઇ થયું નહીં. 2020માં કોરોના વાઇરસ રોગચાળા વખતે તેમણે એવું વિધાન કર્યુ હતું કે દર્દીઓને જંતુનાશકના ઇન્જેક્શન્સ આપવા જોઇએ અને લોકોને લાગ્યું હતું કે ‘ઠાકુર તો ગિયો.’ ત્યારે પણ એવું કશું જ ન થયું. 2021માં કેપિટલ હિલમાં જે દૃશ્યો સર્જાયા હતા એ ભયંકર હતા, ટ્રમ્પના ટેકેદારોએ જબરી અરાજકતા ઊભી કરીને ચૂંટણી જ ફેરવી નાખવાનો પ્રયાસ કર્યો. ત્યારે પણ લોકોને લાગ્યું હતું કે હવે ટ્રમ્પના દિવસો ભરાઇ ગયા છે પણ ટ્રમ્પ તો પ્રમુખ બનવાની રેસમાં હજી પણ છે જ.
ટૂંકમાં તાજેતરમાં જ દોઢ કલાક ચાલેલી જાહેર ચર્ચા થઇ ત્યારે કમલા હેરિસ શાંત, સાચવીને બોલતાં હોય એવાં લાગ્યાં પણ ટ્રમ્પને જે કહેવું હતું તેમાં તેમણે બેફામ વાણીવિલાસ જ કર્યો. ટ્રમ્પનો અંદાજ કોઇ પ્રમુખને શોભે એવો તો હતો જ નહીં. કમલા હેરિસે લોકશાહી, અર્થતંત્ર, ઊર્જાના વિવિધ વિકલ્પો જેવા મુદ્દાઓ પર વાત કરી તો આ તરફ ટ્રમ્પે તો વિરોધ પક્ષ પર એવો આક્ષેપ કર્યો કે ડેમોક્રેટ્સ તો માતાઓને એવા અધિકાર આપવા માગે છે કે વણજોઇતાં બાળકો જન્મી જાય પછી પણ તેમનો વધ કરી શકાય અને આપણા દેશમાં એટલા ઇમિગ્રન્ટ્સ છે કે જે અમેરિકન્સ હવે બહાર જઇને પોતાના માટે સીધું સાદું શોપિંગ પણ નથી કરી શકતા. બન્ને ઉમેદવારની પ્રતિભાનો ભેદ પરખાઇ જાય છે. કમલા હેરિસે પોતાની ક્ષમતા સારી પેઠે સાબિત કરી દીધી છે, પણ શું તેનો અર્થ એમ કરાય કે તે હવે આસાનીથી અમેરિકાના પ્રમુખ બની જશે? કમનસીબે ના, એવું નહીં થાય. 70 મિલિયન અમેરિકન્સને ઠાવકી, સાચી વાતો કરનારાં કમલા હેરિસ કરતાં, કંઇપણ બોલી દેનારા ટ્રમ્પને પ્રમુખ બનાવવામાં રસ છે અને તેમનો મત ટ્રમ્પને જ જાય એવી વકી છે.
છેલ્લાં આઠ વર્ષમાં ટ્રમ્પે જાણે પોતાના ટેકેદારોની એક જમાત ખડી કરી દીધી છે, આ બધા ટ્રમ્પના ‘અંધભક્ત’ છે. રિપબ્લિકન પાર્ટી ટ્રમ્પની પાર્ટી બની ચૂકી છે. ટ્રમ્પ ચૂંટણીને લગતા કૌભાંડો કે ગુનાઓની વધતી સંખ્યા કે પછી મોંઘવારી અંગે ભલે કંઇપણ જુઠાણા ચલાવે – આ ભક્તો ટ્રમ્પને પડખે જ ઊભા રહેશે. જો બાઇડન પ્રમુખ માટેની રેસમાંથી નીકળી ગયા એ પછી કમલા હેરિસ સામે ટ્રમ્પ જીતી શકવાની ટકાવારી 44 ટકા જેટલી છે તેવું આંકડાઓના જાણકારોનું કહેવું છે. આ પ્રમાણ હિલેરી અને બાઇડન બન્ને સામે ઓછું હતું. કમલા હેરિસ સામેની ડિબેટમાં ટ્રમ્પ ઝાંખા ચોક્કસ પડ્યા છે પણ એ ક્યાં ય ગાંજ્યા નથી ગયા અને એ ખતરાની ઘંટી તો ખરી જ. આ જાહેર ચર્ચાઓ કંઇ ઉમેદવારની નીતિઓ અને વિચારો અંગે નથી હોતી, તે હોય છે અમેરિકન રાજકારણમાં જે-તે ઉમેદવારની જાહેર છબીમાં ફેરફાર લાવવા માટે.
દુનિયા હવે વ્યક્તિના વિચારોને આધારે નહીં પણ તેની જાહેર છબી કેવી છે તેને આધારે પોતાના રાજકારણની પસંદગી કરે છે. પહેલાં ટેલિવિઝન અને હવે સોશિયલ મીડિયાના મારાને કારણે આવી ડિબેટ્સ હવે ‘જોણું’ વધારે અને જાણકારી ઓછી બની ગઇ છે. અમેરિકન પ્રમુખો વચ્ચેની ડિબેટ બહુ ચિવટથી નક્કી કરાયેલું પરફોર્મન્સ હોય છે એ સમજી લેવું અનિવાર્ય છે. ટ્રમ્પે તો ફરીવાર કમલા હેરિસ સાથે જાહેર ચર્ચામાં ઉતરવાની વાત ફગાવી દીધી છે, વળી એ પણ એમ કહીને કે હેરિસને ફરીથી ડિબેટ એટલા માટે કરવી છે કારણ કે પોતે (ટ્રમ્પ) જીતી ગયા છે. કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ બન્ને જણાએ દોઢ કલાકની ડિબેટમાં પોતે જીત્યા છે એવા દાવા તો કરી જ દીધા છે. આ તરફ ટ્રમ્પે આ દાવા સાથે સાથે ડિબેટ સંભાળનારા પત્રકારોએ પોતાની સાથે ન્યાયી વહેવાર નથી રાખ્યો એવો આક્ષેપ પણ મૂકી દીધો છે. અમેરિકામાં માહોલ પક્ષપાતી છે અને ટ્રમ્પનો જાહેર કાર્યક્રમોમાં વહેવાર તેમના ભક્તોને ગેલમાં લાવી દેનારો હોય છે જે લોકશાહીની શાંતિ માટે જોખમી સાબિત થઇ જ શકે છે, જે ભૂતકાળમાં પણ અમુક ઘટનાઓએ સ્પષ્ટ કર્યું જ છે.
ભારતીય તરીકે આ ચૂંટણીમાં કેમ રસ લેવો જોઇએ એ પણ સમજવું જરૂરી છે. આમ જોઇએ તો આપણી સરકાર ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ બેમાંથી જે પણ પ્રમુખ પદ પર આવશે તેની સાથે કામ પાર પાડશે જ, કારણ કે એ તો કરવું જ પડે. જો કે મોદી સરકારનો ઝુકાવ ટ્રમ્પ તરફી છે. તેની કન્ઝર્વેટિવ વિચારધારાને ભા.જ.પા.નાં મૂલ્યો સાથે જબરો મેળ બેસે છે. નરેન્દ્ર મોદી હોય કે ડોનાલ્ડ ટ્રમ્પ હોય બન્ને એક સરખી તીવ્રતાથી જાતને ચાહે છે. આપણે ત્યાં પણ ભક્તો છે અને નાટકીય વાતોને વધાવી લેનારાઓની ખોટ નથી. બીજી તરફ વૈશ્વિક રાજકારણમાં ટ્રમ્પ રશિયા તરફ હળવો અભિગમ રાખવા માગે છે જે ભારત માટે રાજકીય ભૌગોલિક ગણતરીમાં ફાયદાકારક હશે. જો કે આપણી સરકારે એ યાદ રાખવું જરૂરી છે કે ટ્રમ્પની માનસિકતાનો સ્થાયીભાવ ‘અમેરિકા ફર્સ્ટ’ છે એટલે એ ભારત જ નહીં પણ કોઇપણ બીજા દેશની સાથે સારા-સારી રાખવાનું ત્યારે જ ગણતરીમાં લેશે જ્યારે તેમની કોઇ ગરજ સરતી હશે.
કમલા હેરિસે ડિબેટમાં બહુ સારું પ્રદર્શન કર્યું છે પણ કમનસીબે એક ડિબેટ મતદાતાઓના વિચારોને બદલવા માટે પૂરતી હોય એવો સમય હવે નથી રહ્યો. વળી ટ્રમ્પના ભક્તોની સંખ્યા બહુ મોટી છે જેને કારણે અંતે અમેરિકા પ્રગતિશીલ મહિલા પર પસંદગીનો કળશ ઢોળે છે કે પછી ‘અમેરિકા ફર્સ્ટ’ની વાત કરતા ટ્રમ્પને પસંદ કરે છે એ તો વખત આવ્યે જ ખબર પડશે.
બાય ધી વેઃ
જો ટ્રમ્પ જીતશે તો એ અમરિકાના સૈન્યએ સલામતીની જેટલી જવાબદારીઓ ઉપાડી છે એ ઘટાડી દે તેવી પૂરી શક્યતા છે. આમ થયું તો યુરોપ અને અમેરિકાના ઇન્ડો-પેસિફિક સાથીદારોને માથે ચીન, રશિયા અને કોરિયા સુધ્ધાં તરફથી જોખમ ખડું થઇ શકે છે. મોદી અને ટ્રમ્પની દોસ્તી આપણે જાણીએ છીએ. કમલા હેરિસે ભારત પ્રત્યેની નીતિઓ અંગે હજી સુધી કોઇ સ્પષ્ટતાઓ કરી નથી પણ તેમણે હંમેશાં સરમુખત્યારશાહી અને લોકશાહી વચ્ચેના સંઘર્ષની પ્રિઝમથી વૈશ્વિક રાજકારણને નાણ્યું છે. કમલા હેરિસને ભારત સાથે જોડતી કડી છે એટલે હુકમનું પત્તું તો આપણી પાસે છે જ એવું માની લેવાની આપણે ભૂલ ન કરવી જોઇએ. છતાં પણ કમલા હેરિસની આવડતનો લાભ ત્યારે મળી શકે જ્યારે એક પ્રગતિશીલ વિચાર ધરાવતી, રાજકીય સત્તા ધરાવતી મહિલાના વિચારો સામે આપણે એક રાષ્ટ્ર તરીકે સંકુચિતતાની માપપટ્ટી લઇને ન બેસીએ.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 સપ્ટેમ્બર 2024