મુંબઈમાં IC 814 Kandahar Highjack નામની વેબ સિરીઝના હોર્ડિંગ્સ લાગ્યાં અને તેમાં નસીરુદ્દીન શાહ, પંકજ કપૂર અને મનોજ પાહવાની અભિનેતા તરીકેની તસ્વીરો જોઈ અને દિગ્દર્શક તરીકે અનુભવ સિંહાનું નામ જોયું ત્યારથી જ મનમાં એક ફાળ પડી હતી કે દેશપ્રેમીઓ આને કદાચ રિલીઝ નહીં થવા દે. અનુભવ સિંહા એક સ્વતંત્ર મિજાજના તેજસ્વી દિગ્દર્શક છે. આપણો દેશ મહાન છે એ ગર્જી ગર્જીને કહો, છાપરે ચડીને કહો, એમ કહેવા માટે કાંઈ જોઈતું હોય તો માગી લો, એમાં અતિશયોક્તિ હોય, જૂઠાણાં હોય તો પણ વાંધો નહીં. બીજાને નીચા દેખાડશો તો બોનસ મળશે, પણ દેશને લાંછન લાગે, શરમાવું પડે, ગરદન નીચી કરી લેવી પડે એવું નહીં કહેવાનું. એ સાવ સાચી વાત હોય તો પણ નહીં કહેવાની, અમારું દિલ દુભાય છે.
હવે વિમાન અપહરણની જે ઘટના બની હતી એ તમે જાણો છો. વેબ સિરીઝે જે વિવાદ પેદા કર્યો તેને કારણે એ ૨૫ વરસ જૂની ઘટના પાછી મનમાં તાજી થઈ હશે. એમ કહેવાય છે કે ગુપ્તચરોને આની પૂર્વસૂચના મળી હતી અને તેમણે કાઠમંડુમાં વિમાનને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તેમાં તેમને સફળતા મળી નહોતી. આ ભારતે કરેલી પહેલી ભૂલ હતી. બીજી અને મોટી ભૂલ એ હતી કે વિમાનના કેપ્ટને ઇંધણ ભરવા વિમાનને અમૃતસર ઉતાર્યું હતું અને એ રીતે ભારત સરકારને અપહરણ કરાયેલા વિમાનના ઉતારુઓને છોડાવવાની તક આપી હતી, પરંતુ સરકાર અસમંજસ અવસ્થામાં હતી, કોઈ નિર્ણય નહીં લઈ શકી અને અપહરણકર્તાઓએ કેપ્ટનના લમણે પિસ્તોલ મૂકીને વિમાનને ઊડાડવા ફરજ પાડી હતી. ત્રીજી ભૂલ એ હતી કે દેશના વિદેશ પ્રધાન જશવંત સિંહ ખૂદ ત્રાસવાદીઓને પોતાની સાથે વિમાનમાં બેસાડીને કંદહાર લઈ ગયા હતા અને અપહરણકર્તાઓને ત્રાસવાદીઓની સોંપણી કરીને ઉતારૂઓને છોડાવ્યા હતા. જશવંત સિંહે અફઘાનિસ્તાન જવું નહોતું જોઈતું અને જવું હતું તો અલગ વિમાનમાં જવું જોઈતું હતું. ભારતનો વિદેશ પ્રધાન ત્રાસવાદીઓની સોંપણી કરવા જાય એ લજવનારી ઘટના હતી.
આખી ઘટનાની આ ટૂંકી દાસ્તાન છે.
હવે થોડાં પ્રમાણો નોંધી લઈએ.
૧. વિમાનના પાયલોટ કેપ્ટન દેવી શરણે પત્રકાર શ્રીજોય ચૌધરી સાથે મળીને ‘ફ્લાઈટ ઇન્ટુ ફીઅર – ધ કેપ્ટન્સ સ્ટોરી’ એવું એક પુસ્તક લખ્યું છે જેમાં જે ઘટના બની તેની સંપૂર્ણ વિગતો છે. અલબત્ત કેપ્ટનની દૃષ્ટિએ.
૨. એ સમયના ગૃહ પ્રધાન લાલકૃષ્ણ આડવાણીએ સંસદમાં આપેલી વિગતો છે. માત્ર એક નિવેદન નહીં, વિગતો સાથે.
૩. પંજાબ અને હરિયાણાની વડી અદાલતમાં અપહરણ વિષેની અપીલો ન્યાયમૂર્તિ હેમંત ગુપ્તા અને ફતેહ દીપ સિંહે સાંભળી હતી. દેખીતી રીતે સુનાવણી દરમ્યાન દરેક વિગત અદાલતમાં રજૂ કરવામાં આવી હતી. એમાં સરકારે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો, કૃ મેંબરોએ તેમ જ કેટલાક પેસેન્જરોએ જુબાની આપી હતી અને અમૃતસર વિમાનમથકના અધિકારીઓ તેમ જ અમૃતસરનાં પોલીસ અધિકારીઓએ પોતાની રજૂઆત કરી હતી.
૪. રિસર્ચ એન્ડ એનેલિસીસ વિંગ(આરએન્ડએ.)ના એ સમયના અધ્યક્ષ એ.એસ. દુલાતે પોતાનાં પુસ્તકમાં એ ઘટનાની વાત લખી છે. ઘટનાને હાથ ધરવામાં તેમનું મોટું યોગદાન હતું.
૫. ભારતનાં એ સમયના વિદેશ પ્રધાન જશવંત સિંહે ‘ઇન સર્વિસ ઓફ ઈમર્જીંગ ઇન્ડિયા’ નામનું તેમનાં સંસ્મરણોનું પુસ્તક લખ્યું છે તેમાં આના વિષે જાણકારી મળે છે.
૬. અનિલ કે. જગ્ગિયા અને સૌરભ શુક્લા નામના પત્રકારોએ આઈ.સી. ૮૧૪ હાઈજેક – ધ ઇનસાઇડ સ્ટોરી’ નામનું પુસ્તક લખ્યું છે.
૭. જાણીતા પત્રકાર શેખર ગુપ્તાએ ૨૦૦૩ની સાલમાં અટલ બિહારી વાજપેયીના એ સમયના રાષ્ટ્રીય સલામતી સલાહકાર બ્રજેશ મિશ્રાની એન.ડી.ટી.વી. માટે મુલાકાત લીધી હતી જેમાં આ પ્રશ્ને વાત થઈ હતી અને તેની ટેપ ઉપલબ્ધ છે.
આ સિવાય પણ બીજાં પ્રમાણો ઉપલબ્ધ છે.
ટૂંકમાં આ ખુશામતખોરો જે રીતે ફિલ્મ અને વેબ સિરીઝ બનાવે છે એવી, થોડું સાચું વધારે જૂઠું એવું આમાં નથી બન્યું. તમે પોતે ઉપલબ્ધ પ્રમાણો સાથે સરખામણી કરી શકો છો. આમાંથી ગુપ્તચરોને વિમાન અપહરણની સંભાવના વિષે આગોતરી જાણકારી મળી હતી એવું જે વેબ સિરીઝમાં કહેવામાં આવ્યું છે એને માટે કોઈ આધાર નથી એમ એ.એસ. દુલાતે અને બીજા લોકોએ કહ્યું છે. બે. અમૃતસરમાં ભારત સરકારે થાપ ખાધી અને મળેલી તક હાથમાંથી સરકી ગઈ એમ ઉપર જે લોકોને ટાંક્યા છે એ દરેકે કહ્યું છે. ત્રણ. જશવંત સિંહે એક જ વિમાનમાં ત્રાસવાદીઓને લઈને તેમને વળાવવા કંદહાર નહોતું જવું જોઈતું એમ પણ દરેક કહે છે. ચાર. ભોલા, શંકર વગેરે હિંદુ નામ ત્રાસવાદીઓએ પોતે પોતાને આપેલાં નામ હતાં. તેઓ એકબીજાને એ નામે સંબોધતા હતા. ગૃહ પ્રધાન આડવાણીએ સંસદમાં કરેલાં નિવેદનમાં પણ આ નામ આપવામાં આવ્યાં છે. અને પાંચ. વિમાનની અંદર ત્રાસવાદીઓ અને ઉતારુઓ વચ્ચે હસીમજાક બતાવવામાં આવી છે એ કાલ્પનિક નથી. આવું કરવું જરૂરી છે અને કોઈ પણ સમજદાર કેપ્ટન અને રીઢા ત્રાસવાદી આવો પ્રયાસ કરે. કલાકોના કલાકો સુધી અને કેટલીક વાર તો દિવસો સુધી સતત તાણભર્યા વાતાવરણમાં કંટાળીને એક સમયે ઉતારુ સંયમ ગુમાવી દે અને ત્રાસવાદી પર હુમલો કરી બેસે તો મામલો વણસી જાય. ત્રાસવાદીઓના હાથમાં કશું ન આવે અને અપહ્રત કારણ વિના જાન ગુમાવે. તેજસ્વી સર્જક એ બધું જ બતાવે જે થતું હોય છે. અનુભવ સિંહાએ ત્રાસવાદીઓની માણસાઈનો મહિમા નથી કર્યો. તેમની જગ્યાએ જો કોઈ કઢીચટ્ટો દિગ્દર્શક હોત તો ત્રાસવાદીઓને ટૂંકો લેંઘો અને લાંબી દાઢીવાળો, ક્રૂર, બાળકોના હાથમાંથી દૂધનો વાટકો છીનવી લેનારો, સ્ત્રીઓ સાથે બદતમીજી કરનારો, વિમાનમાં નમાજ પઢનારો બતાવ્યો હોત. જાડી કૃતિમાં બધું જાડું હોય અને તેનો પ્રેક્ષક પણ જાડી બુદ્ધિનો હોય.
ટૂંકમાં એ પચીસ વરસ જૂની ઘટનાને જે લોકોએ હાથ ધરી હતી એ લોકો વેબ સિરીઝમાં બે ખામી બતાવે છે. એક તો ગુપ્તચરોને મળેલી પૂર્વસૂચના. આવી કોઈ સૂચના મળી નહોતી એમ એ લોકો કહે છે. અને બીજી ખામી એ કે આમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈ.એસ.આઈ.નો હાથ હતો એ વાત સ્પષ્ટ રીતે બતાવવામાં આવી નથી.
આખા મામલામાં અમૃતસર મુખ્ય છે. શા માટે મળેલી તક ભારતે ગુમાવી દીધી? એક ખુલાસો એવો આપવામાં આવે છે કે પંજાબની પોલીસ ઓપરેશન કરી શકશે કે કેમ એ વિષે શંકા હતી. તેની જગ્યાએ દિલ્હીથી કમાંડોઝને મોકલવાનું વિચારવામાં આવ્યું હતું, પરંતુ ત્રાસવાદીઓએ એટલો સમય આપ્યો નહોતો. કમાન્ડોઝ અમૃતસર પહોંચે એમાં ઓછામાં ઓછા બે કલાક લાગે અને ત્રાસવાદીઓ ત્યાં સુધી વિમાનને અમૃતસરમાં ઊભુ રહેવા દેશે એ ગણતરી જ ખોટી હતી. તેમણે ઇંધણ ભરાવ્યા વિના વિમાનને ઉડાડવા પાઈલટને ફરજ પાડી હતી અને લાહોરમાં ફોર્સ લેન્ડીંગ કરાવ્યું હતું. બીજો ખુલાસો એવો આપવામાં આવે છે કે ત્રાસવાદીઓ પાસે શસ્ત્રો શું હતાં અને કેટલાં હતાં તેની જાણકારી નહોતી અને જાણકારીનાં અભાવમાં ઓપરેશન કરવામાં જોખમ હતું. બીજો ખુલાસો ગળે ઉતરે એવો છે, પહેલો હરગીજ નહીં.
ખેર, આખી વાતનું સમાપન કરીએ. શાસકો કોઈ ભગવાન નથી કે ભૂલ ન જ કરે. ઉપલબ્ધ પરિસ્થિતિ અને જાણકારીના આધારે તેમને નિર્ણય લેવાનો હોય છે અને ઉતાવળે નિર્ણય લેવાનો હોય છે. ઉતારુઓના જાનનું જોખમ પણ ધ્યાનમાં લેવું પડે. મોટા પ્રમાણમાં જાનહાનિ થાય તો? ઉતારુઓને છોડાવવા માટે તેમનાં સગાઓએ એટલી રોકકળ કરી હતી અને મીડિયામાં તે દેખાડવામાં આવતી હતી કે શરણે થઈ જાવ પણ જાન બચાવો એવું વાતાવરણ પેદા થયું હતું. દેશપ્રેમના દેકારા સંકટ બીજાનાં ઘરે હોય ત્યારે દેવા માટેના હોય છે. અને આ બધા સંજોગોમાં જે થયું તે થયું.
ધ્યાન રાખવાનું એટલું જ છે કે આગલા ગૈર-બી.જે.પી. શાસકોએ પણ પ્રાપ્ત પરિસ્થિતિમાં નિર્ણયો લીધા હતા અને ભૂલો પણ કરી હતી. જેમ તમે ભગવાન નહોતા એમ એ લોકો પણ ભગવાન નહોતા. માટે ઇતિહાસનો ઉકરડો ફેંદવા ભૂંડણાંઓને છૂટા મુકવામાં આવ્યા છે તેને હવે વાડે પૂરવા જોઈએ.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 15 સપ્ટેમ્બર 2024