મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ઇશ્વરને વિશેનો ઝૂરાપો ઘણાંઓએ ગાયો છે, પણ તેમાં મને બે વિશિષ્ટ કવિજનો મીરાં અને દયારામ લાગ્યાં છે. બન્નેનું કવન પ્રેમલક્ષણાનું છે. છતાં બન્નેમાં પ્રભુવિરહદુ:ખનું ગાન છે એટલું પ્રભુમિલનસુખનું નથી.
મિલનસુખ જ્યારે પણ હોય છે ત્યારે કાં તો મનોવાંછનાની રીતે અથવા તો કલ્પનાની રીતે હોય છે. મીરાંનો સાર દર્દમાં આવે છે, દયારામનો સાર આરતમાં આવે છે. એનો અર્થ એ કે બન્નેમાં ભક્તિનું શુદ્ધ રૂપ ઊપસ્યું છે. શુદ્ધ એ અર્થમાં કે ભક્તિ તિતિક્ષાધર્મી છે, ને તેથી ભક્તે સદા ઝૂરતા રહીને ભક્તિને પુષ્ટ કરવાની હોય છે.
નિત્યના ઝૂરણ દરમ્યાન થતું પ્રભુનું જ્ઞાન જ કદાચ વધારે ખરું જ્ઞાન હોય છે. અને એ અવિરામ ઝૂરણથી સાંપડતા વૈરાગ્ય જેવો વૈરાગ્ય પણ એટલો જ શુદ્ધ કાં નથી હોતો?
આમ, પ્રભુપ્રાપ્તિના ત્રણેય માર્ગમાં ભક્તિમાર્ગની સધ્ધર શ્રેષ્ઠતા છે, કેમ કે આવાં ભક્તજનોની ભક્તિ, કહ્યું એમ, જ્ઞાન અને વૈરાગ્યથી લાગે મુક્ત, પણ હોય છે યુક્ત. કહો કે એઓમાં ત્રણેય માનસિકતાઓ સમરસ અને અભિન્ન હોય છે. છેવટે તો પ્રાપ્તવ્ય અને પ્રાપ્તિનો ભેદ પણ નથી રહેતો. અથવા ભેદ અને અભેદનું દ્વન્દ્વ જ નથી રહેતું.
મીરાં અને દયારામ બન્નેને જીવ-શિવના સમ્બન્ધની અસલિયતની જાણ – જ્ઞાન – જરૂર છે, પણ બન્નેને ભક્તિની આ અસલિયતની પણ એટલી જ જાણ છે, મારે કહેવું છે એમ કે, અનુભૂતિ છે. તેથી કરીને બન્નેમાં, અખા ભગતમાં છે તેવો તાતો જ્ઞાનમાર્ગીય અવાજ સંભવ્યો નથી.
‘રસિકવલ્લભ’ અને ‘ભક્તિપોષણ’-ના રચયિતા દયારામે એવાં સિદ્ધાન્ત અને શાસ્ત્ર જરૂર માણ્યાં-પ્રમાણ્યાં, પણ પ્રેમભક્તિના પુરુષાર્થને જ મહત્તા આપી. સામ્પ્રદાયિક આચારવિચારમાં શ્રદ્ધા જરૂર રાખી, પણ ભક્તિના આદર્શનો જ મહિમા કર્યો, બલકે એનું કાવ્યગાન સરજયું. જો ચૈતન્ય મહાપ્રભુ, નરસિંહ, મીરાં, સૂરદાસ કે તુલસીદાસ એમનાં કાવ્યગાનનાં વૈશિષ્ટ્યોને કારણે લોકહૃદયમાં અંકિત થયાં છે તો દયારામ પણ એમના આ સ્વરૂપના કાવ્યગાને કરીને અંકિત થયા છે.
એક ખાસ નોંધવા અને ઉમેરવા સરખી વિરલતા તો એ છે કે દયારામના પુષ્ટિમાર્ગીય વ્યક્તિત્વનો પૂરો નિખાર નીકળી આવ્યો છે, એમ એમના કવિ-વ્યક્તિત્વની કસોટી પણ થઇ છે. એમ વિચારતાં, રચાતી એમની છબિ અનોખી લાગે છે. પણ દયારામ બન્નેમાંથી પાર ઊતર્યા અને ભક્તિરસને કાવ્યરસનું રૂપ આપી શક્યા.
એ ભક્ત રહીને પણ કવિ થયા, કવિ રહીને પણ રસકવિ થયા, જો કે એ પછીયે ભક્ત રહ્યા. આવું બહુ ઓછી વાર બન્યું છે … બહુ ઓછી વાર બનતું હોય છે …
(સ્મપૂર્ણ)
(૩૦ માર્ચ ૨૦૧૨, પીઓરિયા, ઇલ્લીનોય, યુ.એસ.એ.)
(15 Sep 24:USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર