ત્રીજી વખત લોકસભાની ભા.જ.પ.ની સીટ અપેક્ષા કરતાં ઘટી ને વિપક્ષો થોડી વધારે સીટ સાથે પ્રકાશમાં આવ્યા, પણ એ પ્રકાશ બહુ પચ્યો હોય એવું લાગતું નથી, તે એટલે કે વિપક્ષો બેફામ બોલવા ને વર્તવા લાગ્યા છે. કાઁગ્રેસના અને સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકામાં ભારતના વડા પ્રધાન વિષે ‘મન કી બાત’ કરવામાં જરા ય સંકોચાયા નથી, તો અન્ય વિપક્ષી નેતાઓ પણ તક મળતાં વરસ્યા વગર ભાગ્યે જ રહે છે. વિપક્ષોએ એ ન ભૂલવું જોઈએ કે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે સૌથી વધુ સીટ તો ભા.જ.પ.ને જ મળી છે. એ જુદી વાત છે કે તેણે એન.ડી.એ.નો સાથ સરકાર બનાવવા લેવો પડ્યો છે, છતાં ત્રીજી વખત વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી જ સત્તારૂઢ થયા છે તે હકીકત છે.
12 સપ્ટેમ્બરે પ્રિન્ટ મીડિયામાં એક સમાચાર ફોટા સાથે પ્રગટ થયા, જેમાં વડા પ્રધાન મોદી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા – CJI – ધનંજય ચંદ્રચૂડને ઘરે ગણપતિની આરતી ઉતારતા દેખાય છે. એક તરફ CJI હાથ જોડીને ઊભા છે ને બીજી તરફ તેમના પત્ની કલ્પના દાસ છે. એમની વચ્ચે મરાઠી સફેદ ટોપીમાં વડા પ્રધાન મોદી આરતી ઉતારતા દેખાય છે. વાત આટલી જ હતી, પણ કાઁગ્રેસ, આર.જે.ડી. અને અન્ય વિપક્ષોએ વાતનું વતેસર કર્યું. ન્યાયતંત્રની અખંડિતતા, સ્વતંત્રતા અને નિષ્પક્ષતા પર પ્રશ્નો ઉઠાવાયા. વિપક્ષો તો વિપક્ષો, સુપ્રીમના વકીલોએ પણ પસ્તાળ પાડી. વડા પ્રધાન અને CJI અંગત રીતે મળી જ ન શકે એવી માનસિકતા વિપક્ષો ધરાવતા હોય તેમ શિવસેનાના ઉદ્ધવ જૂથના સાંસદ સંજય રાઉતે કહ્યું કે સંવિધાનના રક્ષક નેતાઓ મળે છે તો લોકોનાં મનમાં શંકા ઊઠે છે. રાઉતે તો ત્યાં સુધી કહ્યું કે CJI ચંદ્રચૂડે તો શિવસેના અને એન.સી.પી. સાથે સંકળાયેલ કેસમાંથી પોતાને અલગ કરી લેવા જોઈએ, કારણ CJIના ચુકાદાઓ વડા પ્રધાનની મુલાકાતથી પ્રભાવિત થઈ શકે એમ છે.
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ પણ સાફ શબ્દોમાં કહ્યું કે CJIનું આમંત્રણ આપવું અને પી.એમ.નું સ્વીકારવું બંને ખોટું છે. જો કે, અન્ય વકીલ પિંકી આનંદે એની તરફેણ કરી છે. સુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ભૂષણે તો વડા પ્રધાનને CJIએ પોતાને ત્યાં આવવાની મંજૂરી આપી એ બાબતે જ વાંધો પાડ્યો છે. આમ પણ વડા પ્રધાન પ્રશાંત ભૂષણની ગુડ બુકમાં નથી. હવે ચીફ જસ્ટિસે વડા પ્રધાનને આવકાર્યા એટલે એ પણ ભૂષણ માટે ‘આભૂષણ’ નહીં રહે એમ બને. વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહે પણ કહ્યું કે CJIની સ્વતંત્રતા પરથી પૂરો ભરોસો ઊઠી ગયો છે. આર.જે.ડી.ના નેતા મનોજ ઝાએ એમ કહીને ટીકા કરી કે કોઈ પણ સંસ્થાની સ્વતંત્રતા કેવળ સૈદ્ધાંતિક જ નથી હોતી, તે દેખાવી પણ જોઈએ. કાઁગ્રેસી નેતા કપિલ સિબ્બલે પણ કહ્યું કે સર્વોચ્ચ પદો પર બેઠેલા લોકોએ અંગત આયોજનનો પ્રચાર ન કરવો જોઈએ. કોઈએ પોતાને એવી સ્થિતિમાં ન મૂકવા જોઈએ કે લોકો સંસ્થા પર શંકા કરવા લાગે. એન.સી.પી.નાં નેતા અને લોકસભા સદસ્ય સુપ્રિયા સુલેને એ જાણીને ધક્કો લાગ્યો કે વડા પ્રધાન CJIને ત્યાં પહોંચ્યા ! પણ સુલેએ રાઉતની જેમ CJIનાં નિર્ણય પર શંકા ન કરતાં એટલું કહ્યું કે મને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે ને CJIએ સમજી-વિચારીને જ વડા પ્રધાનને નિમંત્રણ આપ્યું હશે.
CJIએ આમંત્રણ આપ્યું એવું મનાય છે, તો એવું પણ નોંધાયું છે કે વડા પ્રધાન એમ જ એમને ત્યાં જઈ ચડ્યા. આરતીના ફોટા CJIએ જાહેર કર્યા તો વડા પ્રધાને પણ ટ્વિટ કરીને જાહેર કર્યા એવું પણ છે. ટૂંકમાં, આ વાત અંગત ન રહે એવું બંને મહાનુભાવો ઇચ્છતા હતા. વડા પ્રધાનનો મરાઠી પોષાક CJI મરાઠી છે એટલે કર્યો કે મહારાષ્ટ્રની ચૂંટણી નજીક છે એટલે, એ અંગે પણ વિપક્ષોએ પોતાને અનુકૂળ અર્થો કાઢ્યા છે. વિપક્ષોને વાંધો એ મુદ્દે પણ છે કે કાર્યપાલિકા અને ન્યાયપાલિકાના વડાઓ અંગત રીતે એકબીજાને મળ્યા. વિશ્લેષકોનું માનવું છે કે બંધારણમાં ક્યાં ય એવું લખ્યું નથી કે કાર્યપાલિકા અને ન્યાયપાલિકાના વડા એકબીજાને મળી ન શકે. એ અપેક્ષિત છે કે સ્વસ્થ લોકશાહી માટે આ બંને સ્તંભ વચ્ચે અંતર રહે, પણ બંને વચ્ચે એકબીજાનાં મોઢાં જોવા જેવું જ ન રહે તો બંને પરસ્પર સંકળાયેલા છે, એવું કઈ રીતે બને?
આવું કૈં થાય તો ભા.જ.પ. બચાવમાં ન કૂદે તો જ આશ્ચર્ય ! ભા.જ.પી. નેતા શહજાદ પૂનાવાલાએ X પર 2009માં પૂર્વ પ્રધાન મંત્રીએ મનમોહનસિંહની ઇફ્તાર પાર્ટીમાં CJI કે.જી. બાલકૃષ્ણનનો ફોટો શેર કરતાં લખ્યું કે એ સેક્યુલર છે અને ન્યાયતંત્ર સુરક્ષિત છે, પણ પી.એમ. મોદી CJI ચંદ્રચૂડને નિવાસે ગણેશ પૂજા માટે જાય તો ન્યાયતંત્ર ભ્રષ્ટ થઈ જાય છે ! શિવસેનાના રાજ્યસભા સભ્ય મિલિન્દ દેવરાએ કહ્યું કે ચુકાદો વિપક્ષની તરફેણમાં આવે છે તો તે સુપ્રીમ કોર્ટની પ્રશંસા કરે છે ને વાત વિરુદ્ધ જાય છે તો વિપક્ષ દાવા કરે છે કે ન્યાયતંત્રથી સમજૂતી કરવામાં આવી છે. ભા.જ.પ.ના સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ રોકડું પરખાવ્યું કે સી.જે.આઈ.ને વડા પ્રધાન મળે તો વાંધો, પણ રાહુલ ગાંધી અમેરિકામાં ભારત વિરોધી ઇલ્હાન ઓમરને મળે તો તેનો વાંધો નથી.
વિપક્ષોની ટીકાઓ અને તેના ભા.જ.પી. નેતાઓ દ્વારા અપાતા જવાબો જોઈએ તો કોઈ એક જ સાચું છે એવું કહી શકાશે નહીં. આમ છતાં કેટલુંક તો કહેવાનું થાય જ છે, ભલે એ કોઇને ગમે કે ન ગમે. એક વાત સ્પષ્ટ છે કે વડા પ્રધાન અને CJI પૂરતા પરિપક્વ છે ને જે તે ક્ષેત્રના પૂરતા અનુભવી છે. એટલું છે કે દરેક વખતે CJIએ નરેન્દ્ર મોદીને આરતી માટે બોલાવ્યા નથી. બને કે નિવૃત્તિ પહેલાં CJIને માનવ સહજ ઈચ્છા વડા પ્રધાનને ગણેશ પૂજા નિમિત્તે ઘરે બોલાવવાની થઈ હોય તો એ એવું કૃત્ય નથી કે ન્યાયતંત્ર જોખમમાં આવી પડે. બીજું, કે CJIએ આપેલા ચુકાદાઓ પણ જોવા જોઈએ તો ખબર પડે કે તેઓ વડા પ્રધાનથી પ્રભાવિત છે કે કેમ?
CJI ચંદ્રચૂડે ઉચ્ચ ન્યાયતંત્રમાં નિમણૂકો માટે નામોને નકારી કાઢવાની સરકારની પ્રથાની ટીકા કરી હતી. તેમણે સુનિશ્ચિત કર્યું કે કોલેજિયમની ભલામણો સરકાર દ્વારા અનિશ્ચિત સમય માટે રોકી ન શકાય અને પસંદ કરાયેલા ન્યાયાધીશોનાં નામોને મંજૂરી મળે. ઇલેકટોરલ બોન્ડ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયથી મોદી સરકાર ખાસી વગોવાઈ હતી. એ કેસમાં CJI ચંદ્રચૂડની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશની બંધારણીય બેન્ચે સર્વસંમતિથી કહ્યું હતું કે કેન્દ્ર સરકારની 2018ની ચૂંટણી બોન્ડ યોજના ગેરબંધારણીય છે ને બંધારણની કલમ 19(1)(a) હેઠળ માહિતીના અધિકારનું ઉલ્લંઘન કરે છે. આ આખી યોજના કલમ 14 હેઠળ મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. CJI ચંદ્રચૂડની આગેવાની હેઠળની બેન્ચે અદાણી ગ્રૂપ પર હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ અંગે કેન્દ્ર સરકાર દ્વારા સીલ બંધ કવર હેઠળ આપવામાં આવેલાં સૂચનોને પણ ફગાવી દીધાં હતાં ને પરખાવ્યું હતું કે એમાં પારદર્શિતા નથી.
આ અને આવા ચુકાદાઓ પછી પણ CJI અને વડા પ્રધાન ગણેશ પૂજાને નિમિત્તે એકબીજાને પ્રભાવિત કરવા મળ્યા એમ માનવું યોગ્ય છે? એ અપેક્ષિત ખરું કે જે તે ક્ષેત્રના મહાનુભાવો એકબીજાના ક્ષેત્રને અભડાવે નહીં, પણ તેનો અર્થ એવો નથી કે વડા પ્રધાન અને CJIએ સ્પર્ધા કે શત્રુતા જ નભાવવી જોઈએ. વડા પ્રધાને પૂજાનું નિમંત્રણ નકારવું જોઈએ, એવું તો કેમ કહેવાય અને એવો અવિવેક વડા પ્રધાનને શોભે ખરો? કે વડા પ્રધાન આવે તો CJIએ બારણાં બંધ કરી દેવા જોઈએ એમ માનવું પણ બરાબર નથી. ઇફ્તાર પાર્ટીમાં જઈ શકાય ને ગણેશ પૂજામાં ન જવાય, એવો તો નિયમ નથી, તો વિપક્ષોને ખરેખર વાંધો શેનો છે તે સમજાતું નથી. વડા પ્રધાન CJIને કે તેમના ભાવિ ચુકાદાઓને પ્રભાવિત કરવા પધાર્યા હતા એવું અર્થઘટન કોઈ કરતું હોય તો એને CJIનો ભરોસો જ નથી એમ માનવાનું રહે. એ સાથે જ એ પણ સમજી લેવાનું રહે કે CJIની નિયુક્તિમાં સરકારનો કોઈ હાથ હોતો નથી, જે ભૂતકાળમાં હતો ને વડા પ્રધાન ઈચ્છે તેને CJI તરીકે નિયુક્ત કરી શકતા હતા. એટલે નિયુક્તિ બદલ આભારની લાગણી વ્યક્ત કરવા CJIએ વડા પ્રધાનને ગણેશ પૂજા કરવા નિમંત્ર્યા હોય એવી તો શક્યતા જ નથી. આટલી તકેદારી ઉપરાંત, બંનેએ પદની ગરિમા જાળવી હોય, પછી પણ એક જ દેશના સામાન્ય નાગરિક તરીકે મળવું હોય તો બહાર મળાય ને ઘરમાં ન મળાય, એ કેવું? દરેકને પોતાનું અંગત જીવન હોય તો CJI કે વડા પ્રધાન જ તેનાથી વંચિત રહે, એવું? CJIએ ધાર્યું હોત તો વડા પ્રધાનનો આરતી ઉતારતો ફોટો તેઓ અંગત રાખી શક્યા હોત કે વડા પ્રધાન પણ ટ્વિટ કરવાથી દૂર રહી શક્યા હોત, પણ તેવું ન કરતાં, બંનેએ ફોટા મીડિયા સુધી જવા દીધા, તે ન્યાયતંત્ર પર આરોપ આવે એટલે?
વડા પ્રધાનના CJIને ત્યાં આરતી ઉતારવાને મુદ્દે વિવાદ કરીને વિપક્ષોએ સંકુચિત મનોદશાનો જ પડઘો પાડ્યો છે. કોઈને પણ આટલા સાંકડા મનના હોવાનો અધિકાર ન હોવો જોઈએ …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 16 સપ્ટેમ્બર 2024