(‘આત્માનાં ખંડેર’ વિશે, અહીં પૂરું.)
હવે કાવ્યનાયક ભ્રાન્તિમુક્ત છે, સ્વ-સ્થ છે. હવે નથી ગાંધી કે નથી નિશીથ. કહે છે, ‘ન રાવ, ફરિયાદ ના, ફિકર ના, અજંપા ય ના’. એટલું જ નહીં, કોઈ ‘પ્રબલ સત્ત્વ’ પાસે ‘શક્તિની યાચના’ પણ નથી. એને આદર્શોની અસલિયત પણ પરખાઈ ગઈ છે; એટલે કહે છે, ‘ન ઘેલી લગનીય વા ગગનચુંબી આદર્શની’, કેમ કે, હવે એને સમજાયું છે કે એ તો ‘રમ્ય ભ્રાન્તિતણા’ ‘અસત્યચક્ર રચી’ ‘ભમાવતી’ હોય છે. વળી, હવે ‘દુરિતલોપ’-ની ‘વાંછના’ ય નથી રહી’; ‘સૃષ્ટિના સકલ તત્ત્વસંમર્શની’ ‘ધગશ’ પણ નથી રહી, અને, ‘ભરી યદિ અશાંતિ ચોગમ સમુલ્લસતી’, તો, શાન્તિ માટેનાં, એટલે કે ‘ચિત્તસૌખ્ય’ માટેનાં, ‘મંથન’ પણ હવે નથી ‘ડ્હૉળવાં’. હવે, ‘બસ સમજ્યે જવું છે’. અને તે કેવા પ્રકારે? કહે છે, ‘સમજવું રિબાઇય તે’.
યથાર્થને સમજવા નીકળેલાને રીબામણ ઓછી ન હોય. રીબાવું તે સમજનો જ એક ભાગ. સમજની જ છટા. સમજનું પરિણામ પણ. એવું સમજવું તે અખૂટ અવિરામ તિતિક્ષા, અને તે, કાવ્યનાયક યુવકને લગીર આધુનિક દર્શાવે છે.
જીવનના યથાર્થનો સ્વીકાર બરાબર, પણ જ્યાં લગી એ સ્વીકાર ‘હું’-ના અધ્યાત્મની આકરી કસોટીમાંથી પસાર નથી થતો, ત્યાંલગી એ સ્વીકાર શ્રદ્ધા-આશા અને ભાવનાઓના આદર્શોથી ઘુંટાયા કરે છે. કશી અન્તિમ આધ્યાત્મિકતા વિના, સમષ્ટિ કાજેનો સમર્પણભાવ, સંભવ છે કે કશી ઘેલછાની કોટિએ જ અટકી પડતો હોય.
આ સૉનેટમાળામાં, ચિન્તનની પરિભાષા પરમ્પરાગત છે, કાવ્યપ્રકાર કાવ્યમાધ્યમ કાવ્યબાની પણ પરમ્પરાદત્ત છે, તેમછતાં, કાવ્યનું વસ્તુ અને તેનું સત્ત્વ આધુનિક છે; તેની દાર્શનિક પીઠિકા વ્યક્તિવાદી છે, જેનું પ્રમાણ છે, કાવ્યનાયકના આત્માને વાચા આપતો ‘હું’; કહો કે, ‘પ્રથમ પુરુષ કથનકેન્દ્ર’-થી નિરૂપણ પામેલી પોતાને વિશેની અભિવ્યક્તિ.
સંસ્કૃતિદત્ત સત્ય અહીં વૈયક્તિક સત્ય બને છે. કાવ્યનો રચનાપટ સત્યના એ રૂપાન્તરની પ્રક્રિયા બને છે. કાવ્ય આપણને દર્શાવે છે કે મનુષ્ય-આકાંક્ષા અને આકાંક્ષાની અશક્યતાના ભાનને કારણે છેવટે તો માનવનિયતિનું જ્ઞાન પ્રગટે છે.
મને કાવ્યનાયક યુવક ડહાપણને વરેલો, સમજુ વરતાયો છે – પણ એટલે જ કદાચ ધીમે ધીમે તૂટતો, નિર્ભ્રાન્ત થતો, અને છેલ્લે પોતાના અધિકૃત – ઑથેન્ટિક – અસ્તિત્વની શોધમાં વ્યસ્ત જણાયો છે. એવું ભાસે છે કે એ આધુનિકતાશીલ પ્રૅડિકામૅન્ટમાંથી ગુજર્યો છે.
આવા વસ્તુને કે કવિની વૈયક્તિક વેદનશીલતાને એકમાત્ર ધૉરણ ગણી લઈએ, તો એમ કહેવાનો વારો આવે કે આધુનિક ગુજરાતી કવિતાનો ઉઘાડ નિરંજન ભગતના ‘પ્રવાલદ્વીપ’-થી નહીં, પણ ઉમાશંકર જોશીના ‘આત્માનાં ખંડેર’ -થી થયો હતો.
પ્રકૃતિ અને સંસ્કૃતિ વિશેનો ઉમાશંકરનો લગાવ, મને લાગે છે કે શરૂઆતનાં વર્ષોમાં દ્ન્દ્વાત્મક રહ્યો છે, પછી એમાં દ્વિધા સ્ફુરી છે, અને તે પછીનાં વર્ષોમાં, એમાં મનુષ્ય અને મનુષ્યકૃતિવિષયક એક-ચિત્ત ધ્યાન પ્રગટ્યું છે. તેમછતાં જણાશે કે ઝઘડો સદાનો રહ્યો છે. કવિ અને અદકા મનુષ્ય વચ્ચેના એ નિત્યના ઝઘડાનું બીજ આ સૉનેટમાળા છે. એમાં એ ઝઘડાનો અન્ત કે ઉકેલ એ છે, જેને યથાર્થમૂલ સમજ કહી શકાય, એવી સમજ કે જેમાંથી સમ્પ્રજ્ઞતાની સ્થિરદ્યુતિજ્યોત પ્રગટે, જે આધ્યાત્મિક સમર્પણનો અધિકૃત પાયો બની શકે.
મનુષ્યકલ્યાણને વિશેના પોતાના આવેશને કાવ્યનાયકે ખાળ્યો છે. સૃષ્ટિરચનામાં પોતાનો હસ્તક્ષેપ વિઘાતક પુરવાર ન થાય એ ચિન્તાથી એ સાવધ છે. ‘અકિંચન’-માં, એણે પોતાનું બધું ખોવાની તૈયારી બતાવી છે. હતું ‘અણબોટ ઉર’, પણ જગતથી ચંચુપ્રહારની એને ભીતિ છે. છતાં, આપણે જોઈ શકીએ છીએ કે પોતાના ખરા વિત્તનો પરચો તો એ આપે જ છે. એની પાસે અણબોટાયેલું ઉર છે તેમ ભાવનાનાં મોતીની લૂમ છે. પણ એને પોતાની મર્યાદાનો અને કદાચ લાચારીનો અહેસાસ છે, તેથી નમ્રતાથી કહે છે : ‘દેજો ક્ષમા, નવ ગૂંથી જ શક્યો હું માલા’. પોતે ભાવનાઓને સૂત્રબદ્ધ ન કરી શક્યો તેમાં પણ વિવેક અને નમ્રતાથી દોરવાયો છે :
‘શોચ્યું -થશે ટપકતાં મુજ અંગુલિથી
એ પુષ્પ સુરભિહીણ વિવર્ણ મ્લાન’. (૨૩૫).
ઇતિહાસમાં થઈ ગયેલા વિજેતાઓથી એ, આમ, જુદો દીસે છે. લાગશે કે આત્મસત્યને વિશેની એની એવી અહિંસક બુદ્ધિ એને ગાંધીયુગનું સન્તાન ઠેરવીને રહે છે. આ ભૂમિકાએ ગાંધી અને તે કોટિ સમેતના સૌ નાયકો સમષ્ટિ-પ્રતિબદ્ધ છતાં નિરામય સંવિત્તિનો પરચો આપે છે. એવા કોઈ સત્ત્વ વડે જ દ્વન્દ્વો અને દ્વિધાઓના જગતમાં સમતુલા પ્રગટી આવે. ઉમાશંકરની કવિતા જેને તાકે છે, તે છે, પ્રતિબદ્ધ છતાં નિરામય સંવિત્તિનો પ્રસાર.
સંવિત્તિનો લુપ્ત થઈ રહેલો ‘ફાઇબર’ કોઈપણ સમયના કોઈપણ કલાકારની પહેલી અને છેલ્લી ચિન્તા છે.
આઠમા, નવમા અને દસમા સૉનેટમાં જોઈ શકાય છે કે નાયકને પોતાના જીવનકાર્ય અંગે દૃષ્ટિ સાંપડી છે, એમાં એને છે કે પોતાની સીમિતતાનો ‘સંતોષ’ ઠર્યો છે :
‘દેશકાલ વિધિવક્રતા ભાંડવી
તજી, નજીક જે ખડું નીરખી એહ લેવું’. (૨૩૬).
‘અનંત ક્ષણ’-માં, એ સંતોષ વિસ્તર્યો છે. ‘સમયતૃષા’-માં, નાયક એ સમજ અને એ સંતોષનો હિસાબ આપે છે. એ એમ માનતો અને મનાવતો લાગે છે કે પોતાની કાર્યરીતિનું આત્મનીતિ સાથેનું સાતત્ય તૂટ્યું નથી, બલકે સમયમાં એનો શુદ્ધ પ્રસાર થઈ શક્યો છે :
‘ફરી ક્યહીંયથી ઊગી જોતો નવી કો ઉષા,
ફરી સમયની હૈયે જાગે અદમ્ય ચિરંતૃષા’. (૨૩૭).
તેમછતાં, ઊંડે ઊંડે વંચના અને આત્મવંચનાની ભાત બચી જ હોય છે. ‘આશાકણી’-માં, મનુષ્યના એ ‘બૅડ ફેઇથ’-નો દર્દસભર નિર્દેશ કરતાં કાવ્યનાયક યુવક કહે છે :
‘અશક્તિ આત્મહત્યાની એને આશા કહે જનો;
મૃત્યુથી ત્રાસતાં તો યે જિંદગી અર્ક મૃત્યુનો’. (૨૩૭).
“વિશ્વશાન્તિ”-કાળની ઉદ્ગીતિથી જુદી જ સાંકેતિકતામાં ઠરતી આ વાસ્તવદર્શી અભિવ્યક્તિ ઉમાશંકરના કાવ્યનાયકનો ચૈતસિક વિકાસ સૂચવે છે. એના મૃત્યુચિન્તન અને આત્મહત્યાચેષ્ટાની નિરૂપણા કરતી બારમી અને તેરમી રચનાઓ પૂર્વોક્ત પ્રક્રિયામાં સંભવેલી પરાકાષ્ઠારૂપ અવશ્યંભાવિ અને સમુચિત ઘટનાઓ છે. એ વિનાનો ચિન્તનવ્યાપાર અધૂરો ભાસત, નાયક કહે છે તેવા અસત્ આનન્દની મદિરા બની રહેત.
જે પ્રકૃતિમૈયાને હક્કપૂર્વક પયઘૂંટ માટે પ્રાર્થી હતી તે કેવી ક્રૂર કે તટસ્થ છે તેની પ્રતીતિ કાવ્યનાયક યુવકને ત્યારે થઈ જ્યારે એને ફગાવી દેવાયો, હડસેલી દેવાયો – એવું કહીને કે
‘જા રે તારે જગ, ઉભયથી કૈં ન સંબંધ મારે’. (૨૩૮).
મનુષ્યને વિશેનું કુદરતનું એ ‘ઇન્ડિફરન્સ’ તીવ્રતાથી અનુભવતો એ હવે નિર્ભ્રાન્ત છે. મનુજ એને ‘બિચારો’ લાગે છે; કહે છે, એ ‘વિધિની રેત’ અમથો નિચોવે છે, ‘મૃગજળની રમ્ય ભ્રમણા’ ખુવે છે. આત્માનુભૂતિનું બળ પ્રસરતાં, એની સંવિત્તિ એને મનુષ્યની અકાટ્ય સ્થિતિનું દર્શન કરાવે છે.
એ દર્શન આહાર્ય, પૂર્વદૃષ્ટ કે પૂર્વશ્રુત નથી, વિભૂતિમત્ કે ઊર્જિતને વિશેના ઉદ્રેકનું પરિણામ પણ નથી, એ અદૃષ્ટપૂર્વ અશ્રુતપૂર્વ છે, કેમ કે એ નિતાન્તપણે વૈયક્તિક છે. એવી વૈયક્તિક દર્શનાના દૃષ્ટાઓ રૂપે બુદ્ધ, ઇસુ કે ગાંધીનો હવાલો ભલે આપી શકાય, પણ આ તો એક અદનો આદમી છે જેને સામ્પ્રત સમયોની ભીંસ વચ્ચે પોતાની સંવિત્તિના પ્રતાપે આ દર્શન લાધ્યું છે. એ આપણા જમાનાનો અ બ ક સ્વરૂપ વેદનશીલ મનુષ્ય છે; વિજય નહીં પણ લાક્ષણિક પરાજય એની નિયતિ છે; એટલે તો એને ‘દૃગજલ’ ‘ભલાં’ દીસે છે.
‘ભલે શોકપ્રેર્યાં દૃગજલ યથાર્થે વિહરતાં’ – એવો ઉપસંહાર ઉચ્ચારતા કાવ્યનાયકે અહમ્-ના નિર્લોપનની ‘ના’ પાડીને, મને લાગે છે કે એણે પોતાના અધિકૃત અસ્તિત્વનું મમત્વ પ્રગટાવ્યું છે. એને કારણે, ખણ્ડેર અને એવા અનેકશ: યથાર્થ સંદર્ભોની લબ્ધિને વિશે એ પાત્ર ઠર્યો છે. હવે એનામાં સ્વીકાર, સમજ અને સમતાને પામવાની સજ્જતા આવી ગઈ છે. એ તટસ્થ છે; છતાં એનું તાટસ્થ્ય જડતા નથી, સમજનિહિત સમ્પ્રજ્ઞ એવી સ્વીકૃતિ છે; એ સ્વીકૃતિ પાસે પૂર્ણવિરામ નથી, નવપ્રસ્થાનની તૈયારી છે.
(ક્રમશ:)
(15 Sep 24:USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર