ઘરકામ કરનારી કોંડાબાઈની નજરે મરાઠી લેખકો
વિંદા કરંદીકર, ગંગાધર ગાડગીળ, વ.પુ. કાળે, અનંત કાણેકર, નિર્મળા દેશપાંડે, વા.લ. કુલકર્ણી, કે.જ. પુરોહિત, મે.પુ. રેગે, અરવિંદ ગોખલે, મધુસૂદન કાલેલકર, સુભાષ ભેંડે, મધુકર તોરડમલ, શાંતા શેળકે, ચંદ્રકાંત બાંદીવડેકર – આ બધાં વચ્ચે સમાનતા કેટલી? એક : આ બધાં જ મરાઠી ભાષા-સાહિત્યનાં અત્યંત પ્રતિષ્ઠિત નામ. બે : એક યા બીજે વખતે આ બધાં વાંદરા પૂર્વમાં આવેલ સાહિત્ય સહવાસમાં રહેતાં હતાં. ત્રણ : આમાંનાં ઘણાંખરાંને ત્યાં ઘરકામ કરવા એક જ બાઈ આવતી. એનું નામ કોંડાબાઈ લક્ષ્મણ પારઘે. તદ્દન અભણ, નિરક્ષર. તમારા મનમાં સવાલ થશે : ‘હા, પણ તેથી શું?’ ખાસ વાત એ છે કે આ કોંડાબાઈનું પુસ્તક ‘મુ. પો. ૧૦, ફુલરાણી’ તાજેતરમાં જ પ્રગટ થયું છે. (મુ. પો. = મુકામ પોસ્ટ) હવે તમે પૂછશો : ‘આવી અભણ બાઈ તે વળી ચોપડી કઈ રીતે લખે?’ તો જવાબ છે : લખે નહિ, તો લખાવી તો શકે ને? વરસો સુધી આ અને બીજા લેખકોને ત્યાં ઘરકામ કરતાં જે જાતભાતના અનુભવો થયેલા તે જીવનનાં છેલ્લાં વરસોમાં કોંડાબાઈએ દીકરા સિદ્ધાર્થને કહી સંભળાવ્યા. એ જ વખતે સિદ્ધાર્થ એ બધું લખી લે. પછી થોડું સુધારે-મઠારે. માને વાંચી સંભળાવે. મા હોકારો દે પછી ફાઈનલ લખાણ તૈયાર થાય.
સ્ત્રીઓના આત્મકથનની મરાઠીમાં ઠીક ઠીક લાંબી અને સમૃદ્ધ પરંપરા છે. ૧૯૧૦માં પંડિતા રમાબાઈનું આત્મવૃત્તાંત પ્રગટ થયું તે મરાઠીનું પહેલું સ્ત્રી-આત્મકથન. તેને એક સો વરસ પૂરાં થયાં ત્યારે ૨૦૧૦ સુધીમાં પ્રગટ થયેલાં આત્મવૃત્તાંતમાંથી પસંદ કરેલા અંશોના સંપાદનનું પુસ્તક ‘સ્ત્રી આત્મકથન’ ૨૦૧૩માં પ્રગટ થયું હતું. પણ બીજાં બધાં આત્મકથન કરતાં કોંડાબાઈનું આ પુસ્તક જૂદું પડે છે તે બે-ત્રણ કારણે. પહેલું, આ સાવ અભણ સ્ત્રીએ, ઘરકામની મજૂરી કરતી સ્ત્રીએ લખેલું છે. બીજું, તેમાં પોતાની આપવીતી તો છે જ, પણ પુસ્તકનું ફોકસ છે સાહિત્ય સહવાસમાં રહેતા સાહિત્યકારોના અને તેમનાં કુટુંબીજનોના સ્વભાવ અને વ્યવહારના ચિત્રણ પર. અને એ ચિત્રણ તેમને રજૂ કરે છે મોટા ગજાના લેખક-લેખિકાને સાવ અદકા, સામાન્ય ગૃહસ્થ તરીકે. તેમના રોજિંદા જીવનનાં રહેણીકરણી, વ્યવહાર, બોલચાલ, આગ્રહો, વગેરે અહીં કશા રંગરોગાન વગર આપણને જોવા મળે છે : જાણે રંગ કર્યા વગરની ઈંટ-ચૂનાની ખરબચડી દીવાલો આપણે જોતા ન હોઈએ, બલકે એ દીવાલો પર હાથ ન ફેરવતા હોઈએ!
વિંદા કરંદીકર, દેશના સર્વોચ્ચ જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત. પણ નાનું-મોટું કોઈ કામ કરવામાં નાનમ નહિ, બલકે ઘરમાં સતત સમારકામ કે નાનામોટા ફેરફાર જાતે જ કર્યા કરે. રોજ સવારે બાલ્કનીમાં જે ખુરસી પર બેસતા તે લાકડાની ખુરસી તેમણે જાતે બનાવેલી. અને અવ્વલ નંબરના ધૂની. આપણે ત્યાં ગુજરાતી સાહિત્ય પરિષદની શાખ છે તેના કરતાં ઘણી વધારે શાખ મરાઠી સાહિત્ય સંમેલનની. દર વરસે ભરાતા સંમેલનમાં હજારોની હાજરી, કરોડો રૂપિયાનાં પુસ્તક વેચાય. તેના અધ્યક્ષને સરઘસ આકારે તુતારી, ઢોલ-ત્રાંસા, લેઝીમ વગેરે સાથે સંમેલનના મંડપ સુધી લઈ જવાય. જાણે વરઘોડો જ જોઈ લો. વિંદા અધ્યક્ષ બન્યા ત્યારે એ રીતે સંમેલનના સ્થળે જતા હતા. પણ સરઘસને ચાતરીને એકાએક પહોંચ્યા રસ્તાની ફૂટપાથ પાસે. ત્યાં બેઠેલો એક ફેરિયો લાલ, રસ ઝરતાં તરબૂચ વેચતો હતો તેની પાસે જઈ ભાવ કરાવવા લાગ્યા અને તરબૂચ ખરીદી, માથે મૂકી, પાછા સરઘસમાં જોડાઈ ગયા. પછીથી કોઈએ પૂછ્યું તો કહે કે તરબૂચની વાસ મને એટલી તો આકર્ષક લાગી કે હું એ ખરીદ્યા વગર રહી જ ન શક્યો! માથે તરબૂચ મૂકીને મરાઠી સાહિત્ય સંમેલનના અધ્યક્ષ બનનાર વિંદા હતા પહેલા અને છેલ્લા! અરે! કદાચ બીજી કોઈ ભાષાને પણ આવો અધ્યક્ષ મળ્યો નહિ હોય.
મરાઠીમાં કથા-કથનનો પ્રકાર અસાધારણ લોકપ્રિય. વ.પુ. કાળે એટલે કથા-કથન, અને કથા-કથન એટલે વ.પુ. એવી ત્યારે માન્યતા. કોંડાબાઈ તેમને ઘરે કામ કરે. વ.પુ. રોજ તેમની સાથે વાતો કરે, તેમના જીવનની નાની-મોટી વાતો જાણે. એક દિવસ કોંડાબાઈને કહે કે આવતી કાલે બપોરે તારે અમારી સાથે માહિમ આવવાનું છે. બાઈને થયું કે સાહેબ નવી નોકરી માટે લઈ જતા હશે. પણ તે તો સાહિત્ય સહવાસ સિવાય બીજે ક્યાં ય કામ કરવા તૈયાર જ નહોતાં. છતાં કાળેસાહેબનું માન રાખવા જવું તો પડે જ. કાળે અને તેમનાં પત્ની સાથે કોંડાબાઈ ગયાં. માહિમમાં આલીશાન બંગલો. તેમાં મોટો હોલ. ધીમે ધીમે માણસો આવવા લાગ્યા. દોઢ સો બસો ભેગા થયા. વ.પુ.એ ઊભા થઈ બોલવાનું શરૂ કર્યું. બધા શ્રોતા મંત્રમુગ્ધ. કોંડાબાઈ પણ એકચિત્તે સાંભળે. થોડી વાર પછી તેમને ખ્યાલ આવ્યો કે અરે! આ વ.પુ. સાહેબ તો મારી જ બધી વાતો કરે છે. મારી પાસેથી સાંભળેલી મારી અને બીજાની વાતો!
થોડા વખત પછી એવું બન્યું કે રોજ બપોરે એક સ્ત્રી વ.પુ.ના ઘરે આવે. બંને બારણું બંધ કરી વ.પુ.ના રૂમમાં બેસે. મોટે મોટેથી વાતો કરે. તેમાં પ્રેમની વાતો ય આવે. બે-પાંચ દિવસ પછી કોંડાબાઈથી આ ન સહેવાયું. વ.પુ.નાં પત્નીને કહે કે તમે આ બધું કેમ ચલાવી લો છો? પેલી બાઈને ઘરમાંથી તગેડી કેમ નથી મૂકતા? વ.પુ.નાં પત્નીએ બારણું ઠોક્યું. વ.પુ.એ ખોલ્યું. કોંડાબાઈએ જોયું તો બંને હાથમાંના કાગળોમાંથી સંવાદો વાંચી રહ્યાં હતાં. કોંડાબાઈની શંકાનું સમાધાન કરતાં વ.પુ.એ કહ્યું: ‘અમે બંને સાથે મળીને એક નવા કથા-કથનના શોની તૈયારી કરીએ છીએ. તું માને છે એવું કશું જ અમારી વચ્ચે રંધાતું નથી.’ છેવટે કોંડાબાઈ કહે છે : ‘આ સાંભળ્યા પછી કાળેસાહેબ અને પેલી સ્ત્રી માટેનું મારું માન વધી ગયું.
ય.દિ. ફડકે એટલે વિદગ્ધ વિવેચક અને પ્રકાંડ પંડિત. ભારે સામાજિક પ્રતિબદ્ધતા. કોંડાબાઈ જ્યારે જુએ ત્યારે લાકડાના મામૂલી ટેબલ-ખુરસી પર બેસી સતત લખ્યા કરતા હોય. સાથોસાથ ટેબલ પર મૂકેલો રેડિયો સતત વાગતો રહે, અને ફડકે સાહેબ એ સાંભળતા જાય અને લખતા જાય. થોડો વખત તો બાઈએ માન્યું કે રેડિયોમાં જે બોલાય તે લખી લેતા હશે સાહેબ. પણ પછી ઘરમાં ટી.વી. આવ્યું. રેડિયોનું સ્થાન ટી.વી.એ લીધું. ટી.વી. સતત ચાલુ રહે અને ફડકે સાહેબ લખતા જાય. છેવટે એક દિવસ કોંડાબાઈએ હિંમત કરી પૂછી જ નાખ્યું : સાહેબ! તમે આ રેડિયો કે ટી.વી.માં જે બોલાય તે રોજેરોજ લખી કેમ લો છો? પહેલાં તો સાહેબ ખડખડાટ હસ્યા. પછી કહે હું જે બોલાય તે સાંભળીને લખી લેતો નથી. મારું લખવાનું ચાલુ હોય ત્યારે રેડિયો કે ટી.વી. મારે માટે ‘વિરંગુળા’ (મનબહેલાવ)નું કામ કરે છે. અને હા, કોંડાબાઈ બધું ઘરકામ કરે. પણ ફડકે સાહેબ પોતાનાં બહાર પહેરવાનાં કપડાં ધોવા માટે ક્યારે ય તેમને ન આપે, જાતે જ ધુએ!
સાહિત્ય સહવાસના લેખકોની આવી બીજી અવનવી વાતો હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 14 સપ્ટેમ્બર 2024