તા. ૩-૧-૪૭, શુક્રવાર, ચંડીપુર.
આજે રાતે બાપુજી બહુ વહેલા ઊઠ્યા હતા. સવાત્રણ વાગે ઊઠ્યા. દાતણ કરતાં કરતાં અમુક પ્રસંગને આધારે મને કહે :
“મારું માનસશાસ્ત્ર વિજ્ઞાન એ છે કે, કંઈ પણ કામ આપણે કરીએ અને તેનું પરિણામ આપણે ધારીએ એવું ન આવે એટલે સમજવું કે એ દોષ આપણો છે. એનો આપણે સૂક્ષ્મતાથી વિચાર કરવો કે આમ કેમ ન થયું ? એનો જવાબ તારા મન પાસે શાંત ચિત્તે માગ. તને જવાબ મળ્યા વગર નહીં રહે. જો આટલી વિચારક તું થઈ શકે તો મારું કામ કેટલું દીપે ? તારે માટે આ બધું કપરું કામ છે, પણ પ્રયત્ન કરીશ તો બહુ સહેલું છે.
બાપુ નોઆખાલીમાં
આપણે સહુ આપણા દોષ જોતાં જે દિવસથી થઈ જઈશું તે દિવસે આપણને આમ લડાઈઝગડામાં – ખૂનામરકીમાં પડવાનું નહિ સૂઝે; કેવળ દુનિયાનું ભલું શામાં છે એ જ સૂઝશે. આજે આપણાં મગજ નવરાં પડયાં છે. એકબીજાનો વાંક એકબીજા પર ઢોળીએ છીએ, એમ કહેવાનો મારો આશય નથી; પણ એ સ્વાભાવિકતાથી થઈ જાય છે. જેમ અગ્નિને અજાણ્યે હાથ અડશે તો ફટ લઈ લેશું; એમાં વિચાર કરવાની જરૂર નથી પડતી કે લઉં કે નહિ. તેમ અત્યારે જે અમાનુષી કામ ચાલી રહ્યું છે તે તો હવે જાણે કે સ્વાભાવિક થઈ ગયું ન હોય, એવું બની ગયું છે. પણ આની પાછળ એ વિચારવું જોઇએ કે શા માટે એક પણ હિંદુ એક પણ મુસલમાનને મારે કે એક પણ મુસલમાન એક પણ હિંદુને મારે ?
આ તોફાનની જવાબદારી મારી દૃષ્ટિએ આખા હિન્દુસ્તાનની છે. દરેક હિંદી વિચારતો થઈ જાય કે મારું હૃદય કઈ તરફ છે ? શુદ્ધ છે કે અશુદ્ધ? પ્રત્યેક હિંદીને મારો ભાઈ માનું છું કે નહિ? જો એક પણ હિંદુ એમ ઈચ્છે કે મુસલમાન મરે તો સારું ખરું, અથવા એક પણ મુસલમાન એમ ઇચ્છે કે હિંદુ મરે તો સારું ખરું – પછી ભલે પોતે પ્રત્યક્ષ છરીઓ ન ભોંકતો હોય ! – પણ મનમાં એકબીજા એકબીજાનું બૂરું ઈચ્છે, તો હું કહું છું કે છૂરા ભોંકીને જે મારનાર છે તેના કરતાં આવા હલકા વિચારના જે છે તે વધુ ક્રૂર અને ઘાતકી છે, કેમ કે તેનું મન ગંદું બને છે. અને એ ગંદકીના વાતાવરણમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે રજકણો હોય છે તેને ફેલાવે છે. જેમ એક ઘરમાં કોઈક જાતની ગંદકી હોય –
એક ટી.બી. થયેલ માણસ હોય, કોઈ જાણતું ન હોય કે આ માણસને ખરેખર ટી.બી. થયો છે, અને કદાચ શરૂઆતમાં એ માણસેય ન જાણતો હોય કે મને ક્ષય જેવો રોગ છે. એ ગમે ત્યાં થૂંકે અને ગંદકી કરે. ધીમે ધીમે એની ઉપર માખી બેસે અને બીજે જંતુઓ ફેલાય. તારા શરીરમાં રોગની સામે લડનારાં જે જંતુઓ છે તે ઓછાં હોય છતાં ય તું સાજીસારી હો, પણ તારા ભાણા પર આ માખીઓ ક્યારે આવીને બેસી ગઈ હોય અને આ ઝેરી જંતુઓ ફેલાઈ ગયાં હોય તે તું પણ ન જાણતી હોય. પરંતુ તારા નબળા શરીરમાં આ ઝેરી ખોરાક જાય એટલે ક્ષયની ભોગી તું બનવાની જ.
જેવું આ સૂક્ષ્મ વિજ્ઞાન છે તેવું જ મનનું વિજ્ઞાન મારી દૃષ્ટિએ છે. આપણમાં કહેવત છે કે ‘મન ચંગા તો ઘેર ગંગા.’ આ મનને, વિચારોને, તું બારીકાઈથી તપાસજે. આ હું ઠપકારૂપે નથી કહેતો, પણ આપણા વિચારો શું રૂપ લે છે તે બતાવવાનો મારો પ્રયત્ન છે.”
દાતણ કરતાં કરતાં બાપુજીએ એક નાનકડી વાત પરથી આખા દેશના વાતાવરણમાં પણ આપણું મન, ઈચ્છા, કેટલો ભાગ ભજવે છે અથવા પ્રત્યેક માણસની જેવી ઇચ્છા, તેવું તેનું કાર્ય બને છે, તે વિષેની પોતાની વિચારમાળા મને કહી. અત્યારે હિંદુ-મુસ્લિમ વૈમનસ્ય આવી ગયું છે, તેમાં બાપુજી દેશના પ્રત્યેક માણસના મનને વધુ જવાબદાર ગણે છે, તે સહેલાઈથી સાવ ગળે ઊતરે તેવી વાતો દાખલા સહિત કહી.
બાપુજી તો આવી નાનકડી ગણાતી ભૂલો-કદાચ સામાન્યતઃ એને ભૂલો પણ ન કહી શકીએ તેવા પ્રસંગને પહાડ જેવી બનાવે છે. બાપુજી હંમેશાં કહે છે કે માણસે આગળ વધવું હોય તો પોતાની નાનકડી સરખી ભૂલને પણ પહાડ જેવડી બનાવી તેને સુધારી લેવી, જેથી ફરી કદી ય એવી ભૂલો ન જ થાય, આ વાત સાવ સાચી છે.
એ જ રીતે હિંદુસ્તાન અત્યારે નબળું છે. તેમાં રોગોની સામે લડનારાં જંતુ – વિચારક, નિ:સ્વાર્થી, સેવાભાવી, કુસંપ ન થાય તેવું ઈચ્છનારા બહુ ઓછા થઈ ગયા છે. અને મનસા, વાચા, કર્મણા જેવું ઇચ્છીએ કે કરીએ તેવું થાય છે.
‘બાપુનાં સંભારણાં’
સૌજન્ય નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર