
રમેશ ઓઝા
ભારતીય સંસદીય રાજકારણના ઇતિહાસમાં પહેલીવાર પ્રજાકીય છેતરપિંડીનો વિરાટ ખેલ રચાયો હતો. ઝીણામાં ઝીણી વિગતો સાથે આયોજન કરવામાં આવ્યું હતું. અરવિંદ કેજરીવાલનો સ્વચ્છ જાહેરજીવનનો ખેલ નિષ્ફળ જાય તો પાછળ બાબા રામદેવને કાળું નાણું નષ્ટ કરવા માટે ઊભા રાખવામાં આવ્યા હતા. મીડિયા, સી.એ.જી., જજો વગેરેને રોલ ફાળવી દેવામાં આવ્યા હતા અને તેઓ તેમની ભૂમિકા ભજવતા હતા. કાઁગ્રેસને કાયમ માટે નેસ્તનાબૂદ કરવાનો ખેલ હતો કે જેથી દેશમાં દાયકાઓ સુધી એકપક્ષીય રાજ સ્થાપી શકાય અને ભારતને હિંદુરાષ્ટ્ર બનાવી શકાય.
પણ લોકઆંદોલનની એક સમસ્યા છે. લોકઆંદોલનમાં ચારેબાજુથી લોકો જોડાતા હોય છે અને તેમાં ફિલ્ટર રાખી શકાતાં નથી. બન્યું એવું કે ભ્રષ્ટાચારવિરોધી આંદોલનમાં એવા લોકો જોડાયા જે હિન્દુત્વવાદી નહોતા. મોટી સંખ્યામાં યુવાનો હતા, વિચારકો હતા, જે તે ક્ષેત્રના પ્રતિષ્ઠિત લોકો હતા, નિર્ભયતાપૂર્વક અસંમતીનો અવાજ ઉઠાવનારા હતા, મેધા પાટકર જેવા કર્મશીલો હતાં, કેટલાક પ્રમાણિક પત્રકારો હતા, સાહિત્યકારો અને કલાકારો હતા. તેમને એમ લાગ્યું કે આ ખરેખર સ્વચ્છ જાહેરજીવન માટેનું ઉસ્ફૂર્ત પ્રજાકીય આંદોલન છે અને વ્યવસ્થાપરિવર્તનનો શુભ અવસર છે. આપણે દાયકાઓથી જે મનોરથ સેવતા આવ્યા છીએ એ અહીં ચરિતાર્થ થાય એવી સંભાવના નજરે પડી રહી છે. આ લોકોને આવતા રોકી શકાય એમ નહોતા અને જો આવે તો પટકથા ઊંધી દિશામાં ખેલને લઈ જાય.

અરવિંદ કેજરીવાલ
બન્યું એવું કે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભા.જ.પ.નો ભવ્ય વિજય થયો. એવડો મોટો વિજય કે જેની કલ્પના નહોતી કરી. બીજી બાજુ એવું પણ બન્યું કે લોકસભાની ચૂંટણી પછી યોજાયેલી દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને એવો મોટો વિજય મળ્યો કે તેની સામે ભા.જ.પ.નો વિજય કોઈ ગણનામાં ન આવે. વિધાનસભાની ફુલ ૭૦ બેઠકોમાંથી ૬૭ બેઠકો મળી અને અભૂતપૂર્વ કહી શકાય એટલા ૫૪.૩ ટકા મત મળ્યા. જો કે દિલ્હી એક શહેર માત્ર છે અને દેશ વિરાટ કદ ધરાવે છે એટલે અરવિંદ કેજરીવાલના વિજયને રાષ્ટ્રીય સ્વીકાર તરીકે ન જોઈ શકાય. પણ રાજકારણમાં કશું જ અશક્ય નથી. દાયકા પહેલાં કોણે કલ્પના કરી હતી કે નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન બનશે અને તેના દાયકા પહેલા ગુજરાતની બહાર લોકોએ નરેન્દ્ર મોદીનું નામ પણ સાંભળ્યું નહોતું. ચમત્કાર અરવિંદ કેજરીવાલ સાથે પણ બની શકે અને કોને ખબર નરેન્દ્ર મોદીનો સૂર્ય ઉગ્યો ન ઉગ્યો અને અસ્ત પણ પામી શકે! આ બાજુ લોકઆંદોલનમાં જોડાયેલા સેક્યુલર લોકો આમ આદમી પાર્ટીમાં સક્રિય હતા અને તેઓ આમ આદમી પાર્ટીને ભા.જ.પ. અને તેના હિન્દુત્વના વારણ તરીકે જોતા હતા.
પરસ્પર ભય અને આશંકા બન્ને પક્ષે હતી. આમ આદમી પાર્ટીનું રાજકારણ પટકથાની બહાર જવા લાગ્યું હતું અને તેનું કારણ પ્રામાણિક અને બુદ્ધિમાન સેક્યુલરિસ્ટો હતા. જેનો જન્મ હિન્દુત્વના હેન્ડલ તરીકે થયો હતો એ હિન્દુત્વ વિરોધીઓનું હેન્ડલ બને તો આખી યોજના ઊંધી વળે. આ બાજુ નરેન્દ્ર મોદીએ એટલું ગજું કાઢ્યું હતું કે હવે પહેલી નજરે સંઘને બહારના ભાસતા પણ વાસ્તવમાં હિન્દુત્વ માટે કામ કરતા લોકોની જરૂર નહોતી. એમાં વળી એ હેન્ડલનો કબજો સેક્યુલરિસ્ટોએ લીધો હતો. બીજી બાજુ અરવિંદ કેજરીવાલને દિલ્હીનો વિજય જોઇને એમ લાગ્યું હતું કે તેઓ નરેન્દ્ર મોદીની જગ્યા લઈ શકે એમ છે. આમ નરેન્દ્ર મોદીની અસલામતી, અરવિંદ કેજરીવાલના વડા પ્રધાન બનવાના અને નરેન્દ્ર મોદીની જગ્યા લેવાના ખ્વાબ, આમ આદમી પાર્ટીમાં સેક્યુલારિસ્ટોની પ્રભાવી હાજરી અને આમ આદમી પાર્ટીને સેક્યુલારિસ્ટોથી મુક્ત કરવાની સંઘની રણનીતિ એમ બધું જ એક સાથે નજરે પડવા માંડ્યું.
અરવિંદ કેજરીવાલને વગર કહ્યે સમજાઈ ગયું કે સૌથી પહેલાં તો આમ આદમી પાર્ટીને ઉદારમતવાદી સેક્યુલારિસ્ટોથી મુક્ત કરવાની જરૂર છે. તેમનાં લોકતાંત્રિક મૂલ્યો માટેના અને સાધનશુદ્ધિ માટેના આગ્રહો નડતરરૂપ બનવાના છે અને હવે પછીનું રાજકારણ આ પાર કે તે પારવાળું ખરાખરીનું હશે. આ ઉપરાંત જ્યાં સુધી સેક્યુલારિસ્ટો પક્ષમાં હશે ત્યાં સુધી સંઘનો સાથ નહીં મળે. તેમણે એકેક કરીને સેક્યુલારિસ્ટોને દૂર કર્યા કે જેથી મનમાની કરી શકાય. અરવિંદ કેજરીવાલે સવાયા હિંદુનો ચહેરો ધારણ કર્યો. “એક દિન હમ ભગવાન રામ ઉનકે હાથોં સે છીન લેંગે” એમ અરવિંદ કેજરીવાલ બોલી ગયા હતા. તેમને ખાતરી હતી કે જો હાથ ઉપર હશે તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સાથ મળી જશે. નરેન્દ્ર મોદીને અને અમિત શાહને સમજાઈ ગયું કે આ ભરોસો ન કરી શકાય એવો મહત્ત્વાકાંક્ષી માણસ છે. એને એવી રીતે કચડી નાખવો જોઈએ કે તે સંઘને પણ ખપનો ન લાગે, બલકે બોજારૂપ લાગે અને તેને દૂર કરે.
અને એ પછી ખરાખરીનો ખેલ શરૂ થયો. કચડી નાખવાનો અને બચી નીકળવાનો. બચી નીકળવા અરવિંદ કેજરીવાલ કોમવાદી હિંદુઓનો સાથ મેળવવા સવાયા હિન્દુત્વવાદી હોવાનો ચહેરો ધરાણ કરતા હતા. આમ કરતા કરતા ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી આવી જેમાં ભા.જ.પ.નો અભૂતપૂર્વ વિજય થયો એટલે સંઘને પણ લાગવા માંડ્યું કે હવે સત્તા માટે વૈકલ્પિક ‘બી’ ટીમની જરૂર નથી, પણ એવી ‘બી’ ટીમની જરૂર છે જે સંસદીય રાજકારણમાં કાઁગ્રેસની જગ્યા લઈ શકે. કાલે લોકો નારાજ થાય અને ભા.જ.પ.નો પરાજય થાય તો તેના વિક્પે એવો પક્ષ સત્તામાં આવવો જોઈએ જે ભા.જ.પ. વિરોધી ભલે હોય, પણ હિંદુરાષ્ટ્રનો વિરોધી ન હોય. બન્ને પક્ષો આપણા; એક ‘એ’ અને બીજો ‘બી’. અરવિંદ કેજરીવાલે કાઁગ્રેસની નૈયા ડૂબાડવાનું શરૂ કર્યું. ગુજરાત, ગોવા, હરિયાણા એમ સર્વત્ર જ્યાં જ્યાં કાઁગ્રેસ એક માત્ર વિરોધ પક્ષ હતો ત્યાં અરવિંદ કેજરીવાલે પોતાના ઉમેદવારોને ઊભા રાખીને ફાચર મારવાનું શરૂ કર્યું. ૨૦૧૪થી ૨૦૧૯નાં વર્ષોમાં તેઓ પોતાને નરેન્દ્ર મોદીના વિકલ્પ તરીકે જોતા હતા અને ૨૦૧૯થી ૨૦૨૪ સુધી તેઓ પોતાને કાઁગ્રેસના વિકલ્પ તરીકે જોતા હતા. પણ આ બાજુ નરેન્દ્ર મોદી અને અમિત શાહને કોઈ પણ રૂપે અરવિંદ કેજરીવાલ કબૂલ નહોતા. કાઁગ્રેસ આ કરી શકે છે અને આ તો નહીં જ કરે એમ તમે ખાતરીપૂર્વક કહી શકો પણ અરવિંદ કેજરીવાલ કાલે શું કરશે એ તમે ખાતરીપૂર્વક ન કહી શકો. આ કોઈ પણ પ્રકારની મર્યાદામાં નહીં માનનારો અનપ્રેડીક્ટેબલ માણસ છે. ભલે કાઁગ્રેસ ટકી રહે, પણ આ માણસ ખતમ થવો જોઈએ.
તો આ છે અરવિંદ કેજરીવાલની રાજકીય યાત્રા. આ છે કેજરીવાલના ઉદય અને અસ્તની કથા. જેણે સર્જન કર્યું એણે જ અંત કર્યો. પણ પ્રજા? પ્રજાનું તો એવું છે કે તે એવા લોકોની પાલખી ઉઠાવીને ફરે જે પ્રજાને બેવકૂફ માનતા હોય અને બેવકૂફ બનાવતા હોય. હસતા હસતા બેવકૂફ બને અને બેવકૂફ બનાવનારાની પૂજા કરે. તમને તે ધર્મગુરુઓના મંડપમાં જોવા મળશે, નેતાઓની સભામાં જોવા મળશે, ટી.વી. ચેનલની સામે બેઠેલો જોવા મળશે, ગૌતમ અદાણીને માભોમના પનોતા પુત્ર તરીકે ઓવારણા લેતો જોવા મળશે. આ પ્રજા છે. પ્રજા તેમનાં હિતમાં આંખ ઉઘાડનારાની હત્યા પણ કરે. સોક્રેટીસ, ઈશુ, ગાંધી આનાં ઉદાહરણ છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 23 ફેબ્રુઆરી 2025