કોણે એમને જાકારો દીધો?
કોણે પાછળ કમાડ દીધા?
કોણે રસ્તે કીધા રઝળતાં?
કોને પેટે પાટું દીધાં?
કોણે એમના રસ્તા રોક્યા?
કોણે કરિયાં નજરકેદ?
કોણે ભૂલ્યાં સપનાં
વળી પાછા કીધાં?
કોણે જઠરાગ્નિમાં હોમ્યા
બળબળતા નિસાસા?
તરફડતા ગાળામાં કોણે
કોણે યાદના ડૂમા દીધા?
ઘર આંગણ, ગામનાં ફળિયાં,
ખેતરના શેઢાના, ને નાનાં બાલુડાંના
આવાજ મીઠા
કોણે આ વાસી રોટલીઓ, તીખી મરચાંની ચટણી
ભેગા એ સૌને એ બાંધી દીધાં?
કોણે એક એક સૂકા કોળીએ
કોણે એમને આશાનાં ઘેન દીધાં?
સાવ ઉજ્જડ ટ્રેનની પટરી તળે
ઠોકી બાંધેલા એ સાલના પાટિયાએ
ગામની બહારના જંગલના
હશે જરૂર સમ દીધા
બાકી કોણ મૂરખ હોય
કોણે હશે એમને
સપનાંનાં સુંવાળા બિછાના દીધા?
બાંધવગ્રહના સોળ ભાઈઓને
કોણે પથ્થર થવાના શાપ દીધા?
એક નહિ બે નહિ સોળ સોળ વિષ્ણુને
કોણે શેષશૈયા પર સૂતાં કીધાં?
કોણે એમના પગના અંગૂઠેથી
આ ચન્દ્રગંગાના
લાલચટક ધોધને
દદડતાં કીધાં?
કોણે પાટા ઉપર
ચપ્પલ આમ રઝળતા કીધાં?
પાપ લાગે આપણને!
કોણે અડધા ખાધા રોટલા
પગ તળે ચગદાતા કીધાં?
કોણે?
e.mail : pratishtha74@gmail.com