બે ચાર જણ પોતાનાં
બસ હવે બચ્યાં છે
બાકી ગલી ગલીમાં
સૌ ખંજર લઈ ઊભાં છે
જઈ પેલા ખૂણામાં
સારી દે તારા આંસુ
સમજે, ઝીલે, કે લૂછે
એવા હાથ ના બચ્યાં છે
પાસ આવી પૂછે હાલ
એ માણસ ક્યાં બચ્યાં છે
વીણી વીણી ને સત્યો
ધરબી દે ઊંડે અહીંયા
પચાવે કરી પ્રયોગો કંઈ
એવા આતમ ક્યાં બચ્યાં છે?
ઇતિહાસની સમજ તારી
તું ભૂલી જા હવે
હકીકતોના નામે
અસતનામા બચ્યાં છે
કરીશ ના કવિતા
અન-અલ-હકની હવે તું
લલકારે સલ્તનતને
કે કંઠે અટક્યાં ડૂમાં છે
હું તો કહું છું
દફનાવ આવતીકાલને ય આજે
ઊગવાને સૂરજ કોઈ આંખે
આકાશ ક્યાં બચ્યાં છે?
બે ચાર જણ પોતાનાં
બસ ફક્ત બચ્યાં છે.