મને એમ કે આ એક પ્રક્રિયા હશે
એમાં સમય લાગતો હશે
ધીમે ધીમે કરીને દિવસો, મહિનાઓ,
વર્ષો જતાં લક્ષણો દેખા દેતાં હશે
પહેલાં તો કદાચ એમ લાગે કે
આ આપણી આસપાસની દુનિયા જ છે
જે બદલાઈ રહી છે.
સૂરજનું હજી ય દેખા તો દે છે
પણ ઝાઝો વખત નહીં
એનું તેજ થોડું નબળું થાય, ઝંખવાય,
દિવસોમાં હૂંફ ઓછી થઈ જાય
અવારનવાર આવતી ઠંડી હવાની લહેરખી
હજી ય લીલી ને ઘેરી ઘટામાં થઈ
છેક અંદર ઘૂસી હાડકાં થીજાવી જાય
પગ તળેની સૂકી ને ભૂખરી જમીન
એક સમયનાં આતુર મૂળિયાંની આગને ઠારી દે.
મેં માનેલું હળવેથી થશે બધા બદલાવની સભાનતા
તમારા વાળનો, નખનો, ગાલનો બદલાતો રંગ
તમારી લટોનું, પીઠનું, ચામડીનું બદલાતું પોત
ધીમે ધીમે તમને દેખાશે કરચલીઓ, ઝીણામાં ઝીણી,
તમારી હથેળી તળે એ ખાટલાની ચાદર પર,
અરીસામાંના પેલા પ્રતિબિંબ પર
તમારા સપનાંની પરત પર
તમારા બંનેની વચમાં ફેલાતા મૌન વિસ્તાર પર
મેં ધારેલું સમય હશે
એ સભાનતાને થાળે પાડવાનો
એ મૂળ વાટે થઈને ઠેઠ ટોચ પર
ધસી જતા કોહવાટને અનુભવવાનો
હશે સમય તૈયાર કરવા જાતને
છોડી દેવા બધાં ય લાલ, પીળા, બદામી
ટેવાઈ જવા એ સ્થિતિથી
જેમાં કંઈ ઊગવાનું, મોહરવાનું, ખીલવાનું ના હોય
ટેવાઈ જવા ખાલી ડાળીઓથી
જે ગાતી નહીં હોય
મને એમ હતું કે
આમ એક પરોઢિયે ઊઠું સફાળી
ને પામું ઘરડી ને મરેલી જાતને
એ પહેલાં કંઈ નહિ તો
મને એટલું તો સમજાશે કે
એ વસંત હવે પાછી નહીં આવે, હવે નહીં.
°°°°°°
And this was first written in English:
Dawning
I thought it was to be a process
It took time. Signs emerged little by little,
over days, months, years.
First it might just seem like it's the things
around you that are changing —
the sun still shines but not long enough,
its light gets listless and pale,
the days feel less warm,
occasional chill from the air creeps up
through the still thick green foliage
all the way inside numbing the bones,
the soil turns dry and grey
dousing the fire of once desirous roots.
I had thought it would happen gently,
the realisation of the change
in the colour of your hair, your nails, your cheeks,
in the texture of the locks, your back, the skin.
Slowly you would begin to notice
the wrinkles, the tiniest,
under your palm on the bedsheet,
on that reflection in the mirror,
on the feel of your dreams,
on the silent expanse spreading
between the two of you.
There would be time, I had imagined,
for the awareness to settle in,
the sense of the decay spreading upwards
from the roots,
There would be time to prepare oneself
to let go of all things red, yellow, brown,
to get used to things not growing, flowering, blooming,
to get used to empty boughs that don't sing.
At least, I would have known
that there would be no Spring,
no more
before I woke up all old and dead
one morning.
— Pratishtha Pandya