મા બાલ્કનીમાં તુલસી પાસે દીવો મૂકે છે. મને યાદ છે ત્યારથી મેં એને રોજ સાંજે આમ દીવો મૂકતી જોઈ છે. હવે સિત્તેરની થઇ છે. હાથ પગ પાર્કિન્સનને લીધે ધ્રૂજે છે અને મન સતત ભ્રાંતિમાં રહે છે. એને લાગે છે એના દીવા સળગતા જ નથી. બીજી બાલ્કનીઓમાં દિવાળીનાં કોડિયાં ઝગમગે છે. શું આજે દિવાળી છે? એને યાદ નથી આવતું. આમે ય એની યાદશક્તિ પર હવે ભરોસો થાય એમ નથી. પણ ત્યાં તો બધે ફરી અંધારું થઇ જાય છે, પહેલાં કરતાં ય ઘેરું.
એને કોઈ જાણીતા મંત્રોચ્ચાર સંભળાય છે. કોઈ ગાયત્રી મંત્ર ગાય છે, કે પછી હનુમાન ચાલીસ હતા? શું કોઈ "પાકિસ્તાન મુર્દાબાદ"ના નારા લગાવે છે? એ તારા વિહોણા આકાશ તરફ જોઈ બે ઘડી થથરે છે. કાનમાં પડઘાતા અવાજો એને ગાંડી કરી મૂકતા લાગે છે. મુસલમાન બેકરીવાળા પાસેથી દૂષિત બ્રેડ ના લેવાની ચેતવણી આપતા આવજો. સોસાયટીમાં થૂંકી થૂંકીને રોગ ફેલાવતા મુસલમાન ફેરિયાઓથી ચેતતા રહેવાની સૂચના આપતા આવજો. બાલ્કનીમાં દીવા પ્રગટાવી એકતાનો સંદેશ ફેલાવવાનો નિર્દેશ આપતા આવજો. ક્યાં ય આગળ ના વધતા રસ્તે પડ્યા ભૂખ્યા પેટના ગુરગુરવાના અવાજો. કોઈ અજાણ્યા શાસ્ત્રોના પ્રેમ ને દયાના સંદેશ આપતા ઝીણા અવાજો. એના દીવાને હોલવી નાખતા પવનના સૂસવાટાના અવાજો. એને ચક્કર જેવું લાગે છે. એને પાછા જવું છે એના ખાટલા પર પણ અંધારું વધતું જાય છે. એક વાર ફરી એ પ્રયત્ન કરે છે એના ધ્રુજતા હાથે દીવો પ્રગટાવવાનો ….
મેં પ્રગટાવિયું એક કોડિયું
તો કેમનું ઉભરાયું અંધારું
હમણાં લગી લપાઈ
બેઠું તું છાનુંમાનું ખૂણે
આ કેમનું કરતું તાંડવ
આંખ સામે નાચે અંધારું
દબડાવીને દાબીને રાખ્યું તું
સાવ ભોંયને તળિયે
કરે જરી ય ન માથું ઊંચું એટલે
મૂક્યાં તા વજન ભારેખમ
શરમના એને શિરે
મોં મહીં પણ દાબ્યો તો
એક ડૂચો ખાસ્સો મોટો
દરવાજાને ય માર્યો તો
મેં યાદ કરીને કુંચો
કેમનું તોડીફોડી મર્યાદા
ફરે થઈ સાવ નિર્લજ્જ
ખુલ્લેઆમ અહીં આ અંધારું
ઝીણા ઝીણા પ્રગટાવેલા
દીવડાની એ ઝાંખીપાંખી
પ્રેમજ્યોતમાં ઘૂસી ઘૂસીને
કરતું મેલું, કાળું, લાલ
વિષભર્યું, લોહિયાળ
હતું કદી જે પીળું એ
સઘળું યે અજવાળું.
કોણે હટાવ્યા પથ્થર માથેથી?
કોણે ખોલી દરવાજાની કૂંચી?
કોણે ખેંચી ડૂચો મોંનો
કરી એની જીભ લવલવતી?
કોણે જાણ્યું તું પ્રગટાવે કોડિયાં
નીકળી આવતું હશે
આમ કંઈ અંધારું?
e.mail : pratishtha74@gmail.com