અટકી પડ્યું અચાનક બધું
શું થાય ન સમજાય કશું.
આંખ ખૂલે તો અતિ અજવાળું
અજવાળાની અંદર અંધારું
અંધારું ખોલાય નહીં
અજવાળું જોવાય નહીં
શરીર ભીતર ભય ભારેખમ
હૃદયની નળીઓમાં એની આવનજાવન.
બારી ખૂલે તો બહાર બધું
ધ્રાસકામાં ગરકાવ બધું
હલનચલન પણ નામ લેતી અટકી પડવાનું
અટકી પડેલાનું મન ચોંટી પડવાનું
લોહીનાં ટીપાં સુકાઈને થીર
પગલાં પર પગલાં, સ્થિર એની રીત.
વૃક્ષ વેલ છોડ ઘાસ,
પ્રાણી-પંખીના પ્રાણ
લેતાં રાહતનો શ્વાસ,
સમય જાણે ઉતારવા બેઠો આજ
એકધારા પ્રવાસનો થાક.