ચાલુ ચૂંટણી જંગે
પૂર્વ ચૂંટણી કમિશનર એસ.વાય. કુરેશીએ સંબંધિત સૌને એમનો ધર્મ સંભારી આપ્યો છે કે, અમ્પાયર અણી ટાંકણે મૌન રહી શકે નહીં : અસમાન સ્પર્ધામાં તંત્ર ભાગીદાર બની શકે નહીં.

પ્રકાશ ન. શાહ
આપ સાંસદ સંજય સિંહનું દિલ્હી સરકારની એક્સાઈઝ નીતિના વિવાદી મુદ્દા વચ્ચે જામીન પર છૂટવું એ આ દિવસોમાં એક કરતાં વધુ રીતે ધ્યાનપાત્ર બની રહેશે. ધ્યાનપાત્ર જ માત્ર નહીં, કંઈક આશ્વસ્તકારી પણ.
વાત એમ છે કે આઈ.ટી. અને ઇ.ડી. – આયકર અને પ્રવર્તન – તંત્રો ચૂંટણીના દિવસોમાં અગર તો રાજકીય પક્ષો વચ્ચેની સ્પર્ધાના માહોલમાં કોઈક એવે છેડેથી કામ લે છે જેમાં સત્તાપક્ષ તરફે વિપક્ષ ભીંસ અને ધોંસનો અનુભવ કરે. દેખીતી રીતે જ, આચારસંહિતાનો આરંભ થઈ ગયો હોય અને ચૂંટણીના ઘડિયા ગણાતા હોય એ સંજોગોમાં નાણાંસ્રોત બાબતે વિપક્ષ મૂંઝવણમાં મુકાઈ જાય તે ચૂંટણી માટેની સમાન તકના મુદ્દે બંધારણીય નૈતિકતાનો ને લોકશાહીનાં સામાન્ય ધારાધોરણોનો ચોખ્ખો ભંગ છે, અને આખી ચૂંટણી પ્રક્રિયાને તે પસંદગીની તકને બદલે લગભગ એકતરફી બનાવી મૂકે છે.
સંજય સિંહને જામીન મળ્યા, સર્વોચ્ચ અદાલતની સીધી પૃચ્છાના ઉત્તરમાં પ્રવર્તન નિર્દેશાલયે વાંધો ન લીધો (વાંધો ન લઈ શક્યું), એનો અર્થ ખાસ તાણ્યાતૂણ્યા વગર એટલો તો થઈ જ શકે કે પ્રતીકાત્મક રીતે માનો કે કોઈ કેસ બનતો હોય તોપણ એની કશી તાત્કાલિકતા નથી. પૂરા કદના કેસથી વિશેષ તો એ એક અવરોધ કારવાઈ છે જેમાં આયકર કે પ્રવર્તન તંત્રો શાસન ને સત્તાપક્ષનાં દોરવ્યાં દોરાતાં હોઈ શકે.
શાસન ને સત્તાપક્ષ આવી ઘોર પક્ષિલ ને બિનલોકશાહી ચેષ્ટા કરે છે એ કોઈ હવાઈ અનુમાન નથી. 2014થી આજ સુધી રાષ્ટ્રીય કે પ્રાદેશિક સ્તરે આવા કિસ્સાઓનો એક તપાસ હેવાલ આ દિવસોમાં આપણી સામે આવ્યો છે તે પ્રમાણે વિપક્ષનાં પચીસેક મોટાં માથાં, એમના પર ભ્રષ્ટાચારના આક્ષેપોની ખરીખોટી ભીંસ વચ્ચે સત્તાપક્ષમાં જોડાઈ ગયા છે, અને એમનાં પૈકી તેવીસ પરના સઘળા આક્ષેપો હાલ બાષ્પીભૂત માલૂમ પડે છે – બલકે, પંચમહાભૂતમાં ભળી ગયા છે.
સંજય સિંહના કેસનો ઉલ્લેખ આરંભે કર્યો પણ પરિસ્થિતિની ગંભીરતા એ વિગત પરથી સમજાય છે કે દેશના બે મુખ્ય મંત્રીઓ (કેજરીવાલ – ચાલુ હેમંત સૌરેન – હમણાં લગીના) સામી ચૂંટણીએ જેલબંધ છે. મુખ્ય વિપક્ષ (કાઁગ્રેસ) પર જૂની જંગી વસૂલીથી માંડી ખાતાંરૂંધ(એકાઉન્ટ્સ ફ્રિઝ)નો કોરડો વિંઝાયેલ છે. પૂર્વ ચૂંટણી કમિશનર એસ.વાય. કુરેશી સહિત પોતાનું નામ નહીં આપતા બીજા બે પૂર્વ ચૂંટણી કમિશનરોએ સાફ શબ્દોમાં કહ્યું છે કે ઇરાદાપૂર્વકની અસમાન સ્પર્ધા વચ્ચે અમ્પાયર (ચૂંટણીપંચ) મૌન રહી શકે નહીં.
શેષનનું હોવું તો માનો કે એક વિલક્ષણ વાત હતી, પણ 2009 અને 2019ના ચૂંટણીક્રમમાં આચારસંહિતાના પ્રવર્તન ને ચૂંટણી ઝુંબેશ દરમિયાન એવું બન્યું છે કે ચૂંટણીપંચ દરમિયાન થયું હોય. કહ્યું ને અમ્પાયર મૌન રહી શકે નહીં. આઈ.ટી. કે એન્ફોર્સમેન્ટ પ્રકારની ઇરાદાપૂર્વકની તવાઈ બાબતે કુરેશીએ પંચે લક્ષમાં રાખવા જોગ સાદો સિદ્ધાંત પણ બોલી બતાવ્યો છે કે જે નિર્ણયો વાટ જોઈ શકતા હોય તેને વાટ જોતાં રાખી શકાય છે.
અલબત્ત, કબૂલવું જોઈએ કે નાગરિક છેડેથી વિચારતાં આપણી એ એક ચિરવિમાસણ રહી છે કે ચોખ્ખાઈની રીતે સત્તાપક્ષ ને વિપક્ષ વચ્ચે પસંદગી ક્યાં છે. પણ ‘ડેવિલ એન્ડ ડીપ સી’ના વિતંડામાં ગયા વગર આવે વખતે નહીં ગમતે છતે પણ એક વિવેક કરવો અનિવાર્ય બની રહે છે. સત્તાપક્ષ જ્યારે રીતસરની રાજકીય લૉન્ડ્રીનું અગર ધાકધમકી અને પ્રલોભનનું રાજકારણ ખુલ્લા ખેલ ફરુખાબાદીની તરજ પર રમતો હોય ત્યાર વિપક્ષ પરત્વે આપણા શુદ્ધિઆગ્રહને એક હદમાં મ્યાન રાખવો રહે છે. બને કે આ સુખદ પસંદગી ન હોય. પણ સત્તાપક્ષની તાસીર જોતાં વિપક્ષ પરત્વે કંઈક દરગુજર કરવાની અપેક્ષા રહે એમાં કશું અસ્વાભાવિક નથી. ‘નોટા’ પ્રકારનો વિકલ્પ છે એ સાચું, પણ એકલદોકલ નૈતિક ઉદ્રેકનું મૂલ્ય પ્રમાણતે છતે અસરકારક રસ્તો તો સ્પષ્ટ વિરોધમતનો જ વરતાય છે.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 04 ઍપ્રિલ 2024