આઈ.ટી. જનરેશન અને શાતિર નેતૃત્વનો મેળ કેમનો બેઠો?
કેજરીવાલ કને 1925થી બંધાતી આવતી સંગઠન શૃંખલા નહીં હોય પણ આદર્શવાદી આઈ.ટી. જનરેશન અને શાતિર નેતૃત્વનો ઠીક મેળ પડી ગયો. ‘આપ‘નો દિલ્હી–પ્રવેશ, શીલા દીક્ષિતનો પરાજય, કેજરીવાલ શાસનમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાનાં ઊંચાં ધોરણો અને વીજળીની સોંઘારત, આ બધું એક નાના પરિબળને અંગે વૈકલ્પિક રાષ્ટ્રીય પડકારની આભા જગવે તે સ્વાભાવિક હતું

પ્રકાશ ન. શાહ
એ એક જોગાનુજોગ જ હતો અલબત્ત કે બે’ક અઠવાડિયાં પર આ સ્થળેથી પૂછવાનું થયું હતું કે 1974, 1975-77ના જે.પી. જનતા આરોહણનું ઉત્તરાધિકારી કોણ હોઈ શકે. 1979-80માં જનસંઘે એના જનતા અવતારથી ફારેગ થતે છતે પુન: જનસંઘ નહીં થતાં ભારતીય જનતા પક્ષ રૂપે કાર્યરત થવાનું વિચાર્યું ત્યારે જે ભૂમિકા લીધી હતી એની કદરબૂજ રૂપે મોહમ્મદ કરીમ ચાગલાએ અટલ બિહારી વાજપેયીને ભાવિ વડા પ્રધાન તરીકે ઓળખાવ્યા હતા. ચાગલા ન્યાયમૂર્તિ તરીકે તેમ રાજપુરુષની પ્રતિભા ધરાવતા રાજનેતા તરીકે સુપ્રતિષ્ઠ હતા.
મુંબઈ ગુજરાતના સંદર્ભમાં વિચારું છું તો 1974-1980નાં વરસોમાં ઉભરેલો એક નરવોનક્કુર અવાજ ચિમનલાલ ચકુભાઈ શાહનો સાંભરે છે. ચિમનલાલ ચકુભાઈ બંધારણ સભાના સભ્ય હતા. એમને શરૂમાં ઇંદિરા ગાંધીના રાજકારણ પરત્વે કંઈ આશા હશે, અને એમને પ્રામાણિકપણે લાગતું કે જયપ્રકાશજી એ આંદોલનનો રાહ લઈ રહ્યા છે તે કદાચ દુરસ્ત નથી. પણ જેવી કટોકટીની જાહેરાત થઈ કે એમને પ્રતીતિ થઈ કે જયપ્રકાશના પ્રતિકાર મુદ્દાઓ પ્રસ્તુત છે.
આ જ ચિમનલાલ ચકુભાઈએ જનતા ભંગાણ પછી પ્રગટ હિમાયત કરી હતી કે જ્યાં જનતા પક્ષના ઉમેદવારની પસંદગી શક્ય ન હોય ત્યાં ભા.જ.પ.નો વિચાર કરી શકાય.
જો કે, 1984ના કારમા પરાજય પછી ભા.જ.પે. જે રાહ લીધો – જે.પી. જનતા પર્વની પુણ્યાઈ પરહરીને – તે પછી એના રંગઢંગ ઉત્તરોત્તર ફતેહ છતાં એવા થઈ ગયા કે એને વિશે એમ કહેવું સ્વાભાવિક થઈ પડ્યું કે તે જે.પી. જનતા આરોહણનો લાભાર્થી હશે, ઉત્તરાધિકારી નથી.

અરવિંદ કેજરીવાલ
વયમાં સંયુક્ત સરકારો અને વી.પી. શાસનના ઝોલા આવી ગયા તે ભલે, પણ આજથી દસ-અગિયાર વરસ પર જયપ્રકાશના આંદોલન પછીની એક મોટી ઘટના રૂપે આપ અને અરવિંદ કેજરીવાલના ઉદયને ખસૂસ જોઈ શકાય. શરૂ શરૂમાં અણ્ણા હઝારે અને અરવિંદ કેજરીવાલની જુગલબંદી જોતાં જે.પી. આંદોલન સાથે અનુસંધાનનીયે કંઈક લાગણી જાગતી.
જો કે, અણ્ણા પૂરા કદના રાજકીય વિકલ્પની હદે ઉત્સુક નહોતા જ્યારે કેજરીવાલ અને સાથીઓ તે તરફ જવાની અનિવાર્યતા અનુભવવા લાગ્યા હતા. એ ગાળામાં જેમને અણ્ણાનો ઓછોવત્તો પરિચય થયો હશે, એક ખયાલ જરૂર આવ્યો હશે કે આ એક સમર્પિત આત્મા છે પણ એમના ભાવપિંડમાં કોઈ સમગ્ર વિચારનકશો હોય એવું નથી.
આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ અરવિંદ કેજરીવાલ જ્યારે આંદોલનને માથે ‘ટોપી’ લાયક કોઈ મોટા માથાની શોધમાં હતા ત્યારે એમણે ચુનીભાઈ વૈદ્યને આગળ કરવા વિશે ય અજમાયશી તોર પર વિચાર્યાની મારી છાપ છે. પણ ‘ઇંદિરા ઈઝ ઇંડિયા’ ફેમ દેવકાન્ત બરુઆ સાથે પણ માથું દુખાડતી ચર્ચા કરી ભૂદાનફાળો લઈ આવી શકતા ચુનીકાકા કરતાં અણ્ણા એમને અનુકૂળ લાગે એ સ્વાભાવિક હતું, કારણ દરેક સમર્પિત જીવ કને વૈચારિક સ્પષ્ટતા નયે હોય.
2004માં અડવાણીથી ફિલગુડાઈ છતાં ભા.જ.પ.(એન.ડી.એ.)એ લોકસભાની ચૂંટણી ખોઈ. 2009માં પણ એમ જ બન્યું. તે પછી અણ્ણાના આંદોલનમાં ભા.જ.પે.-સંઘ પરિવારે વળી એક જે.પી. જમાના જેવી તક જોઈ જે ઝડપી વિજયલક્ષી મધ્યપ્રવાહ નસીબ થઈ શકે. એ આખા નેટવર્કની વાત અહીં છોડી દઉં છું, પણ અણ્ણા એક પળે કથિત ગુજરાત મોડેલ પરત્વે લાલા ગગા થઈ ગયા હતા અને અહીં તેડાવી પ્રત્યક્ષ દર્શન કરાવ્યા બાદ એમની મૂર્છા કંઈક ઊતરી હતી એ ઇતિહાસવસ્તુ છે.
કેજરીવાલ સંખ્યાબળે ઓછા હશે, એમની કને 1925થી બંધાતી આવતી સંગઠન શૃંખલા નહીં હોય પણ આઈ.ટી. જનરેશન અને શાતિર નેતૃત્વનો ઠીક મેળ પડી ગયો. આપનો દિલ્હી-પ્રવેશ, શીલા દીક્ષિતનો પરાજય, કેજરીવાલ શાસનમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવા તેમ જ વીજળીસુખ, આ બધું એક નાના પરિબળને અંગે વૈકલ્પિક રાષ્ટ્રીય પડકારની મનોવૈજ્ઞાનિક આભા જગવે તે સ્વાભાવિક હતું.
એમના કથિત નાણાંસ્રોતને મુદ્દે આજે એ વિવાદ અને શંકાના દાયરામાં છે. પણ એ જ નાણાંસ્રોત ભા.જ.પ.ને જે રીતે ફળી રહ્યો છે એનીયે વિગતો સાફ છે. ચૂંટણી જાહેરાત પછી પ્રવર્તન નિદેશાલય (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ-ઈ.ડી.) જે રીતે મંડી પડેલ છે, જે રીતે ઈ.ડી.ની લોન્ડ્રીમાંથી સામેવાળાને ‘શુદ્ધ’ કરીને ભા.જ.પ. ભરતી કરી રહ્યું છે એ બધું જોતાં આ ક્ષણ આપ પરિબળ અને અરવિંદ નેતૃત્વની મર્યાદાઓ જાણતે સમજતે છતે એકાધિકારનાં બળોને મુકાબલે એને જોવાની છે. નોટબંધીથી શું થયું એનો સ્પષ્ટોત્તર ન્યાયમૂર્તિ નાગરત્ને હમણાં જ કાળાં નાણાં વગે કરવાની પેરવી રૂપે ઘટાવી આપ્યો છે.
ઈલેક્ટોરલ બોન્ડનો સત્તા-પ્રતિષ્ઠાનને એકતરફી લાભ અને દિલ્હી પ્રકરણમાં બહાર આવી રહ્યું છે તેમ બોન્ડ ખરીદી એપ્રૂવર રૂપે બહાર આવી ચૂંટણી ઉમેદવાર બનવાની એન.ડી.એ. તક (તેલુગુ દેશમ-ભા.જ.પ.) આ બધું, મુકાબલે આપ તરફે વિચારવાની ફરજ પાડે એ આપણી કારુણિકા હશે, પણ કમજોરી કદાચ નથી.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 10 ઍપ્રિલ 2024