વાચનસૂચિ વિશે થોડી પોસ્ટ પહેલાં જ વાત થઇ. આજે ‘ગુજરાતી લેખિકાસૂચિ’ ૧૯૦૦-૨૦૦૮ જેવા મહત્ત્વાકાંક્ષી કામ વિશે વાત કરવાની છે. થોડા દિવસ પહેલાં પ્રકાશિત થયેલી આ સૂચિનું સંપાદન દીપ્તિ શાહે કર્યું છે.
શીર્ષક પરથી મોટી અપેક્ષાઓ જગાવતી આ સૂચિના ‘સંપાદકીય’માં સૂચિકારે આગોતરા જામીન લેતાં લખ્યું છેઃ ‘સૂચિકાર્યની એક મર્યાદા એ છે કે તે ક્યારેય પૂર્ણ થતું નથી અને સૂચિકાર ક્યારે સૂચિ પૂર્ણ થઇ છે એવું કહી શકતાં નથી…’
પણ આ સૂચિકાર્યની મર્યાદાઓ ઘણી વધારે મોટી છે. સૌથી મોટી મર્યાદા એ છે કે ૧૯૦૦ થી ૨૦૦૮ જેટલા લાંબા ગાળાની લેખિકાઓની (એમાં કવયિત્રીઓ પણ આવી જાય) માહિતી ફક્ત સાહિત્ય પરિષદમાં ઉપલબ્ધ સ્ત્રોતમાંથી જ લેવામાં આવી છેઃ સાહિત્યકોશ, સાહિત્યકાર પરિચયકોશ, પરિષદનાં ગ્રંથાલયનાં કેટલોગ કાર્ડ, ‘પરબ’માં અવલોકન માટે આવેલાં પુસ્તકો, પારિતોષિક પુસ્તિકા, વિવિધ સામયિકોમાં જાહેરખબરના પ્રતિભાવરૂપે લેખિકાઓએ સામેથી મોકલાવેલાં માહિતીપત્રકો, ક.લા.સ્વાઘ્યાય મંદિરનાં માહિતીપત્રકો.
આવી મર્યાદા સંપાદિકાએ શા માટે બાંધી હશે એ તો એ જ કે એમને કામ સોંપનાર જાણે. પણ અમદાવાદમાં જ આવેલી ગુજરાત વિદ્યાપીઠની વિશાળ લાયબ્રેરી- તેનો કોપીરાઇટ વિભાગ અને ભો.જે. ની લાયબ્રેરી જોયા વિના ૧૦૮ વર્ષની સૂચિ કેવી રીતે કરી શકાય? અને કોઇ કરે તો પણ એ કેવી રીતે મોટા ઉપાડે છાપી શકાય?
સૂચિમાં લેખિકાઓની અટકનાં કક્કો-બારાખડી પ્રમાણે ક્રમવાર નામ, શક્ય એટલી લેખિકાઓની જન્મતારીખ, તેમનાં પુસ્તકોની યાદી અને શક્ય હોય ત્યાં પ્રકાશનવર્ષ તથા છેલ્લે બધી કૃતિઓની કક્કો-બારાખડી પ્રમાણે યાદી, આટલો ઉપક્રમ છે. પણ તેમાં ગોટાળાનો અને અઘૂરપનો પાર નથી.
સૌથી શરમજનક ગોટાળો વિખ્યાત શાયર, પાજોદ દરબાર રૂસ્વા મજલૂમીને ‘લેખિકા’ તરીકે સામેલ કરવાનો છે. પુસ્તક છપાઇ ગયા પછી કોઇનું ઘ્યાન જતાં તેની પર સફેદ પટ્ટી મારવી પડી છે. પટ્ટીવાળા પાનાની તસવીર અહીં મુકી છે. સફેદ પટ્ટીની નીચે રૂસ્વાનું નામ હજુ વાંચી શકાય છે. રૂસ્વા વિશે ગયા વર્ષે રજનીકુમાર પંડ્યા અને બીરેન કોઠારીએ વિગતવાર ચરિત્ર કર્યું, તેમની ડોક્યુમેન્ટરી તૈયાર કરી, છતાં રૂસ્વાનો શુમાર લેખિકાઓમાં થઇ ગયો- અને તે પણ એમની શોકસભા જ્યાં ભરાઇ હતી એ જ પરિષદના પ્રકાશનમાં!
સૂચિઓની લોચાલાપશી તો જોતા જઇએ એમ ખબર પડે, પણ અહીં તો પહેલા કોળિયે ઘણી કાંકરીઓ આવી. કવયિત્રી-મિત્ર મનીષા જોશીના બે કાવ્યસંગ્રહો હોવા છતાં સૂચિમાં તેનું નામ જ નથી. પાસે બેઠેલા મિત્ર સંજય ભાવેએ એશા દારૂવાલાનું નામ શોધીને કહ્યું,‘એ પણ નથી!’ ‘સેવા’નાં ઇલાબહેન ભટ્ટ કે તેમના પુસ્તક (વી આર પુઅર બટ હાઉ મેની/ ગરીબ પણ છૈયેં કેટલાં બધાં)નો પણ ઉલ્લેખ નથી. મારી સાથે ‘નોખા ચીલે નવસર્જન’ લખનાર પૂર્વી ગજ્જર તો ક્યાંથી હોય? અવંતિકા ગુણવંત અને કલ્પના જીતેન્દ્ર આ જ નામે જાણીતાં હોવા છતાં તેમની એન્ટ્રી તેમની અજાણી અટકોના નામથી જ છે. ‘મૂળસોતાં ઉખડેલાં’ ભારતના ભાગલા વખતનું વિખ્યાત પુસ્તક, પણ તેનાં લેખિકા કમળાબહેન પટેલનું જન્મવર્ષ ૧૯૬૨ છપાયેલું છે…
પરિષદને પૂછી જોઇએઃ સૂચિની ભૂલોની સૂચિનું પુસ્તક બહાર પાડવામાં રસ ખરો?
Original Post: http://urvishkothari-gujarati.blogspot.com/2009/03/blog-post_18.html