ચીનને જરી સમાલી લેવા વાસ્તે રૂબરૂ જઈ રહેલાં વિદેશમંત્રી સુષમા સ્વરાજ અને કાળાં નાણાંથી માંડીને જનલોકપાલ મુદ્દે પોતાને છેતરાયેલા સમજી બાંયો ચડાવવા તૈયાર થઈ રહેલા અણ્ણા હજારે : પ્રમુખ ઓબામાની મુલાકાતે કરીને પોતાને આશ્વસ્ત અને આહ્લાદિત સમજતું નમો મંડળ આ ઘટનાક્રમને કેવી રીતે જોશે વારુ ? ગમે તેમ પણ, વડોદરાના મેયર ભરત શાહ અને દિલ્હીનાં થાઉં થાઉં મુખ્યમંત્રી કિરણ બેદીએ જે બાલોત્સાહથી “જુઓ, નમોએ ઓબામાને કેવા હાજર કરી દીધા અને ‘સબકા સાથ, સબકા વિકાસ’નો મોદીમંત્ર રટતા કરી મૂક્યા” એવો ધન્યોદ્દગાર કાઢ્યો છે એના જેટલું સરળ ને સપાટ ચિત્ર આ નથી એટલું તો દેશના શીર્ષ નેતૃત્વને સમજાતું હોવું જોઈએ.
રહો, આપણે શીર્ષ નેતૃત્વની સમજના મુદ્દે ચર્ચામાં ઊતર્યા વગર આ નેતૃત્વ પરત્વે ઓળઘોળ આશાતુર જે વ્યાપક વર્ગ છે, એની જરી ચિંતા કરીએ અને ઓબામા યાત્રાનું કંઈક ઉતાવળું પણ અવલોકન નજીકથી કરવાની કોશિશ કરીએ. ભાઈ, એક તો એ કે ઓબામાની કંઈ આ પહેલી સત્તાવાર મુલાકાત નથી. ૨૦૧૦માં મનમોહન સિંહના વડાપ્રધાનકાળમાં એ આવ્યા હતા. અને હા, ત્યારે પણ એ પાકિસ્તાન ગયા નહોતા. આ વખતે ભારતની હારોહાર એમણે પાકિસ્તાનની મુલાકાત ન લીધી એમાં એક હદથી વધુ વાંચવું ન જોઈએ; કેમ કે ૨૦૧૦માં પણ એમણે એમ જ કર્યું હતું. વળી, પ્રમુખ ઓબામાની ભારત મુલાકાત દરમ્યાન કોઈ આતંકવાદી ઘટના ન થવી જોઈએ એમ પાકિસ્તાન જોગ અમેરિકી ચેતવણીમાં પણ એક હદથી વધુ વાંચી શકાય એમ નથી. કારણ, અમેરિકા ‘આ મુલાકાત દરમ્યાન’થી વધુ સમય પળાવવાની સ્થિતિમાં નથી, અગર તો એથી વધુ કદાચ ઇચ્છતું નયે હોય.
પ્રમુખ ઓબામાની મુલાકાતને પરમાણુ મામલે કોઈ ગુણાત્મક સહયોગ સંવર્ધનની રીતે ઘટાવવાનું સત્તાવાર વલણ પણ વસ્તુતઃ બાવાહિંદીથી વિશેષ નથી. બુશ – મનમોહન પ્રક્રિયાનો એ કાળક્રમે મળેલ પરિપાક છે. બુશ તંત્ર સહીબદ્ધ થવા બાબતે આઘુંપાછું થતું હતું પણ પૂરાં ત્રણ વરસના આગ્રહી અભિગમ પછી મનમોહન સિંહે ધાર્યું કરાવ્યું હતું.
જો નક્કર લબ્ધિની રીતે વિચારીએ – અને વિચારવું પણ જોઈએ – તો સમજાઈ રહેતું વાનું એ છે કે આપણા વિદેશવ્યૂહમાં અમેરિકા સાથે સારા સંબંધો એક અગત્યની વાત છે, અને વિપક્ષને નાતે વખત છે ને હાકોટાછીંકોટાવાળી ચાલી હોય તો પણ મૈત્રી જરૂરી છે તે માટે ભારતછેડેથી જાગૃતિ દાખવાઈ છે. (અલબત્ત, અમેરિકાએ પણ શસ્ત્રસોદાગરી પાર પાડી ‘બજાર’ સાચવી જાણ્યું છે.)
પ્રતીકાત્મક પણ જે સંબંધ બંને નેતાઓ વચ્ચે બની આવ્યો જણાય છે એથી, કેમ કે એમાં બંને દેશોની સગવડ રહેલી છે, આપણે એક હદ સુધી રાજીપો જરૂર અનુભવી શકીએ. બાકી, ‘બરાક, બરાક’ એમ દોસ્તાના અંદાજમાં રટવાની ‘ચબરાક’ મુદ્રા છતાં બેઉ દેશોના વિશ્વવ્યૂહમાં જે અંતર હોવાનું છે તે હોવાનું જ છે.
બલકે, ખરું પૂછો તો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોઈ કમાલ હોય તો તે હંમેશની સ્ફૂિર્તથી તંતોતંત ‘ઇવેન્ટ મેનેજમેન્ટ’ની છે. નરેન્દ્ર દામોદરદાસ મોદીના નામાંકન સાથેનો સુટ ધારણ કરવા સહિતની કાળજી તો કોઈ નમો કને જ શીખે ! એક વર્ણન પ્રમાણે પ્રમુખપત્ની મિશેલને પણ વિપળવાર ઝાંખાં પાડી દેતી સાજસજ્જા એમની હતી. હશે ભાઈ, મયૂર સંસ્કૃિતનો જય હો !
અમેરિકી છેડેથી થયેલું કોઈ અજબગજબનું ‘ઇવેન્ટ મેનેજમેન્ટ’ હોય તો તે સીરી ફોર્ટ ખાતે પીઆર તામઝામભેર હતી. ૨૦૧૦ની યાત્રા દરમિયાન જેમને મળવાનું થયેલું તે શ્રમિકસંતાન વિશાલ અને ખુશબૂ સાથે ઉષ્માભર્યો મૃદુ સ્નેહોપચાર, બંધારણની ૨૫મી કલમ ટાંકી મહાત્મા ગાંધીના વિશેષ સ્મરણપૂર્વક ધર્મસ્વાતંત્ર્યની જિકર, એક સાથે શાહરૂખ ખાન – મેરી કોમ – મિલખા સિંહ એમ મુસ્લિમખ્રિસ્તીશીખ સહિત ભારતીય સમાજને અંગે સર્વસમાવેશી મુદ્રા, જેમ ચાવાળો તેમ પોતે (એક આફ્રિકી રસોયાનો પૌત્ર) સર્વોચ્ચ સત્તાસ્થાને પહોંચી શકે તેમાં રહેલું લોકશાહીનું ગૌરવ, નમસ્તે-બહૂત ધન્યવાદ-જયહિંદ સાથે સમાપન : ઓબામાના પરફોરમન્સ વિશે શું કહેવું … અને તે પછી ભરત શાહ ને કિરણ બેદીની બચકાના કિલકારીઓ વિશે તો ન બોલ્યામાં જ સાર, કે બીજું કૈ ? કહો જોઉં.
હશે ભાઈ, બેઉ છેડેની અદાકારી અને પ્રસંગપ્રાયોજના પછી સોયના નાકામાંથી પસાર થઈ ગયેલું કોઈ ઊંટ હોય તો તે રાબેતા મુજબની અમેરિકી શસ્ત્રસોદાગરીનું છે. અને અંકલ સામ જેનું નામ તે અહીંથી પરબારા સંચર્યા સાઉદી અરેબિયે : સત્તાવાર ખરખરો … અને તેલબજારી, જય હો !
જે જોવાનું રહેશે હવેના દિવસોમાં તે તો એ કે પાકિસ્તાન સાથે ધારાધોરણસર કેમનું ગોઠવાય છે. જે જોવાનું રહેશે હવેના દિવસોમાં તે તો એ કે ભારત-અમેરિકી સંબંધો સંદર્ભે ચીનને કેવી રીતે સમાલી શકાય છે. જે જોવાનું રહેશે હવેના દિવસોમાં ઘરઆંગણે તે તો એ કે ક્યારેક પોતે જેને આખ્ખેઆખ્ખું ઓળવી લેવાના મનસૂબા સેવ્યા હતા તે અણ્ણા હજારેનાં આંદોલનનાં મૂલ્યો અને માંગ બાબતે બાંધી મુદતમાં વિધાયક પ્રતિસાદ આપવાના ચૂંટણીઝુંબેશ બોલ વાસ્તવમાં કેવા ચરિતાર્થ થાય છે. જે જોવાનું રહેશે હવેના દિવસોમાં ઘરઆંગણે તે તો એ કે આંદોલનની અગનભઠ્ઠીમાંથી નીકળેલ હોઈ શકતી યાજ્ઞસેની શી આમ આદમી પાર્ટી સાથેનો દિલ્હી મુકાબલો કેવુંક કાઠું કાઢે છે; અને આ સંદર્ભે કિરણ બેદીનો કોઈ હક્કદાવો ગ્રાહ્ય બને છે કે કેમ.
અમેરિકી શસ્ત્રસોદાગરી અને તેલબજારીનો ઉલ્લેખ કર્યાથી અમેરિકી લોકશાહીમાં ઓબામાના ઉદય પાછળ રહેલ સમતા અને પરિવર્તનનાં જે પણ બળો યત્કિંચિત્ હોય એના અનાદરનો અગર અવમૂલ્યનનો આશય અલબત્ત નથી. માત્ર, આ કે તે છેડેથી આંખ આંજી દેતું ઇવેન્ટ મેનેજરું તે મૂળભૂત કારભારું કૂટ્યા બરોબર નથી એટલું કોઈકે તો કહેવું જોઈશે ને.
દેશના શીર્ષ નેતૃત્વ પર ઓળઘોળ આશાસમાજ દિલ્હીના ચૂંટણીજંગને ઓબામાશાઈ ચકાચૌંધથી હટીને જોઈ શકે તો આપણે જરૂર રાજી થઈશું. પરિણામનિરપેક્ષપણે પણ યથાસ્થિતિનાં બળો અને પરિવર્તનનાં બળો વચ્ચેના મુકાબલાની અસલિયત કંઈકે સમજાય તો ૨૦૧૫ના ગણેશ ઠીક જ બેઠા એમ કહીશું.
જાન્યુઆરી ૨૯, ૨૦૧૫
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2015, પૃ. 01-02