ભારત-ભારત કરીને કૂદાકૂદ કરતા એન.આર.આઈ.ઓને એવા જ એક એન.આર.આઈ. બોબી જિન્દાલે પાંચ આંગળાંની છાપ ગાલ ઉપર ઊપસી આવે એવો જોરદાર તમાચો ઠોક્યો છે.
અમેરિકાના લુસિયાના રાજ્યના ગવર્નર અને ભવિષ્યમાં અમેરિકાના પ્રેસિડન્ટ બનવાની ભરીભરી શક્યતા ધરાવનાર બોબી જિન્દાલે ભારતીય ઓળખ બાબત અણગમો વ્યક્ત કરી જણાવ્યું કે ‘મારાં માતાપિતા ૪૦ વર્ષ પહેલાં ‘ભારતીય અમેરિકન’ બનવા નહિ, પણ ‘અમેરિકન’ બનવા ભારત છોડીને આવ્યાં હતાં. અમેરિકા દેશ નહિ, સ્વપ્ન છે.’
અહીં એક નુક્તેચીની કરી લઉં કે કોઈએ એક-બે વર્ષ પહેલાં એક સરસ કૉમેન્ટ કરી હતી કે ‘જો અમેરિકા દરવાજા ખોલી નાખે, તો ભારતના અડધા કરતાં વધારે ભારતીય રીતસર અમેરિકા તરફ દોટ મૂકે !’ અમેરિકાને એમની મરજી વિરુદ્ધ ફરજિયાત દરવાજા બંધ કરવા પડે એવી પરિસ્થિતિ પેદા થાય. અર્થાત્ ‘અમેરિકા સ્વપ્ન’ છે, એ હકીકત સ્વીકારીને ચાલવામાં વાંધો નથી.
જિન્દાલે એ પણ કહ્યું કે ‘જે લોકો પોતાની જૂની સંસ્કૃિતને વળગી રહેવા માગે છે કે નવી સંસ્કૃિત ઊભી કરવા માગે છે કે અન્ય સંસ્કૃિત સાથે ભળી જવા માગે છે, તે અંગે જે ભેદભાવ છે, તે સ્વાયત્ત રાષ્ટ્ર માટે વાજબી છે !’ એટલે પોતે સ્વીકારેલા દેશમાં તમામ ભેદભાવ વાજબી રીતે સ્વીકારવા તે સંમત છે. જ્યારે આપણે એક રાષ્ટ્ર, એક સંસ્કૃિત, એક ભાષા, એક ધર્મ, અને એક વોટ નોટ-કરીને લડવામાંથી ઊંચા આવતા નથી. બોબી જિન્દાલ ગર્વનર બને કે એક નાના ગામડાગામમાં મેયર બને તો પણ અહીં પતાસાં વહેંચાય છે. પણ અહીંની નાગરિક બનેલી બાઈ વડાંપ્રધાન ના બની બેસે એ માટે ચોટલો જ નહિ, ડોકાં કાપવા પણ તૈયાર છીએ ! જેના પિતા ભારતીય હતા, એ સિવાય કશું ભારતીય નથી, ન ભાષા, ન માતા, ન પતિ, ન કુટુંબ, છતાં વિલિયમ્સ ઘર-ઘરનું લાડકું નામ બની ગયું ! આપણને પરાયાં આપણાં લાગે છે ને આપણા પરાયાં !
આ એન.આર.આઈ. (મને ખબર નથી કે પરદેશના નાગરિક થઈ ગયા છે, તેઓ પણ એન.આર.આઈ. ગણાય કે નહિ!) પરદેશમાં લઘુમતી તરીકે મળતા ભરપૂર લાભ મેળવે છે. માનવ-અધિકાર આગળ ધરી સમાન હક્કો મેળવે છે. તે પોતાના પિતૃઓના દેશને આ બાબતથી વંચિત રાખવા માગે છે ! હું હમણાં જ પરદેશમાં ગયો હતો. ત્યાં પુષ્ટિમાર્ગના એક મંદિરનું ઉદ્દઘાટન હતું. અને અમને પણ આમંત્રણ હતું. એક યજમાન મિત્ર કહે : ‘અહીંની સરકાર આપણી લઘુમતી માટે ખૂબ સારી છે. અમને આ મંદિરના ઉદ્દઘાટન (પ્રાણપ્રતિષ્ઠા) માટે ૪૦,૦૦૦/- ડૉલર આપ્યા છે. એટલે અમારો જમણવાર સહિત તમામ ખર્ચ એમાંથી નીકળી જાશે.’ મેં કહ્યું : ‘તમારે જલસા છે !’
એ જ એન.આર.આઈ. ભારતમાં એકચક્રી રાજ્ય સ્થાપવા ગતિમાન છે ! જે લાભ પોતાને મળે છે, એ લાભ પોતાના પિતૃદેશમાં લઘુમતીઓ લઈ ન જાય તે માટે ખૂબ સતર્ક છે ! પરદેશના નાગરિક થઈ ગયેલા લોકોના ઘેરઘેર એક જ વાત થતી. ‘ભારતમાં આપણી સરકાર ક્યારે લાવીએ. અને આપણી સંસ્કૃિત ક્યારે બચાવીએ.’ કહેવાનું મન તો થયું કે ‘ભલા માણસ દેશ છોડી દીધા પછી તમારાં છોકરાંને બચાવો તો ય ઘણું છે !’
એક-બે જગ્યાએ મેં જીભાજોડી પણ કરી. પછી હકીકત સ્વીકારી લીધી. એક જગ્યા પર જમવા ગયા. યજમાન યુવાનને તો આવા રાજકારણમાં રસ નહોતો. પણ તે ઘરના વડીલે મને પૂછ્યું : ‘આ વખતની ચૂંટણીમાં આપણી સરકાર નક્કી જ છે. તમને શું લાગે છે ?’ જીભાજોડી કરી મારે જમવાનો મૂડ બગાડવો નહોતો, છતાં મેં તેમને કહ્યું : ‘જો ચાલે તો આજે જ તમારા નેતાની તાજપોશી કરી આવો.’
મને કહે ‘હા, આ લઘુમતીને પાઠ શીખવે એવી સરકારની જરૂર છે.’ જો કે વાતનો ત્યાં અંત આવ્યો અને સુખેથી જમવાનું પત્યું. પરદેશમાં પોતાને જે લાભ મળે છે, તે પોતાના દેશમાં બીજાને ન મળે તે જોવા આકાશપાતાળ એક કરતી આ લાગણી કયા કારણે બળવતર બને છે, મારા માટે તેની મૂંઝવણ હજી જેમની તેમ છે !
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2015, પૃ. 04-06