ભારત દસ્તાવેજીકરણ માટે જાણીતો દેશ નથી. મૌખિક પરંપરા અને ‘હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા’ના સંસ્કારથી માંડીને સૂઝ અને દૃષ્ટિના અભાવ જેવાં કારણસર થોડા દાયકા જૂની વાતો અને ચીજો સદીઓ જૂની હોય એવી દુર્લભ કે લુપ્ત બની જાય છે. આ ‘ભારતીય પરંપરા’માં સૌથી મોટો અપવાદ છે ગાંધીયુગ. ગાંધીજીના સમયગાળા દરમિયાન ઇતિહાસના દસ્તાવેજીકરણનું ઉત્તમ કાર્ય થયું. તેના પરિણામે ‘ગાંધીજીનો અક્ષરદેહ’થી માંડીને ‘ગાંધીજીની દિનવારી’ જેવાં અભૂતપૂર્વ અને પરંપરાની દૃષ્ટિએ લગભગ અ-ભારતીય લાગે, એવાં કામ થયાં. ‘ગાંધી ગયા : હવે માર્ગદર્શન કોણ આપશે’ એ સંપાદન કદમાં નાનું, પણ મહત્ત્વની રીતે મોટું અને દસ્તાવેજીકરણની ભવ્ય ગાંધીપરંપરાનો ખ્યાલ આપતું પુસ્તક છે.
સમય ગાંધીહત્યા પછી તરતનો. ફેબ્રુઆરી ૨, ૧૯૪૮ના રોજ ગાંધીજી રચનાત્મક કાર્યકર્તાઓના સંમેલનમાં હાજરી આપવાના હતા. ૩૦ જાન્યુઆરીએ તેમણે વિદાય લીધી. એટલે સંમેલન કામચલાઉ મોકૂફી પછી ૧૧થી ૧૫ માર્ચ દરમિયાન સેવાગ્રામમાં યોજાયું. ત્યારે એ ‘રચનાત્મક કાર્યકર્તાઓ’નું નહીં, ગાંધીજીના અંતેવાસીઓ, અનુયાયીઓ અને ભારતના જાહેરજીવનના અગ્રણીઓનું મિલન બની રહ્યું. તેમાં એક જ માણસની ગેરહાજરી હતી, પણ એ ‘એક માણસ’નું ન હોવું એટલે શું, તેનો બરાબર ખ્યાલ આ સંમેલનની કાર્યવાહી વાંચતાં આવી શકે છે.
સંમેલનનો આશય એ હતો કે ગાંધીજીના ગયા પછી તેમનું કામ શી રીતે આગળ વધારવું અને મુશ્કેલી એ હતી કે ‘ગાંધીજીનું કામ’ એક ક્ષેત્ર પૂરતું સીમિત ન હતું. તેમની વિચારસ્પષ્ટતા અને પરિવર્તનશીલ મનનો વારસો કોઈ એક વ્યક્તિ ધારણ કરી શકે એવી ગુંજાશ ન હતી. કોમવાદની આગ ગાંધીજીનો ભોગ લીધા પછી પણ ભભૂકતી હતી. એ વખતે ગાંધી બિરાદરીનાં લગભગ તમામ મોટાં માથાં ૧૩થી ૧૫ માર્ચ, ૧૯૪૮ના રોજ મળ્યાં. એ યાદીની ઝલક અહોભાવ ઉપજાવે એવી છે : પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ, મૌલાના આઝાદ, આચાર્ય કૃપાલાની, કાકા કાલેલકર, પ્યારેલાલ, કિશોરલાલ મશરૂવાળા, વિનોબા ભાવે, જયપ્રકાશ નારાયણ, દાદા ધર્માધિકારી, ઠક્કરબાપા, જે.સી.કુમારપ્પા, શંકરરાવ દેવ, બાળાસાહેબ ખેર, ઝાકિર હુસૈન, ગુલઝારીલાલ નંદા, દેવદાસ ગાંધી, સરલાદેવી સારાભાઈ, મૃદુલા સારાભાઈ, બીબી અમતુસ્સલામ, સુચેતા કૃપાલાની … તબિયતનાં કારણોસર સરદાર પટેલ હાજર રહી શક્યા નહીં, તો રામમનોહર લોહિયા, આચાર્ય નરેન્દ્રદેવ, રાજગોપાલાચારી અને સરોજિની નાયડુ પણ ગેરહાજર હતાં.
પહેલી નજરે ‘ગાંધીવાળા’ લાગે એવા આ મહાનુભાવો વચ્ચેની વિચારભિન્નતા, અભિગમ અને કાર્યશૈલીનો તફાવત આખા પુસ્તકમાંથી સ્પષ્ટપણે ઊભરીને આવે છે. ગાંધીનું કામ કરતી જુદી-જુદી સંસ્થાઓને એક છત્ર નીચે આણી દેવી કે તેમને અલગ કામ કરવા દઈને તેમની ઉપર એક સામાન્ય સમિતિ જેવું રચવું? દેશભરનાં ગાંધીજનોનું ઔપચારિક સંગઠન કરવું કે પછી તેમને પોતપોતાની જગ્યાએ કામ કરવા દઈને, વર્ષે એક વાર મેળાના સ્વરૂપે તેમનું ખુલ્લું સંમેલન કરવું? આ મૂંઝવણો હતી. સંભવિત સંગઠનનું નામ શું રાખવું, એ વિશે પણ ઘણી ચર્ચા થઈ.
વિનોબા સભ્યોનું રજિસ્ટર, દફતર, ભંડોળ અને ચુસ્ત માળખું ધરાવતા સંગઠનના પક્ષમાં ન હતા. તેમને વર્ષે એક વાર મેળાસ્વરૂપે, પોતપોતાના ખર્ચે સૌ આવે અને મળે એવું સ્વરૂપ યોગ્ય લાગતું હતું. પરંતુ બીજા ઘણાને ઔપચારિક સંગઠન આવશ્યક લાગતું હતું. ઘણી ચર્ચા પછી ‘સર્વોદય સમાજ’ની રચના પર સંમતિ સધાઈ. તેમાં સભ્યોની યાદી રાખવાની હતી, પરંતુ તેનું સ્વરૂપ એકદમ મુક્ત હતું. દરેક વર્ષે એક મેળો થવાનો હતો. (‘સંમેલન’ને બદલે ‘મેળો’ એટલા માટે કે કોઈએ તેનું આયોજન ન કરવું પડે અને ખર્ચના-ભંડોળના પ્રશ્નો ન આવે.)
ગાંધીજીના નામે સંપ્રદાય ન થાય કે તેમનો વિચારવારસો જડ ન થઈ જાય, એ માટે સૌ સચેત હતા. રાષ્ટ્રવાદી સંત તુકડોજી મહારાજે કહ્યું હતું, ‘તુકારામ મહારાજ પછી મહારાષ્ટ્રમાં ત્રણસો વર્ષમાં ત્રણસો સાઠ મઠ બન્યા છે. એટલે કોઈ મંડળ અને એના પ્રમુખ-મંત્રી જેવી કોઈ ચીજ ન બનાવાય, નહીં તો અનેક જગ્યાએ ગાંધીવાદના મહંતો ઊભા થઈ જશે.’ વિનોબાએ વધારે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું,‘ગાંધીજીનો કોઈ સિદ્ધાંત હોત, તો મૃત્યુ પછી એઓ પોતાની સાથે લઈ ગયા હોત, પણ એવું નથી. સિદ્ધાંત ગાંધીજીના નથી, પરંતુ ગાંધીજી દ્વારા પ્રગટ થયા છે. એને જ્યારે હું ગ્રહણ કરું છું ત્યારે તે મારા બની જાય છે. એમને લોકો સમક્ષ રાખતી વખતે ગાંધીજીના નામે રાખવાની જરૂર નથી.’
આચાર્ય કૃપાલાનીએ તેમની વ્યંગાત્મક શૈલીમાં કહ્યું, ‘… ઘણા આશ્રમવાસીઓ ઠીક બાપુની જેમ એ જ જગ્યાએ ઘડિયાળ લગાવે છે, જ્યાં બાપુ લગાવતા હતા. મને ડર છે કે બાપુને નામે જે સંસ્થા બની રહી છે, એમાં ક્યાંક આવું ન થાય. બાપુના માર્ગે ચાલવાનો મતલબ એ નથી કે આપણે એમની નકલ કરીએ … આપણે ખબરદાર રહીએ. પોતાને ઊંચા અને પવિત્ર સમજનારાઓની એક જમાત ન બનાવી દઈએ.’
વડાપ્રધાન નેહરુ આવવાના હોવાથી સેવાગ્રામમાં કાંટાળી વાડો ને પોલીસ-બંદોબસ્ત રાખવામાં આવ્યો. તેનાથી અકળાયેલા જે.સી. કુમારપ્પા થોડો વખત બેઠકમાંથી ગેરહાજર રહ્યા. આચાર્ય કૃપાલાનીએ કહી દીધું, ‘આપણે અહિંસક કહેવડાવીએ છીએ. આપણને એ ચીજોની શું જરૂર છે? અને જો કોઈને માટે આવા બંદોબસ્તની જરૂર જ હોય, તો તે વિવેકપૂર્વક કરવો જોઈએ. આ રીત બિલકુલ અભદ્ર છે … તમે આપણા તરફથી કહી દેજો કે જેમને આવી રીતનું રક્ષણ જોઈએ એ મહેરબાની કરીને આવી પરિષદમાં ન આવે.’
નેહરુ વાત કરવા ઊભા થયા, ત્યારે અલગ-અલગ વક્તવ્યોમાં તેમણે કહ્યું, ‘જો મારે લીધે આટલો બધો બંદોબસ્ત કરવામાં આવ્યો હોય તો મને તેની શરમ આવે છે … હું સરકારમાં રહું છું. દિલ્હીમાં રહું છું. રાત-દિન પહેરામાં રહેવું પડે છે. મારે માટે અહમદનગર અને બીજાં કેદખાનાં કરતાં મોટું કેદખાનું આ છે …’
નેહરુ સહિત કેટલાકના મનમાં દેશના આંતરિક વિભાજન અને કોમી દ્વેષનો પ્રશ્ન સૌથી ઉપર હતો. તેમણે કહ્યું, ‘તમારી શક્તિ પાયાની વાતો પર લગાડો. ડાળ-પાંદડાંમાં ખોવાઈ ન જાવ.’ કૉંગ્રેસને વિખેરીને ‘લોક સેવક સંઘ’ બનાવવાના ગાંધીજીના સૂચન અંગે નેહરુએ સમજાવ્યું કે ‘કૉંગ્રેસ પોલિટિકલ મેદાનમાંથી હઠી જાત, તો કોઈ ને કોઈ પોલિટિકલ સંસ્થા બનત. ખાલી નામ બદલીને એ જ લોકો ઊભા થઈ જાત અને તેઓ બેકાબૂ થઈ જાત. એટલે એવો વિચાર કર્યો કે એનું પોલિટિકલપણું બિલકુલ ખતમ ન કરીએ. કૉંગ્રેસ જૂની છે, એનો જે કાબૂ સભ્યો પર છે, એ નવી સંસ્થાનો ન રહી શકે … જે પોલિટિકલ કામમાં રહેવા ઇચ્છે એમને માટે એક સંસ્થા જોઈએ. પોલિટિકલ લાઇફ તો બંધ નહીં થઈ શકે …’
વાતચીતમાં ગાંધીહત્યા સંદર્ભે હિંદુ મહાસભા-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો બે-ત્રણ વાર ઉલ્લેખ આવ્યો. તેમાં મુખ્ય સૂર એવો હતો કે માત્ર એ લોકોનો વાંક કાઢીને બેસી રહેવાય નહીં. કુમારપ્પાએ તો એ હદે કહ્યું કે ‘ગુનો આપણો છે. આપણે એ નવયુવકોનો સદુપયોગ કર્યો નહીં.’ વિનોબાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અસલિયત વિશે જરા વિગતે વાત કરી અને કહ્યું કે ‘એક ધાર્મિક વર્તમાનપત્રમાં એમના ગુરુજીનો એક લેખ કે ભાષણ વાંચ્યું. એમાં લખ્યું હતું કે હિન્દુધર્મનો ઉત્તમ આદર્શ અર્જુન છે. એને પોતાનાં ગુરુજનો પર આદર અને પ્રેમ હતો. એણે ગુરુજનોને પ્રણામ કર્યાં અને એમની હત્યા કરી. આ પ્રકારની હત્યા જે કરી શકે તે સ્થિતપ્રજ્ઞ હોય. મતલબ એ કે આ દંગોફિસાદ કરનારી ઉપદ્રવકારીઓની જમાત નથી. આ ફિલોસૉફરોની જમાત છે. એમનું એક તત્ત્વજ્ઞાન છે અને એ પ્રમાણે નિશ્ચય સાથે તેઓ કામ કરે છે.’
ગાંધીબિરાદરીમાં પચીસ વર્ષથી હોવા છતાં પંડિત નેહરુ અને વિનોબા આ બેઠકમાં પહેલી વાર રૂબરૂ મળ્યા. (એવું વિનોબાએ નોંધ્યું છે.) ગાંધીબિરાદરીના લોકો માર્ગદર્શન માટે વિનોબા ભણી જોતા હતા. કેમ કે, ગાંધી પછી નવા માણસોને આકર્ષવાની સૌથી વધુ શક્તિ તેમનામાં હતી – અને નવા માણસો પૂરતા પ્રમાણમાં આકર્ષાતા નથી એ સમસ્યા હતી. પરંતુ વિનોબાએ પંડિત નેહરુને સરકારના પ્રતિનિધિ તરીકે જોવાનો ઈન્કાર કરીને તેમને કહ્યું, ‘આપની સાથે કામની એક વાત થઈ શકે છે. તે એ છે કે અમે તમારા છીએ અને તમે અમારા છો. તમારી મુશ્કેલી એ અમારી મુશ્કેલીઓ છે. અમારી પાસેથી આપ શું ઈચ્છો છો? આપ માર્ગદર્શન કરો અથવા તો આપ હુકમ કરો તો પણ અમે કામ કરીશું …’ પંડિત નેહરુએ આ માટે પોતાની અશક્તિ દર્શાવી અને એ મતલબનું કહ્યું કે ‘મારી પાસે માર્ગદર્શન ન માગશો. મને તમારામાંનો એક ગણજો.’
બુદ્ધ અને ઈસુના મૃત્યુ પછી તેમના શિષ્યોએ આવી બેઠકો કરી હતી, તેનો ઉલ્લેખ પણ આ લોકોની વાતચીતમાં મળે છે. પરંતુ એ બન્નેમાંથી કોઈ બેઠકનું બુદ્ધ કે ઈસુના જીવનદર્શનને છાજે એવું પરિણામ આવ્યું ન હતું. કંઈક એવી જ સ્થિતિ ગાંધીજીના સાથીદારોની બેઠકમાં અને ત્યાર પછી થઈ. તેનાં ઘણાં કારણમાંનું એક સંભવિત કારણ આચાર્ય કૃપાલાનીની વાતમાંથી મળે છે. કૃપાલાનીએ કહ્યું હતું, ‘આપણા દેશમાં એક-એક માણસ એકલો ઘણું સારું કામ કરે છે. આપણી બરોબરીવાળા સાથે કામ કરવાની કળા આપણામાં નથી … ગાંધીજીથી એક મોટી ભૂલ થઈ. એમણે આપણને કહ્યું કે તમારા દુશ્મન સાથે પ્રેમ કરો. અહીં તો ભાઈઓ સાથે પણ પ્રેમ નથી કરતા. મારામાં પણ એ ઊણપ છે. હું સાથીઓ સાથે પ્રેમ કરવાનું શીખ્યો નહીં.’
આખી ચર્ચામાં અનેક નાના-મોટા, ચોટદાર અને આજના સંદર્ભે ઉપયોગી, વિચારપ્રેરક મુદ્દા મળે છે. ગાંધીજીની ગેરહાજરી કેટકેટલા સક્ષમ લોકો સાથે મળીને પણ પૂરી શકતા નથી, એ અહેસાસ વધુ એક વાર આ વાંચીને તાજો થાય છે. આખી કાર્યવાહીની નોંધ કોણે તૈયાર કરી, એ જાણવા મળતું નથી. હિંદીમાં તૈયાર થયેલો એ આખો દસ્તાવેજ ‘સર્વસેવા સંઘ’ તરફથી ૨૦૦૬માં બંગાળના રાજ્યપાલ અને અભ્યાસી લેખક ગોપાલકૃષ્ણ ગાંધી સુધી પહોંચ્યો. તેમણે નોંધનો અંગ્રેજી અનુવાદ કર્યો અને ચર્ચામાં ભાગ લેનાર મહાનુભાવોના ટૂંકા ઉપયોગી પરિચય ઉમેર્યા. એ સામગ્રી ‘ગાંધી ઇઝ ગોન : હુ વિલ ગાઇડ અસ નાઉ?’ નામે પ્રકાશિત થઈ. (પરમેનન્ટ બ્લૅક, ૨૦૦૯). એ જ વર્ષે પુસ્તકનો ગુજરાતી અનુવાદ (અનુવાદ : રમણ મોદી, પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ) પ્રકાશિત થયો. આટલો અગત્યનો દસ્તાવેજ, ભલે થોડા ખામીયુક્ત અને ખાંચાખૂંચીવાળા અનુવાદ સાથે પણ, ગુજરાતીમાં ઉપલબ્ધ બન્યો. તે આનંદની વાત છે. ગાંધીના કોઈ પણ પ્રેમી, અભ્યાસી કે ટીકાકારે અને જાહેર જીવનમાં રસ કે હિસ્સો ધરાવનારે આ પુસ્તક ચૂકવા જેવું નથી.
e.mail : uakothari@gmail.com
[સૌજન્ય : नवजीवनનો અક્ષરદેહ, જાન્યુઆરી – ફેબ્રુઆરી 2015]
“નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2015, પૃ. 04-06