૨૮ ફેબ્રુઆરી, ૨૦૦૯ : ગોધરાની નિર્ઘૃણ ઘટનાને સાત વરસ પૂરાં થશે અને એ દિવસોમાં માર્યા ગયેલાઓનો સત્તાવાર જુમલો હાલ સ્વીકૃત ૯૫૨ માં બીજા ૨૨૮ 'ગુમ થયેલાઓ' વિધિવત્ મૃત જાહેર કરતાં ૧૧૮૦નો થશે. ૨૦૦૨ની પૃષ્ઠભૂ ઉપર ફિલ્માવાયેલ 'પરઝાનિયા'નું વસ્તુ જે એક ખોવાયેલ બાળકની સત્યઘટના આસપાસનું હતું તે બાળક પણ આ સાથે મૃત જાહેર થશે. એક વાત સાચી કે આવા વિધિવત્ સ્વીકારને કારણે મૃતાત્માના કુટુંબને વળતર આપવાની પ્રક્રિયા પૂરી થઈ શકશે, અને એ મોડો પણ એક લાભ જ છે. પણ તે સાથે ૨૨૮ ગુમ થયેલાઓની આ સાત-સાલી દાસ્તાં બીજી પણ એક વાત સૂચવે છે. અને તે એ કે ન્યાયની પ્રક્રિયા આપણે ત્યાં કઈ હદે ધીમી છે.
અહીં ન્યાયની પ્રક્રિયા અગર તો કાયદો કાયદાનું કામ કરશે એ પ્રકારની ભૂમિકા વિશે કંઈક ઊહાપોહ કરવાનું તત્કાળ નિમિત્ત અમદાવાદની જુમા મસ્જિદના ઇમામ મુફતી સિદ્દીકીએ પૂરું પાડ્યું છે. મુફતી સિદ્દીકીના હવાલા સાથે ડિસેમ્બર ૨૦૦૨ની ચૂંટણીઓમાં મુસ્લિમોએ ભાજપને મત આપવો નહીં એવો ફતવો અખબારી જાહેરખબર વાટે પ્રસારિત થયો ત્યારથી તેઓ એકસાથે વિવાદ અને ધ્યાનનું કેન્દ્ર રહ્યા છે. તેઓ ભાજપનાં વર્તુળોની નજીક છે અને મુસ્લિમો માટે આ પ્રકારના ફતવાથી હિંદુ મતોનું વળતું દૃઢીકરણ ભાજપની તરફેણમાં થાય એ હેતુસર આવી પ્રયુક્તિ અજમાવાઈ છે એવો એક મત ત્યારે પ્રવર્તતો હતો. મુફતી સિદ્દીકીએ હમણાં, પૂરાં સાત વરસે, 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ની પૃચ્છાના ઉત્તરમાં ખુલાસો કર્યો છે કે આ જાહેરખબર કૉંગ્રેસવાળાઓએ આપી હતી અને એમાં મારા નામનો ઉપયોગ કરવા બાબત એમણે મને જાણ સુદ્ધાં નહોતી કરી. કૉંગ્રેસ અને ભાજપ બેઉ એકબીજાને આંતરવા અને મતબૅન્કો ઓળવવા આવા ખેલ પાડવામાં માહેર છે એટલે, સિવાય કે, આ પક્ષો સત્તાવાર કોઈ રદિયો કે ખુલાસો બહાર પાડે આપણું સત્યાન્વેષણ સવાલિયા દાયરામાં જ રહેવાનું. તેમ છતાં, જેમ ખેલપાડુ પક્ષમાસ્તરોની તેમ ખેલપાડુ મજહબ માર્તંડોનીયે ખોટ નથી, એ ચિંતાનો વિષય હતો, છે અને રહેશે. માત્ર, મુફતી સિદ્દીકીની એ મુદ્દે ટીકા મ્યાન ને મોકૂફ રાખી અહીં એમના બીજાં એકબે વિધાન આસપાસ ટૂંકો નિર્દેશ કરવાનો ખયાલ છે.
મુસ્લિમોને કૉંગ્રેસ અને ભાજપ બેઉ તરફથી અન્યાય થતો રહ્યો છે એવી ભૂમિકા સાથે મુફતી સિદ્દીકીનું કહેવું છે કે ૨૦૦૨માં જે બન્યું તેને વાસ્તવ કરતાં વધુ વગોવાયું છે. મોદીને જીતવા સારુ મુસ્લિમ મતોની ગરજ નથી એ સમજીને મુસ્લિમોએ મોદીની બાકી કામગીરીની કદર બૂજવી જોઈએ. બાકી, કાયદો કાયદાનું કામ કરશે.
ઝડપથી એક બે નિરીક્ષણો, અને વાત પૂરી. સવાલ મોદીને મુસ્લિમ મતોની ગરજ ન હોવાનો કે કૉંગ્રેસ અને ભાજપ બેઉ કોમી હોવાનો કે ન્યાયની પ્રક્રિયાનો જ એટલો નથી, જેટલો કાયદાના શાસનનો અને નાગરિક ભાવનાનો છે. કાયદાને કાયદાનું કામ કરવા દેવા માટે બેસ્ટ બેકરીના કેસને રાજ્ય બહાર લઈ જવો પડે અથવા સર્વોચ્ચ અદાલતે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ ઉતારવી પડે એ મોદીના ગુજરાતમાં પ્રવર્તતી અનવસ્થા સૂચવે છે. બીજું, કૉંગ્રેસ કે ભાજપ સાથે તેમ સંખ્યાબંધ મુસ્લિમો અગ્રણીઓ સાથે નાગરિક સમાજ તરીકે આપણી પાયાની ફરિયાદ એ છે કે ભેદભાવ વગરનું રાજકારણ અને કાયદાનું શાસન એ કોઈ હિંદુઓ અગર મુસ્લિમોમાં સીમિત સવાલ નથી. તમે નાગરિક તરીકે આખી વાતને જોવાસમજવા તૈયાર છો કે કેમ એ પાયાનો સવાલ છે. મુફતી સિદ્દીકીએ, જેમ બીજા અનેકે, આવા વ્યાપક સંદર્ભમાં આખી વાતને જોવાપણું છે.