રાજ્ય શું, સમાજ શું – બધું ઠીક મારા ભૈ. બજાર, બજાર, બજાર અને બજાર : આથમણે, ઉગમણે, પડમાં ને પરિઘે ; બજાર, બજાર અને બજાર. 1917ની રૂસી ક્રાન્તિ વેળાએ કહેવાતું હતું કે ઝારના સૈનિકોએ મોરચે ઉઘાડપગી હાલતમાં લડવું ને રવડવું પડ્યું એ ઘરઆંગણે ક્રાન્તિને વાસ્તે મતદાન જેવી બીના હતી. જેમ ઝારના બેહાલ સૈનિકો તેમ ભારતનું ખુશહાલ શેરબજાર, બેઉ પોતપોતાને છેડેથી પરિવર્તનનો સંકેત કે તેનો પોકાર છે. જોડાં વિનાના જવાનોની વાત તો ખેર છોડો પણ કૉંગ્રેસ-નીત યુપીએ સરકારને શેરબજારની તવારીખમાં પ્રથમ વાર તેજીની સર્કિટે વધાવાય, કોઈકે નાટકી રીતે કહ્યું તેમ 21 ના શતાંકે સલામી અપાય ત્યારે હરખને હિલોળે ચડવું કે સમજના બારામાં લાંગરવું, એ એક સવાલ તો છે જ.
એક વાત સાચી કે હરખના હિલોળામાં રાષ્ટ્રીય મિજાજ પ્રગટ થાય છે, એમ કહી તો શકાય. ભાજપને, ડાબેરીઓને અને કથિત ત્રીજા મોરચાના સાથીઓને કોરાણે રાખી યુપીએને સુવાંગ પોતાની બહુમતીની આસાએશ લગોલગના ચૂંટણીચુકાદાએ સ્થિરતાના ખયાલે બજારને પણ વાજીકરણનો માયાનુભવ કરાવ્યો છે. અને શેરબજાર વિશે તે ભલે ભાડમાં જાય એવી તુચ્છતાભરી ઉક્તિથી પ્રતિક્રિયા આપતા બર્ધનની છીંકણી લેનારું હાલ દિલ્લી દરબારમાં કોઈ હોવાનું નથી એટલે તેજીનો ઘોડો ઓર તાનમાં હોઈ પણ શકે.
બહુશંકુ લોકસભાની સંભાવનાઓ વચ્ચે આ સ્થિર સરકાર માટેના મતદાનનો માયનો અને મરમશો છે વારુ ? જે બધા નાનામોટા મતબૅન્કી જમાવડા પડમાં પધાર્યા જણાતા હતા. એમને વટીને મતદારોએ મતદાન કર્યું છે. કદાચ, જે નવો અને વિસ્તરતો મધ્યમવર્ગ છે એણે નાતજાતકોમની ગણતરીઓ અને સામસામી જમાવટોને કોઈક સ્તરે નકારી કાઢી છે. નાતજાતકોમની અપીલ હતી, છે અને રહેશે. પણ જે બે પાંચ ટકાનો હિલોળો (સ્વિંગ) બાજી પલટે છે એણે આ અપીલને ગણકારી નથી. એની ચાલના ચોખ્ખી બહુમતી અને સ્થિર સરકારની છે. પશ્ચિમ બંગાળમાં પણ જે ભદ્રલોક સ્થિર ડાબેરી સરકારનો દાયકાઓથી હેવાયો બનેલો છે એણે ડાબેરીઓને દિલ્હીના સ્તરે અસ્થિરતાના વાહક તરીકે જોયા, અને એ રીતે નકારી કાઢ્યા ! નંદીગ્રામે એવી સ્થિતિ સરજી કે બૌદ્ધિકો ડાબેરી વિચારવલણો સાથે હશે, ડાબેરી મોરચા સાથે નહીં.
ક્લાસિક દાખલો જો કે ઉત્તરપ્રદેશમાં કૉંગ્રેસના નવજીવનનો છે. કૉંગ્રેસનો એક લાંબો સર્વસમાવેશક ઇતિહાસ રહ્યો છે (જેને આંબેડકરે ક્યારેક ધર્મશાળા કે રેલવે પ્લેટફોર્મ કહેતાં સંકોચ નથી કર્યો). માયાવતી, મુલાયમસિંહ અને કલ્યાણસિંહ વગેરે જે બધી મતવખારો ખેંચતાંખદેડતાં ચાલ્યાં તે પછી કૉંગ્રેસ તદ્દન ક્ષીણદુર્બળ થઈ ગઈ હતી. આ ચૂંટણીમાં વિસ્તરતા મધ્યમવર્ગે આ સૌ અપીલોને વટીને કૉંગ્રેસની સર્વસમાવેશી સંભાવના અને સ્થિર સરકાર તરફે મતદાન કર્યું છે. ગુજરાતમાં મોદીનો કરિશ્મા અને હિંદુત્વની અપીલ સ્ટીમ રોલરની પેઠે પૂર્વવત્ ફરી વળ્યાં નથી. આપણે ત્યાં વર્ણ અને વર્ગ ઠીક ઠીક ગંઠાઈ જાય છે તેમ નવો મધ્યમવર્ગ અને પટેલ પરિબળ ક્યાંક એક થઈ ગયાં અને સ્થિર સરકાર માટે ભાજપને મુકાબલે ઠરેલ ને ઠાવકા જણાતા પક્ષની જોડે રહ્યા. વરુણનું કોમી રાજકારણ પોતાના મતવિસ્તાર પૂરતું ફળ્યું, જેમ મોદીને 2002માં ગુજરાતમાં ફ્ળ્યું હતું. પણ ભાજપને સારુ ઉત્તરપ્રદેશમાં વરુણ કે દેશમાં ગુજરાત એક જવાબદારી બની રહ્યાં, કેમકે વિસ્તરતા મધ્યમવર્ગને આવો છેડાવાદ સોરવાતો નથી.
રાજ્યે રાજ્યે, કિસ્સે કિસ્સે છાયાભેદ અને ઝોકફેર હોઈ શકે પણ આ ચુકાદો છે તો મધ્યમવર્ગ, મધ્યમમાર્ગી. મુશ્કેલી શું છે કે જે બધી મંડલ કે દલિત અગર બીજી જમાવટો રાજકારણના મુખ્ય પ્રવાહમાં એટલે કે સત્તામાં ભાગીદારી ઇચ્છે છે એમના છેડાવાદને ફગાવ્યા પછી પણ તમારે એમને અંગે સમાવેશી તો બનવું જ રહે છે. વિસ્તરતા મધ્યમવર્ગની આ માટે કેટલી સમજદારી અને તૈયારી છે તે બાબતે આપણે આશ્વસ્ત નથી.
શેરબજારનું ઊંચકાવું, તેજીની સર્કિટે બંધ થવું એમાં સ્થિરતાની સંભાવનાને સલામી હશે, પણ દેશના વાસ્તવિક ઉત્પાદન અને વાસ્તવિક વિકાસ આંક સાથે એનો કોઈ સીધો સંબંધ નથી. વિકાસની સહભાગિતા અને સમતાની પોલિટિકલ ઇકોનોમી વિના આ શેરબજારથી કોઈ ભોં ભાંગવાની નથી. વૈશ્વિકીકરણે અને ઉદારીકરણે જે મધ્યમવર્ગને વિસ્તાર્યો છે એને જો આ ખબર નહીં હોય તો લોકશાહી રાહે વિકાસના અર્થકારણ અને રાજકારણમાં સર્કિટથી શૉર્ટ સર્કિટ વચ્ચે એક શબ્દ (અને તે પણ બે અક્ષર માત્ર) કરતાં ઝાઝો ફરક હોવાનો નથી. તમે જેમને બ્લેકમેલ કરનારાં કહો છો તે પરિબળોને ઠમઠોરો, જરૂર ઠમઠોરો ; પણ એમના મુદ્દાની માવજત લેતે છતે.