આનંદો, વિશ્વગુર્જરો ! ઓબામા તંત્રે એના વહીવટી ભરતી પત્રમાં ઉમાદવારો કને પરદેશ – પરિચયના ખાનામાં જે બધી વૈકલ્પિક ભાષાઓની જિકર કરી છે એમાં ગુજરાતી પણ છે. દેશાભિમાન પેઠે ભાષાભિમાનને ધોરણે અસ્મિતા હુંકારનો અવસર ઓબામા તંત્રની આ ચેષ્ટામાં જરૂર જોઈ શકાય. ઉલટ પક્ષે, અમેરિકી સમવાયતંત્રનું એક વધારાનું રાજ્ય બનવાને સારુ પ્રતિપલ લાલાયિત જણને આમાં બખ્ખેબખ્ખાનોયે બોધ થઈ તો શકે.
જોકે આ બંને પ્રતિભાવો અગર તો પ્રતિક્રિયાઓ કેવળ અને કેવળ સપાટ સમજ જેવી બની રહે એવો પૂરો સંભવ છે, સિવાય કે ઓબામા ઘટનાને આપણે એની સમગ્રતામાં પ્રીછી શકીએ. વાત એમ છે કે અબ્રાહમ લિંકન અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની શહાદત સહિતની કિંમત ચૂકવીને સૈકાલાંબા સંઘર્ષને અંતે બોગદાને છેડે ભળાતા સૂર્યપ્રકાશવત્ અગર તો અરુણોદય શો આ ઓબામા ઉદય છે. એક અશ્વેતનું આવા ને આટલા ઉચ્ચાસને પહોંચી શકવું તે અમેરિકી લોકશાહીએ એની સર્વ મર્યાદાઓ વચ્ચે અને છતાં પ્રગટ કરેલ સર્વસમાવેશકતાને આભારી છે.
ઓબામા તંત્રની પહેલને પગલે ગુજરાતને જો કોઈ પૈંજાર્ય અનુભવાતું હોય તો રણરંગમાંં કે 'શર' માં આવતાં પૂર્વે એણે આ પગલાનો મરમ ને માયનો આત્મસાત્ કરવા ઘટે છે, અને એ કસોટીએ આપણે ક્યાં ઊભા છીએ એનાં લેખાંજોખાં માંડવા ઘટે છે. પહેલી વાત તો એ કે લોકતંત્ર માત્રે લોક લગી એની ભાષામાં પહોંચવાપણું છે, યુરોપ – અમેરિકા જેમ ગુજરાતી કે બીજાં ભાષામૂળના નાગરિકોની બાલાશ જાણવાની કોશિશ કરે છે તેમ. બીજી વાત એ કે શિક્ષણ અને વહીવટમાં સ્વભાષાનો આગ્રહ, એનું એક શાસ્ત્રશુદ્ધ મૂલ્ય છે. ત્રીજી વાત એ કે આ આગ્રહ ( અને એ હોવો જ જોઈએ) એકંદર વ્યવસ્થા અને વ્યવહારમાંથી બાકીનાની બાદબાકી કરતો ન હોવો જોઈએ.
ગુજરાતમાં ભાષા પરિષદે સાથી સંસ્થાઓ સાથે મળીને ગુજરાતી ભાષા બચાવો ઝુંબેશ હાથ ધરી છે. ચાલુ મહિને, જેમ વિશ્વસ્તરે તેમ તળ ગુજરાતમાં પણ ભાષા દિવસ, આજના સંજોગોમાં જરી વધુ જ જોસ્સાથી ( ખરું જોતાં, વિથ અ વેન્જન્સ ) મનાવાશે. પણ ત્યારે વહીવટમાં અને માધ્યમ તરીકે ગુજરાતીને એનું સહજ સ્થાન મળે એ વાત પર પૂરતો ભાર મૂકાશે? ખાસ કરીને કરમુક્ત ગુજરાતી ફિલ્મોમાં વીરનાયકોની જે બધી 'વાળો' – પરંપરા હતી એની યાદ તાજી કરાવતા જે બધા વીર વાઈબ્રન્ટવાળાઓ નીકળી પડ્યા છે એમને આ મુદ્દે જે રાજકીય ને શાસકીય ટાંચાપણું પડ્યું છે એની રગ આવશે? કે પછી, એમ જ, અખાખ્યાત તલકોદરા શૈલીએ તેઓ અંધારે આથડ્યા કરશે?
કર્ણાટકે પ્રાથમિકનાં વરસોમાં માતૃભાષા ( કન્નડ) અનિવાર્ય કરીને દાખલો બેસાડ્યો કહેવાય છે. ગુજરાત એવું કાંક કરી જાણશે, કે પછી મેંગ્લોરમાં જે બધા ધારાધોરણ વગર ધોરણ સ્થાપવા નીકળી પડ્યા એમના જેવો ખેલ પાડશે? કોમી અને બીજાં વિભાજન તેમજ ઘવાયેલી પ્રાદેશિકતાનું જે કોકટેલ ઠાકરે કાકાભત્રીજાનો શૈલીવિશેષ બની રહેલ છે એની એક ઓર વાનર નકલનું વરવું ઉદાહરણ પૂરું પાડશે? ખરું જોતાં, કથિત મુખ્યધારામાં અને ધારાને હોવી જોઈતી આ ચિંતા સમાંતર ગુજરાતમાં – કદાચ, સીમાન્ત ગુજરાતમાં કરવી પડે એ પણ એક યુગબલિહારી સ્તો.