બુનિયાદી સવાલ શિક્ષણની તરાહનો ?
ગૂજરાત વિદ્યાપીઠ : વર્ણ અને વર્ગને ઓળાંડી જવાની શૈક્ષણિક મથામણના નવ દાયકે,
‘યુજીસી ગાઈડલાઈન્સ’ની પેલી મેર …
કોઈકે, કદાચ ધીરુભાઈ ઠાકરે એ મતલબનો પેરેલલ અંકિત કર્યો છે કે અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠ અને દીવાબત્તી એક સાથે આવ્યાં! અહીં અભિમત બાબત અલબત્ત સ્થૂલ સાલવારીની નથી. એ તો થોડી આઘીપાછી પણ વખત છે ને હોઈ શકે. પણ મુદ્દાની વાત એ છે કે આપણા વિશ્વકોશકારને ગાંધીજીનું શૈક્ષણિક પ્રસ્થાન, એકદમ જ જાણે કે ‘ભોમંડળમાં અજવાળું’ થયા જેવું લાગ્યું હતું. નવેમ્બર 2014માં આ પેરેલલ સાંભરી આવ્યો તે માટેનો ધક્કો અલબત્ત વિદ્યાપીઠના કુલનાયક (વાઈસ ચાન્સેલર) સંબંધે અને વિદ્યાપીઠ આસપાસ તાજેતરના દિવસોમાં જે બધો ઊહાપોહ ચાલ્યો તેને કારણે છે. સુદર્શન આયંગારનું સ્થાન હવે યથાસમય અનામિક શાહ લેશે. જો કે સર્ચ કમિટીની નિમણૂકને (અને તેથી કુલનાયકની વરણીને) કોઈક વર્તુળો પડકારવા ઈચ્છે છે એવા હેવાલો છે. પણ આ આખા ઘટનાક્રમને નકરી ટેકિનકાલિટીમાં ખતવી નાખવાથી વિદ્યાપીઠ નામે ઘટનાનો મરમ અને માયનો સમજવાથી વંચિત રહીએ એવું યે બને.
ભોમંડળમાં અજવાળા જેવો એક અનુભવ, એમ તો, 1857માં પણ ક્યાં નહોતો થયો? જેવો કહો તેવો પણ એક વિપ્લવ ત્યારે થયો હતો જેણે કંપની બહાદૂરના અંગ્રેજી રાજને પડકારવાપણું જોયું હતું. પણ આ જ 1857નું વરસ પાછું મુંબઈ યુનિવર્સિટીની સ્થાપનાનું પણ વરસ છે ! સાંસ્થાનિક રાજ સામે સામંતી તો સામંતી પણ એ જો એક સ્વરાજ ઉછાળો હતો તો જેની ખરે જ ખાસી જરૂર હતી એવા નવા જ્ઞાન અને નવી કેળવણી વાસ્તે યુનિવર્સિટીના આરંભનો પણ એ હરખ ઉછાળો હતો.બીજી પાસ, ગુરુકુલ કાંગડી અને શાંતિનિકેતન જેવા પ્રયાસો છતી નવી યુનિવર્સિટીઓએ ભારતીય છેડેથી કાંક જુદું જે જરૂરી જણાયું એમાંથી આવ્યા હતા. હકીકતે, 1915માં ગાંધીજી આફ્રિકાનો વસવાટ સંકેલી ભારત પાછા ફર્યા તે આગમચ એમણે ત્યાંના આશ્રમસાથીઓને દેશમાં મોકલી ગુરુકુલ કાંગડી અને શાંતિનિકેતનમાં રહેવા પણ સૂચવ્યું હતું. ગાંધીજી દેશ પરત ફર્યા પછી આ સાથીઓની સંભાળ લેવા શાંતિનિકેતન ગયા ત્યાં જ એમની કાલેલકર અને કૃપાલાની સાથે પ્રથમ મુલાકાત થઈ હતી, જે બંને આગળ ચાલતાં ગૂજરાત વિદ્યાપીઠ મારફતે નવગુજરાતનું ઘડતર કરવામાં અગ્રભૂમિકા ભજવવાના હતા.
પાછલા ઇતિહાસમાં જરી લાંબે ગયો છું, પણ ઉતાવળે એક વિગત કરી લઉં કે શાંતિનિકેતન અને કાંગડી તરેહનો નહીં પણ બ્રિટિશ ધાટીએ યુનિવર્સિટી પરંપરાનો કહી શકાય એવો એક મહદ્દ પ્રયાસ મદનમોહન માલવીયે કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય(બનારસ હિંદુ યુનિવર્સિટી)રૂપે કર્યો હતો. એમાં પ્રાચીન ભારતીય ખેંચાણ અને પરદેશી સરકારની માન્યતા બેઉની અજબ જેવી મિલાવટ હતી. એલિટિસ્ટ ટાપુલોક, પ્રાચીનમતિ, વ્યાપક બહુજનસમાજથી વિખૂટા એક નવા બાબુવર્ગનો ઉદય આપણી યુનિવર્સિટી પ્રથામાં એને કારણે થઈ રહ્યો હતો. ગાંધીને આ યુનિવર્સિટીઓથી શક્ય જ્ઞાન પ્રાપ્તિ બાબતે કદર નહોતી એવું નથી, પણ અંગ્રેજી રાજ વેળાની જ યથાસ્થિતિ (સ્ટેટસ કો) સ્વરાજમાં પરબારી સંક્રાન્ત થવાની હોય એટલે કે ભદ્રલોક, બાબુલોગ એક પા અને લોક બીજી પા એવાં જુવારાં રહેવાનાં હોય તો એ સ્વરાજ અને નવી દુનિયા વિશેની એમની સમજના મેળમાં નહોતું. તેથી એમણે જેમાં જાતમહેનત અંગભૂત હોય એવી નવી કેળવણીની કોશિશ કરી અને વિદ્યાપીઠ મારફતે જો એક વૈશ્ય થકી શક્ય હોય તો બ્રાહ્મણનો ધર્મ બજાવવાનું ઋષિકાર્ય કર્યું. વર્ણ અને વર્ગ બંનેને ઓળાંડી જતી અને જન જનના જુવારાં ભાંગવા મથતી એ નવી કેળવણીની કોશિશ હતી : આ અર્થમાં વિદ્યાપીઠ ને દીવાબત્તી બેઉ સાથે આવ્યાં એ પેરેલલને જોવા જેવો છે.
સ્વરાજની ચળવળ વખતે તો જાણે સમજ્યા કે બનારસ હિંદુ યુનિવર્સિટીથી વિપરીત ગૂજરાત વિદ્યાપીઠ સરકારથી નિરપેક્ષપણે ચાલવાનો આગ્રહ સેવે … પરંતુ, સ્વરાજમાં પણ એવું શા માટે? આ મથામણમાંથી આગળ ચાલતાં મોરારજી દેસાઈ અને રામલાલ પરીખે એક સમયે એવી પરિપાટી વિકસાવી જેમાં યુ.જી.સી. સાથે સંબંધ છતાં વિદ્યાપીઠનું સ્વતંત્ર વ્યક્તિત્વ યથાસંભવ બની રહે. આપણે એક વસ્તુ સમજી લેવી જોઈએ કે સરકાર એટલે સરકાર, પછી તે અંગ્રેજ નહીં પણ સ્વરાજ હોય તો તે પણ; અને પક્ષ “અ’ નહીં ને પક્ષ “બ’ હોય તો પણ.
તેથી કથિત યુ.જી.સી. ગાઈડલાઈન્સ અને વિદ્યાપીઠની ભૂમિકા ટકરાયાના અખબારી હેવાલોની પેલી મેર જોવાની જરૂર છે : તમારું શિક્ષણ સરકારી (અને સવિશેષ તો કોર્પોરેટ) રાહે ચાલશે, કે પછી પ્રજાકીય રાહે? જો તે અખબારી હેવાલો કે અદાલતી ઊંચકનીચક, કશામાં આ મુદ્દો પકડાતો નથી એ આપણી સમજ કેવી દેકારાની દશા પામી હશે એની દ્યોતક બીના છે. 2020માં ગૂજરાત વિદ્યાપીઠ એક સૈકો પૂરો કરશે. કદાચ, એ સમય પાકી ગયો છે જ્યારે ગુજરાતનો નાગરિક સમાજ ચાલુ યુનિવર્સિટી પ્રથાથી કંઈક જુદા હોઈ શકતા આ પ્રયાસને ભલે તુલનાત્મક પણ સહૃદય ધોરણે તપાસે. જતીઆવતી સરકારો જેને પોતાના થાણા તરીકે નહીં પણ નવ્ય નાગરિકતા નીરક્ષીરવિવેકના ઠેકાણા તરીકે જુએ એવી સંસ્થાઓ વિકસાવ્યા વગર આપણો જયવારો હોવાનો નથી.
હજુ ઘણા મુદ્દા છૂટી જતા લાગે; પણ આ એકબે બુનિયાદી વાતો, પરિપ્રેક્ષ્ય રૂપે.
(લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે.)
સૌજન્ય :”દિવ્ય ભાસ્કર”, 08 નવેમ્બર 2014