રજની કોઠારી નામે એક તારો ખર્યો !
દિલ્હી 2015. જામીનધન્ય પક્ષપ્રમુખ અને તેજતર્રાર પોલીસ અફસર, બેઉ અડખેપડખે …
વોટ અ ફ્રેમ, માય ડિયર સર !
દેશની રાજધાનીમાં વિધાનસભાનો જંગ જામવો અને રાજ્યશાસ્ત્રી રજની કોઠારીનું જવું : અનાયાસ બની આવેલો આ જોગાનુજોગ જાન્યુઆરી 2015માં ઊભીને નાગરિક સહચિંતનનો એક અચ્છો અવસર પૂરો પાડે છે.
કિરણ બેદી અને શાઝિયા ઇલ્મી વગેરે ભા.જ.પ.માં પ્રવેશ્યાં એ સાથે, એક અર્થમાં દિલ્હીનું ચૂંટણી યુદ્ધ કેમ જાણે આપની જ ‘એ’ અને ‘બી’ ટીમો વચ્ચે લડાઈ રહ્યું લાગે છે. દસમી ફેબ્રુઆરીએ પરિણામ જે પણ આવવાનું હોય, હાલની પ્રચારઝુંબેશમાં અને સાતમી ફેબ્રુઆરીના મતદાનમાં મોખરાનો મુદ્દો પૂર્વે કદાચ કદાપિ નહીં એ રીતે રાજકારણમાં નાગરિક સંડોવણીનો છે. પરંપરાગત રાજયશાસ્ત્રને રાજ્યકેન્દ્રીમાંથી આજના પ્રજાપરક મુકામ લગી લઈ આવવાની જે સંક્રાતિ, રજની કોઠારી એના અગ્રચિંતક રહ્યા. માત્ર વિચારક જ નહીં પણ એક પ્રકારે કર્મશીલ ઝુકાવ સુદ્ધાં એમનો રહ્યો તે એ અર્થમાં કે પરિબળો અને પ્રવાહને સમજવાના તબક્કે ન અટકતાં એને અંગે રચનાત્મક મોડ અને મરોડનીયે કોશિશ એમની રહી.
પાલનપુરના ઝવેરી પરિવારનું એ સંતાન. દોમદોમ સાહ્યબીભર્યા વેપારધંધાની કારકિર્દી સહજ હશે, પણ એ વિરમ્યા વિદ્યાવ્યાસંગમાં વડોદરે. રાવજી મોટા ફરતે જે વિચારમંડળી જામી એનો પણ એમના ઘડતરમાં ચોક્કસ ફાળો. દેશે એમને ઓળખ્યા પિસ્તાળીસેક વરસ પહેલાં, ‘પોલિટિક્સ ઇન ઇન્ડિયા’ એ કલાસિક કિતાબથી સ્વરાજના પહેલા બે દાયકા, કોઠારીની નિરીક્ષા અને નુક્તચેની મુજબ, ‘કોંગ્રેસ પ્રથા’એ સાચવી લીધા. સબળ વિરોધપક્ષ ન હોય, દ્વિપક્ષ પ્રથા નાખી નજરે જણાતી ન હોય તો પણ ભિન્ન મતોને સમાવતી કોંગ્રેસ પ્રથામાં લોકશાહી સંતુલનની કાર્યગુંજાશ હતી. કોંગ્રેસ તૂટી ત્યારે ઇંદિરા ગાંધી ગરીબી હટાઓ અપીલ સાથે એક નવા વર્ગને સક્રિય રીતે જોડવામાં સફળ રહ્યાં.
એમનું આ ‘નવું રાજકારણ’ કારણગતપણે આગળ ચાલી શકે તે માટે કોઠારી વગેરેએ ત્યારે લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી જુદી પાડવાનું સૂચન કર્યું હતું. જે 1971ની મધ્યસત્ર ચૂંટણી સાથે અમલમાં મૂકાયું અને ઇંદિરાજીને ફળ્યું. તે પછી ત્રણચાર વરસે છાત્રયુવા નાગરિક શક્તિને ધોરણે જયપ્રકાશ ચિત્રમાં આવ્યા ત્યારે, બને કે રજનીભાઈ વગેરે એક સંમિશ્ર પ્રકાશમાંથી પસાર થયા હશે. રાજ્ય મારફતે આમ નાગરિક તરફે કામની પરિપાટીને બદલે એમાં રાજ્ય સમક્ષ પડકાર હતો તે બાબતે કઈ હદે આગળ વધવું ન વધવું એવી ભાવદ્વિધા પણ હશે. પણ કટોકટીરાજ સાથે સાફ થઈ ગયું કે રાજયકેન્દ્રી નહીં તો પણ નકરો રાજ્ય આધારિત અભિગમ પ્રજાપરક પુનર્વિચાર માગે છે. કટોકટી વચ્ચે કોઠારી આ મુદ્દે નિર્ભીકપણે સક્રિય રહ્યા અને જનતા પક્ષમાં જોડાયા વગર 1977નો એનો ઢંઢેરો ઘડવામાં એમના અને તારકુંડે જેવા બિનપક્ષીય બૌદ્ધિકોનો સિંહફાળો રહ્યો.લોકશાહી પુન:પ્રતિષ્ઠા તે અલબત્ત એક મોટી વાત હતી અને ટૂંકજીવી જનતા પ્રયોગ તૂટ્યો ત્યારે સમજાઈ રહેલું વાનું એ હતું કે પરંપરાગત રાજનીતિમાંથી નવો વિકલ્પ ઉપજાવવા સારુ ઘણુબધું નવયોજવું રહે છે. જયપ્રકાશે છતે જનતાપક્ષે લોકસમિતિ અને છાત્રયુવા સંઘર્ષ વાહિની જેવાં સંગઠનો વિકસાવવાપણું જોયું – અને જનતંત્ર સમાજ તેમ જ પિ.યુ.સિ.એલ. તો હતાં જ – એનું રહસ્ય આ સમજમાં હતું. એ જ અરસામાં દેશમાં એન.જી.ઓ.નું નવુ પરિબળ ઉભર્યું ત્યારે એક તબક્કે કોઠારીનું આકલન એ હતું કે એમાંથી નવી રાજકીય પ્રક્રિયા શરૂ થઈ વિકલ્પની ભોં ભાગશે. અલબત્ત, તે શકય ન બન્યું પણ જયપ્રકાશના આંદોલનથી ઉપસી રહેલી એક વાત જનતા પ્રયોગ તેમ એન.જી.ઓ. ઘટનાક્રમમાં અંકે થઈને રહી કે સ્થાપિત પક્ષોના હાડમાં પડેલ યથાસ્થિતિ(સ્ટેટસ કો)વાદ સામે નાગરિક સહભાગિતા જેવું પ્રજાસૂય રાજકારણ અનિવાર્ય છે.
અણ્ણા આંદોલન અને નિર્ભયા જાગૃતિની અગનભઠ્ઠીમાંથી યાજ્ઞસેની દ્રૌપદીની જેમ આપ ઘટનાનો ઉદય થયો તેનો સંદર્ભ આ છે. કિરણ બેદીનો (જેમ અણ્ણાની કોર કમિટી માંહેલા જિંદાલનો) ઝુકાવ શરૂથી ભા.જ.પ. તરફ હતો એ વિગત ભલે નોંધીએ, પણ એની ગલીકૂંચીમાં નહીં જતાં અહીં એટલું અવશ્ય કહીએ કે અરવિંદ કેજરીવાલ અને કિરણ બેદીની તાજેતરનાં વર્ષોની રાષ્ટ્રીય સ્વીકૃતિની પૃષ્ઠભૂ પ્રધાનપણે અણ્ણા આંદોલનની છે. તેથી ભા.જ.પ. જયારે કિરણ બેદીને આગળ કરે છે ત્યારે એનો મનોવૈજ્ઞાનિક બેત સ્વાભાવિક જ અણ્ણા આંદોલનના લાભાર્થીરૂપે ઉભરવાનો અને એટલે અંશે આપની અપીલને ઘટાડવાનો છે. ન.મો. ભા.જ.પ.ની કિરણગતિને કઈ રીતે જોઈ શકાય?
એક બાજુ, એમાં પોતાની ધાટીની રાજનીતિ અધૂરી છે અને પરંપરાબાહ્ય કશુંક જરૂરી છે એવી ભા.જ.પી. સમજ કામ કરી રહી છે. બીજી બાજુ, કિરણ બેદીની ભા.જ.પ.ગતિમાં જે પરિબળ પરિવર્તનનું હોઈ શકતું હતું તે યથાસ્થિતિને શરણે ગયાનું ચિત્ર ઉપસે છે : જામીનધન્ય પક્ષપ્રમુખ અને તેજતર્રાર પોલીસ અધિકારી, આ ફ્રેમ પોતે જ કેટલું બધી કહી દે છે !
રજનીભાઈ એના મોકે ગયા. પણ ખરેખર તો, આપના પૂર્વરંગરૂપ અણ્ણા આંદોલન અગાઉથી એ આજાર ચાલતા જ હતા. અહીં જે સામ્પ્રતને સમજવાની ચર્ચા કરી છે એનો આધાર વસ્તુત : જેમ એમની સ્કૂલના છેલ્લા દાયકાઓના ચિંતનનો છે તેમ આ ગાળામાં દેશના રાજકારણ ને જાહેર જીવનમાં સક્રિય સૌની સાહેદીનોયે છે ..
… ઓવર ટુ દિલ્હી !
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 24 જાન્યુઆરી 2015