અકથ શબ્દો
ગુંગળાઇ મોઢામાં રહ્યાં,
ફાટી ગયેલી ચીસ
હવાનાં ભારેપણામાં ઓગળી ગઈ,
હાથ બિચારા ઝાંવા મારતા રહ્યાં,
આંખો આંધળી થઈ ગઈ,
પગના બે ફાડચા કરી નાખ્યાં,
ગુપ્તાંગ ચીરાતું રહ્યું,
વાસનાનો એરુ ડંખ મારતો ગયો,
નરાધમ, નપાવટ, વહસી બની
ચામડી ચૂંથતો રહ્યો,
ઓશિયાળી કાળી રાત
મૂંગીમસ થઇ તરફડિયાં મારતા
ઓળાં જોઈ રહી,
સમય પર બળાત્કાર થતો ગયો,
છતાં ચાલતો રહ્યો,
કોઈ ભણતર કામ ના આવ્યું,
ચીરહરણ થતું ગયું પણ
કોઈ જોવાવાળું ના મળ્યું,
સિરિયલની જેમ ગીત વાગતું રહ્યું,
યદા યદા હી ધર્મસ્ય ….
એ રાત રંગમહેલમાં ન હતી,
હોસ્પિટલમાં હતી,
ચપ્પાના ઘા વડે
કૂમળી કાકડીને કચુંબર કરી નાખી,
શું થશે એનો ઈલાજ???
આપણે કેવાં નપાણિયા થઈ ગયા છીએ
કે કોર્ટ ન્યાય આપશે, અપાવશે …
શું બધું સંવિધાન પર છોડવું ઉચિત છે,
ગુનેગાર છાકટા થઇ ફરે છે,
આખલા થઈ આળોટે છે,
આપણે શું આવું ભોગવ્યા કરવાનું,
જોયાં કરવાનું,
દેશમાં અચ્છે દિન આવશે,
સોનાનો સૂરજ ઊગશે,
ખિન્ન થઈ જાય છે મન,
સુન્ન થઈ ગયા છે વિચારો,
કોનાં પર ભરોસો મૂકવો?
સભા કરો
નારા લગાવો
મીણબત્તીઓ સળગાવો
પણ ….
જેનો આત્મા મરી જાય
એના શરીરનો દીપ ફરી કદી નહીં પ્રગટે,
ઓમ શાંતિ .. શાંતિ .. શાંતિ ….
૧૬/૦૮/૨૦૨૪