કશું નિશ્ચિત નથી
કંઈ પણ …
કોરોનાના કેસ પણ ..
ચીન સિવાય બધે વધ્યા કરે, ઘટ્યા કરે,
ઘરમાં પણ રોગ લાગુ પડી જાય,
કંઈ ખબર નથી પડતી ..
ડરો નહીં … હવે વેક્સિન મળી ગઈ છે!
ડરો નહીં … વેક્સિન લેવાની જ છે!
લાઈનમાં ઊભા રહો ..
આમ પણ મૃત્યુ દરેકનું નિશ્ચિત જ હોય છે ..
ગમે ત્યારે થાય …. ગમે ત્યાં થાય ..
વેક્સિન લો કે ના લો …
ડરનો ન્યુમોનિયા થઈ જાય છે ..
ઈન્જેક્શન મળતાં નથી …
ઓકસીજન મળે નહીં, વેન્ટિલેટર ચાલે નહીં ..
મરવાનું નકકી …
અપહરણ, બળાત્કાર
દંડ, અકસ્માત … ચાલ્યા જ કરે છે અવિરત ..
રોડ પર થાક્યા પાક્યા સૂઇ જાવ,
દારુબંધીવાળા રાજમાં ચિક્કાર દારૂ પીને
મઘરાતે દોડતું દોડતું ભયાનક મોત
સામૂહિક હત્યા પણ કરાવે …
રોડ પર કેટલાં કૂતરાં મરી જાય છે?
કોઇ ગેરંટી નથી આ જીવનની ..
બંદૂક કે એકે ૪૭-વાળા પણ મરી જાય છે ..
એક સંવેદના જ છે,
જે વ્યક્ત કરાય છે ..
વ્યકત કરવી પડે છે ..
પેટ્રોલ, ડિઝલ કે ગેસના બાટલાના ભાવ,
સ્કૂલની ફી, શાકભાજી અને તેલ,
રોજ સવારે બદલાય છે, કોઈ કંટ્રોલ નથી.
કોઈને ના કંઈ થાય છે …
કાયમી નોકરી આઉટસોર્સ થઈ જાય છે
ઓછાં વેતનવાળા ગુલામો મળે છે,
તૈયાર છે. ધંધા પડી ભાંગ્યા છે ..
એ પણ શું કરે બિચ્ચારા?
લોકશાહી છે,
છાસવારે પક્ષપલટો, સત્તાની ઊથલપાથલ,
ચૂંટણીમાં કંઈ ખાસ ખર્ચ થતો નહીં હોય!
સભાઓ હકડેઠઠ ભરાય છે,
નિયમોની તો ઐસીતૈસી ..
જેવો પક્ષ, જેવો નેતા ..
નવાં નવાં આક્ષેપો ને કૌતુકો ઊભરાય છે,
મીડિયામાં ચીન, પાકિસ્તાન,
આતંકીઓ ને ચમત્કાર દેખાયા કરે છે,
ટીલાંવાળા, ટોપીવાળા ને દાઢીવાળા તો દરરોજ
જોવાય છે,
ડીબેટો થાય છે ભેગાં બેસીને ..
હાહા હીહી કરી, ચા પીતા પીતા ..
યોગ નામે બીઝનેસ થાય છે ..
મંદિરો ને મસ્જિદો બંધાય છે
પૂણ્ય લેવાવાળી પ્રજા પણ તૈયાર છે.
ચોવીસ કલાક પહેલા ગુગલ અને ટીવી પર જોયેલાં બ્રેકિંગ ન્યુઝ બીજાં દિવસે સવારે અખબારમાં વાંચવા પડે છે …
પત્રકારો, અર્થશાસ્ત્રીઓ, લેખકો, કવિઓ
ચીલાચાલુ લેખો અને કવિતાઓ કરે જાય છે ..
બધાં ખુશ છે …
સભ્ય નાગરિક તરીકે આ બધું
જોયાં કરવા સિવાય
બીજો વિકલ્પ નથી.
મડદાંઘર છલોછલ છે,
સ્મશાનમાં મડદાં પણ કયૂમાં ઊભાં છે
સ્કૂલો બંધ છે ..
કામ નથી … પૈસા નથી ..
ઘરમાં ઝધડા થાય છે ..
કૃષિ કાયદાની સામે કિસાન આંદોલન ..
આત્મહત્યા … મોત … થયાં કરે …
બહુમતી સામે બળવો ..
સર્વોચ્ચ અદાલત વચેટિયો ..
કમિટી ઉપર કમિટી ગઠબંધન ..
દેશ ચાલે છે … શેરબજારમાં તેજી ..
જીડીપી વધવાની ધારણા રખાય છે ..
એક નંબર થવાની હોડ છે ..
શાંતિનો નૉબેલ પુરસ્કાર કોને મળશે?
સત્તા આગળ શાણપણ નકામું …
એકવીસમી સદી … કોરોના શસ્ત્ર,
ક્ષુલ્લક સમસ્યાઓનું વળી સમાધાન શું??
૨૦/૧/૨૦૨૧
e.mail : naranmakwana20@gmail.com