થોડા સમય પહેલાં એક સ્નેહીના સૂચનથી, સમયની અનુકૂળતા મુજબ, રામચંદ્ર ગુહાના એક લેખનો અનુવાદ કર્યો હતો. તે અહીં મુકયો છે. સાથે તેની લિન્ક પણ છે. લેખનું મથાળું છે :
(બ્લોગલિન્કઃ http://urvishkothari-gujarati.blogspot.com/…/blog-post… )
*
કારણ 1
ગાંધીજીએ ભારતને અને જગતને અન્યાયી સત્તાધીશો સામે હિંસાના પ્રયોગ વિના લડવાનું સાધન આપ્યું. નવાઈની વાત એ છે કે સત્યાગ્રહના વિચારનો જન્મ જોહાનિસબર્ગના એમ્પાયર થિએટરમાં સપ્ટેમ્બર 11, 1906ના રોજ થયો હતો, જ્યાં રંગભેદગ્રસ્ત કાયદાનો વિરોધ કરવા માટે ગાંધીજીના નેતૃત્વ હેઠળ ભારતીયોની સભા મળી હતી. તેનાં 95 વર્ષ પછી ત્રાસવાદીઓએ વર્લ્ડ ટ્રેન્ડ સેન્ટર ઉડાડી દીધું. બે 9/11 : એકમાં અહિંસક લડતના રસ્તે ન્યાયની માગણી તથા અંગત બલિદાન; બીજામાં હિંસા અને બળપ્રયોગના રસ્તે શત્રુને ડારવાનો ઇરાદો.
ઇતિહાસે દર્શાવી આપ્યું છે કે અન્યાયનો મુકાબલો કરવાના મામલે બીજા વિકલ્પોની સરખામણીમાં સત્યાગ્રહ વધારે નૈતિક તેમ જ વધારે અસરકારક નીવડ્યો છે. દક્ષિણ આફ્રિકામાં અને ભારતમાં તેના પ્રયોગો પછી ગાંધીજીની એ પદ્ધતિનું અનુકરણ બીજાં ઘણાં ઠેકાણે થયું, જેમાં અમેરિકામાં કાળા લોકોએ આદરેલી નાગરિક અધિકારોની લડત સૌથી નોંધપાત્ર હતી.
કારણ 2
દેશ અને દેશની સંસ્કૃતિ માટેનો ગાંધીજીનો પ્રેમ, જેના કારણે તેમાં રહેલી અનેક વિકૃતિઓને ઓળખીને તેને સુધારવા માટે તેમણે પ્રયાસ કર્યો. ઇતિહાસકાર સુનિલ ખીલનાનીએ એક વાર કહ્યું હતું કે ગાંધીજી ફક્ત અંગ્રેજો સામે જ નહીં, ભારત સામે પણ લડી રહ્યા હતા. ગાંધીજી તેમના – આપણા સમાજમાં રહેલી ઊંડી અને વ્યાપક અસમાનતાને પિછાણતા હતા. અસ્પૃશ્યતા સામેની તેમની ઝુંબેશ ભારતીયોને સ્વરાજ માટે વધુ લાયક બનાવવાની ઇચ્છાનું પરિણામ હતી. તે નખશીખ નારીવાદી ન હોવા છતાં, મહિલાઓને જાહેર જીવનમાં આણવા માટે તેમણે ઘણું કર્યું.
કારણ 3
ધર્મિષ્ઠ હિંદુ હોવા છતાં તેમણે ધર્મના આધારે નાગરિકતાના ખ્યાલનો ઇન્કાર કર્યો. જ્ઞાતિપ્રથાએ હિંદુઓને ઊભા વહેર્યા છે, તો ધર્મે ભારતને આડું વહેર્યું છે. આ ઊભા અને ઘણી વાર ઐતિહાસિક રીતે આમનેસામને રહેલા વિભાગો વચ્ચે સેતુ બનાવવા માટે ગાંધીજી મથતા રહ્યા. હિંદુ-મુસલમાન એકતા તેમની કાયમી નિસબત રહી. એના માટે તે જીવ્યા અને આખરે, તેના માટે મૃત્યુ વહોરવા પણ તૈયાર રહ્યા.
કારણ 4
ગુજરાતી સંસ્કૃતિમાં તરબોળ હોવા છતાં અને ગુજરાતી ભાષા પર તેમનું પ્રભુત્વ હોવા છતાં, તે સંકુચિત પ્રાંતવાદી ન હતા. પોતાના સિવાયના ધર્મો માટે તેમના મનમાં આદરપ્રેમ હતાં. એવી જ રીતે ગુજરાતી સિવાયની ભાષાઓ માટે પણ તેમના મનમાં આદરભાવ રહ્યો. ભારતના ધાર્મિક અને ભાષાકીય વૈવિધ્ય માટેની તેમની સમજ વિદેશનિવાસ દરમિયાન વધારે ઊંડી બની, જ્યાં તેમના સાથીદારો તરીકે હિંદુઓની સાથોસાથ મુસલમાનો અને પારસીઓ પણ હતા, ગુજરાતીઓની સાથે તમિલો પણ હતા.
કારણ 5
તે દેશભક્ત હોવાની સાથે વૈશ્વિક પણ હતા. ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધિ અને તેના વારસાની કદર કરવાની સાથે તેમને એ પણ ખ્યાલ હતો કે વીસમી સદીમાં કોઈ પણ દેશ કૂવામાંનો દેડકો બનીને રહી શકે નહીં. બીજાના આયનામાં જાતને જોવાના પણ ફાયદા હોય છે. તેમની પર ભારતીય તેમ જ પાશ્ચાત્ય બંને પ્રકારના પ્રભાવ હતા. તેમના તાત્ત્વિક અને રાજકીય દૃષ્ટિબિંદુમાં તોલ્સ્તોય અને રસ્કિન જેટલા જ ગોખલે અને રાયચંદભાઈ (શ્રીમદ્દ રાજચંદ્ર) હતા. વિવિધ વંશીય ઓળખ ધરાવતા લોકો સાથે તેમની ગાઢ દોસ્તી થઈ. તેમાં હેન્રી અને મિલિ પોલાક, હર્મન કેલનબેક અને સી.એફ. એન્ડ્રુઝ જેવા તેમના મિત્રોનો સમાવેશ થાય. તે સૌએ તેમના અંગત અને જાહેર જીવનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી.
અહીં થોભીને એટલું અંકે કરવું જોઈએ કે ગાંધીજીના વારસા જેવી આ પાંચ બાબતો ન હોત, તો સ્વતંત્ર ભારતે કદાચ સાવ જુદો રસ્તો લીધો હોત. ગાંધીજી હિંસાને બદલે સંવાદને પ્રાધાન્ય આપતા હતા, એટલે (નિર્ણયો લેવામાં હિંસાનો રસ્તો અપનાવનારા એશિયા અને આફ્રિકાના મોટા ભાગના દેશોની માફક) ભારતમાં એકપક્ષીય આપખુદશાહી રાજ્યવ્યવસ્થાને બદલે બહુપક્ષીય લોકશાહી સ્થપાઈ. ગાંધીજી અને ડો. આંબેડકર જેવા લોકોએ જાતિ અને જ્ઞાતિની સમાનતા પર ભાર મૂક્યો હોવાને કારણે, તે સિદ્ધાંતોનો ભારતના બંધારણમાં સમાવેશ થયો. ગાંધીજી અને જવાહરલાલ નેહરુએ ધાર્મિક અને ભાષાકીય સ્વતંત્રતાનો આગ્રહ રાખ્યો હોવાથી, બીજા ઘણા દેશોમાં બન્યું તેનાથી વિપરીત, ભારતે કોઈ એક ધર્મ કે ભાષાના ચડિયાતાપણાને આધારે નાગરિકતા નક્કી ન કરી.
આંબેડકર અને નેહરુના દાખલા પરથી સ્પષ્ટ થાય છે તેમ, લોકશાહી મૂલ્યો અને સમાવેશક રાજકીય સંસ્કાર કેવળ ગાંધીજીની દેન હતી, એવું કહેવાનો આશય નથી. અલબત્ત, વ્યક્તિગત નેતાગીરી અને લોકશાહી, સાંસ્કૃતિક વિવિધતા તથા સામાજિક સમાનતા અંગે વારંવારના આગ્રહ થકી ગાંધીજીની ભૂમિકા અત્યંત મહત્ત્વની હતી.
કારણ 6
ગાંધીજી જમાના કરતાં આગળ રહેલા પર્યાવરણવાદી હતા. અવિરત વૃદ્ધિ અને ગ્રાહકવાદથી કેવો ધબડકો સર્જાશે તેનો અંદાજ તેમને હતો. ડિસેમ્બર 1928માં તેમણે લખ્યું હતું, ‘ઈશ્વર હિંદુસ્તાનને યંત્રયુગથી અને સંસારને યંત્રમય હિંદુસ્તાનથી બચાવો. આજે એક મૂઠી જેટલી કોમ (ઇંગ્લેન્ડ) આર્થિક લૂંટને પંથે ચડી આખા જગતની જંગલી અભણ ગણાતી કોમોના પેટ ઉપર પગ મૂકીને બેઠેલી છે. જો 33 કરોડ લોકોની પ્રજા આ માર્ગે ચડે તો આખા સંસારને વેરાન કરી નાખે.’ આ એકદમ સાચું ભવિષ્યદર્શન છે. પશ્ચિમે આરંભેલા અઢળક મૂડી, અઢળક સંસાધનો અને અઢળક ઊર્જા હજમ કરી જતા ઔદ્યોગિકીકરણના રસ્તે આગળ ચાલતા ચીન અને ભારતને કારણે ખરેખર દુનિયા ઉજ્જડ થઈ જવાનો ખતરો છે. પોતાના જીવન અને કાર્યમાં ગાંધીજીએ સંયમ અને જવાબદારીની હિમાયત કરી, જેના વ્યાપક સ્તરે સ્વીકાર ઉપર પૃથ્વીનું ભવિષ્ય આધાર રાખે છે.
કારણ 7
ગાંધીજીમાં નીતનવા પ્રસંગો અને અનુભવો સાથે વિકસવાની અને ઉત્ક્રાંત થવાની ક્ષમતા હતી. વિખ્યાત અર્થશાસ્ત્રી જોન કેન્સના નામે ચડેલું એક અવતરણ છે, ‘હકીકતો બદલાય, ત્યારે હું મારું મન પણ બદલું છું. તમારું કેમ છે?’ હકીકતમાં ગાંધીજીએ 1934માં કહ્યું હતું, ‘મારાં વચનોમાં સર્વકાળે અવિરોધ હોવો જ જોઈએ એવો આગ્રહ કદી રાખ્યો નથી. જે ક્ષણે મને જે સત્ય ભાસે તે પ્રમાણે હું બોલું ને આચરું તો મારાં વાણી ને આચરણમાં ગમે એટલા વિરોધો બતાવવામાં આવે એની મને પરવા નથી.‘
પોતાના જીવનકાળ દરમિયાન ગાંધીજીએ ખાસ કરીને ત્રણ મહત્ત્વની બાબતોમાં તેમના વિચાર બદલ્યા.
એ ત્રણ બાબતો હતીઃ વંશીયતા (રેસ), જ્ઞાતિ (કાસ્ટ) અને જાતિ (જેન્ડર). આ ત્રણે મુદ્દે અગાઉ તેમના મનમાં રહેલા પૂર્વગ્રહોને બદલે તેમણે વધારે પ્રગતિશીલ ભૂમિકા અપનાવી. સભાન વિચાર વગરના વંશવાદી વલણથી શરૂઆત કરીને તે વંશવાદના મુખ્ય વિરોધી બન્યા. જ્ઞાતિઆધારિત ઊંચનીચના ભદભાવને અચકાતાં-ખચકાતાં પડકાર આપવાનું શરૂ કર્યા પછી તેમણે તેનો સીધો અને ખુલ્લો પ્રતિકાર કર્યો. મહિલાઓને બિનરાજકીય ભૂમિકામાં રાખતાં રાખતાં છેવટે તેમણે મહિલાઓને સંપૂર્ણપણે જાહેર જીવનમાં અને આઝાદીની લડાઈમાં સામેલ કરી.
કારણ 8
ગાંધીજીમાં અનુયાયીઓમાંથી નેતા બનાવવાની ગજબ ફાવટ હતી. તે પ્રતિભાને પિછાણતા, તેને પોષતા-વિકસાવતા અને પછી તેને સ્વતંત્રપણે આગળ જવા દેતા. તેમની આસપાસ ઉમેટેલા અનુયાયીઓમાંથી કેટલા ય સ્વતંત્રપણે ઇતિહાસના ઘડવૈયા બન્યા. તેમના અનુયાયીમાંથી નેતા બનેલા લોકોમાંથી કેટલાંક મહત્ત્વનાં નામઃ જવાહરલાલ નેહરુ, વલ્લભભાઈ પટેલ, કમલાદેવી ચટ્ટોપાધ્યાય, સી. રાજગોપાલાચારી, ઝાકિર હુસૈન, જે.બી. કૃપાલાણી, જે.સી. કુમારપ્પા, સરલાદેવી (કેથરીન મેરી હેલમેન) અને બીજાં ઘણાં.
ભાવિ નેતાઓ ઉછેરી શકવાની ગાંધીજીની ક્ષમતા ભારતના સૌથી પ્રભાવશાળી ત્રણ વડાપ્રધાનોની સરખામણીએ વિરોધાભાસ સર્જે છે. જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી અને નરેન્દ્ર મોદી ચરિત્ર અને રાજકીય વિચારધારાની રીતે ઘણા જુદા છે. પરંતુ પક્ષ, સરકાર અને દેશને પોતાની સાથે-પોતાના સમાનાર્થી તરીકે સાંકળી દેવાની બાબતમાં તે સરખા છે. ઇન્દિરા ગાંધી સત્તાના વ્યક્તિકરણને નેહરુ કરતાં ઘણું આગળ લઈ ગયાં અને મોદી તેને ઇન્દિરા ગાંધી કરતાં પણ બહુ આગળ લઈ ગયા. એ ત્રણે પોતાને અનિવાર્ય અને તેમનું સ્થાન કોઈ લઈ ન શકે એવાં માનતાં હતાં. તેમણે પછીની પેઢીના નેતાઓ ઊભા કરવાની દિશામાં ભાગ્યે જ કંઈ કર્યું. (રાજકારણ સિવાય ભારતના કોર્પોરેટ જગતના વડાઓ અને સ્વૈચ્છિક સંસ્થાના વડાઓમાં પણ સત્તાના વ્યક્તિકરણની લાક્ષણિકતા જોવા મળે છે, જે સંસ્થાને પોતાની સાથે એકરૂપ બનાવી દે છે.)
કારણ 9
ગાંધીજીમાં વિરોધી મત ધરાવનારનો દૃષ્ટિકોણ જોવા-સમજવાની અને તેમની સાથે સંવાદ સાધીને સન્માનભર્યા સમાધાન સુધી પહોંચવાની તૈયારી હતી. એટલે, આંબેડકર અને ઝીણા જેવા રાજકીય વિરોધીઓ સાથે અને દક્ષિણ આફ્રિકામાં તેમ જ ભારતમાં શાહી પ્રતિનિધિઓ સાથે તે ધીરજપૂર્વક વર્ષો સુધી સમાધાનની ભોંય ભાંગવાના પ્રયાસ કરતા રહ્યા. તેમને અણગમા કે તીવ્ર નાપસંદગી કેવળ બૌદ્ધિક અને રાજકીય હતાં, અંગત નહીં –અને તે પણ ઉકેલી શકાય એવી તેમને આશા હતી. મનમાં દુર્ભાવ સંઘરી રાખવાની ક્ષમતા તેમનામાં ન હતી.
કારણ 10
ગાંધીજીનું રાજકીય જીવન સંપૂર્ણપણે પારદર્શક હતું. આશ્રમમાં કોઈ પણ જઈ શકતું, તેમની સાથે ચર્ચા કરી શકતું અને છેવટે થયું પણ એવું કે એક માણસ સાવ સરળતાથી તેમની નજીક પહોંચી ગયો અને તેમની હત્યા કરી નાખી. તેમના કે આપણા સમયમાં સુરક્ષાની જંજાળો વચ્ચે જીવતા નેતાઓની સરખામણીમાં તે કેટલો મોટો વિરોધાભાસ કહેવાય.
ગાંધીજીના જીવનમાંથી મેં તારવેલા બોધપાઠ ફક્ત આ દેશ માટે જ પ્રસ્તુત છે એવું નથી. અલબત્ત, ધાર્મિક બહુમતીવાદની આબોહવામાં, અપમાન અને બુરાઈથી ગ્રસ્ત રાજકીય સંસ્કૃતિમાં, જૂઠાણાં અને અસત્યો ફેલાવતા નેતાઓ અને સરકારોની વચ્ચે, પ્રાકૃતિક પર્યાવરણના સત્યાનાશની સાથે, વ્યક્તિભક્તિના માહોલમાં ભારતને કદાચ તેની સૌથી વધારે જરૂર છે.
(ઉર્વીશભાઈ કોઠારીની ફેસબૂક દીવાલ પરથી સાભાર)
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દિવાલેથી સાદર; ક્રમાંક : 291