વિશ્વ કવિતા દિવસે એક કવિતા
યુદ્ધ ચાલું છે
સરહદ પરનાં ગામો હતાં કે નહીં
એ પણ યાદ કરવું પડે.
શહેરો ખાલી થઇ ગયાં છે
રોજ બોમ્બ ને મિસાઈલ ફેંકાય છે.
બંકરોનો કોઈ ભરોસો નહીં.
લાચાર અસહાય વિધવાઓ
થર થર કાંપી રહી છે
ભૂખ્યા ડાંસ સૈનિકો તેમની ઉપર
બળાત્કાર કરે છે, મારી નાખે છે,
કોઈ પૂછવાવાળું નથી.
કોઇ જોવાવાળું નથી.
કોઈ મદદ પણ નથી કરતું.
કોઈ કાયદો નથી.
આમ તો વિશ્વમાં આંતરરાષ્ટ્રીય કાયદા છે.
માનવાધિકાર અમલી છે.
વસુધૈવ કુટુમ્બક્મ્ની ભાવનાના પાઠો ભણાવાય છે.
સંગઠનોના નામે વાર્તાલાપો કરાય છે.
મજાક નથી લાગતું??
દેશના વડાના કહેવાથી
દરેક વ્યક્તિ આપણો દુશ્મન,
પાડોશીથી કાયમ ડર લાગે છે એવું કેમ?
મહામહેનતે ભેગું કરેલ છોડવું પડે.
શિર સલામત તો પઘડિયા બહોત.
જાન બચી તો લાખો પાયે.
આ કહેવતો સાચી ઠરે છે
યુદ્ધ બાબતે.
બધા યુદ્ધના શોખીન માંધાતાઓ
શું લઇ ગયા? શું આપી ગયા?
ધૂળમાં મળી ગયા હશે!
કહેવાય છે કે ઇતિહાસ ખોટા લખવા પડે છે
લખાયા છે.
લેખકો, કવિઓ ગુણગાન ગાયાં કરે છે.
મહાનતાના અધ્યાયો ભણાવાય છે.
ધબકતું જીવન સન્નાટામાં ફેરવાય છે.
મારો, કાપો, ઘડામ, ઢિશૂમ, ધાંય, ધાંય, ચીસો
રમકડાંની રમત બની જાય છે.
અજાણ્યાં વ્યકિતને ઉડાવી દેવો
વાંક ગુના વગર ..
યુદ્ધ છે.
બાળકોને બિચારાઓને કંઈ ખબર નથી.
એમની મસ્તી બાન થઈ જાય છે.
વૃદ્ધો અસહાય બની જાય છે.
મરી જવાનાં વાંકે જીવી રહ્યાં છે.
યુદ્ધ નથી કરી શકતા.
લડવા ગયેલ જવાન પુત્રની
પાછા આવવાની રાહ જુએ છે.
અચોક્કસ છે બધું
આશા ને સપનાં જ અમર છે
લગન કરીને આવેલ સ્ત્રીઓ
લશ્કરમાં નોકરી કરતા સૈનિક પતિને
ક્યારે રજા મળે તેવા વિચારોમા જીવી રહી છે.
પેટે પડેલ પ્રજાને પાળી રહી છે,
સૂની સેજ પર પડખાં ફરી ફરીને.
કશું નકકી નથી હોતું. કંઈ પણ ..
યુદ્ધ છે.
બાગ બગીચા વેરાન છે.
ખેતરોને ટેંકોએ ઘમરોળી નાખ્યા છે.
ઊંચી ઊંચી ઈમારતો ધરાશાયી થઇ છે.
દેખાય છે બધે
બળી ગયેલો કાળો કચરો.
બંધારણ પ્રમાણેના હક્કોની કોઈ કિંમત નથી.
ફરજ, નિષ્ઠા, વફાદારી, કર્તવ્ય,
મરી ફીટવાની ભાવના
પૂરજોશમાં ફૂલે ફાલે છે.
દેશ માટે? માતૃભૂમિ માટે?
વિશ્વના દેશો એક પ્રકારના ભાગલા જ છે ને,
વાડા છે, બંધનો છે.
ને પામર માનવી
તું યુદ્ધ ને પણ ક્રિકેટની કોમેન્ટરી બનાવે છે.
મરી જતા સળગી જતા લોકોની લાશોના
આંકડા આપવામાં તને સ્હેજ પણ ક્ષોભ નથી થતો
આપણે શું???
યુદ્ધ છે.
જયાં યુદ્ધ નથી
એવાં એક દેશના
કોઈ એક શહેરના ખૂણામાં બેઠેલો
હું
સમાચારો વાચી,
ટી.વી., મોબાઇલ જોઇને
કવિ હોવાનાં ભ્રમમાં
કવિતા લખું છું..
કવિતા દિવસે
બસ ..
21/3/2022
e.mail : naranmakwana20@gmail.com