આજે કોરિયન કવિ ટોન્ગમ્યોન્ગ કિમ (1901-1966)ના એક કાવ્યનો મારો અનુવાદ.
—
મારું હૈયું
એક તળાવ છે
આવ, એમાં નૌકાવિહાર કર.
તારી શ્વેત છાયાને
આલિંગી લઈશ હું,
ને તારા પડખે અફળાઈને
રંગરંગીન રત્નોમાં તૂટી જઈશ.
મારું હૈયું
દીવાની જ્યોત છે –
બારી બંધ કરી દે ને!
છેલ્લી બૂંદ સુધી
જલ્યા કરીશ હું ચૂપચાપ,
તારા રેશમી લિબાસની પાસે
કાંપતા કાંપતા.
મારું હૈયું
એક વટેમાર્ગુ છે :
મારા માટે તારી બંસરી બજાવીશ?
આખી રાત સાંભળ્યા કરીશ હું તારી સુરાવટો,
ચંદ્ર તળે.
મારું હૈયું
ખરેલું પર્ણ છે :
થોડી વાર છો પડ્યું રહે
તારા બાગમાં –
તને છોડી ચાલીશ
એકલવાયા ફરંદાની જેમ હું,
પવન જરાક વધે એટલે.
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર