દિવસ ઊઠે છે
રોજ રોજ
પોતાનું પેટિયું રળવા
દહાડી કરતા મજૂર જેવો;
ને વહેલો વહેલો
અડધો કપ ચા પી,
જલદીથી બીડી તાણી,
ગળું ખંખારી થૂંકીને
ઝટ કામે ચડે છે.
કો’ક દી એને કામ મળે છે
ઈંટ પર ઈંટ પર ઈંટ પર ઈંટ પર ઇંટ પર ઇંટ મૂકી
મને ચણી દેવાનું.
કો’ક દી એ ઘણ લઈ
ઘા પર ઘા મારી મારી
પરસેવો લૂછતાં લૂછતાં
મને તોડી તોડી
ઝીણી કપચી બનાવ્યા કરે છે.
દિવસ રોજ હાંફી જાય છે.
દિવસના ફાટેલા ખમીસમાંથી પાંસળાં દેખાય છે.
આખો દિવસ કાળી મજૂરી કરી
દિવસ રળે છે
મારા શ્વાસની રોકડ – ને
રાત પડ્યે ચોથિયા ચાંદાનો રોટલો ખાઈ
દિવસ થાક્યો પાક્યો સૂઈ જાય છે-
ફરીથી વહેલો ઊઠી
મજૂરીએ ચડવા માટે.
e.mail : nandita.muni@gmail.com
(પ્રગટ : “નવનીત સમર્પણ” જુલાઈ 2024; પૃ. 23)