સંપાદકીય
“હું સ્ત્રી છું. સ્ત્રીઓને સારુ હું સ્ત્રી જેવો બન્યો છું ને તેનું હૃદય ઓળખું છું. પુરુષોએ પોતાની મર્યાદા સમજવાની છે અને જ્યાં લગી પતિપણું છૂટે નહીં ત્યાં સુધી સ્ત્રીને ઓળખાય જ નહીં. આવો પતિ હું મટ્યો એટલે જ બાને ઓળખવા પામ્યો ને બીજી બહેનોને ઓળખવા લાગ્યો.”
પૂતળીબાઈના ‘મોનિયા’થી લઈને સુભાષબાબુએ ઓળાખાવેલા ‘રાષ્ટ્રપિતા’ની આ વાત છે. મોનિયાથી લઈને રાષ્ટ્રપિતાની આ લાંબી મજલમાં અનેક પ્રયોગો કરતાં કરતાં ને અગણિત અનુભવો લેતાં લેતાં મોહન, મોહનદાસ, મિ. ગાંધી, મો.ક. ગાંધી, ગાંધીભાઈ, કર્મવીર ગાંધી, મહાત્મા, મહાત્મા ગાંધી, ગાંધીજી, ગાંધી, બાપુ, ગાંધીબાપુ … ઇત્યાદી નામે ઓળાખાયેલા-સંબોધાયેલા પુરુષ, મોહનદાસ કરમચંદ ગાંધીની આ વાત છે.
સ્વાતંત્ર્ય ચળવળમાં લાખો સ્ત્રીઓએ તેમની આગેવાનીમાં ભાગ લીધા પછી, હજારો સ્ત્રીઓએ જેલવાસ ભોગવ્યા પછી અને સેંકડો સ્ત્રીઓએ તેમની સાથે પત્રવ્યવહાર કર્યા પછી તો, તકલી ઝાટકીને કહી શકાય કે આ અનેક નામધારી પુરુષે સ્ત્રીના હૃદયને ઓળખ્યું નહિ હોય, એવું બન્યું નહિ હોય અને આત્મકથામાં ‘ધણીપણું’ શીર્ષક તળે નરી નિખાલસતા સાથે કાગળ પર ઉતરી આવ્યા પહેલાં, આ પુરુષે પોતે પતિપણું છોડ્યું નહિ હોય, એવું બન્યું નહિ હોય …
… અને એટલે જ પિતાના મૃત્યુથી એમને જે આઘાત લાગ્યો હતો તેના કરતાં માતાના મૃત્યુના સમાચારથી વધારે આઘાત પહોંચ્યો હતો, અને એટલે જ જીવનની છેલ્લી જેલ આગાખાન મહેલમાં સાથે નજરકેદ બાએ બાપુના ૭૪મા જન્મદિન(૧૯૪૨)ને વધાવતાં પોતાના ધોળા થઈ ગયેલા વાળમાં ફૂલ નાંખ્યાં હતાં.
આટલું જરી ઓછું હોય તો એ ય ઉમેરી શકાય કે એટલે જ કદાચ કુટુંબની દીકરી મનુબહેને એમની પાસેથી માનો પ્રેમ મેળવ્યો હશે; ‘બાપુ–મારી મા’ કહ્યું હશે. અને આશ્રમ બહાર ફીકી કહેવાતી રસોઈ પણ પ્રેમમાધુર્યથી જમાડવાને કારણે ગંગા‘બા’ કહેવાયેલાં ગંગાબહેન વૈદ્યે આમ કહ્યું હશે : “મૃત્યુ પછી બીજો જન્મ કેવો હશે, એમ આપણાં મનમાં થાય છે. પણ હું તો આ જિંદગીમાં જ બે જન્મો અનુભવી ચુકી છું. બાપુજી પહેલાનાં સંસારના રગડાઓમાં ભરાયેલું મારું જીવન, અને બાપુજીના સમાગમમાં આવ્યા પછીનું આ ધન્યજીવન. બાપુજીનો પવિત્ર પ્રેમ, સહાનુભૂતિ ને કરુણા મળતાં મને અમૃતસંજીવની મળી. મારા જીવનને હું સાર્થક કરી શકી. આ અનુભવ મારી એકલીનો નથી, મારા જેવી લાખો બહેનોનો, લાખો ભાઈઓનો, લાખો દીકરાઓનો છે.” પારસમણિના સ્પર્શે લોખંડ સોનું બની જતું હોય છે. આ તો ખુદ પંચધાતુ સમાં બહેનો હતાં. ગાંધીવિચારના સ્પર્શથી તેઓ રત્નમાં પરિણમ્યાં.
તો, ‘સ્ત્રી’ એવા પુરુષ અને ‘મા’ એવા બાપુની પાયારૂપ વાતથી હવે તે સંબંધિત પુસ્તક અને તેમાં સમાવાયેલી બહેનો, નારીરત્નો–પુસ્તકના વિશેષ સંદર્ભે ગાંધીવારસાનાં નારીરત્નો–પર ઉતરી આવીએ તો પુસ્તકમાં સમાવિષ્ટ અડધોઅડધ બહેનો, જીવનના બહુ નાજુક અને એટલા જ વિકટ સંજોગોમાં ગાંધીપ્રેરિત સ્વરાજની લડતમાં જોડાઈ હતી અથવા જોડાઈ પછી એવા સંજોગો સર્જાયા તો જીવનના ભાર તળે દબાઈ જવાને બદલે બમણા જૂસ્સાથી આ લડતમાં ઝુકાવ્યું-ઝંપલાવ્યું હતું. કોઈએ બાળ વયે જ માતા ગુમાવી હતી તો કોઈએ પિતા. કોઈએ પતિ તો કોઈએ ભાઈ-બહેન. કોઈએ તો એક પછી એક કુટુંબના બધા સભ્યો ગુમાવ્યા હતા. અને ભલે આંગળીના વેઢે તો આંગળીના વેઢે; એવા કિસ્સા ય ગણી શકાય એમ છે કે જેમાં કુટુંબનો વિરોધ છતાં, બાપુનો સાથ છોડ્યો ન હતો, સ્વરાજની લડત મૂકી ન હતી. ઊલટું, એમના જીવનમાં બાપુની પ્રત્યક્ષ હાજરી અને તેમનાં લખાયેલા અનેક પત્રોએ ઘણાં નારીરત્નોનાં જીવનની ધાર્મિક-આધ્યાત્મિક ઉન્નતિમાં પણ પ્રેરક ભૂમિકા ભજવી હતી.
આ અને આવાં બધાં – જમનાબાઈ સક્કઈ(૧૮૬ર)થી લઈને કોકિલાબહેન વ્યાસ – નિરંજનાબહેન કલાર્થી (૧૯૩૯) સુધી ૭૭ વરસના જન્મઅંતરાલ પટ સુધીનાં – નારીરત્નોનાં જન્મથી લઈને જીવનકાર્યને સંક્ષિપ્તમાં આલેખતા લેખોનો આ સંચય છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી-સુરતના સમાજશાસ્ત્ર વિભાગનાં અધ્યાપિકા મોસમ ત્રિવેદીએ ગાંધીની જ જન્મભૂમિ કાઠિયાવાડના ઐતિહાસિક અખબાર ‘ફૂલછાબ’માં ‘ગુર્જર નારી’ કૉલમ તળે લખાયેલા લેખોનો આ સંપાદિત સંચય છે. લેખિકા નિવેદનમાં લખે છે તેમ એમનાં પીએચ.ડી.ના સંશોધનકાર્ય દરમિયાન ગાંધીજી સાથે ખરા અર્થમાં સંપર્ક થયો ને ભવિષ્યમાં તક મળી ત્યારે સ્ત્રી હોવાના નાતે, સ્ત્રીશિક્ષણમાં રસ હોવાના નાતે ને સમાજશાસ્ત્રનાં અભ્યાસી હોવાના નાતે, આ સંપર્ક વધુ અભ્યાસ અને લેખન સ્વરૂપે ‘ગુર્જર નારી’ કૉલમ રૂપે ખીલ્યો. એક એક કરતાં સિત્તેરેક નારીઓ વિશે લખાયું. અગાઉથી આયોજનપૂર્વક લખાયું, કોઈ નારીનું સન્માન થતાં લખાયું, તો ક્યારેક કોઈની અણધારી વિદાય થતાં પણ લખાયું. આમ, અલગ અલગ સમયે અલગ અલગ પ્રાથમિકતાએ લખાયું. ચોક્કસ સાલવારી કે ભૌગોલિક પ્રદેશ કે બીજા કોઈ માપદંડ વગર આ લખાયું. એટલે વાચકને અહીં મહારાષ્ટ્રમાં જન્મેલાં લક્ષ્મીબહેન ખરે વિશે પણ વાંચવા મળે, કેમ કે આશ્રમમાં પંડિત નારાયણ મોરેશ્વર ખરેની સંગીત શિક્ષક તરીકે નિમણૂક થતાં તેમનાં પત્ની લક્ષ્મીબહેન પણ સાથે જ આશ્રમવાસી તરીકે જીવ્યાં ને આશ્રમ વિખેરાયો ત્યાં સુધીમાં તો ગૂર્જરનારી બની, ગુજરાતને જ પોતાની કર્મભૂમિ માનીને રહ્યાં; તો બીજી બાજુ મૂળ ગુજરાતનાં કેટલાંક નારીરત્નો વિશે લેખ ન પણ મળે. કેમ કે, ગાંધીવિચાર સાથે જોડાયેલાં નારીરત્નો સાથે સાથે સાહિત્ય-સમાજ-કળા ઇત્યાદી ક્ષેત્રની ગૂર્જરનારીઓ વિશે પણ લખાતું ગયું. લખતાં લખતાં જેમ જેમ નામો સામે આવતાં ગયાં એમ લખાતું ગયું. સાપ્તાહિક કૉલમની સમય, શબ્દ, અભ્યાસ, અભિવ્યક્તિ જેવી જે કોઈ પણ મર્યાદા રહેતી હોય એ બધાં વચ્ચે લખાતું ગયું – ને હવે વિજ્ઞાન ક્ષેત્રની બહેનો વિશે લખવું એવું નક્કી થયું તો આ મુકાઈ પણ ગયું.
એટલે પાઘડીનો વળ છેલ્લે વાળતાં, આ બધી મર્યાદાઓ વચ્ચે ને છતાં, ગાંધીવારસાનાં કુલ ચોસઠ નારીરત્નોનાં પ્રદાનને એક સાથે પ્રમાણસરની વિગતપૂર્ણ રીતે સમાવતું, ગુજરાતી ભાષાનું ને એથી કરીને કોઈ પણ ભાષાનું આ પહેલું પુસ્તક હશે?
ખેર! ગાંધીજીપ્રેરિત સ્વરાજની લડતમાં ભાગ લીધેલી માત્ર ગુજરાતી નારીઓનાં નામ પણ ગણવા બેસીએ તો કોને યાદ કરીએ ને કોને ભૂલીએ જેવો ઘાટ થાય. બહુ ઓછાં જાણીતાં ને સ્થાનિક સ્તરે સક્રિય એવાં ભાવનગરનાં સોનાબાઈ કાનજીભાઈ બારૈયાથી લઈને ‘ગુજરાતનું આંતરરાષ્ટ્રીય ગૌરવ’ કહેવાતાં હંસા મહેતા સુધીનાં, સૌના પ્રદાનને સમાવવા તો પાંચેક પુસ્તકોની શ્રેણી જ કરવી પડે. આ તો નારીરત્નોની દાબડી માત્ર છે. આશા રાખીએ કે ભવિષ્યમાં લેખિકા કે અન્યો દ્વારા આ આદરેલું પૂર્ણ થાય. કેમ કે, સંપાદક તરીકે આ લેખોમાંથી પસાર થતાં એવો અનુભવ રહ્યો છે કે આમાંનાં ઘણાં નારીરત્નોનાં જન્મ-અવસાનનાં વર્ષ અને છબી સહજપ્રાપ્ય નથી. તો કેટલાંકમાં તેમની સત્યાગ્રહ અને રચનાત્મક પ્રવૃત્તિની વિગત અલ્પમાત્રામાં મળી આવે છે. આ સંજોગોમાં, આવા કિસ્સામાં મુદ્રિત સામગ્રીથી આગળ વધીને પરિવાર-સંસ્થા સાથે સીધો સંપર્ક-સંવાદ અનિવાર્ય છે. થોડા વ્યક્તિગત અને સંસ્થાગત સહકાર થકી, એ ખોટને ઘણે અંશે પૂરી શકાઈ છે. તેમ છતાં, ભાગલા વખતે પુનર્વસનનું અસાધારણ કામ કરનાર કમળાબહેન પટેલ જેવાંની છબી, તો ગાંધીજીએ આત્મકથામાં જેને ‘મળ્યો’ જેવા સદાબહાર શીર્ષકે પોંખ્યો એવા એક નહીં, અભરાઈએ ચઢાવી દીધેલા અનેક રેંટિયા ઉતરાવનાર ગંગાબહેન મજમુદાર જેવાનું જન્મ-અવસાનનું વરસ પ્રાપ્ય થઈ શક્યું નથી.
આવા થોડા નાના-મોટા અફસોસ વચ્ચે, ઘણો આનંદ છે. ગુજરાતની “સામાજિક નિસબતની ઉજ્જવળ પરંપરાનો વારસો સંવર્ધિત કરવા” એવાં પુસ્તકો પ્રકાશિત થાય “જે માત્ર સમાજનો અરીસો ના બની રહે પણ સામાજિક-સાંસ્કૃતિક પરિવર્તનની દિશામાં રાહબર પણ બને” એવા સમાજશાસ્ત્રી-પ્રકાશક ગૌરાંગ જાની અને તેમના અણમોલ પ્રકાશનના આ બીજા પુસ્તકને સંપાદકનો આવકાર છે – વાચકો એને પોંખશે, એવો વિશ્વાસ છે.
Email: ketanrupera@gmail.com