‘નિરીક્ષક’ના ૧૬ જૂનના અંકમાં સત્યકામ જોષીએ ભીખુભાઈ વ્યાસને આપેલી સર્વાંગી અંજલિ પછી, એમના સાદગીભર્યાં જીવન, સાતત્યભર્યાં કામ અને સૌમ્ય-હસમુખા વ્યક્તિત્વ અંગે વિશેષ કશું લખવાનું બચતું નથી. પણ એમનો એ લેખ આવ્યો ત્યારે અડધોપડધો લખાયેલો અને પછી સંપાદકીય કર્મ વચ્ચે … “ઠીક છે, બહુ મોડું થઈ ગયું હવે” એવી લાગણીથી ત્યાં જ વિરમાવી દીધેલો તે, નિરીક્ષક-તંત્રીના ધક્કાથી સૌ વાચકો સમક્ષ ….
°°°
ગૂજરાત વિદ્યાપીઠમાં ભણવાને નાતે કોઈ વિદ્યાર્થીને ભીખુભાઈના કામનો સામાન્ય પરિચય હોય એ બનવાજોગ છે, પણ વ્યક્તિ ભીખુભાઈના પરિચય માટે એનું પોતાનું કામ કંઈક અસામાન્ય બની રહે તો ભીખુભાઈ ખુદ ઉંમર-પદ-પ્રતિષ્ઠા-અનુભવ … જેવી, મોટા હોવા માટે સમાજમાં જોવાતી-ગણાતી કોઈ પણ ઉપાધિ અવગણીને સામે ચાલીને સંબંધ બાંધી જાય – અને હા, એ સહજ હોય, સ્વાભાવિક હોય; અનૌપચારિક હોય, અનિયતકાલીન હોય.
વાત જાણે એમ બની કે ઑક્ટોબર ૨૦૧૭માં ‘नवजीवन’નો અક્ષરદેહ’ના ૫૦ અંક પૂર્ણ થવા નિમિત્તે ૫૧થી ૫૩ એવા ત્રણ અંકો સમાય એવો દળદાર પુસ્તક-પરિચય વિશેષાંક સંપાદિત કર્યો (સહયોગ : કિરણ કાપુરે) હતો. ગુજરાતી પત્રકારત્વ, સાહિત્ય અને ગાંધીવિચાર સાથે સંકળાયેલા ૫૦થી વધુ મહાનુભાવો દ્વારા લખાયેલાં, ૧૦૧ ગાંધીવિચારવિષયક પુસ્તકોના પરિચયનો એ વિશેષાંક હતો. જેમજેમ, જ્યાં-જ્યાં અંક પહોંચતો ગયો, તેના લેખિત-ટેલિફોનિક પ્રતિભાવ આવતા ગયા. કોઈ એક બપોરે ઇન્દુકુમાર જાનીનો ફોન આવ્યો. એમણે વિશેષાંક માટે ‘આત્મરચના અથવા આશ્રમી કેળવણી’ (જુગતરામ દવે) અને ‘મહાત્મા ગાંધી, કાઁગ્રેસ અને હિંદુસ્તાનના ભાગલા’ પુસ્તક(લે. દેવચંદ્ર ઝા, અનુ. અશોક ભ. ભટ્ટ)નો પરિચય લખી આપ્યો હતો. ફોન રીસિવ કરતાં જ એમણે વાત શરૂ કરી. “રચનાત્મક કામમાં મારા ગુરુ જેવા કહેવાય એવા ભીખુભાઈ વ્યાસને તમને મળવું છે. અંક જોઈને બહુ જ ખુશ થયા છે. બપોર પછી તમે નવજીવનમાં છો, તો મળવા આવે.” આ અગાઉ, અશ્વિનભાઈ (અધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ)એ ભીખુભાઈને આ અંકની પી.ડી.એફ. મોકલી આપેલી હતી. એની પણ કંઈક છાપ મનમાં હોઈ શકે.
તો, ઇન્દુભાઈની એ વાત સાંભળીને સહજપણે જ ખુરશી પરથી ઊભા થઈ જવાયેલું. જાણે હિન્દી ફિલ્મોમાં જોવા મળે છે એમ મોટા સાહેબનો ફોન આવે ને કોઈ પોલીસ સલામ ભરતો ખુરશી પરથી ઊભો થઈ જાય એવું, પણ ફરક એટલો કે એ કોઈ નિયમ-કાયદાની શિસ્તથી નહીં, એથી તદ્દન વિરુદ્ધ હૃદય પર અંકિત આદરથી થયેલું. ઇન્દુભાઈને જવાબ આપતાં કહ્યું કે ભીખુભાઈ જેવી વ્યક્તિ માટે તો મારા પ્રણામ, વંદન, નમસ્તે … ને એવું જ બધું હોય. એમણે થોડા આવવાનું હોય ?! એમને આપણું કામ ગમ્યું એનો જ આપણે મન આનંદ, હું જ આવી જઉંને ખેતવિકાસ પરિષદ. કહો ને કેટલા વાગ્યે પહોંચું ?
સામેથી જવાબ મળ્યો – ના, ના, એમને સાથે-સાથે નવજીવન પણ જોવાઈ જાય ને.
આવા સંવાદ ક્યારેક થોડા શરમ-સંકોચ અને આગળ શું બોલવું તે સૂઝે નહીં, એવી સ્થિતિમાં મૂકી દેતા હોય છે, એવો અનુભવ ઘણાંને હશે. પછી ‘આજ્ઞાંકિત’ બનીને મીઠો ને હર્ષાદરભર્યો આવકાર આપવા સિવાય કોઈ વિકલ્પ બાકી નથી રહેતો હોતો. એમ જ બન્યું. ભીખુભાઈ નવજીવન પધાર્યા. અડધોએક કલાક બેઠા. ધરમપુરના કામની, નઈ તાલીમ શિક્ષણની, ગુજરાતમાં આ શાળાઓની સ્થિતિની … બધી અલપઝલપ વાતો તો થઈ જ. મને ય વતનના ગામથી લઈને કારકિર્દીની શરૂઆત, વ્યવસાય, ગાંધીવિચારમાં પ્રવેશ … બધું પૂછી લીધું. જતાં-જતાં ધરમપુર આવવાનું આમંત્રણ આપતા ગયા. એ આમંત્રણ તો હજુ ય ઊભું જ છે, પણ આ લખી રહ્યો છું, ત્યારે જૂનું ફંફોસતાં જે મળી આવ્યું ….
Dear Ashvinbhai,
I briefly visited Ahmedabad last month. Ketan was on top agenda. Through Jani [Naya Marg] I contacted him and then met him in Navjivan.
I received the issue mentioned by you from Jani and one more issue [earlier one] from Ketan himself. I was highly impressed with Ketan – apart from his journalistic talent, as a person as well. I think it was an instant friendship – though we met for the very first time.
Will try to see you next time, when I happened to be in A. Love.
Good Wishes for the New Year.
Bhikhubhai
[30 Oct 2017, 09:45]
એ પછી તો બહુ નિયમિતપણે બંને પક્ષે થયેલાં કામની ઝલકનું મેઇલવ્યવહારથી આદાનપ્રદાન થતું રહ્યું. પ્રતિભાવ પણ અપાતા રહ્યા. વર્ષ ૨૦૨૦માં એક આદિવાસી વિદ્યાર્થીએ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી, એ ઘટનાનો બહુ આનંદ હતો એમને. ન માત્ર એ મળ્યાનો, કેમ કે એ અગાઉ ઘણા વિદ્યાર્થીઓએ આવી ડિગ્રી મેળવી હશે, પણ ભણવા સાથે એ વિદ્યાર્થી જિમ્નેશિયમમાં પણ આગળ રહેતો. એવામાં છેલ્લા સિમેસ્ટરમાં એને ‘સી’ ગ્રેડ આવ્યો. સ્વાભાવિક જ “He was so nervous. He was quite confident to get First [A] Class. He was advised to apply for rechecking his answer papers. It was done and he got first class. Now he is preparing to give a special test for getting a decent [A Grade] government job – as he has got high merits all throughout.” (June 5, 2020). સત્યકામભાઈએ ઉલ્લેખ કર્યો છે તે સ્વીડનની ટફ સંસ્થાને જાણવી હતી તે કોવિડ દરમિયાન અને પછીની તળ વાસ્તવિકતા સુધીનાં વિગત-અહેવાલ શેર કરતા. “They wanted to know the ground reality, with focus on the poor – Dharampur in particular and my frank observations about the situation in general.” (May 25, 2021)
જેમજેમ એમના કામને નિયમિતપણે જાણવાનું થતું ગયું તેમતેમ પહેલી મુલાકાત આટલી બધી ફળદાયી બની રહ્યાના આનંદ-આશ્ચર્ય થતાં રહ્યાં. યોગાનુયોગ જ આ પ્રેમ અને આદરનું આ શિખર છેલ્લા મેઇલવ્યવહાર – ઇન્દુકુમારના જવા નિમિત્ત–સુધીના રહ્યા. બંનેએ ઇન્દુભાઈને લખેલી હૃદયાંજલી એકમેકને મોકલાવેલી. ભીખુભાઈના કામનાં જે છેલ્લાં થોડાં વર્ષોનાં દસ્તાવેજીકરણમાંથી પસાર થવાનું થયું, એમાં એમની લેખનશૈલીની નિપુણતા છતાં એ વાત પકડાયા વગર રહેતી નથી કે (રાજ્યને વાંધા પડી શકે એવાં) રચનાત્મક કાર્યો કરવામાં એમણે અને સંસ્થાએ વેઠવો પડેલો સંઘર્ષ ઓછો નહીં રહ્યો હોય.
ભીખુભાઈએ કરેલાં કામનાં વર્ષો અને એના વ્યાપ આગળ પરિચયના આ પાંચેક વર્ષ કંઈ બહુ મોટો ગાળો નથી. ૯૨ વર્ષના એમના જીવનકાળમાં દસ-વીસ વર્ષથી લઈને પચાસ-સાઠ વર્ષના જાહેરજીવનનો નાતો ધરાવતા લોકો હશે. સગીર અને યુવાનોથી લઈને અમૃતજયંતીએ પહોંચવા આવેલા કે પહોંચેલા વડીલો ય એમાં હશે. ભીખુભાઈ સાથેનાં સૌનાં પોતપોતાનાં સંસ્મરણો હશે. સૌની પોતીકી ‘એક્સક્લુઝિવ’ કહેવાય એવી પળો હશે. પણ પોતાના અનુભવે અને એમના વ્યક્તિત્વના અવલોકને એટલું કહી શકું કે એક વાત એમના સૌની સાથેના સંબંધમાં લઘુતમ સામાન્ય અવયવ બની રહી હશે : ભીખુભાઈ મુરબ્બી ઓછા, મિત્ર વધારે.
જેમ નાની ઉંમરે કોઈ વ્યક્તિમાં પરિપક્વતાની ઝલક વર્તાઈ આવે, તો નક્કી એનાથી ઉંમરમાં મોટા સાથે હળવુંમળવું અને મિત્રતા, તેના માટેનું એક સંભવિત કારણ હોય છે, એમ જ મોટી ઉંમરે કોઈ વ્યક્તિમાં બાળસહજ ખુલ્લાશ અને હળવાશ વર્તાઈ આવે, ત્યારે એમનાથી ઉંમરમાં નાના સાથે હળવુંમળવું અને મિત્રતા, તે માટેનું કારણ હોય છે. ભીખુભાઈમાં આ બંનેનો સુભગ સમન્વય હતો. ખરું ને?
ભીખુભાઈને આદિવાસી બાળકોનાં પોષણ-શિક્ષણથી લઈને આદિવાસીઓના સર્વાંગી ઉત્થાનનાં લગભગ બધાં કાર્યો સિત્તેર-બોંતેર વર્ષ સુધી (૧૯૫૦–૨૦૨૨) સાતત્યપણે કરતાં જોઈને, આદિવાસીઓ માટે એવી જ અપાર લાગણી ધરાવતા ઠાકોરભાઈ દેસાઈનું સંક્ષિપ્ત જીવનચરિત્ર કહી શકાય, એવા વિશેષ પુસ્તકમાંનો એક પ્રસંગ યાદ આવી જાય છે. ઝીણાભાઈ દરજી જેવા એક સમયના અગ્રણી કાઁગ્રેસનેતા પર ભીખુભાઈનો પ્રભાવ અને અમરસિંહ ચૌધરીને તો દિલ્હી દોરી જનાર જ ભીખુભાઈ, એ છતાં રાજકીય પદ-પ્રતિષ્ઠાથી દૂર રહીને આદિવાસીઓ માટે કરેલાં અવિરત કામનું રહસ્ય, કદાચ એ પ્રસંગમાંથી મળી આવે. ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વકુલનાયક અને નવજીવનના મૅનેજિંગ ટ્રસ્ટી જિતેન્દ્ર દેસાઈ (૧૯૩૮–૨૦૧૧) લિખિત અને બાબુભાઈ જશભાઈ પટેલની પ્રસ્તાવના-પ્રાપ્ત પુસ્તક ‘રવિયા દૂબળાના રખેવાળ’નો એ સંવાદ જેટલો ત્યારે, એટલો જ અત્યારે પણ સુસંગત છે.
હિતેન્દ્રભાઈ દેસાઈના મુખ્યમંત્રીકાળે (૧૯૬૫–૧૯૭૧) ઠાકોરભાઈ દેસાઈ પંચાયત, સહકાર, ખેતી ખાતાનાં પ્રધાન હતા. ભીખુભાઈની મુખ્ય કાર્યપ્રવૃત્તિ રહી એવી સર્વોદય યોજનાઓ અને ખાદીગ્રામોદ્યોગ અંગેની પ્રવૃત્તિ પણ આ ખાતાને હસ્તક હતી. આઝાદી પછી; મૂળે, મુંબઈ રાજ્યે ગાંધીજીની સ્મૃતિમાં સર્વોદય યોજનાઓ શરૂ કરેલી. “આ સર્વોદય યોજનાઓ રચનાત્મક કાર્યકરો દ્વારા ચાલતાં ગ્રામોદ્યોગનાં વિવિધ કામોનું સરકાર સમર્થિત વ્યવસ્થિત સ્વરૂપ હતું. આ યોજના દ્વારા પછાત યા અણવિકસિત ગામોને સર્વોદય યોજનાઓમાં આવરી લઈ, તેના નિયામક તરીકે સ્થાનિક સંનિષ્ઠ રચનાત્મક કાર્યકરને રોકી, ગ્રામોદ્યોગની પ્રવૃત્તિ ચાલતી.” મુંબઈમાંથી સ્વતંત્ર ગુજરાત રાજ્યની સ્થાપના પછી ય આ યોજના અહીં ચાલુ જ રહી હતી. યોજનાને દસેક વર્ષ થયાં એટલે તેનું મૂલ્યાંકન કરીને ચાલુ રાખવી કે કેમ તે અંગે એક સમિતિ નિમાઈ. તેણે આ યોજના ચાલુ રાખવા સૂચન કર્યું હતું. બીજી બાજુ, સર્વોદય યોજનામાં જે કામો થાય છે, તેવાં જ કામો રાજ્ય તેની કમ્યુનિટી ડેવલપમેન્ટ, ખેતી-પશુપાલન વિકાસ વગેરેની યોજનાઓમાં કરે જ છે, તેવા વિગત-આંકડા સાથે એ ખાતાએ આ યોજનાઓને ચાલુ રાખવા અંગે પ્રશ્નો જન્માવ્યા. એ ખાતાના સચિવ સર્વોદય યોજનાઓના ખાતા સંબંધિત મંત્રી અને સચિવ સાથે આ અંગે એક મીટિંગ ઇચ્છતા હતા. ઠાકોરભાઈએ તેમની વિનંતી સ્વીકારી. મીટિંગમાં સચિવ તરફથી જે પ્રશ્નો કરાય તેનો જવાબ આપવા ઠાકોરભાઈએ જાણીતા રચનાત્મક કાર્યકર [અને પછીનાં વર્ષોમાં ગૂજરાત વિદ્યાપીઠનાં કુલપતિ બનેલા] નવલભાઈ શાહને સાથે રાખ્યા હતા. હવેની વાત પુસ્તકના લેખક જિતેન્દ્ર દેસાઈના શબ્દોમાં :
[સચિવ] શ્રી રાણાએ પોતાની વાત શરૂ કરી અને જણાવ્યું કે સ્વરાજ્ય મળ્યું, ત્યારે પછાત વિસ્તારના ગ્રામવિકાસ માટે સરકારની કામગીરી બરાબર ગોઠવાઈ નહોતી. પ્રજાના વિકાસ માટેની યોજનાઓ હતી નહીં. તે સંજોગોમાં આ સર્વોદય યોજનાઓ શરૂ કરવામાં આવી હતી. ગુજરાતનું નવું રાજ્ય થયું. ત્યારે તેને ચાલુ રાખવામાં આવી હતી. આ યોજનાઓ પંચવર્ષીય હતી, પણ હવે જુદાં જુદાં વિકાસ કામો માટે સરકારની કામગીરી ગોઠવાઈ ગઈ છે. કમ્યૂનિટી ડેવલપમેન્ટ યોજના, પશુપાલન અંગેની યોજનાઓ ચાલુ થઈ ગઈ છે. એટલે …
ઠાકોરભાઈ સચિવશ્રીની વાતનો દોર પામી ગયા હતા. એટલે તેમણે તેમની વાત અધવચથી અટકાવીને પૂછ્યું, “મિ. રાણા! દેશ ગમે તેટલો ગરીબ હતો ત્યારે પણ મારા ને તમારા બાપદાદા બે ટંક દાળભાત, શાક, રોટલી ખાતા હતા ને?”
“હા જી.” રાણાએ મિતાક્ષરી જવાબ આપ્યો.
“હું, તમે ને અહીં બેઠેલા બધા જ અધિકારીઓ ને આપણે સહુ આજે પણ દાળભાત, રોટલી, શાક ખાઈ શકીએ છીએ, ખરું ને?”
“યસ સર.” પાછો એ જ મિતાક્ષરી જવાબ.
“અને હવે મારા અને તમારા દીકરા પણ દાળભાત, રોટલી, શાક ખાઈ શકશે ખરા ને?” ઠાકોરભાઈએ પૂછ્યું.
“શ્યોર … સર …” રાણાએ કહ્યું.
ત્યાં બેઠેલા અધિકારીઓ અને નવલભાઈ સુધ્ધાં ઠાકોરભાઈની આ દાળભાત, રોટલી, શાકની વાતથી અકળાયા. તેમને આ પ્રશ્નોત્તરી વિચિત્ર લાગી. કોઈને વાત વિસંગત લાગતી હતી, કોઈને વિચિત્ર.
સર્વોદય યોજનાઓના ખાતાના પ્રધાન તરીકે ઠાકોરભાઈ મીટિંગના અધ્યક્ષ હતા. તેમણે સચિવશ્રી સામે જોઈ કહ્યું, “જુઓ મિ. રાણા, આખરે રાજ્યે ગરીબો માટે આ સર્વોદય યોજનાઓ શરૂ કરી હતી ને ચલાવી છે. સર્વોદય યોજના જ્યાં ચાલે છે, ત્યાં–ત્યાં તે વિસ્તારના ગરીબ લોકો જ્યાં સુધી આપણી જેમ બે ટંક દાળભાત, શાક, રોટલી ખાતાં ન થાય, આપણે તેમને એ સ્તરે ન લાવીએ, ત્યાં સુધી આ યોજના ચલાવવી કે બંધ કરવી, તેની ચર્ચા ઉપસ્થિત કરવામાં ડહાપણ નથી.”
સમિતિમાં સન્નાટો પડી ગયો. ચર્ચા સમેટાઈ ગઈ અને ઔપચારિક શુભેચ્છા સાથે સહુ છૂટા પડ્યા. ત્યાં હાજર રહેલા સહુ અધિકારીઓને ઠાકોરભાઈના શબ્દો યાદ રહી ગયા હશે : પછાત વિસ્તારમાં જ્યાં સર્વોદય યોજના ચાલે છે, ત્યાંના ગરીબમાં ગરીબ માણસ આપણી જેમ દાળભાત, શાક, રોટલી ખાતો ન થાય, ત્યાં સુધી યોજના બંધ કરવાનો વિચાર પણ ન કરવો!
છેલ્લાં થોડાં વર્ષોમાં, વિવિધ ક્ષેત્રમાં કામ કરનાર આવાં ઘણાં વ્યક્તિત્વો ગુજરાતે ગુમાવ્યાં. કંઈક વધારે જ ગતિએ ગુમાવ્યાં. ચુનીકાકાથી લઈને ઇલા પાઠક, ગિરીશ પટેલ, મુકુલ સિન્હા, ઇન્દુકુમાર જાની, મહેશ દવે, પ્રો. બંદૂકવાલા … દેશ અને રાજ્યને જ્યારે નાત-જાત-કોમથી ઊંચા ઊઠીને, પણ છેવટે લોકો માટે કામ કરનાર આવાં વ્યક્તિત્વોની હાજરીની સૌથી વધારે જરૂર છે, ત્યારે એ ખોટ તો સાલશે જ. એલ.ઈ.ડી. અને ફ્લડ લાઇટોથી ઝળાંહળાં બતાવાતા વિકાસ વચ્ચે સાચા રસ્તે દોરી જનાર આવાં કેટલાંક ફાનસની ખોટ ઘણા બધા દીવડાએ મળીને જ પૂરવી પડશે ને?!
•
e.mail : ketanrupera@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2022; પૃ. 06-07