હસતાં રમતાં
ટી-20 વર્લ્ડકપ-2022ની ફાઈનલમાં પ્રવેશેલી બે ટીમ તરીકે પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ નક્કી થઈ ગઈ છે, પણ ફાઈનલમાં નહીં પહોંચનાર કેટલીક ટીમને ફરિયાદ છે કે ફાઈનલ માટેના સાચા દાવેદાર તો અમે છીએ. એટલે આ બધી અસંતુષ્ઠ ટીમ આઈ.સી.સી.માં ધા નાખે છે. કાં તો ફાઈનલ રદ્દ કરો, કાં તો અમને સાંભળો ને યોગ્ય નિર્ણય કરો.
હવે ….
આઈ.સી.સી. મુંઝાય છે :
“એવું તો કેમ ચાલે?! ક્રિકેટ વર્લ્ડકપ તો છેક બાબા આદમ; સૉરી, ક્લાઇવ લોઈડના જમાનાથી રમાય છે. કદી નહીં ને આ વખતે જ કેમ ફાઈનલ રદ્દ કરવાની માંગ કરો છો. તમે ફાઈનલમાં નથી પહોંચ્યા એ બરાબર છે, પણ જે ટીમ ફાઈનલમાં પહોંચી છે એ પોતે જ્યારે અગાઉના ઘણા વર્લ્ડકપમાં ફાઈનલમાં નહોતી પહોંચી ત્યારે તેમણે કદી આવી ધા નહોતી નાંખી.”
“એ અમે કંઈ ના જાણીએ, પણ તમે એકવાર ફાઈનલ રદ્દ કરો, પછી જુઓ …. એ ટીમો પણ ફાઈનલ કેમ રદ્દ કરી? એમ ન કરાય. એમ કહીને ધા નાંખે છે કે નહીં, જોઈ લેજો.” બધી ટીમો એક સુરે સાથે બોલી ઊઠે છે.
“કેવી વાત કરો છો!! એવું કરે છે કે નહીં તે જોવા માટે કંઈ ફાઈનલ રદ્દ કરાય?! તમારે શું કહેવું છે, એ કહોને.” આઈ.સી.સી.ના સત્તાવાહી સુરનો બધી ટીમોને અહેસાસ થાય છે, એટલે હવે બધી ટીમો નરમ પડે છે.
કાકલુદીભર્યા સુરે બધી ટીમો બોલી ઊઠે છે :
“પણ તમે અમને સાંભળીને ફાઈનલ રદ્દ કરશો ને?”
“એ બધું અત્યારે ના કહી શકાય, તમારે કહેવું હોય એ કહો. અમે સાંભળીશું.”
પહેલાં, “વિશ્વગુરુ ભારત”, સૉરી. અહીં એવું ના આવે.
ટીમ ઇન્ડિયા : અમે સુપર ટ્વેલ્વમાં છેક સુધી સારું રમ્યા. અમારું ગ્રૂપ ટોપ કર્યું. એક જ મેચ હાર્યા. એ પણ ગ્રૂપની સૌથી મજબૂત કહેવાતી ટીમ સાઉથ આફ્રિકા સામે જ. અને એ પછી સેમીફાઈનલ કહેવાતી એવી માત્ર એક જ મેચ હાર્યા ને બહાર?! એ હાર પણ વળી એવી ટીમ સામે જેને આયર્લેન્ડ જેવી નબળી ટીમે હરાવી દીધી હતી!! આવો કેવો નિયમ?!!
સાઉથ આફ્રિકા : અમે ભારતને હરાવ્યું. અમે પાકિસ્તાનને હરાવ્યું. ગ્રૂપ બીમાં આ બે ટીમો ટોપ પર રહી, પણ ટોપ પર રહેતાં પહેલાં અમારી સામે તો એ બંને હારી ગઈ હતી! તો વળી, ટોપની ટીમ કેવી?! અને અમે દર વખતે નોક આઉટ મુકાબલામાં હારી જઈએ છીએ, એ તમને ખબર તો છે. તો આવા નિયમો કેમ બનાવો છો?!
ઑસ્ટ્રેલિયા : ભારત અને આફ્રિકાની વાત જવા દો. અમે તો ઘરઆંગણે જ રમ્યા હતા. લેગ ને ઑફ સાઈડમાં શૉર્ટ બાઉન્ડ્રી, મોટાં મેદાનો, બાઉન્સી પીચ …. બધી જ અમને ખબર હતી. આ વર્ષે જ બીગ બૅશની ફાઈનલ રમનાર ત્રણ ખેલાડીઓ તો અમારી ઇલેવનમાં હતા. અને વરસાદે અમારી એક મૅચ વળી શું ધોઈ નાંખી કે અમે તમારી કહેવાતી એવી સેમીફાઈનલમાંથી બહાર! તમને ખબર છે … એટલે ખબર જ હોય એ તો કે ફાઈનલમાં પહોંચનાર ઇંગ્લેન્ડની ટીમને ગ્રૂપ મૅચમાં હરાવનાર આયર્લેન્ડને અમે ૪૨ રનથી હરાવ્યું હતું ને ૧૧ બૉલ બાકી હતા ત્યારે તો એમને ઑલઆઉટ કરી દીધું હતું. અમારા ય ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડની જેમ સાત પોઈન્ટ્સ હતા ને રન રેટની વાત કરતા હોવ તો ….
આઈ.સી.સી. : (અટકાવીને) બસ બસ, સમજાઈ ગયું. યજમાન ટીમ છો એટલે આટલું બધું બોલવાનું?! કોણ છે હવે આગળ?!
શ્રીલંકા : અમે.
સુપર ટ્વેલ્વમાં ઇંગ્લેન્ડને હરાવનાર આયર્લેન્ડને અમારી પહેલી જ મૅચમાં અમે ૩૦ બૉલ બાકી રાખીને નવ વિકેટે હરાવ્યું હતું. અને તો ય …..
આઈ.સી.સી. : (વચ્ચે અટકાવીને) ઇંગ્લેન્ડ-આયર્લેન્ડ મેચ સિવાયની વાત કરો. એ દલીલ ભારતે કરી દીધી છે.
(શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે ગુસપુસ : જોયું, આ ઇન્ટરનૅશનલ નહીં, ‘ઇન્ડિયન’ ક્રિકેટ કાઉન્સિલ જ છે. આપણી દલીલ પણ પૂરી સાંભળતા નથી.)
આઈ.સી.સી. : નેક્સ્ટ!
બાંગલાદેશ : જો પાકિસ્તાન સામેની મૅચ અમે જીતી ગયા હોત તો પાકિસ્તાનના બદલે આજે અમે ફાઈનલમાં હોત. આ તો સાઉથ આફ્રિકા નેધરલૅન્ડ સામે (હવે ધીમા અવાજે) જાણીજોઈને હારી ગયું એટલે અમે બહાર થઈ ગ્યા.
આઈ.સી.સી. : એક મિનિટ, આવી ધડમાથા વગરની વાત નહીં કરવાની. આઈ.સી.સી.ની બધી ટીમો તરફ ચાંપતી નજર છે. ફરી આવી વાત કરશો તો માંડમાંડ મળેલો ટેસ્ટ દરજ્જો છીનવી લઈશું. અને પાકિસ્તાન સામેની મૅચ તમે જીતી ગયા હોત તો તમે કેવી રીતે ફાઈનલમાં હોત? એ તો ગ્રૂપ મૅચ હતી અને ગ્રૂપ મૅચ પછી તો સેમીફાઈનલ આવે ને?
બાંગલાદેશ : હા. સેમીફાઈનલ જ આવે, પણ સેમીફાઈનલમાં તો ન્યુઝીલેન્ડનું હારવાનું નક્કી જ હોય છે. એટલે અમે જ ફાઈનલમાં આવીએ ને …
આઈ.સી.સી. ચકરાવે ચઢી જાય છે. ખરેખર, મુંઝાય છે. સાલું, વાત તો સાચી. બધી ટીમની દલીલોમાં દમ તો છે. કોઈની એકબીજા પરની હાર-જીતના સાંધા જ નથી જડતા. પણ અનિર્ણયાત્મકતાની આ અવસ્થા જાહેરમાં દર્શાવાય તો નહીં ને. એટલે આઈ.સી.સી. વિચારવાનો ડોળ કરે છે. થોડી વાર ગાલ-દાઢીએ ને થોડી વાર કપાળે અંગૂઠા-આંગળી પ્રસરાવી-ઠપકારીને વિચારવાનું ચાલુ રાખે છે. ફરિયાદી ટીમો રાહમાં છે કે આઈ.સી.સી. શું ચુકાદો સંભળાવશે. બીજી બાજુ આઈ.સી.સી. જેટલું વિચારે એટલી વધુ અટવાય છે … ત્યાં જ દૂરથી ધીમી ધીમી બૂમો સંભળાય છે. Oo la la la le o, Oo la la la le o …. નજીક આવતા સુધીમાં બૂમો બદલાય છે. થોડી મોટી પણ થાય છે.
DJ Bravo DJ Bravo
DJ Bravo DJ Bravo
Champion champion
Champion champion
Champion champion…. સંભળાવા લાગે છે.
બધી ટીમો આમતેમ ભાગવા માંડે છે. ફાઈનલમાં નહીં પહોંચી શકવાના દુઃખની આવી પળોમાં આઈ.પી.એલ.ની દોસ્તીના કારણે ફરજિયાત તાલમાં તાલ મિલાવીને નાચવું પડશે. નાચવું ન પડે એ માટે કોઈક ટેબલ નીચે સંતાઈ જાય છે તો કોઈક વૉશરૂમમાં જતી રહે છે, તો કોઈક વળી પોતાની કિટ પૅક કરવા મંડે છે. પાકિસ્તાનના કેટલાક ખેલાડીઓ નમાજની મુદ્રામાં ગોઠવાઈ જાય છે તો બાંગલાદેશના કેટલાક ખેલાડીઓ રૅપ ડાન્સ ન કરવો પડે એટલા માટે એમાં જોડાઈને નાગીન ડાન્સ કરવા માંડે છે.
…. પણ અનિર્ણયાત્મકતામાં અટવાયેલી આઈ.સી.સી.ને આ તકનો લાભ મળતાં કંઈક ચમકારો થઈ જાય છે. કોણ ક્યાં છે ને શું કરે છે એની પરવા કર્યા વગર પોતાનો ચુકાદો સંભળાવે છે.
આઈ.સી.સી. : જુઓ, આ વેસ્ટ ઇન્ડીઝની ટીમ જુઓ. એક નહીં, બબ્બે વાર ચેમ્પિયન બની છે આ ટીમ! એમના સિવાય કોઈ ટીમ બે વાર ચેમ્પિયન બની છે?! અને તેમ છતાં, આ વખતના વર્લ્ડકપમાં જુઓ, એમનાં શું હાલ છે!
તમે બધા સુપર ટ્વેલ્વ અને સેમીફાઈનલની વાત કરો છો, આ ટીમ તો ક્વોલિફાઇંગ રાઉન્ડમાં જ બહાર ફેંકાઈ ગઈ હતી. અને પૂછી જુઓ એમને કે કોની સામે હારી હતી? વિવિયન રિચાર્ડઝ અને યુનિવર્સલ બૉસનો વારસો ધરાવતી ટીમ એમને પોતાને ય યાદ નહીં હોય એવા ખેલાડીઓની બનેલી સ્કોટલેન્ડ અને આયર્લેન્ડની ટીમ સામે હારી ગઈ છે. અને જુઓ, તો ય કેટલી ખુશ છે. ….
(પોતાના બૉર્ડે પણ ક્યારે વખાણ કર્યા હતા એ યાદ નથી એવી વિન્ડીઝ ક્રિકેટ ટીમ આઈ.સી.સી.ના મુખે પોતાના વખાણ સાંભળીને વધુ ખુશ થઈ જાય છે. ફાઈનલમાં પહોંચનાર પાકિસ્તાનની ટીમને સુપર ટ્વેલ્વમાં હરાવનાર ઝિમ્બાબ્વેની ટીમને પોતે ગ્રૂપ સ્ટેજમાં દસ બોલ બાકી હતા ત્યારે જ આખી ટીમનું ફીંડલું વાળીને ૩૧ રનથી કેવી હરાવી હતી…. થોડી સેકન્ડો એની યાદોમાં ખોવાઈ જાય છે…..આ બાજુ આઈ.સી.સી.નું ભાષણ, નહીં નહીં … ચુકાદો સંભળાવવાનું ચાલુ છે.)
… આને કહેવાય સ્પોર્ટ્સમેન સ્પિરિટ અને પોઝિટિવ અપ્રોચ. અને આ સ્પિરિટ ને અપ્રોચ કેવો રંગ લાવ્યા છે, જુઓ. યોગાનુયોગ ૨૦૨૪નો વર્લ્ડકપ વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં યોજાઈ રહ્યો છે એટલે યજમાન દેશ તરીકે તેમને આપમેળે જ એન્ટ્રી મળી ગઈ છે. એટલે જ કહીએ છીએ કે આ બધી નકારાત્મકતા અને ફરિયાદો છોડો. હસતા રહો, હકારાત્મક વલણ દાખવો. કોરોના પછી માંડ સ્ટેડિયમમાં નેવું હજાર-લાખ પબ્લિક ભેગી થઈને આઈ.સી.સી.ના અને એ થકી ક્રિકેટના કે પછી ક્રિકેટના અને એ થકી આઈ.સી.સી.ના વિકાસમાં ફાળો આપી રહી છે એને ખુલ્લા મને સ્વીકારતા શીખો. આવી ફરિયાદો કરવામાંથી બહાર આવો અને જ્યાં સુધી વાત ટી-૨૦ની છે એ તો જે દિવસે જે ટીમ સારું રમે એ જ જીતે.
આઈ.સી.સી.નો સમજાય નહીં એવો ગોળ ગોળ ચુકાદો સાંભળીને શિસ્ત જાળવતાં બધી ટીમો પોતપોતાના રસ્તે વળે છે. ઇન્ડિયાની ટીમ થોડી પાછળ છે. કંઈક ગડમથલમાં હોય એવું લાગે છે. એમને બોલાવે છે.
એ ય મોકાવાળા, સૉરી. ટીમ ઇન્ડિયાવાળા, આવો જોઈ અહીંયા.
તમને હજુ કોઈ પ્રશ્ન છે? તો ખાનગીમાં કહી શકો છો. જેને જે કહેવું હોય એ કહે, પણ વર્લ્ડકપનો ૯૦% ખર્ચ તો પરોક્ષ રીતે આમ પણ તમે જ ઉઠાવ્યો છે ને, બોલો બોલો ….
ઇન્ડિયાની ટીમ શબ્દો ગોઠવતા ગોઠવતા કંઈક કહેવા જાય છે …. ત્યાં જ આઈ.સી.સી.ના અધિકારીઓના ચહેરાની દિશા બદલાઈ ગયેલી હોય છે. બી.સી.સી.આઈ.ના સેક્રેટરી દૂરથી આવતા દેખાય છે. ફાઇનલ મેચ જોવા જ આવ્યા છે. આઈ.સી.સી.ના અધિકારીઓ એમને આવકારવા આગળ વધે છે, ટીમ ઇન્ડિયાવાળા હવે એમણે કશું કહેવાનું રહેતું નથી એવી નિશ્ચિંતતા સાથે પોતાના હોટલરૂમમાં પરત ફરે છે.
Email: ketanrupera@gmail.com