હૃદયાંજલિ …
એમના કામના પ્રેમમાં પડી જવાય એવું નામ. પત્રકારત્વને જોવા-સમજવાની આંખ ખૂલું ખૂલું થવાના વર્ષોમાં કોઈ પત્રકારને પહેલવહેલું નામથી ઓળખવાનું થયું એ નામ જ હતું વિનોદ દુઆ. ઝી ટી.વી.થી લઈને પછી લંગાર લાગતી ગઈ એવી ન્યૂઝ ચેનલો આવવાનાં વર્ષો ને દૂરદર્શનના આથમતા કાળનો એ આરંભ હતો. દૂરદર્શન અને સહારા ચેનલ પર છાપાંની ‘સૂર્ખિયાં’નું એ જે પઠન કરતાં તે અક્ષરસ: પઠન હોવા છતાં પઠનથી વિશેષ લાગતું. પઠનમાં પ્રાણ પૂરાઈને આવતો એવી અનુભૂતિ થતી એવી એમની શૈલી. અહીં ‘શૈલી’ લખાઈ તો ગયું, પણ એને શૈલી કહેવું એ હવે જરા છીછરું લાગે છે. એમની સહજતાને થોડો અન્યાય થયા બરાબર લાગે છે. આપણે એને ‘સહજતા’ જ કહીએ. તો, દેશનાં અગ્રણી અખબારની સૂર્ખિયાંના પઠનમાં પણ પ્રાણ પૂરાઈને આવતો એવી સહજતા એમને સાંભળીને અનુભવાતી.
એ સહજતા ક્યાં સુધી રહી? છેલ્લે, ‘જન ગણ મન કી બાત’ કરતાં, છેક ત્યાં સુધી. દૂરદર્શન કે એન.ડી.ટી.વી. પરનાં એમનાં પ્રારંભનાં કે શિખરનાં વર્ષોથી આ વર્ષો ખાસ્સાં અલગ હતાં. પોતાની સામે જ પોતાને મોટી સ્ક્રીનમાં નિહાળતા રહીને, આંખો સહેજ પણ પટપટાવ્યા વગર કે વાક્યરચનાનાં વિશેષ વળાંકે આંખો વિશેષ રીતે મીચકારી તરત ખોલીને અસ્ખલિત વાણીપ્રવાહ ચાલુ રાખવાના આ વર્ષોમાં ય એમણે પોતાની પહેલાવાળી – અસલના જમાનાની સહજતા જારી રાખી હતી. એ જ રીતે પ્રધાનસેવકની જુમલાબાજી કે ગૌણસેવકો અને ભક્તોની ખોટી દલીલબાજીની ખબર લેતાં ત્યારે હાથમાં કાગળિયાં ચોક્કસ રાખતાં. પત્રકારને બધું મોઢે હોવું જ જોઈએ, પત્રકાર બધું જાણતો હોવો જોઈએ કે કમ સે કમ એવું દેખાવું જોઈએ એવા કોઈ જ પ્રકારના ભ્રમ-ભારણ વગરની એમની અભિવ્યક્તિ એટલે જ સહજ હતી.
વચ્ચેનાં થોડાં વર્ષોમાં ‘ઝાયકા ઇન્ડિયા કા’ કરી આવ્યા, લગભગ દેશ આખો ફરી આવ્યા, રોડસાઇડ ખાણીપીણીથી લઈને હાઇવે પરનાં ઢાબામાં લટાર મારી આવ્યા, ત્યારે વ્યક્તિગત રીતે પત્રકારત્વમાં એમની ખોટ વર્તાતી લાગી (આપણામાંથી ઘણાંને લાગી હશે), પણ પછી પાછા ફરીને જે વરસ્યા, એ લાંબો કૂદકો મારતાં પહેલાંનાં પાછાં ભરેલાં પગલાં જ લાગ્યાં. જો કે ઝાયકાના કેટલાક એપિસોડ્સમાં દુઆને જીવનનો એ લુત્ફ ઉઠાવતાં જોઈને જ કદાચ વિચાર સળવળ્યો હશે કે પત્રકાર છીએ તો શું થયું, મુખ્ય તો જીવન છે. અને જીવનનાં અનેક રંગો છે. કોઈ પત્રકાર રાજકારણ-સમાજકારણથી થોડો બ્રેક લઈને લોકજીવનનાં એ રંગને પણ પોતાની પૂરી શક્તિ અને અભિવ્યક્તિથી આટલી રસિક ને રોમાંચક રીતે વ્યક્ત કરી જાણે છે, તો શું વાંધો છે? તીખી-તમતમતી, મીઠી-મધમીઠી, સ્વાદિષ્ટ, રસસભર, ચટાકેદાર વાનગીઓનો સ્વાદ માણીને જે બે-ચાર શબ્દો કે વાક્યો બોલતાં એમાં ય એ, પેલી સહજતા તો અનુભવાતી જ. ક્યારેક તો જાણે આપણે પોતે જ એ આરોગી હોય એવા આનંદ કે સંતોષની કક્ષાએ પહોંચી જતી.
મુખ્ય પ્રવાહનું પત્રકારત્વ હોય કે એની કરોડરજ્જુ જેના પર ટકી છે એવા આમ આદમીની એક મુખ્ય જરૂરિયાત એવા ખોરાક(અહીં ખાણીપીણી)ની પેશગી હોય, દુઆ જે સ્ટાન્ડર્ડ સેટ કરતા ગયા છે એ આજે ય ઘણી ચેનલો ને એનાથી ય ઘણી મોટી સંખ્યાના એન્કર્સ, એને ચોક્કસ એક લિગસી રૂપે જોતાં હશે.
વિનોદ દુઆએ પત્રકારત્વમાં ઘણું બધું કર્યું છે. અલ્ટ્રા નેટના આ જમાનામાં સેકન્ડોમાં જ સેંકડોની સંખ્યામાં સર્ચ લાગી ચૂકી હશે ને એક ક્લિકે કે બે થમ્બે એટલું બધું ઉપલબ્ધ પણ થઈ રહ્યું હશે કે ભાગ્યે જ કોઈના માટે કશું ક એક્સક્લુઝિવ બચશે. પણ દુઆ જે મુકીને ગયા, જે હંમેશાં મારા-તમારા-આપણા જેવા પત્રકારો-લેખકો ને દર્શકો-વાચકોની સાથે રહેશે એ એમની સહજ ને વિનોદ ભરી હાજરીની અનુભૂતિ.
સલામ વિનોદ દુઆ.
ઓપિનિયન, ૫–૧૨-’૨૧માંથી સાભાર
***
સમાચાર મળ્યાની સાંજે જ લાગેલા આંચકા અને આવેલા ઉછાળામાં આ લખાઈ ગયા પછીના દિવસોમાં દુઆ વિશે વધુ વાંચવા–સાંભળવાનું થાય છે ત્યારે બૂમબરાડા, બિન–જરૂરી આક્રોશ, બાલિશ હરકતો, આક્ષેપબાજી અને પોતે જ બોલતા રહીને સામેનાને સાંભળવા સુદ્ધાં નહીં–ની પાછલાં વર્ષોમાં વકરેલી સ્ટાઇલ જોતાં, દુઆ ‘ન્યૂ ઇન્ડિયા’નું મીડિયા કઈ દિશામાં જશે, એને પહેલેથી પારખી ગયા હશે એમ લાગે. દુઆની એક નવા આવેલા પત્રકારને આપેલી શિખામણ એ અણસાર આપે.
અંતિમસંસ્કાર વખતે એન.ડી.ટી.વી.એ ઘણા પત્રકારો અને રાજકારણીઓને દુઆ અંગે પૂછ્યું. મનોરંજન ભારતીએ પત્રકારત્વની શરૂઆત જ દુઆ સાથે કામ કરીને કરી હતી. એની મીઠી શીખ સંભારતા કહે છે, “ઉન્હોં ને કહા થા, બેટા, ઐસા હૈ કિ યદી એક બાર કૅમેરા ઑન હો જાયે ઔર લાઇટ ઑન હો જાયે, તો કઠિન સે કઠિન સવાલ પૂછતે મત ગભરાના, લેકિન સવાલ મુસ્કુરાતે હુએ પૂછના, ચિલ્લાકે નહિ પૂછના.” મનોરંજન ભારતી ઉમેરે છે, “યે સિખ જો હૈ વો આજ કે સભી પત્રકારો કે લિયે, સભી એન્કર્સ કે લિયે હૈ. … કઠિન સે કઠિન સવાલ પૂછતા રહુંગા ઔર દુઆ સા’બ આપકો યાદ કરતા રહુંગા.”
તો, 'કઠિન’ સવાલ કેવો હોય? – એનો માપદંડ ક્યારેક સવાલ શું છે એના કરતાં કોને પુછાય છે, એના પર વધારે હોય. ખરું ને? ભારતીય ચૂંટણી, લોકતાંત્રિક પરંપરા અને એ સંબંધિત આચારસંહિતાનું પાલન કરાવવામાં ટી.એન. શેષાનથી આગળ ઉપર નામ જડવું મુશ્કેલ છે! ભારત નામના સૌથી મોટા લોકશાહી દેશમાં મુખ્ય ચૂંટણી અધિકારીની સત્તા કેટલી બધી છે, એનો તેના માળખામાં રહીને જ આ દેશના ઉમેદવારથી લઈને અન્ય દેશના વડાઓને પરિચય કરાવનાર અને ખાસ કરીને, દેશની આમ જનતાની પણ જીભે ચઢનાર બાહોશ, કડક અને ઉમદા અધિકારી શેષાનને પણ આવો પ્રશ્ન પુછાઈ શકે? “શેષાન સા’બ, ચુનાવ કે જો કાનૂન હૈ, ઉસકે મુતાબિક જિતના ખર્ચ કરના ચાહિયે એક પ્રત્યાશી કો, આપકે મુખ્ય ચુનાવ આયુક્ત હોને કે બાવજૂદ, ઉસસે અધિક ખર્ચ હુઆ હૈ. ઐસા ક્યોં?” ભારત સરકાર સ્થાપિત પ્રસાર ભારતીના દૂરદર્શનમાં બેસીને ભારત સરકાર સ્થાપિત ચૂંટણીપંચના મુખ્ય ચૂંટણી અધિકારીને પુછાયેલો આ પ્રશ્ન હતો. કહેવાની જરૂર નથી કે ભાષાના નિયમો મુજબ અહીં ‘બાવજૂદ’નો ઉચ્ચાર પહોળો થાય છે, અને પૂછવામાં પણ તેમ જ આવ્યું હતું.
આવા અનેક પ્રશ્નો અનેક નેતાઓને અનેક વાર પૂછ્યા હતા અને જવાબ ન આપી શકવાની સ્થિતિમાં ભલભલા નેતાઓનાં મુખકમળ ‘દિવેલ પીધાં’ જેવાં થઈ જતાં હતાં. આ તાકાત હતી સહેજ સ્મિત, શાંત ચિત્ત, શાલિનતા અને સચ્ચાઈની.
E-mail : ketanrupera@gmail.com
Consulting Editor-Researcher-Publisher, Ahmedabad – 380 009 Gujarat, India
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2021; પૃ. 04