૧૬ કે ૧૭મી એપ્રિલ, શુક્ર/શનિનો દિવસ હશે. બપોરના સમયે વાડજથી ગાંધીઆશ્રમ તરફના રસ્તે પસાર થવાનું થયું. રસ્તામાં ‘ગુજરાત ખેત વિકાસ પરિષદ’ આવે જ આવે. નજીક પહોંચતા જ વિચાર આવ્યો કે ઇન્દુકુમાર સાથે ઘણા વખતથી વાત નથી થઈ. છેલ્લે, દિવાળી-નવા વર્ષ આસપાસ અમસ્તાં જ ખબરઅંતર પૂછવા ફોન કરેલો ને ટૂંકી વાત થયેલી. ગૌરાંગ જાનીના પુસ્તક ‘કોરોના : બિંબ-પ્રતિબિંબ-વાત લોકડાઉનની’ અંગે પણ વાત થઈ હતી. એટલે એ મોકલી આપ્યું હતું. ત્યાર પછી કોઈ ખબર નહોતા. એટલે ફોન કરું આજકાલમાં, એવા વિચાર સાથે રસ્તો કપાતો ગયો. વિચારમાં થોડો વિરામ આવ્યો, ફરી પાછું મનમાં સળવળ્યું કે એમની તબિયત તો ઘણા વખતથી સાજી-નરવી રહે છે. આપણે સૌ જાણીએ છીએ એમ ‘નયા માર્ગ’ આટોપવાનાં એમણે લખેલાં કેટલાંક કારણો પૈકી એક મહત્ત્વનું કારણ એમની તબિયત પણ ખરી. એટલે ગયા વર્ષે ધીરેધીરે અનલૉક શરૂ થવા છતાં પણ એમણે અપવાદ રૂપ સંજોગ સિવાય ઓફિસ આવવાનું રાખ્યું નહોતું, એવું છેલ્લી વાતમાં જણાવેલું ને કોરોનાને કારણે જ એમને જવાનું થયું, એ આપણા સૌ માટે વધારે આંચકો આપનારું રહ્યું છે.
દલિતો-આદિવાસીઓ અને કેટકેટલાં ય છેવાડાના લોકો માટે લડનાર કર્મશીલ અને આશ્રમશાળાના વિદ્યાર્થીઓ માટે જુગતરામ દવેનો વારસો આગળ ધપાવનાર રચનાશીલ ઇન્દુકુમાર જાનીના જાહેરજીવનની સફર કે એ સંબંધિત સંભારણાં મૂકવાનો બિલકુલ જ આશય નથી, કેમ કે એમની પેઢીના, ને એ પછી તરતની પેઢીનાં ઘણાં વડીલો-મિત્રો તેને વધુ સારી રીતે ને વધુ લંબાઈથી મૂકી શકે એમ છે. હું તો એથીયે પછીની પેઢીનો, દૂરથી એમનાં કાર્યોને સાંભળતો-જોતો-વાંચતો આવેલો. એટલે બહુ બહુ તો મુખ્ય પ્રવાહમાં નથી થતું, એવું પત્રકારત્વ-લેખન-સંપાદન કેવું હોય એ આપણાં ત્રણેય અગ્રણી વિચારપત્રો અને ‘દલિતઅધિકાર’ તથા ‘ગ્રામગર્જના’માંથી શિખતો-અવલોકતો રહેતો અને પ્રસંગોપાત ઇન્દુકુમાર સાથે એની વાતો થતાં, એમાંનાં હૃદયસ્પર્શી સંવાદો, અમીટ છાપ છોડી ગયેલી ક્ષણો ને એમાં પ્રગટેલા એમનાં હુંફાળા, સંવેદનશીલ વ્યક્તિત્વથી પ્લાવિત થયેલો, ઓસબિંદુ જેવી ઝલક મૂકી શકું. …
… હા, તો વાત ચાલતી હતી એમની સાજીનરવી તબિયતની. એને લઈને મનમાં ફરી સળવળેલા વિચારે કોણ જાણે કેમ, આંખ સામે અનેક દૃશ્યો લાવી દીધાં! ફ્લેશબૅકની જેમ એક પછી એક દૃશ્યો આવતાં ગયાં. પહેલી મુલાકાતથી શરૂ થયેલું એ દૃશ્ય છેલ્લી ટેલિફોનિક વાતે અટક્યું. એને જ લખતાં લખતાં, અત્યારે ઉમેરાતાં વિચારો ને વિગતોની પૂર્તિ સાથે અહીં ઉતારું.
૨૦૦૪-૦૫નું એ શૈક્ષણિક સત્ર. ‘ચરખા-વિકાસ સંચાર નેટવર્ક’(ગ્રામીણ પત્રકારત્વ માટે અમે સૌ વિદ્યાર્થીઓમાં સંજય દવેની ઊંડી છાપ)ની ફેલોશિપ અને ‘ગુજરાત સમાચાર’ની અમદાવાદ આવૃત્તિમાં પ્રકાશિત થતાં ગ્રામીણ સમાચારોનું નાનકડું સંશોધન ઇન્દુકુમાર જાની સાથેની પહેલી મુલાકાત માટેનું નિમિત્ત. ગૂજરાત વિદ્યાપીઠ અને ગુજરાત યુનિવર્સિટીમાંથી અનુક્રમે સંજ્ઞા સોની અને મિત્તલ પટેલને ફેલોશિપ મળેલી. એ પૂરી થયા પછી એમનાં અનુભવોની વહેંચણી અને ચરખા તરફથી ચુનંદા પત્રકારોને ઍવોર્ડ આપવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો. એ દિવસે જાહેર કાર્યક્રમમાં ઇન્દુકુમારને પહેલી વાર મળવાનું થયું. મારા સંશોધન અંગે વાત કરી. એમના ઇન્ટરવ્યૂ માટે સમય માંગ્યો. પછીના જ દિવસે મળવાનું નક્કી થયું. ઇન્ટરવ્યૂ પૂરો થયો પછી મને પૂછ્યું, આમ તો કહ્યું જ – ઘનશ્યામ શાહ હમણાં અલગ અલગ ક્ષેત્રમાં ગરીબો માટે કામ કરતી એન.જી.ઓ. પર રિસર્ચ કરી રહ્યા છે. એમને આ બધી એન.જી.ઓ.ના વડાની મુલાકાત લઈને એન.જી.ઓ.ની પ્રોફાઇલ તૈયાર કરી આપે એવા સારા વિદ્યાર્થીઓની જરૂર છે. તમને કામ કરવું ગમે?
‘આ તો કોઈ પ્રશ્ન છે?! ગમે જ ને’ મનમાં આવું જ કંઈક. અધ્યાપક અશ્વિનભાઈ પાસે ઘનશ્યામ શાહ અંગે અછડતું, પણ એ ઉંમરે ઊંડી છાપ છોડે એવું કંઈક સાંભળેલું હતું. એટલે ના પાડવા જેવું કશું હતું નહીં. તરત હા પાડી દીધી. એમણે ઘનશ્યામભાઈનો નંબર આપ્યો. મેં પણ કદાચ એ જ કે પછીના દિવસે મારા મનમાં છપાયેલા ‘સમાજશાસ્ત્રી ઘનશ્યામ શાહ’ને થોડા ગભરાતા અને વધુ નમ્ર ભાવે ફોન કર્યો. થોડા દિવસ પછીની મુલાકાત ગોઠવાઈ. પહેલી મુલાકાતમાં કામ સમજી લીધું ને શરૂ પણ કરી દીધું. પત્રકારત્વનું રિઝલ્ટ આવતા પહેલાં જ પત્રકાર તરીકેનું ફીલ્ડ પરનું એ પહેલું વ્યાવસાયિક કામ, જેના નિમિત્ત ઇન્દુકુમાર જાની.
ઘનશ્યામ શાહ સાથે પછી લાંબુ કામ કરવાનું ન થયું (એની વાત કરું આગળ) પણ પહેલું કામ અને એ પણ એમની સાથે, એ વ્યક્તિગતપણે મારા માટે ગૌરવની વાત હતી અને છે.
ઘનશ્યામભાઈના કામમાં ઇન્ટરવ્યૂ માટેની પહેલી એન.જી.ઓ. (જે છેલ્લી પણ બની રહી) હતી તે હિંદ સ્વરાજ મંડળ – રાજકોટ. જેના વડા વાસુદેવ વોરા. ઇન્ટરવ્યૂ એટલો સરસ થયો હતો કે વાસુદેવ વોરાએ પ્રોફાઇલ તૈયાર થાય એટલે એની એક નકલ આપવા કહી રાખેલું. તે આપું એ પહેલાં આ બાજુ બીજાં ચક્રો ગતિમાન થવાં જઈ રહ્યાં હતાં. મારું કામ તો ચાલું હતું પણ એ અરસામાં ઘનશ્યામભાઈની દિલ્હી-અમદાવાદ આવનજાવને ય ચાલુ હતી. કામનો પ્રકાર એવો હતો કે એક વાર સમજી લીધું એટલે વાત પૂરી, પછી કામ પૂર્ણ થાય ત્યારે જ મળવું જરૂરી હતું. આ સહજ અંતરાલે, કંઈક દિગંતવ્યાપી જ કહી શકાય, એવો વળાંક આપ્યો. એક પત્રકાર મિત્ર થકી સમાચાર મળ્યા કે દિગંત ઓઝાને તાજા પાસ થયેલા પત્રકારની જરૂર છે. દિગંતભાઈને મળ્યો. એક પરિસંવાદમાં વિદ્યાર્થી તરીકેની મારી હાજરી એમણે નોંધેલી એટલે ઇન્ટરવ્યૂ જેવી કોઈ ઔપચારિકતાની એમને જરૂર ન લાગી : ‘આવી જાવ કાલથી’. મીડિયામાં કામ કરવાની મારી ચાનક પણ ઓછી નહોતી. આના થકી સારી તક નિર્માઈ શકે એમ લાગ્યું ને ન નિર્માય તો ય દિગંત ઓઝા જેવા પત્રકાર સાથે કામ કરવામાં શિખવા ઘણું મળે, એ વિચાર સાથે ‘જલસેવા’માં જોડાઈ ગયો.
થોડા દિવસો થયા …. ને ઇન્દુકુમાર. દિગંત ઓઝા સાથે એમને સારી મિત્રતા. એક વાર એમના ઘરે આવ્યા હશે, ને મને જોયો. આશ્વર્યભાવે પૂછ્યું, ‘તમે અહીં ક્યાંથી?!’ મેં જે હતો એ જવાબ આપ્યો. એમણે કહ્યું, ચલો કંઈ વાંધો નહિ, દિગંતભાઈ પણ મિત્ર જ છે ને કામ કરતાં યુવાનોની જરૂર બધે છે.
બસ, પછી તો એમ જ અલપઝલપ ને અમસ્તાં, ક્યારેક કોઈક કાર્યક્રમમાં, તો ક્યારેક ખેતવિકાસમાં એમને મળવાનું થતું ગયું. એવી જ એક મુલાકાત વિદ્યાપીઠમાં. ખાદી પ્રત્યેનો એમનો પ્રેમ કાબિલેદાદ. પોતે તો ખાદી પહેરતાં જ, બીજાઓને ખાદીમાં જોઈને ખૂબ ખુશ થતાં. પહેલી વાર એમણે મને ખાદીમાં જોયેલો (કેમ કે વિદ્યાપીઠમાં ખાદી ફરજિયાત). પછી ક્યારેક ખાદી વગર (કેમ કે ખાદી ફરજિયાત નહિ એવી જગ્યાએ જૉબ) જોયેલો હશે. એટલે એમને મન એમ કે હવે ખાદી છોડી દીધી. દરમિયાન વિદ્યાપીઠના ઉપાસના ખંડમાં મળી ગયા; અક્ષરસઃ … ખાસ મળવા માટે દોડી આવ્યા હોય એ રીતે મળી ગયા. મને દૂરથી જોઈને ખાસ્સી ઝડપી ચાલે મારી સામે આવી ઊભા રહી ગયા એવું લાગ્યું. એ વખતે ઢીંચણનું દર્દ કે ઓપરેશન જેવી કોઈ ઘટના હજુ એમના જીવનમાં પ્રવેશી નહોતી, જેણે પછીનાં બધાં વર્ષો એમને ખાસ્સી પીડામાં રાખ્યા હતા. એક વારની વાતચીતમાં એમણે કહ્યું હતું, આ ઢીંચણના ઓપરેશને બહુ હેરાન કરી દીધો છે. પીડા તો રહ્યા જ કરે છે કામ પર પણ બહુ અસર થાય છે. … હા, તો ખાસ્સી ઝડપી ચાલે મારી સામે આવી ઊભા રહી ગયા. છેક નજીક આવ્યા ત્યારે મારું ધ્યાન ગયું. ને ચિરપરિચિત સ્મિત સાથે કહ્યું, “શું છે, પુનશ્વઃ ખાદી?” મેં પણ વળતા સ્મિત સાથે હા પાડી. એમને મન કદાચ એમ હતું કે હવે મેં ખાદી કાયમી ધોરણે ધારણ કરી લીધી છે. જો કે વચ્ચેના ગાળામાં ખાદી ન પહેરવાં માટેનું કોઈ કારણ નહોતું, ખાદી તો ગમે જ. પણ ખાદી ય પહેરીએ ને મિલ(નું કાપડ) પણ. એ દિવસે એમના ચહેરા પરનો આંનદ જોઈને કોઈ ખુલાસો ન કર્યો કે “ઇન્દુભાઈ, મેં એમ.ફીલ. જોઇન્ટ કર્યું છે ને આજે એનો વર્ગ છે એ ભરવા આવ્યો છું!” પણ એ ‘પુનશ્વઃ’ સંવાદની મારા મન પર ઊંડી અસર થઈ. થયું …. આ લાગણી શાની હશે! અત્યારના વિચાર ઉમેરું તો થાય કે નવા નવા કામે લાગેલા ૨૨-૨૩ વરસના છોકરડાને એમના જેવી વ્યક્તિએ આમ સામેથી મળવા આવી ચઢવાનું શું કારણ? કદાચ, ગાંધીવિચાર, શિક્ષણ, ગ્રામીણ પત્રકારત્વ સાથે સંકળાયેલાં કાર્યો? હોઈ શકે … અથવા કોઈ જ કારણ ન હોય, એમ પણ હોઈ શકે. અથવા એમની પેઢીનાં, જેઓ અત્યારે જીવનના સાતમા કે આઠમા દાયકે પહોંચી ગયા છે, એવા જેમની પણ સાથે એ અરસામાં સંપર્કમાં આવવાનું થયું, એ સૌમાં નવી પેઢી માટે ભારે આશા અને વિશ્વાસ દેખાયા છે. પોતાના અનુભવે કંઈને કંઈ ભાથું આપતાં રહ્યાં છે. હા, કેટલાકનો અમલ આપણે કર્યો હોય, ન કરી શક્યા હોય એ અલગ વાત છે. તો, વાત હતી ‘આ લાગણી શાની હશે!’-ની. બહુ લાંબું વિચાર્યા વગર એ દિવસે મનોમન નિર્ણય કર્યો – ઇન્દુકુમારને મળવા જવાનું થાય ત્યારે ખાદી પહેરીને જ જવું. અણધારી મુલાકાત સિવાય એ ક્રમ જળવાઈ રહ્યો, એનો આનંદ છે.
પત્રકારત્વ અને જાહેરજીવનમાં ઉત્તમ કામ કરી ગયેલાં કે કરી રહેલાં લોકોનું કોઈ પણ સ્વરૂપે ડોક્યુમેન્ટેશન થવું જોઈએ, એની બહુ જરૂર જોતાં, અને આવાં કામને દિલથી બિરદાવતા. જિતેન્દ્ર દેસાઈ, તુષાર ભટ્ટ, ચુનીકાકા વગેરેના સ્મૃતિગ્રંથની વાત નીકળતાં એકવાર કહે કે “અમારે કરવું જોઈએ એ કામ તમે કરી રહ્યા છો.” આ સાંભળી સ્વાભાવિક જ આપણને બહુ ક્ષોભ-સંકોચ થાય. એવે વખતે મૌન રહેવું એ અપરાધ કહેવાય. મેં તરત જ જવાબ આપ્યો કે “આદર્શ તો વિનોબાની જે બહુ જાણીતી ફરિયાદ છે એ દૂર કરવાની છે જ, પણ જ્યાં સુધી એમ નથી થતું ત્યાં સુધી તમારા જેવા કર્મશીલોએ ખુશીથી એમના કામના દસ્તાવેજીકરણનું કામ અમારા જેવા પર છોડી દેવું જોઈએ.”
એકવારની મુલાકાતમાં બન્યું એવું કે આદિવાસી મુદ્દે મેં કંઈક પૂછ્યું. એમણે જવાબ તો આપ્યો જ એ અંગે, પણ મારો રસ જોઈને લટકામાં એમનું પુસ્તક ‘સાબાર ઉપર માનુષ સત્ય’ પણ આપ્યું. એમ કહીને કે ‘મારી પાસે હવે એક-બે નકલ જ છે એટલે વાંચીને પછી પાછું આપજો.’ વંચાઈ જાય પછી પુસ્તક પાછું આપવામાં આપણને વાંધો ય શું હોય! પુસ્તક વંચાઈ ગયું, પણ આવતાં-જતાં આપી દઈશ એ વિચારે દિવસો લંબાતા ગયાં. એ પછી તરત આવ્યા ચોમાસાના દિવસો. પુસ્તક બેગમાં જ હતું. પલળી ગયું. રૂમ પર જઈને જે કાંઈ ઉપાય અજમાવી શકાય એ અજમાવીને સારું કરવા પ્રયત્ન કર્યો, પણ આખરે તો એ ‘નિષ્ફળ પ્રયત્નો’ જ બની રહ્યા. હવે મુશ્કેલી ઓર વધી. મોડા પડવા કરતાં કયા મોઢે પુસ્તક પાછું આપવા જવું-ની ચિંતા પેઠી. ‘મારી પાસે હવે એક-બે નકલ જ છે એટલે વાંચીને પછી પાછું આપજો.’ એ શબ્દો મનમાં અથડાયા કરતા. અને માનશો? એટલા કારણથી જ બીજા કેટલાક મહિનાઓ સુધી એમને મળવાની હિંમત ન કરી શક્યો. ‘અભિયાન’ના રીપોર્ટર તરીકે ક્યારેક કોઈ કામથી ફોન કરવાની જરૂર પડે તો બીજે ક્યાંક ફોન કરીને કામ ચલાવી લેતો …. એવામાં એક ઘટના બની. ‘પારાવાર પીડામાંથી પસાર થયા પછી મનુષ્યચેતનાનો સાક્ષાત્કાર કરાવનારી પાટણની યુવતી’નો ઇન્ટરવ્યૂ થયો. વગદારોનું દબાણ, ગામવાળાનાં વેણ, ધાકધમકી, હાંસી, વગોવણી ને કંઈ કેટલીયે જાતની પજવણી ને એક સમયે આપઘાત કરવાનો વિચારે ય કરી ચુકેલી પાટણની એ યુવતીએ આ બધાં વચ્ચે સંઘર્ષ કરીને પાટણ જિલ્લામાં પી.ટી.સી.માં ટોપ ટેનમાં નંબર મેળવ્યો. મીનાક્ષીબહેન (નર્મદ-મેઘાણી લાયબ્રેરી અને સેક્યુલર લોકશાહી આંદોલન)ની ભલામણને કારણે એ યુવતી અને પરિવાર મુલાકાત આપવા રાજી થયાં હતાં. ‘… હવે એ પાટણની પીડિતા નહિ, પાટણનું ગૌરવ’ શીર્ષક હેઠળ ‘અભિયાન’માં કવરસ્ટોરી પ્રકાશિત થઈ. ‘પાટણકાંડ પછીનો ક્ષમાકાંડ, સિદ્ધિકાંડ, મનોહરકાંડ’ (શીર્ષક સૌજન્ય : પ્રણવ અધ્યારુ, તત્કાલીન સંપાદક) એમાં બયાન થતો હતો. ઇન્દુકુમારે આ સ્ટોરી ‘નયા માર્ગ’માં રીપ્રિન્ટ કરી. સ્વાભાવિક જ આપણને ખુશી થાય. એ આનંદ અને આભાર પ્રગટ કરવાના કારણ સાથે હિંમત ઝુટાવીને એમને મળવા ગયો. ને વાતવાતમાં એ પલળી ગયેલાં ‘સાબાર ઉપર માનુષ સત્ય’ની કથા કહી. ઘણી દિલગીરીના ભાવ સાથે મેં જે વાત કરી હતી તેનો પ્રતિસાદ આવો દિલદાર હશે એવી તો કલ્પના પણ ક્યાંથી હોય! ‘કંઈ વાંધો નહિ, પુસ્તક તમને કામે લાગ્યું ને, એનો આનંદ. બસ, સરસ કામ કરતા રહો.’ મનમાં થયું, જે વાતને લઈને મહિનાઓ સુધી મન ભારે રાખ્યું હતું ને મુલાકાત ટાળ્યા કરતો હતો એ વાત આટલામાં ને આ રીતે પતી ગઈ! એમણે તો વળી પાછું ઉમેર્યું કે ‘મારે ‘નવું વાંચન’ માટે એટલાં બધાં પુસ્તકો આવે છે કે બધાં વાંચી ય નથી શકાતાં. ‘નયા માર્ગ’માં જાહેરાત કરવી પડશે કે હમણાં લેખકો-પ્રકાશકોએ પુસ્તકો મોકલવાં નહીં, પહેલેથી આવેલાં પુસ્તકોના પરિચય આપવાનાં પણ હજુ પૂરાં થયાં નથી.
પોતાના ખૂબ આવકાર પામેલા પુસ્તક(‘જનસત્તા’માં ખૂબ વખણાયેલી એમની કોલમનો સંચય જ ને)ની બાકી બચેલી બે-એક નકલોમાંથી પણ છેલ્લી ગઈ એ જાણ્યા પછી, એ વાતને આટલી સહજતાથી લેવી એ એટલું સહેલું નથી હોતું. આવા હાદસાની અસર ભલે ત્વરિત ચહેરા પર વર્તાઈ ન હોય કે વર્તાવા ન દીધી હોય, પણ તેનું ક્ષણ પૂરતું દુઃખે ય ઓછું નથી હોતું. લેખક કે સંપાદક તરીકેનાં પોતાનાં પુસ્તકોની પાંચ નકલો પહેલેથી સાચવીને અલગ મૂકી દેવાનું આપણે આવી ઘટનાઓ જાણ્યા પછી જ શીખ્યા હોઈએ છીએ. બહુ બધા સાહિત્યકારો ને વૈજ્ઞાનિકોનાં અમૂલ્ય સર્જનો ને સંશોધનો આગમાં ખાખ થઈ જવાનાં, પૂરમાં તણાઈ જવાનાં કે ઉધઈ ખાઈ જવાની ઘટનાઓ આપણે જાણી-સાંભળી હોય છે. મોટા માણસ જ આવી ઘટનાઓને હળવાશથી લઈ શકે છે. એ હળવાશ ઇન્દુભાઈમાં ભારોભાર વર્તાયેલી જોઈ હતી.
એક પ્રસંગ તો ક્યારે ય ભૂલાય નહીં એવો છે. ઉંઝા જોડણી અંગેના એમના વિચારોથી આપણે પૂરતા વાકેફ છીએ. પત્રકારત્વના પારંગતના અભ્યાસના ભાગરૂપે ૨૦૦૫માં જ્યારે ‘અભિદૃષ્ટિ’ (ત્યારે ‘દૃષ્ટિ’, સંપાદક : રોહિત શુક્લ, સહ સંપાદક : અશ્વિન ચૌહાણ) પર લઘુશોધ નિબંધ (ડેઝર્ટેશન) તૈયાર કરવાનું કામ હાથ પર લીધેલું. અગાઉનાં વર્ષોનાં વિદ્યાર્થીઓના આ સંબંધિત લઘુશોધનિબંધો વાંચી-જોઈ જવાની ભલામણ અશ્વિનભાઈએ કરેલી. ‘દૃષ્ટિ’ શૈક્ષણિક વિચારપત્ર કહેવાય એ સંદર્ભમાં અન્ય વિચારપત્રો અંગેના લઘુશોધ નિબંધો પર પણ નજર ફેરવી લેવી જોઈએ. આ રીતે આગળ વધતાં ત્રણ-ચાર વર્ષ સિનિયર વિદ્યાર્થી (અને પછી તો મિત્ર પણ) દિવ્યેશ વ્યાસનો ‘ભૂમિપુત્ર’ અંગેનો લઘુશોધનિબંધ વાંચવાનો થયો. એમાં દિવ્યેશને આપેલી મુલાકાતના એક પ્રશ્નમાં ઇન્દુકુમારે આવનારાં પાંચ-દસ વર્ષોમાં ઉંઝા જોડણી વ્યાપક પ્રમાણમાં સ્વીકૃતિ પામશે, આવનારા દિવસો ઉંઝા જોડણીના છે, એ મતલબનો જવાબ આપ્યો હતો. એમાં એમનો આત્મવિશ્વાસ પૂર્ણપણે વર્તાતો હતો. એ અરસામાં, છેલ્લાં થોડાં વર્ષોથી ચાલી આવેલી ઉંઝા જોડણીની હવા અને જામી રહેલા માહોલ વચ્ચે ઘણાને ઇન્દુકુમારનું નિવેદન ધ્યાનમાં લેવા જેવું લાગ્યું હશે. જો કે પછીનાં વર્ષોમાં એવું કશું બન્યાનું આપણા ધ્યાનમાં નથી. પણ ઉંઝા જોડણીના આવા દૃઢ સમર્થક ને છેલ્લે ગણ્યાગાંઠ્યા રહી ગયેલા અગ્રણીઓમાંના એક ઇન્દુકુમાર જાની અંગત રીતે અથવા કહો કે સામેના પક્ષના દૃષ્ટિકોણને સમજવા અને સંતોષવાની રીતે ઘણા ઉદાર હતા.
વર્ષ ૨૦૧૭માં જ્યારે ‘नवजीवनનો અક્ષરદેહ’નો ‘૧૦૧ પુસ્તક-પરિચય વિશેષાંક’ તૈયાર કરી રહ્યો હતો (સહ સંપાદન : કિરણ કાપુરે) ત્યારે ઈન્દુભાઈને ‘મહાત્મા ગાંધી, કૉંગ્રેસ અને હિંદુસ્તાનના ભાગલા’ પુસ્તક (લેખક – દેવચંદ્ર ઝા, અનુવાદક – અશોક ભ. ભટ્ટ, પ્રકાશક : નવજીવન) પરિચય લખવા માટે આપેલું. પુસ્તક-પરિચય લખાઈને આવ્યો – વિદ્યાપીઠના ‘સાર્થ ગુજરાતી જોડણી કોશ’ની જોડણી પ્રમાણે! સાથે બીડેલા પત્રમાં અંગત લાગણી વ્યક્ત કરવાની સાથોસાથ આ માટેનું કારણ પણ લખ્યું હતું – આ વિશેષાંક નવજીવનનું પ્રકાશન છે ને તે વિદ્યાપીઠના સાર્થને અનુસરે છે તો તમને તકલીફ ન પડે એ માટે સાર્થ પ્રમાણે મોકલી આપું છું. પત્ર વાંચીને હું સુન્ન રહી ગયેલો. કેમ કે સાર્થ પ્રમાણે લખવા સૂચન-વિનંતી તો દૂરની વાત ઇન્દુભાઈ પાસેથી ઉંઝા પ્રમાણે જ પરિચય લખાઈને આવશે ને સાર્થ પ્રમાણે હું સુધારી લઈશ, એવી પૂરી તૈયારી સાથે જ હું આગળ વધી રહ્યો હતો. આ પત્ર પછી તેનો પ્રતિભાવ વળતો પત્ર નહિ, રૂબરૂ મુલાકાત જ રહી – તૈયાર અંક હાથોહાથ આપવા સાથેની.
ઇન્દુકુમારે ‘નયા માર્ગ’નો છેલ્લો અંક પ્રગટ થવાની તારીખ જાહેર કરી ત્યારે કોઈ પણ મિત્ર કે હિતેચ્છુએ તેમને આ મુદ્દે ફેરવિચારણા કે ચર્ચા કરવાનું ન કહેવું એમ પણ સ્પષ્ટ લખેલું. એમની એ લાગણીને માન આપતાં એ મુદ્દે ચર્ચા કરવાનો કોઈ મતલબ જ નહોતો, પણ મનોમન કંઈક વચલો રસ્તો કાઢતા એમને એવું પૂછેલું કે છેલ્લો અંક તમારે કોઈક વિશેષાંક કરવો હોય તો કહેજો, સંપાદનમાં સાથ આપવો મને ગમશે. એ વાતનો સ્મિતથી વધુ જવાબ એમણે વાળ્યો હોય એવું સ્મરણમાં નથી. પણ કોઈ એક અંકને વિશેષાંક બનાવવાને બદલે દરેક અંકને વિશેષાંક બનાવવાનો પ્રયત્ન કરેલો – આગળના અંકોમાંથી એમને ગમેલા કે વાચકોએ ખૂબ આવકારેલા લેખોનું છેલ્લા ઘણાં ખરા અંકોમાં પુનર્મુદ્રણ કરીને.
ગુજરાતી અખબારોથી લઈને ન્યૂઝ ચૅનલ્સ, વેબ પોર્ટલ્સ વગેરેમાં ઘણાં પત્રકારમિત્રો છેવાડાના માણસ માટેની જે નિસબત સાથે કામ કરી રહ્યાં છે તેમાં ‘નયામાર્ગ’ (સાથે અન્ય વિચારપત્રો) અને ઇન્દુકમારનો પ્રત્યક્ષ-પરોક્ષ ફાળો નોંધનીય હશે, એમાં બેમત નથી. જુગતરામ દવે, રવિશંકર મહારાજ અને બબલભાઈની વાતો એમ જ હોઠે રમ્યા કરતી એવા ઇન્દુભાઈની કર્મશીલ તરીકેની ‘લિગસી’ની સાથોસાથ હુંફાળા અને ઉદારતાપૂર્ણ વ્યક્તિત્વની દેણગી પણ ઓછી નથી.
Email : ketanrupera@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2021; પૃ. 05-07