પ્રાણ જાય પર વચન ન જાય – એ કહેતી બદલાઈને હવે પ્રાણ જાય પર પ્રવચન ન જાય – પર આવીને અટકી છે. એમાં પણ પ્રાણ બીજાનાં એ અર્થ મરણના આંકડા જેવો છુપાયેલો છે. આપણને ચૂંટણી વગર ન ચાલ્યું, મંત્રીઓનાં પ્રવચન વગર ન ચાલ્યું, મેળા-મેળાવડા વગર ન ચાલ્યું, રેલી-રેલા વગર ન ચાલ્યું ને હવે પ્રાણ જાય તો ચાલે એવી સ્થિતિ છે. લાખો લોકો રિકવર થયા છે એ સ્વીકારીએ તો પણ બે લાખથી વધુ લોકોએ કોરોનાને કારણે પ્રાણ ગુમાવ્યા છે તે ભૂલી ન શકાય. આવા મરણના આંકડાઓએ ભારતને વિશ્વમાં ચોથા નંબરે મૂકી આપ્યું છે. આ થયું એમાં નિયતિએ ભાગ ભજવ્યો હોય તો પણ, સરકારની અને તંત્રોની જવાબદારી અંગે આંખ આડા કાન કરી શકાય નહીં.
કેન્દ્રની જવાબદારી છે કે આરોગ્યની કટોકટી ઊભી થાય તો તેણે રાજયોનું માર્ગદર્શન કરવું અને જરૂરી તબીબી સુવિધાઓ પૂરી પાડવી. એવે વખતે આભ ફાટયું હોય ત્યાં થીંગડું કેમ દેવું – જેવું કહીને છટકી ન શકાય. એવો બચાવ એટલે ન ચાલે કારણ કોરોનાની બીજી લહેરનો સામનો કરવાનો સરકારોને પૂરતો સમય મળ્યો હતો ને એ ગાળામાં જરૂરી વ્યવસ્થા થઈ શકી હોત, પણ સરકારો આપવડાઈમાં જ રાચી.
આજે સ્થિતિ એ છે કે લોકો હોસ્પિટલોમાં બેડ, વેન્ટિલેટર, ઇન્જેક્શન્સ, ઓક્સિજન વગર તરફડે છે ને સરકારો ગલ્લાંતલ્લાં કરવામાંથી ઊંચી નથી આવતી. સરકાર માઈબાપ કરોડો રૂપિયા પોતાનું મુખદર્શન કરાવવા જાહેરાત પાછળ ખર્ચે છે ને કહેતી રહે છે કે તે ઓક્સિજનની વ્યવસ્થા કરી રહી છે કે હવે જનમમરણના દાખલા માટે લાઇનમાં ઊભા નહીં રહેવું પડે, પણ હકીકત એ છે કે ઓક્સિજન વગર લોકો મરી રહ્યાં છે ને મર્યાં પછી પણ લાઇનમાં તો રહેવું જ પડે છે, સિવાય કે કોઈ મંત્રી હોય તો વાત જુદી છે. હવે તો એમ જ સમજવાનું રહે છે કે સરકાર જાહેરાત આપે છે તેનાથી હકીકત વિપરીત છે. જાહેરાત એટલે ઢાંકપિછોડો એવું નવું સૂત્ર અમલમાં છે.
અત્યંત નિંદનીય કૃત્ય તો એ છે કે સુરતની સ્મીમેર અને નવી સિવિલ હોસ્પિટલ દરદીઓ માટે બંધ કરી દેવાઈ. કારણ એવું અપાય છે કે આ હોસ્પિટલો પાસે પૂરતી માત્રામાં ઓક્સિજન નથી. સરકાર કહે છે તેમ જો ઓક્સિજનની વ્યવસ્થા છે, તો ઓક્સિજનના અભાવમાં હોસ્પિટલો બંધ કેમ છે? સરકાર ખોટી છે કે હોસ્પિટલો? એ સાચું છે કે હોસ્પિટલો ઓક્સિજનને અભાવે દરદીઓનાં મોતનું આળ માથે ન લેવા ઈચ્છે, પણ એમ કરવાથી દરદીઓ પરનું જોખમ તો ઘટી જતું નથી ! સુરતમાં સાંસદો, ધારાસભ્યો, પ્રદેશ પ્રમુખ અને આરોગ્ય મંત્રી છે, પણ છે એવી ખબર પડતી નથી. કદાચ ચૂંટણી કે વિજય સરઘસો નથી, બર્થડે નથી એટલે હશે, પણ એમને નાનમ નથી લાગતી કે બબ્બે હોસ્પિટલો ઓક્સિજનને વાંકે મરવા પડી છે? અહીં ઓક્સિજન માટે લોકો વલખે છે અને હજીરાથી ટનબંધી ઓક્સિજન મધ્ય પ્રદેશ મોકલાયો. એ ઓક્સિજનનો લાભ અહીંના દરદીઓને આપી ન શકાયો કે ન તો હોસ્પિટલ ચાલુ કરી શકાય એવી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરાઈ. આમાં ઉદ્ઘાટન ન હતું એટલે કદાચ નેતાઓ ફરક્યાં નહીં હોય અથવા તો કોઈ સ્મશાનનું ઉદ્ઘાટન કરવાની ફિરાકમાં હોય, પણ આ ઠીક ન થયું.
કમાલ તો એ છે કે 108 સિવાયના દરદીઓને હોસ્પિટલમાં દાખલ કરાશે એવું ઠરવાયું ત્યારે જ દરદીને દાખલ કરવાનું બંધ કરાયું. બીજા કોઈ શહેરે હોસ્પિટલો બંધ કરી નથી, તો એ લાભ સુરતને જ કેમ? અહીંનું ખાઈને અહીં જ ખોદનારા નેતાઓ એ જાણે છે કે આ શહેર સૌથી વધુ રેવન્યુ રળી આપે છે ને એને આમ મરવા છોડી ન દેવાય? જો જીવ હોય તો આ શહેરનો જીવ બચાવો.
મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણી પંચને ખખડાવતાં આરોપ મૂક્યો કે તેના પર સભા, સરઘસોને મામલે બેધ્યાન રહેવા બદલ હત્યાનો ગુનો લાગુ કરવો જોઈએ. કોર્ટે એમ પણ પૂછ્યું કે જ્યારે પ્રવચનો ને સભાઓ ચાલતાં હતાં ત્યારે પંચ શું બીજા ગ્રહ પર હતું? જો કે એ વખતે કોર્ટ પણ ભારતમાં જ હતી, નહિતર આ સવાલ ચૂંટણીના શરૂઆતના તબક્કે જ પૂછાયો હોત. પંચને એ નિમિત્તે જાગવાનું થયું છે ને એણે વિજય સરઘસો પર બંધી મૂકી છે. ઇચ્છીએ કે પરિણામો વખતે પંચ અને કોર્ટ સજાગ રહે. ગુજરાત સરકારે હાઈકોર્ટમાં એફિડેવિટ કરી છે, પણ કોર્ટને એમાં પણ સચ્ચાઈ જણાતી નથી. તેનું સીધું કારણ એ છે કે સરકાર લોકોને ફરજની ચેતવણી આપે છે, પણ પોતાની ફરજ પરત્વે બેધ્યાન છે. આંકડાઓ છુપાવવાથી ફરજ બજાવાઈ જાય છે કે પોતાનામાં દૈવી શક્તિ છે ને અઠવાડિયામાં કોરોના ચેઇન તોડી શકાશે એવા ભ્રમમાં સરકાર રાચે છે. અઠવાડિયામાં ચેઇન તૂટી શકે, પણ તેને માટે પ્રમાણિક પ્રયત્નો કરવા પડે જેની ખોટ વર્તાય છે. એ દુ:ખદ છે કે બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર વગેરે બાબતે સરકારના ચાવવાના ને બતાવવાના જુદા છે.
એમ લાગે છે કે બધા જ ધંધો કરે છે ને ખૂબીની વાત એ છે કે ધંધાધાપા બંધ છે. મુખ્ય મંત્રી સક્રિય બહુ છે. ઉપરવાળા સાહેબો મીટિંગ કરે છે તો આપણા સાહેબ પણ મીટિંગ કરે છે ને ગુજરાતીઓ નસીબદાર હોય તેમ મીટિંગ થતાંની સાથે જ કામ પતી જાય છે. સાહેબે મીટિંગ કરીને કુલ 29 શહેરોમાં મિનિ લોકડાઉન લાગુ કર્યું. એમાં એટલું બધું બંધ છે કે શું ચાલુ છે એ કહેવાય તો ટૂંકામાં પતે. સાહેબને પણ એ ખબર હશે જ કે સુરતમાં બે હોસ્પિટલોએ અને કેટલીક ખાનગી હોસ્પિટલોએ દરદીઓ લેવાનું બંધ કર્યું છે. સુરત કરતાં અમદાવાદની સ્થિતિ વધારે ખરાબ છે, પણ ત્યાં ઓક્સિજનને અભાવે કોઈ હોસ્પિટલો બંધ નથી થઈ તો સુરતની હોસ્પિટલો બંધ છે એ તરફ જોવાની ફરજ મુખ્ય મંત્રીશ્રીની ખરી કે કેમ? અત્યારે દાંડી યાત્રાનું સમાપન નથી, નહિતર જતાં જતાં સિવિલ પર સાહેબે નજર નાખી હોત.
જોવાની ખૂબી એ છે કે ધંધા બંધ છે, પણ ધંધો બધા જ કરે છે. અનેક સ્તરે મેડિકલ લાઇનમાં કાળાબજાર અને ભ્રષ્ટાચાર ચાલે છે ને એમાંને એમાં રાતદિવસ જોયા વગર લોકોને બચાવવા મથતા ડોક્ટરો, નર્સો ને અન્ય સ્ટાફની મહેનત પર પાણી ફરી વળે છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટે એક જ રસીના ત્રણ ભાવ નક્કી કર્યા. કેન્દ્ર સરકાર ખરીદે તો દોઢસો, રાજ્ય ખરીદે તો ચારસો ને ખાનગી હોસ્પિટલ ખરીદે તો છસો. એનો ઊહાપોહ થયો તો ઉપકાર કરતી હોય તેમ સિરમ ઈન્સ્ટિટ્યૂટે રાજ્ય માટે સો રૂપિયા ઘટાડી આપ્યા. રાજ્યને એ રસી હવે ત્રણસોમાં પડશે. આનો પણ વિરોધ થવો જોઈએ. કંપની ભારતમાં હોય ને રાજ્ય પણ ભારતમાં જ હોય તો તેની પાસેથી દોઢસોના ત્રણસો લેવાય જ કેમ? ને ખાનગી હોસ્પિટલો પણ એ જ રસી આપવાની છે તો તેને ચાર ગણા ભાવે લૂંટવાનું શું કારણ છે? એમાં વળી કોવેક્સિન બનાવતી કંપની તો સિરમ કરતાં ય વધુ ભાવે રાજ્યને અને ખાનગી હોસ્પિટલોને લૂંટવાની છે. કેટલાં ય રાજ્યો રસી મફત આપવાના છે તેમને રસી કંપનીઓ વધુ ભાવ લઈને લૂંટે ને કેન્દ્ર સરકાર આ તમાશો જોઈ રહે એ શરમજનક છે. કેન્દ્ર સરકારે સીધો હસ્તક્ષેપ કરીને કંપનીઓને દોઢસોને ભાવે રસી આપવાની ફરજ પાડવી જોઈએ, કારણ દોઢસોમાં વેચવા છતાં કંપની ખોટમાં જવાની નથી તે દુનિયા જાણે છે.
રસીનો પણ ફૂગ્ગો ફૂટી ગયો છે. ટીકા ઉત્સવ અને અન્ય રીતે ચારે કોર રસી રસી થઈ રહ્યું હતું. આપણી તમામ સરકારો પોતાની ભાટાઈ કરવામાંથી જ ઊંચી નથી આવતી એટલે છબરડાઓ ન થાય તો જ આશ્ચર્ય ! ભેંશ ભાગોળે ને છાશ છગોળે … ન્યાયે બધી બાબતે સરકારો એટલું બધું ચીતરી મારે છે કે ઘોડું દશેરાને દિવસે જ નથી દોડતું. એટલી બધી જાહેરાતો રસીની થતી રહી કે ભારત રસીપ્રધાન દેશ હોવાનો વહેમ પડે. આમ પણ 60ની ઉપરના સૌએ રસી લીધી નથી, ત્યાં 45+ને રસી આપવાનું ડિમડિમ ચાલ્યું ને એ પતે તે પહેલાં 18ની ઉપરનાને પહેલી મેથી રસી આપવાનું અને તેનું 28 એપ્રિલથી રજિસ્ટ્રેશન કરાવવાનું ચાલ્યું. એટલા ઢોલ વાગ્યા કે 18 ઉપરના રજિસ્ટ્રેશન માટે એવા કામે લાગ્યા કે સર્વરની સારવાર કરાવવી પડી. આમ છતાં લગભગ એંશી લાખ લોકોએ 18+ કેટેગરી માટે પહેલાં જ દિવસે રજિસ્ટ્રેશન કરાવ્યું ને એ ક્રમ ચાલુ જ રહેશે તો રસી મળવાના ફાંફા પડી જશે. એ ખરું કે તમામ વર્ગનાને વહેલી તકે રસી મૂકાય તો દેશ જોખમોથી બચે, પણ આટલા મોટા દેશમાં ખાટલે મોટી ખોડ ટાંચા સાધનોની છે. તેમાં વ્યવસ્થા જોઈને જ વહેંચણી કરવાની રહે, પણ કમનસીબે એવું થતું નથી.
ગુજરાતની જ વાત કરીએ તો 18થી 44ના વર્ગની સંખ્યા સવા ત્રણ કરોડ થાય. એમાં દોઢ કરોડ રસીનો ઓર્ડર અપાયો છે. કાચા માલની તંગીમાં બધાં રાજયોના ઓર્ડર પૂરા કરવાની ક્ષમતા રસી કંપનીઓની નથી જ. એવામાં બધા રસી મુકાવવા પડાપડી કરે તો ધમાલ થાય જ ! કેટલાંક રાજ્યોએ આ જાણીને પહેલી મે થી રસીનો કાર્યક્રમ મુલતવી રાખ્યો છે. રસીકરણને મામલે ફરી એક વખત આપણે આરંભે શૂરા પુરવાર થયા છીએ. રસીનો અંદાજ ન હતો, એવામાં વિદેશમાં રસી મોકલવાની જરૂર હતી? આજે એ હાલત છે કે આપણે રસીની ભીખ માંગવી પડે એમ છે. એ તો સારું છે કે ભારતે કોઈને મત આપ્યો નથી છતાં રશિયાએ અને અમેરિકાએ ઓક્સિજન અને અન્ય આરોગ્ય વિષયક સામગ્રીઓ મોકલીને મદદ કરી છે, બાકી આપણા નેતાઓ તો નપાણિયા જ પુરવાર થયા છે !
જાહેરાતોએ આપણો જીવ લીધો છે. એટલી બધી પોકળ અને છેતરામણી વાતો બધી જ સરકારોએ કરી છે કે તે ભૂલમાં પણ સાચું બોલે તો ખોટું લાગે. લાગે છે – ઇસ ઘર કો આગ લગ ગઈ ઘર કે ચિરાગ સે …
0 0 0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 30 ઍપ્રિલ 2021