વીરોની આ ધરતીમાં નમાલા શેં ભટકાય?
ઓ ભૂમિ! દૈવત બચ્યું હોય તો હવે તો દેખાડ
રે હશે આ હાથરસની દ્રૌપદીની હાય?
મધરાતે બાળી, હવે ચોતરફ ચિતાઓ ખડકાય
સભા ગજવે દુર્યોધનો, વિદુર બેઠા મૂક
અન્યાય સામે પડનાર વિકર્ણ એકાદ દેખાડ
આપ્તજનોને રૂંધાતા ભાળી અર્જુન કરે વિષાદ
લડી લૈશું હજી પણ, રાહ ચીંધનાર કૃષ્ણ દેખાડ
ધન્વંતરિ બધા નિઃસહાય, હનુમંત મૂંઝાય
વા વલોવી પ્રાણવાયુ દે અને સંજીવની દેખાડ
ના અમ પાસ મીરા શી ભક્તિ, ના શિવશક્તિ
ઓ ભૂમિ! વિષ કાપવા, કૌવત વિજ્ઞાનનું દેખાડ
•••••
(પ્રેરણા : ૨૬ એપ્રિલ, ૨૦૨૧ના રોજ ગુજરી ગયેલા પદ્મશ્રી ગુજરાતી કવિ "દાદ બાપુ"ની રચના "આ ભૂમિમાં દૈવત"
આ ભૂમિમાં જ દૈવત જેવું છે કશુંક
વાવો મહાભારત અને ગીતા નીકળે
છે આ કાલિદાસ ને ભોજના ખંડેરો
જરાક ખોતરો ત્યાં કવિતા નીકળે
હજુ ક્યાંક ધબકે છે લક્ષ્મણ રેખા
રાવણો જ્યાંથી બીતા બીતા નીકળે
કૃષ્ણનાં ટેરવાં જો આવીને ફંફોસે
તો વાંસળીના ટૂકડાં સંજીતા નીકળે
ગુરુ દત્ત જેવાની જો ફૂંક જાય લાગી
તો ઘૂણા ગિરના હજુ ધખીતા નીકળે
શુ તાસીર છે આ ભૂમિની હજી રાજા
જનક જેવા હળ હાકે તો સીતા નીકળે