જેમાં કાક અને મુંજાલ અંગ્રેજીમાં વાતો કરે છે
આમ તો ઓગણીસમી સદીની, રશિયા જેવી જ વિશાળ રશિયન નવલકથાઓના ઘણા અંગ્રેજી અનુવાદો થયા છે, પરંતુ ૧૯૯૦માં ‘ધ બ્રધર્સ કારમાઝોવ’ની અંગ્રેજી આવૃત્તિ પછી અનુવાદક દંપતી રિચાર્ડ પેવિયર અને લોરા વોલોખોન્સ્કીનું ઘણું નામ બન્યું છે. વોલોખોન્સ્કી માટે રશિયન માતૃભાષા છે, એ પહેલાં સાદો અંગ્રેજી તરજુમો કરે છે, પછી પેવિયર એને મઠારે છે અને પછી મૂળ પાઠ સામે અંગ્રેજી પાઠ તૈયાર થાય છે. રીટા કોઠારી અને અભિજિત કોઠારી, જો કે, કોમ્પ્યુટર પર વારાફરતી વારા લઈને પણ સાથે મળીને જ અનુવાદ કરે છે. હમણાં તેમની ટુકડીએ મુનશીની પાટણત્રયીની ત્રીજી નવલકથા પણ અંગ્રેજીમાં રજૂ કરી. ‘ધ ગ્લોરી ઑફ પાટણ’ (પાટણની પ્રભુતા), પછી ‘ધ લૉર્ડ એન્ડ માસ્ટર ઓફ ગુજરાત’ (ગુજરાતનો નાથ), અને હવે ‘ધ કિંગ ઑફ કિંગ્ઝ’ યાને રાજાધિરાજ (પ્રકાશકઃ પેન્ગ્વિન). ૩૧મી ઑગસ્ટે અહીં દિલ્હીમાં વિમોચન સમારંભ હતો, તેમાં સાહિત્ય, ઇતિહાસ, રાજકારણ અને એના આટાપાટાની ચર્ચા થઈ.
આમ તો ગુજરાતીમાં વાચવાનું વ્યસન રાખનાર કોઈ પણ વ્યક્તિ મુનશીની વારતાઓના વળગણમાંથી મુક્ત રહી શકતો નથી એવી માન્યતા છે. અમુક ઉંમરથી ઉપરના તમામ ગુજરાતી વાચકોએ મુનશીના ત્રણ (કે ચાર, ‘જય સોમનાથ’) પુસ્તકો તો વાંચ્યાં જ હોય. પણ દરેક નિયમના અપવાદની જેમ મારા જેવા પણ હશે, જેમને ભારે દમ દઈને કરેલા પાંચેક પ્રયત્ન પછી પણ બીજા કે ત્રીજા પાને પુસ્તક મૂકી દેવું પડ્યું હશે. વ્યક્તિ કે સ્થળનાં નામની સેળભેળથી લઈને લશ્કર (લિટરલી) ક્યાં લડે છે તે ખબર ના પડતી હોય એવું બને. એવા લોકો માટે અંગ્રેજી અનુવાદ અમુક ઔપચારિક સાતત્ય પ્રદાન કરે છે. ગીતા સૌથી પહેલી વાર ગુજરાતી કે હિન્દીમાં નહિ પણ એડવિન આર્નોલ્ડના અંગ્રેજી અનુવાદમાં વાંચી એવું કબૂલ કરવામાં ગાંધીજીને જે નીચાજોણું થયું હશે એ જ લાગણી સાથે કહેવું જોઈએ કે ‘સરસ્વતીચંદ્ર’ અને પાટણત્રયીની ભૂલભૂલામણીમાં હું અંગ્રેજી અનુવાદને ભોમિયો બનાવીને ઠીકઠીક આગળ વધ્યો છું. ભોમિયા પરથી સંદર્ભ બન્યો, કે અંગ્રેજીમાં ‘વૉર એન્ડ પીસ’ કે ‘ઈન સર્ચ ઑફ લૉસ્ટ ટાઈમ’ જેવી મહાનવલો માટે રિડર્સ ગાઈડની પરંપરા છે, જેમાં પાત્રપરિચય અને પ્રકરણવાર સંક્ષેપથી લઈને વિવિધ થીમ ઈત્યાદિ ટૂંકી નોંધો હોય છે. અધવચ્ચે ગૂંચવાઈ ગયેલા વાચકને એના આધારે સરળતા રહે. એવું ગુજરાતી મહાગ્રંથો માટે કરવા જેવું ખરું.
છેલ્લા એક-બે દશકાથી અંગ્રેજી પ્રકાશન પ્રવૃત્તિ ઘણી વધી રહી છે. ગુજરાતી સાહિત્ય માટે આનંદની વાત એ છે કે જેને હિન્દીમાં કાલજયી કૃતિ કહે છે તેવી સંખ્યાબંધ ક્લાસિક નવલકથાઓ હવે અંગ્રેજીમાં ઉપલબ્ધ થઈ રહી છે, અને તે રીતે તે વધુ વાચકો સુધી પહોંચશે. આમ તો, ‘માનવીની ભવાઈ’, ‘ઝેર તો પીધાં છે જાણીજાણી’, ‘માણસાઈના દીવા’, ‘આંગળિયાત’ વગેરે કૃતિઓ કાળક્રમે બહોળા વાચકવર્ગ સામે આવતી ગઈ હતી, પણ તાજેતરનાં વર્ષોમાં બૃહદ્દ ‘સરસ્વતીચંદ્ર’નું બૃહદ્દ કામ ત્રિદીપ સુહ્રદે કર્યું, કોઠારી-કોઠારીએ મુનશીની ત્રણ મુખ્ય નવલકથા આપી અને વચ્ચે તુલસી વત્સલ અને અબન મુખર્જીએ ‘કરણ ઘેલો’ અંગ્રેજીમાં રજૂ કર્યો. સમકાલીન સાહિત્યમાં ધ્રુવ ભટ્ટની ‘સમુદ્રાન્તિકે’ને બીજી ભાષામાં ફેરવવાનું લગભગ અશક્ય કામ વિનોદ મેઘાણીએ પાર પાડ્યું. ભારતની બાકીની ભાષાઓ સમક્ષ ગુજરાતના સમાજ અને સાહિત્યની સમજ પ્રસારવા માટે ઘણું સારું કામ થઈ રહ્યું છે. છતાં, બંગાળી, તમિળ, મલયાલમ વગેરેથી જે માત્રામાં અનુવાદો થઈ રહ્યા છે, તેના કરતાં ગુજરાતી ઘણું પાછળ છે. કે.આર. મીરા અને પેરુમલ મુરુગનની સ્વભાષા બહારની સફળતાના દાખલા ઉપરાંત વિવેક શાનભાગની કન્નડ નવલકથા ‘ઘાચર ઘોચર’ને ૨૦૧૬માં અનુવાદ પછી આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ અને વૈશ્વિક વાચકો મળ્યા. સ્વામી આનંદથી માંડીને અશ્વિની ભટ્ટ સુધીના ગુજરાતી સર્જકોના વાચકો વધે એવી આશા કરીએ. દરમિયાન, પેવિયર-વોલોખોન્સ્કીએ ૧૯૯૦ પછી બે-એક ડઝન રશિયન પુસ્તકોનો અનુવાદ કર્યો છે, તેમ કોઠારી-કોઠારી પણ આગળ વધતા રહે.
ઘરેબાહિરે ૨ઃ કોણ ઘરના ને કોણ બહારના
સુકેતુ મહેતાના પૂર્વજોને બ્રિટિશ શાસનની શોષણખોર નીતિઓના કારણે વતન ગુજરાત છોડીને કલકત્તા અને પછી આફ્રિકા જવું પડ્યું. અત્યારે પશ્ચિમમાં ઈમિગ્રેશનવિરોધી તંગ વાતાવરણ વચ્ચે તેમણે ચર્ચાના સામે છેડેથી એક પુસ્તક લખ્યું છે, ‘ધિસ લેન્ડ ઈઝ અવર લેન્ડ – ઍન ઈમિગ્રન્ટ્સ મેનિફેસ્ટો’ (પ્રકાશકઃ પેન્ગ્વિન). મુંબઈ વિશેનાં અનેક પુસ્તકોમાં પહેલે નંબરે મુકાતા ‘ધ મેક્સિમમ સિટી’(૨૦૦૪)ના લેખકનું આ નવું પુસ્તક ચર્ચામાં છે. અત્યારે અમેરિકામાં સર્જનાત્મક લેખન ભણાવતા મહેતાની મૂળ દલીલ એમ છે કે પશ્ચિમના દેશોએ અઢારમી-ઓગણીસમી સદીમાં સંસ્થાનવાદી અભિયાનમાં ભારત જેવા દેશોની સંપત્તિ ચૂસી કાઢી હતી, અને આજે હવે ભારત, બાંગ્લાદેશ કે મેક્સિકો જેવા દેશોમાંથી લોકો રોજગાર અર્થે આવે ત્યારે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ કે ઈટાલી તેમને આવકારવાના બદલે દીવાલો ચણી રહ્યા છે. અમેરિકામાં અશ્વેત પ્રશ્ને તા-નેહિસી કોટ્સ નામના પત્રકારે ‘એટલાન્ટિક’ના એક લેખમાં અને પછી ‘બિટવીન ધ વર્લ્ડ એન્ડ મી’ (૨૦૧૫) નામની ઘણી વખણાયેલી ચોપડીમાં ‘રિપેરેશન’નો કૉન્સેપ્ટ રજૂ કર્યો હતોઃ અશ્વેતોને હક્કો મળવાના શરૂ થયા તે પહેલાંનાં વર્ષોનાં વર્ષો તેમનું જે શોષણ થયું તેમાં એ પ્રજાને એક્ચ્યુઅલ આર્થિક નુકસાન કેટલું થયું તેનો ધારો કે અંદાજ માંડીએ અને એ રકમ શાસક વર્ગ પાસેથી પાછી માગીએ એ રિપેરેશન. માફીબાફી કે એફર્મેટિવ ઍક્શનથી આગળ વધીને નુકસાનની ભરપાઈ માગવાની દરખાસ્ત છે. (દલિતો અને નારીવાદીઓએ હિસાબ કરીને આંકડો કાઢવો જોઈએ.) મહેતા કહે છે કે ઈમિગ્રેશન એક રીતે સંસ્થાનવાદનું રિપેરેશન છે.
પણ બહારના લોકોનો વિરોધ કરવો એ પોપ્યુલિસ્ટ શાસકોમાં બહુ પોપ્યુલર હથિયાર છે. લોકોનો આક્રોશ બીજે વાળવો, તેમના શુભ ચિન્તક બનીને સત્તા હાંસલ કરવી, વગેરે. ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ સાથેની મુલાકાતમાં મહેતા કહે છે કે, “દુનિયાભરમાં બધે લોકરંજક બાહુબલીઓ આગળ આવી રહ્યા છે, જેમ કે મોદી, ટ્રમ્પ, પુતિન, ડ્યુતેર્ત વગેરે … તેમણે ખોટી વાર્તા સારી રીતે ચલાવી છે, કે દેશ પર બહારના લોકો આક્રમણ કરી રહ્યા છે. ભારતમાં એવું કથાનક છે કે જાણે આપણે બાંગ્લાદેશીઓ અને મુસ્લિમોથી ડરીડરીને જીવી રહ્યા છીએ. અમેરિકામાં લેટિનો અને બ્રિટનમાં આફ્રિકી તેમ જ પૂર્વ યુરોપીય પ્રજાનો ભય બતાવવામાં આવે છે. પણ તમે પુરાવા જુઓ તો વાર્તા પોકળ સાબિત થાય છે. તેમનો સામનો કરવાનો એક જ રસ્તો છે, કે સાચી વાત વધારે સારી રીતે કહેવી. માટે જ પોપ્યુલિસ્ટ શાસકો લેખકો, પત્રકારો અને સાહિત્યકારોથી, સાચું કહેનારાઓથી ડરે છે.”
પાંચમાં પુછાય એવાં ગાંધી પુસ્તકો
fivebooks.com નામની એક વેબસાઈટ, ગમતાનો ગુલાલ કરવાની નેમથી, નિયમિતપણે કોઈ વિષયનિષ્ણાતને એમના વિષયના પાંચ શ્રેષ્ઠ પુસ્તકોની ભલામણ માગે છે. હમણાં રામચંદ્ર ગુહાએ ગાંધી (દ્વારા નહિ પણ) વિશે પોતાની પસંદગીનાં પાંચ પુસ્તકોનાં નામ આપ્યાં છે. તેમની પસંદગી પ્રિડિક્ટેબલ અને બીબાઢાળ નથી, માટે હાઈલાઈટ કરવા લાયક છે. નિર્મલ કુમાર બોઝનું ‘માય ડેઝ વિથ ગાંધી’, લુઈ ફિશરનું ‘એ વીક વીથ ગાંધી’, ડેનિસ ડાલ્ટનનું ‘મહાત્મા ગાંધીઃ નૉન-વાયોલન્ટ પાવર ઈન ઍક્શન’, જે.ટી.એફ. જોર્ડન્સનું ‘ગાંધી’ઝ રિલિજિયન’ અને ચંદુભાઈ ભગુભાઈ દલાલનું ‘હરિલાલ ગાંધીઃ એ લાઈફ’. જે વ્યક્તિનું પોતાનું લખાણ મહદંશે માતૃભાષામાં રહ્યું તેમના વિશેનાં લખાણ પસંદ કરવામાં અંગ્રેજી આગળ છે, તેમાં અનુવાદની મર્યાદાઓ સમજી શકાય છે. ‘હરિલાલઃ ગાંધીનું ખોવાયેલું રતન’ ત્રિદીપ સુહ્રદના અનુવાદથી અંગ્રેજીમાં રજૂ થયું (અને તેઓ હમણાંનાં વર્ષોમાં ભારે ઉત્પાદકતા સાથે વધુ ને વધુ ગાંધીવિષયક પુસ્તકો અંગ્રેજીમાં આપી રહ્યા છે, જેમ કે ગયા મહિને ‘મનુબહેનની ડાયરી’નો પહેલો ભાગ), પણ ગુજરાત જેને ક્લાસિક ગણે છે એવાં કેટલાં ય પુસ્તકો ગુહાના વાચનમાં આવી શકે એમ નથી, ઉદાહરણ તરીકે પ્રભુદાસ છગનલાલ ગાંધીનું ‘જીવનનું પરોઢ’ કે કિ.ઘ. મશરૂવાળાનું ‘ગાંધી-વિચાર-દોહન’. (તમારા ધ્યાનમાં બીજાં પુસ્તકો હોય તો ચોક્કસ જણાવજો.) આમ છતાં, ગુહા ઊંડા અભ્યાસી છે, અને એમની પસંદગીઓને વાજબી ઠેરવવા તેમણે પાંચેય પુસ્તકો વિશે વિગતવાર વાતો કરી છે, તે વાંચવા જેવી છે.
E-mail : ashishupendramehta@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2019; પૃ. 07 તેમ જ 12