સપ્ટેમ્બર મહિનામાં ભારતભરનાં કારખાનાંમાં થતા કામમાં ૪.૩ ટકાનો ઘટાડો થયો છે. અગિયારમી નવેમ્બરે જાહેર થયેલા આ આંકડા બતાવે દેશની આર્થિક સ્થિતિ બહુ નાજુક છે. અર્થશાસ્ત્રના અખબારી આંકડામાં સામાન્ય રીતે વૃદ્ધિદર ઘટ્યાની વાત હોય છે, જેમ કે જી.ડી.પી. એક સમયે આઠ ટકા વધતો હતો, આજે માત્ર પાંચ ટકા વધી રહ્યો છે. પણ ફેક્ટરી આઉટપુટમાં ‘વધારો’ નથી ઘટ્યો, સીધો ૪.૩ ટકાનો ‘ઘટાડો’ થયો છે. મેન્યુફેક્ચરિંગ, માઈનિંગ અને ઈલેક્ટ્રિસિટી, એ ત્રણેય ઘટકોમાં નેગેટિવ ગ્રોથ થયો છે. ઓગસ્ટમાં ૧.૧ ટકાનો ઘટાડો થયો હતો. છેલ્લે છેક ૨૦૧૧-૧૨માં આવું જોવા મળ્યું હતું. હવે ૨૯મી નવેમ્બરે જી.ડી.પી.ના ત્રૈમાસિક આંકડા આવશે ત્યારે તેનો વૃદ્ધિદર પાંચ ટકાથી પણ નીચે જશે, એવી ભીતિ છે.
જે દિવસે ફેક્ટરી આઉટપુટના આંકડા આવ્યા, તે જ દિવસે નેશનલ કાઉન્સિલ ફોર એપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચ બિઝનેસ કોન્ફિડન્સના દર ત્રણ મહિને થતા સર્વેનું પરિણામ જાહેર થયું. ઉદ્યોગ-વ્યાપાર સમુદાયનો અર્થતંત્ર પરનો ભરોસો ઘટ્યો છે, અને ઘટીને એટલો નીચે ગયો છે જ્યાં તે છેલ્લે ઓક્ટોબર ૨૦૧૩માં પહોંચ્યો હતો.
આ બંને આંકડા જાહેર થયાના ગણતરીના દિવસો પહેલાં, નવેમ્બરના પહેલા અઠવાડિયામાં વૈશ્વિક સંસ્થા મૂડીઝ ઈન્વેસ્ટર સર્વિસીઝે ભારત સરકારના રેટિંગ માટેની આઉટલૂક ‘સ્ટેબલ’માંથી ‘નેગેટિવ’ કરી છે. સરકાર, જો કે, માને છે કે બધું બરાબર ચાલી રહ્યું છે. ‘ધ ઈકોનોમિસ્ટ’ અને ‘ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ જેવા પશ્ચિમનાં અગ્રણી પ્રકાશનો કહી રહ્યા છે કે સરકાર અર્થતંત્રની મુશ્કેલીઓની ઉપેક્ષા કરી રહી છે. (આ પ્રકાશનો જમણેરી જ છે અને તેમણે મોદીવિજયને પૂરા જોશથી આવકાર્યો હતો.)
આ તો હેડલાઈનની વાત થઈ. અત્યારે ચારેકોર આર્થિક ભીંસ વધી રહી છે. નોકરીઓ વધવાને બદલે ઘટી રહી છે. દિલ્હીમાં આગળ પડતાં મિડિયા ગૃહોમાં એક-બે વરસથી છટણીનો દોર ચાલી રહ્યો છે. ઈન્ફોટેકમાં મોભાદાર કંપનીઓમાં કર્મચારીઓને છૂટા કરાઈ રહ્યા છે. કારનું વેચાણ સતત ૧૯ મહિના ઘટ્યું, એટલે તેના ઉત્પાદકોએ હંગામી કારીગરોને છૂટા કર્યા, અને કાર બનાવવા વપરાતી વસ્તુઓ એટલે કે એન્સિલરી પ્રોડક્ટ્સના નિર્માતાઓને ત્યાં પણ એવું જ થયું. નોકરીથી આગળ વધીને રોકાણની વાત કરીએ તો, વખત એવો છે કે, બેન્ક, શેરબજાર કે રિયલ એસ્ટેટ, જ્યાં બચતને મૂકો ત્યાં પૈસાનું ધોવાણ જ થઈ રહ્યું છે.
ભારત જેવા દેશમાં વસતિ વધે જ જતી હોય, માટે માગ વધે જ જતી હોય, ત્યાં જી.ડી.પી., ફેક્ટરી ઉત્પાદન કે રિયલ એસ્ટેટના દર, કશાના વૃદ્ધિદરમાં વધઘટ થઈ શકે, પણ સાવેસાવ ઘટાડો (નેગેટિવ) લાવવો લગભગ અશક્ય જેવી વાત છે. પણ કહે છે ને કે, મોદી હૈ તો મુમકીન હૈ.
અર્થતંત્ર પોતાની મેળે સારી રીતે આગળ વધે જતું હતું, પણ અરુણ શૌરી જેને સર્જીકલ સ્ટ્રાઈક કરવાની લ્હાય કહે છે, તેમાં હાથે કરીને પગ પર કુહાડી મારવા જેવા એક-બે કામ કરવામાં આવ્યા. ડિમોનેટાઈઝેશન અને જી.એસ.ટી. નહિ પણ જી.એસ.ટી.નું અમલીકરણ. એમાંથી અર્થતંત્ર હજુ બહાર આવ્યું નથી.
નોટબંદી વખતે સરકારે સત્તાવાર નોંધમાં જે ત્રણ હેતુઓ લખ્યા હતા, તેમાંનો એક પણ બર આવ્યાનો દાવો એણે પોતે કર્યો નથી. કાળું નાણું બહાર આવ્યું નહિ, કારણ કે ૯૯ ટકાથી વધુ નોટો પરત આવી ગઈ, ત્રાસવાદનું ફાયનાન્સિંગ અટક્યું નહિ, અને ચલણની નકલ અટકી નહિ, કારણ કે નવી નોટોની પણ નકલ બહાર આવતી ગઈ છે. બે હેતુ સિદ્ધ થયા, જો કે એ સત્તાવાર નોંધમાં નહોતાઃ ઉત્તર પ્રદેશ જીતવાનો અને બધાને અત્યંત નાટ્યાત્મક ઢબે બતાવી દેવાનો કે સાહેબ કરપ્શન ચલાવી લેશે નહિ. જો કે કરપ્શનમાં કોઈ ફેર પડ્યો નથી, પણ સાહેબનો ઈન્ટેન્સન જુઓ. એક હજારની નોટ એટલે રદ્દ થઈ કે ભ્રષ્ટાચારને પોષણ ન મળે, તો બે હજારની નોટ કેમ શરૂ કરી એનો જવાબ શું હોય? આમ તો એક સમયે ભ્રષ્ટાચાર અટકાવવા માટે એક જ રામબાણ ઈલાજ કહેવાતો હતો, લોકપાલ, જેના માટે આખો દેશ રસ્તા પર આવી ગયેલો અને રાજ્ય સભા કાલે નહિ, આજે જ ખરડો પસાર કરે એવી તાકીદ હતી. આજે એનો કાયદો બન્યાને છટ્ઠું વરસ પૂરું થઈ રહ્યું છે, પણ કોઈને તાકીદ નથી. ઈન્ટેન્સનની કદર કરનારાઓ જરા આ વિલંબ પાછળ શું ઈન્ટેન્સન હશે તે વિચારવાની તસદી લે તો ટેન્સન થઈ જશે.
જી.એસ.ટી.ના કોન્સેપ્ટ વિશે કોઈને શંકા નહોતી, સિવાય કે ભા.જ.પ.ને જ્યારે યુ.પી.એ. સરકારે એનો ખરડો તૈયાર કર્યો. ભા.જ.પ. સરકાર તેને અમલમાં મૂકે અને મોટી આર્થિક ક્રાન્તિ આણનાર સાહેબના મોટા કટઆઉટ દિલ્હીમાં મુકાય તેનો પણ વાંધો નહિ. પણ દરરોજના ધોરણે નિયમો બદલાય, ફાઈલિંગની જફા વધ્યે જાય, દંડના આંકડા મોટા હોય, એ બધાની વચ્ચે એવો વખત આવ્યો કે લોકોને જી.એસ.ટી. જે લિમિટની ઉપર લાગુ પડે તે લિમિટની નીચે જ રહીને ઓછું કામ કરવામાં વધારે રાહત જણાઈ. બીજા શબ્દોમાં આર્થિક પ્રવૃત્તિ માટે ઈન્સેન્ટિવના બદલે ડિસઈન્સેન્ટિવ, દંડ થતો હોય તેવું વાતાવરણ થયું. વેપાર-ઉદ્યોગનો મૂડ એવો હતો કે ગુજરાત વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણી સુધીમાં આર્થિક ક્રાન્તિના કટઆઉટ સમેટી લઈને સાહેબ જી.એસ.ટી. માટે કોન્ગ્રેસ પર આક્ષેપારોપણ કરી રહ્યા હતા.
ત્રીજું કારણ એમ.બી.એ. સિન્ડ્રોમ છે, મને બધું આવડે. અર્થશાસ્ત્રી વડાપ્રધાનની સાથે પણ સંખ્યાબંધ નિષ્ણાત અર્થશાસ્ત્રીઓ સરકારમાં હતા, પણ આ સરકારમાં અર્થશાસ્ત્રથી લઈને ઈતિહાસ-વિજ્ઞાન સુધી દરેક ક્ષેત્રમાં ટેલેન્ટની કમી છે. અરુણ જેટલી હતા ત્યારે નહિ, પણ હવે નાણાં મંત્રાલયથી લઈને રિઝર્વ બેન્ક સુધી સૌ સંસ્થાઓમાં નિષ્ણાતોની યા તો કમી છે યા અવગણના થાય છે. જે વિશ્વ સ્તરના નિષ્ણાતો હતા, તેમણે હામાં હા ભણવાના બદલે સરકારમાંથી બહાર નીકળી જવાનું પસંદ કર્યું.
એ દિવા જેવી સ્પષ્ટ વસ્તુ છે, અને શ્રદ્ધાનો વિષય નથી, કે અર્થતંત્ર સીધે પાટે ધીમે કે ઝડપથી આગળ જઈ રહ્યું હતું તે આ બે-ત્રણ કારણોસર આગળના બદલે પાછળ જઈ રહ્યું છે. નરેન્દ્ર મોદીને ગુજરાતની કહેવાતી આર્થિક સિદ્ધિઓના આધારે રાષ્ટ્રીય સ્તરે જનાદેશ મળ્યો છે, એમ કહેનારાઓ વિમાસણમાં છે. કોઈ કોઈ વિશ્લેષકો એવા છે કે જેમણે અત્યાર સુધી પાર્ટીલાઈન પકડી રાખી હતી, પણ હવે તેઓ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. એક રૂપિયાને એક ડોલર બરાબર કરી આપવા જેવા અનેક વાયદાઓ અને પહેલાંની સરકારની ટીકામાં કહેવાયેલી બધી વાતો અત્યારે યાદ રાખવી જોઈએ.
શ્રદ્ધાળુઓ માટે એક-બે પડીકાં તૈયાર કરવામાં આવ્યાં છે. એક છે, તમામ સમસ્યાઓ માટે પહેલાંની સરકારને, બને તો નેહરુને, બ્લેમ કરો. દાખલા તરીકે, કે બેન્કોની લોન અને એન.પી.એ.. તેમાં આગળની સરકારોનો વાંક છે જ, અને બૅંકોનું રાષ્ટ્રીયકરણ એ ઇન્દિરા ગાંધીની નોટબંદી જેવી વણવિચારી સર્જીકલ સ્ટ્રાઈક હતી જ. પણ નીરવ મોદી સહિતનાની લોનનાં રિન્યુઅલ તો તેઓ ભાગ્યા એ ફાયનાન્સિયલ યર સુધી થયાં છે. પલાયન થાનારા સામે એરપોર્ટ પર દેખરેખ રાખવાની સૂચનાઓ હળવી કરવામાં સહીઓ ૨૦૧૪ પછી જ થઈ હતી. બૅંકરપ્ટ્સી કાયદો લાવવાની પહેલ અને હિંમત માટે આ સરકારને દાદ આપવી જ જોઈએ, પણ હવે છઠ્ઠા વરસે પણ દરેક વાતે પહેલાંની સરકાર પર દોષારોપણ ન કરી શકાય. સાઠ વરસની સામે માત્ર સાઠ મહિના માગ્યા હતા, હવે તો પાસઠ મહિના થયા.
પડીકું નંબર બે તો સ્પષ્ટ છે : રાષ્ટ્રવાદ. હિંદુત્વના એજન્ડા પરની વર્ષો જૂની માગણીઓ એક પછી એક પૂરી થઈ રહી છે, અને તમે નોકરી-ધંધાની મોકાણ કરો છો? એટલ કે, નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે તેનું બિલ ત્રણ મહિનાથી દુનિયાની સૌથી મોટી જેલમાં પૂરાયેલા કાશ્મીરીઓ જ નથી ચૂકવી રહ્યા, પણ નોટબંદી પછી દૂધ અને દૂધની પેદાશો પરના સ્પેન્ડિંગમાં થયેલા દસ ટકા ઘટાડો મુજબ પૂરા ભારતના પરિવારોની આગલી પેઢી પણ એ બિલ ઉપાડી રહી છે.
E-mail : ashishupendramehta@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2019; પૃ. 04-05