બરાક ઓબામા પ્રમુખ બનતાં પહેલાં પ્રોફેસર હતા, એટલે એમને વાચનનો અને ખાસ કરીને સાહિત્યવાચનનો શોખ છે, તે સમજી શકાય છે. આનંદની વાત એ છે કે વાચક તરીકે તેઓ તમારા-મારા જેવા જ છે. કોઈ સારી નવલકથા વાંચ્યા પછી આપણે જેમ ચાર જણને કહીએ કે આ ચોપડી તો તમારે વાંચવી જ જોઈએ, તેમ ઓબામાને પણ ગમતી નવલકથાઓનો ગુલાલ કરવાની આદત છે. પહેલી વાર પ્રમુખ બન્યા પછીની શરૂઆતની અખબારી મુલાકાતોમાં તેમને કોઈએ પૂછ્યું કે આખા દિવસના પ્રચાર અભિયાન પછી સાંજે-રાત્રે હળવા કેવી રીતે થાવ છો, તો ઓબામાએ કહ્યું કે વાર્તાની ચોપડી વાંચીને. તાજેતરમાં કોઈ સારી ફિક્શન વાંચી? તો પ્રમુખસાહેબે કહ્યું કે એમને જૉસેફ ઓ’નીલની ‘નેધરલૅન્ડ’ બહુ ગમી છે. એ પછી રાતોરાત એ ચોપડીનું વેચાણ વધી ગયું.
એ પહેલાં ઓબામાને મેરિલિન રોબિનસનની ‘ગિલિયડ’, નામની નવલકથા બહુ પસંદ પડી ગયેલી અને ફેસબુક પર એ વિશે લખ્યું હતું. ૨૦૦૪માં આવેલી આ નવલકથાને ૨૦૦૫માં પુલિટ્ઝર પારિતોષિક પણ મળ્યું હતું. એકવીસમી સદીના અમેરિકી સાહિત્યની શ્રેષ્ઠતમ કૃતિઓમાં જે ચાર-પાંચ નામ ચર્ચા વિના જ મૂકવાં પડે, તેમાંથી આ એક છે. એ વાંચવાનો અનુભવ પણ થોડો આધ્યાત્મિક જેવો થાય છે. એમાં ખ્રિસ્તી ધર્મનાં મૂલ્યો અને સામાજિક ન્યાય સાથેનું રાજકારણ (વિગતે કહીએ તો ગુલામીપ્રથાની નાબૂદી, સિવિલ વૉર અને અમેરિકી સમાજમાં અશ્વેતોનું સ્થાન) એ બે મુખ્ય વિષયો છે. અધ્યાત્મ અને રાજકારણ – બીજા શબ્દોમાં મૂળે ગાંધીવાદી કામકાજ.
અમેરિકી સમાજ દોઢસો વર્ષ પહેલાંની જેમ આજે પણ સામાજિક સમરસતાની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. એ ઉપરથી વળી આર્થિક અસમાનતા અને આંતરરાષ્ટ્રીય આતંકવાદ પણ સમસ્યાઓ સર્જે છે. સમાજમાં ડરનું, દહેશતનું વાતાવરણ છે અને તેમાં ‘ધ અધર’ – ‘આપણા જેવા નહિ તેવા બીજા લોકો’ એટલે કે ધાર્મિક વંશીય લઘુમતીઓ(અશ્વેત કે પછી મુસ્લિમ કે એશિયન ઇત્યાદિ)ના નામે જાતભાતની અફવાઓ અને કૉન્સ્પિરસી થિયરીઓ ચલાવાય છે. આ પશ્ચાદ્ભૂમિકા વચ્ચે ધારો કે કોઈ દેશના વડાને ચિંતા થાય કે હવે લોકશાહીનું શું થશે, તો તે શું કરે? ઓબામાનો રસ્તો જરા વિશિષ્ટ છે, તેઓ ગયા મેરિલિન રોબિનસન પાસે. દુનિયાના સૌથી વધુ સત્તાધારી રાજનેતા લોકશાહી અને નાગરિકત્વ વિશે સમજવા એક નવલકથાકાર પાસે જાય છે.
તો, સપ્ટેમ્બર મહિનામાં – જ્યારે ભારતમાં વિવિધ ચિંતાજનક ઘટનાઓ ઘટી રહી હતી, ત્યારે – ઓબામા આયોવાના પ્રવાસે ગયા અને રોબિનસનનો સમય માગીને તેમની રીતસરની અખબારી મુલાકાત કરી, જેનું રેકૉર્ડિંગ (અને ટ્રાન્સસ્ક્રિપ્ટ) વ્હાઇટહાઉસે સામે ચાલીને ન્યુયૉર્ક રિવ્યૂ ઑફ બુક્સને આપ્યું છે. nybooks.com પર મુલાકાતનો પહેલો ભાગ ઉપલબ્ધ થયો છે. એ મૂળ વાંચવાનો જેમને મેળ ન ખાય તેમના માટે થોડા નોંધપાત્ર મુદ્દાઓ અહીં ઉતાર્યા છેઃ
• ઓબામા ઇન્ટરવ્યૂની પ્રસ્તાવના બાંધતાં કહે છે કે તેઓ આરામથી લાંબી વાતચીત કરવા માગે છે, એ સાંસ્કૃિતક પરિબળોની, જે આપણી લોકશાહીને ઘડે છે અને આપણા વિચારોને ઘડે છે, અને આપણે નાગરિકત્વ વિશે તેમ જ આપણો દેશ કઈ દિશામાં જવો જોઈએ એ બાબતે આપણે શું માનીએ છીએ તેને પણ અસર કરે છે.
• એ પછી નક્કર મુદ્દે આવતાં ઓબામા રોબિનસનના તાજેતરના એક નિબંધની વાત કરે છે. ન્યુયૉર્ક રિવ્યૂ ઑફ બુક્સમાં જ પ્રકાશિત આ નિબંધનું શીર્ષક છે ‘ફિયર’, અને એ બહુમતીના ધર્મ અને લઘુમતીની દહેશત વિશે છે. ઓબામા પૂછે છે કે તેમને આ વિષય કેમ મહત્ત્વનો લાગ્યો. જવાબમાં રોબિનસન કહે છે, ‘તમારે એવું માનીને ચાલવું જોઈએ કે મૂળે તો લોકો કશુંક સારું જ કરવા માગતા હોય છે. મને લાગે છે કે તમે સમાજમાં આજુબાજુમાં જુઓ તો દેખાશે કે મૂળે તો લોકો સારો જ ઇરાદો રાખતા હોય છે. પણ જ્યારે લોકો કૉન્સ્પિરસી થિયરીઓ અને એવું બધું કરવા માંડે … ત્યારે તેઓ તેમનાથી ભિન્ન મતની દલીલ સમજવા, સ્વીકારવા માગતા નથી … કારણ કે ‘સિનિસ્ટર અધર’નો આઇડિયા. (ભિન્ન પ્રકારની લઘુમતી વિશેના પૂર્વગ્રહો અને અવળી ધારણાઓ.) જ્યારે એ વિચાર આપણી રાજકીય ચર્ચા-વિચારણામાં ઘૂસે છે, ત્યારે મને લાગે છે કે આપણે લોકશાહી જાળવી રાખીશું કે નહિ, તે બાબતમાં આનાથી વધારે ખતરનાક બાબત કોઈ નથી.’
• ઓબામાનો એક પ્રશ્ન અતિધાર્મિક રૂઢિચુસ્તો વિષે છે : જે લોકો ધર્મ વિશે ચિંતિત છે અને ધર્મને પૂરી ગંભીરતાથી લે છે, એ જ લોકો ઘણી વાર તેમના જેવા ન હોય તેવા લોકો પ્રત્યે શંકાશીલ કેમ હોય છે? (કદાચ ભારતમાં આ પ્રશ્ન એટલો પ્રસ્તુત નથી, પણ ઓબામાના અશ્વેત હોવાથી માંડીને તેમનો ધર્મ મુસ્લિમ હોવાની અફવાઓ સુધીના અનુભવ પરથી આ પ્રશ્ન આવે છે, જે અમેરિકાના વ્હાઇટ ઍન્ગ્લો-સેક્સન પ્રોટેસ્ટન્ટ મેલ કન્ઝર્વેટિવ-બાકીની તમામ પ્રજાને જે પૂર્વગ્રહથી જુએ છે તેના વિશે છે.) જવાબમાં રોબિનસન કહે છે કે, ‘મને નથી લાગતું કે આવા લોકો, ખ્રિસ્તીધર્મને ગંભીરતાથી લે છે, કારણ કે તમે જો કોઈ વાતને ગંભીરતાથી લેતા હો, તો પછી તમે મુશ્કેલીનો સામનો કરવા, થોડું જોખમ લેવા તૈયાર હો છો. જ્યારે કોઈ લોકો ‘ઇમેજિન્ડ અધર’ (કલ્પિત, ભિન્ન પ્રજાજનો) સામે હથિયાર ઉઠાવે છે, ત્યારે તેઓ ખ્રિસ્તીધર્મને તો ગંભીરતાથી નથી લઈ રહ્યા.’ પછી તે ઉમેરે છે કે આ વાત દરેક ધર્મને એકસરખી જ લાગુ પડે છે.
ઓબામાના મિત્રો – ખભે હાથ મૂકવાવાળા, પહેલા નામથી સંબોધન કરવાવાળા મિત્રોમાંથી કોઈને દેશની દશા અને દિશા વિશે ચિંતા થાય અને ચર્ચાવિચારણા કરવાનું મન થાય, તો કોઈ લેખક કે પુસ્તકાલયની મુલાકાત લેવામાં વાંધો નહિ.
[‘Governance Now’માંથી]
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2015; પૃ. 01-02