ગાંધીજીએ એક તાવીજ આપ્યું છે. તેમણે કહ્યું હતું કે બધી વિચારધારા અને પક્ષાપક્ષી છોડો અને માત્ર એમ વિચારો કે તમે જે વિચારો છો, બોલો છો, લખો છો કે પછી કરો છો એનાથી સમાજના છેવાડાના માણસને ફાયદો થશે કે નુકસાન? બસ, આટલી મૂળભૂત પ્રતિબદ્ધતા હોવી જોઈએ. મૂળભૂત માનવીય મૂલ્યોના પક્ષે અને છેવાડાના માણસના હિતના પક્ષે ઊભા રહો, બધી જ પક્ષાપક્ષી સમાપ્ત થઈ જશે
તમે તમારી જિંદગીમાં કોઈ મુસ્લિમનો કે દલિતનો વિશ્વાસ સંપાદન કરવાનો કેટલી વાર પ્રયાસ કર્યો છે? કાલ કે પરમ દિવસે નહીં, આખી જિંદગીમાં? છાતી પર હાથ રાખીને પૂછી જુઓ તમારી જાતને આ સવાલ. પાનું સાવ કોરું રહે તો આશ્ચર્ય નહીં થાય. પોતે જ પોતાની જાતને માણસાઈનું સર્ટિફિકેટ આપી દેવું અને જાતને સાબિત કરવી એમાં જમીન-આસમાનનું અંતર છે
•
બહુ ચિંતા કરવાની જરૂર નથી. આ છેતરાયેલા લોકોનો ઉન્માદ છે જે થોડા વખતમાં શમી જશે. કોઈને સાક્ષાત્ ઐશ્વર્યવાન દેવ તરીકે પૂજ્યા હોય અને પછી જ્યારે એ દેવ માટીના સાબિત થાય ત્યારે થોડો વખત એ હકીકત માનવા મન તૈયાર નથી થતું. દાયકા પહેલાં પાંડુરંગ શાસ્ત્રીના અને બે વરસ પહેલાં આસારામના ભક્તોનો ઉન્માદ આપણે જોયો છે. છેતરાયેલા લોકોનો ઉન્માદ આવો જ હોય. કોઈના અનુયાયી થઈને આળોટનારા લોકો નિરાભિમાની હોય એવું નથી હોતું. હું શું બેવકૂફ છું કે કોઈની પણ આંગળી પકડી લઉં? આવું અનેક વાર આપણે બોલ્યા હોઈએ અને પોતાની જાતને કોઈની પાલખી ઊંચકવા માટે મનાવી હોય એ પછી જ્યારે બેવકૂફ બન્યા હોવાનું ભાન થાય ત્યારે એનો સ્વીકાર કરવામાં તકલીફ થતી હોય છે. બ્રહ્મજ્ઞાન વસમું હોય છે એમ બ્રહ્મજ્ઞાનીઓ કહી ગયા છે. સત્યનો સ્વીકાર કરવામાં વખત લાગતો હોય છે એટલે આપણે તેમને ઉદારતાપૂવર્ક વખત આપવો જોઈએ. આમ પણ આજકાલ ભારતમાં ઉદારતા વિશે ઊહાપોહ થઈ રહ્યો છે ત્યારે ઉદારતા બતાવવાની પહેલી ફરજ ઉદારમતવાદીઓની છે.
નયનતારા સેહગલથી લઈને આમિર ખાન સુધીના લોકોનાં વધતી અસહિષ્ણુતા વિશેનાં કથનોનો વિરોધ કરનારાઓ બે પ્રકારના છે. એક હિન્દુ કોમવાદીઓ છે જે જગતના બીજા કોઈ પણ ધર્મના કોમવાદીઓ જેવા હોવાના. તેમનાં રૂપરંગ, સ્વભાવ, પ્રકૃતિ, પ્રવૃત્તિ, દલીલો બધું એકસરખું છે; માત્ર ગોત્ર અલગ છે. કોઈનું ગોત્ર હિન્દુનું છે, કોઈનું ઇસ્લામનું છે તો કોઈનું વળી ત્રીજું છે. તેઓ એકસરખી આવી દલીલો કરતા જોવા મળશે : ૧. અમારો ધર્મ તો સંપૂર્ણ છે, બીજાનો ધર્મ અધૂરો છે. ૨. અમારા ધર્મના તો પાયામાં જ શાંતિ અને સહિષ્ણુતા છે, બીજાના ધર્મમાં એનો અભાવ છે. ૩. અમે ખરાબ હોઈ જ ન શકીએ, પરંતુ બીજાને કારણે અમારે ખરાબ થવું પડે છે. ૪. અમારે સંખ્યાની ચિંતા એટલા માટે કરવી પડે છે કે બીજા તેમની સંખ્યા વધારી રહ્યા છે વગેરે-વગેરે. જગતના કોઈ પણ ખૂણામાં કોઈ પણ ધર્મના કોમવાદીઓ તમને આ જ દલીલ કરતા જોવા મળશે. તેમનું અસ્તિત્વ જ બીજાના અસ્તિત્વ પર આધારિત છે. જેમનું અસ્તિત્વ પોતા થકી નથી એવા પામરો પાસેથી સહિષ્ણુતાની અપેક્ષા રાખવી એ એરંડા પાસેથી છાયાની અપેક્ષા રાખવા જેવું છે.
બીજા પ્રકારના લોકો આગળ કહ્યું એમ છેતરાયેલા લોકો છે. તેઓ જ્યાં સુધી છેતરાયા હોવાનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી તેમને બચાવ કરવા સિવાય છૂટકો નથી અને બચાવ કરવા માટે એ જ દલીલોનો આશરો લેવો પડે છે જે કોમવાદીઓ પૂરી પાડે છે. આ ઉપરાંત સોશ્યલ મીડિયા પર પૈસા લઈને પ્રચાર કે કુપ્રચાર કરનારા ભાડૂતી એજન્ટો જે દલીલો પૂરી પાડે છે એનો ઉપયોગ કરવો પડે છે. એ દલીલો નક્કર વાસ્તવિકતા સામે ટકી શકતી નથી એ તેમની બીજી પીડા છે. તેઓ ઉપર કહ્યા એવા બેશરમ કોમવાદીઓ તો છે નહીં જેમનો અંતરાત્મા મરી ગયો હોય! તેમનો અંતરાત્મા જીવતો છે અને તેમનો કોઈ અંગત સ્વાર્થ પણ નથી, માત્ર છેતરાયા હોવાનો ઘા તેમને સતાવે છે એટલે હાથમાં આવી એવી દલીલો ઝૂડે છે. દલીલો કોમવાદીઓ અને કોમવાદીઓ દ્વારા ફન્ડેડ સોશ્યલ મીડિયા પર કામ કરનારી કમ્યુનલ હેટ્રેડ જનરેટિંગ ઇન્ડસ્ટ્રી પૂરી પાડે છે.
આશા જીવનનું સત્ય છે એટલે છેતરાવાપણું પણ જીવનનું સત્ય છે. આમાં શરમાવા જેવું કંઈ જ નથી. આ લખનાર જનતા પાર્ટીથી લઈને જનતા દળ સુધી અનેક વિશ્વનાથ પ્રતાપ સિંહો દ્વારા છેતરાયો છે. ઇન્દિરા ગાંધીની સરમુખત્યારશાહી, કૉન્ગ્રેસનો પરિવારવાદ અને પ્રચુર ભ્રષ્ટાચારથી આ લોકો દેશને બચાવશે એવી આશાએ આંગળી પકડી હતી અને છેતરાયો હતો. એ પછી સત્તાના રાજકારણનું સ્વરૂપ સમજાઈ ગયું અને કોઈને પણ દેવ માનવાનું બંધ કરી દીધું.
વ્યસનીને વ્યસન છોડતી વખતે જે વિધડ્રૉઅલ સિમ્પટમ્સનો સામનો કરવો પડે છે એનો બહુ ઓછો અનુભવ આ લખનારને થયો હતો. નેતાજીની મેદનીમાં અને બાપુઓના મંડપમાં બેસવામાં એટલું જ સુખ મળે છે જેટલું વ્યસનીને વ્યસન કરવાથી મળે છે. સપનામાં જીવી શકાય છે, વાસ્તવિકતા ભૂલી શકાય છે અને ટોળામાં ઓગળી શકાય છે. સૌથી મોટો ફાયદો એ છે કે બુદ્ધિ ચલાવવાથી બચી શકાય છે. આને કારણે વ્યસનીને વ્યસન છોડતી વખતે જે વિધડ્રૉઅલ સિમ્પટમ્સનો સામનો કરવો પડે છે એવો સામનો ભક્તોએ પણ કરવો પડે છે. આપણી અંદર રહેલું અભિમાન છેતરાયા હોવાનો સ્વીકાર જાહેરમાં કરવા દેતું નથી એટલે આપણે આપણી જાતને છેતરીએ છીએ.
ગાંધીજીએ આનાથી બચવા એક તાવીજ આપ્યું છે. ગાંધીજીએ કહ્યું હતું કે બધી વિચારધારા અને પક્ષાપક્ષી છોડો અને માત્ર એમ વિચારો કે તમે જે વિચારો છો, બોલો છે, લખો છો કે કરો છો એનાથી સમાજના છેવાડાના માણસને ફાયદો થશે કે નુકસાન? બસ, આટલી મૂળભૂત પ્રતિબદ્ધતા હોવી જોઈએ. મૂળભૂત માનવીય મૂલ્યોના પક્ષે અને છેવાડાના માણસના હિતના પક્ષે ઊભા રહો, બધી જ પક્ષાપક્ષી સમાપ્ત થઈ જશે. કબીરે કહ્યું છે એમ નાહી કહુ સે દોસ્તી, નાહી કહુ સે બૈર. મારી દૃષ્ટિએ લોકતંત્ર, વ્યક્તિગત સ્વાતંત્ર્ય તેમ જ અધિકારો, દરેક પ્રકારની સમાનતા અને સેક્યુલરિઝમ મૂળભૂત માનવીય મૂલ્યો છે. આના અભાવમાં સ્થાપિત હિતોનું હિત છે અને આના હોવામાં છેવાડાના માણસનું હિત છે. જેમ કે લોકતંત્રના અભાવમાં સામંતોનું હિત છે, લૈંગિક સમાનતા ન હોવામાં પુરુષનું હિત છે અને સેક્યુલરિઝમના ન હોવામાં ધર્મના ઠેકેદારોનું હિત છે. જો મોકળો ખુલ્લો સમાજ જોઈતો હોય તો એને માટે આ અનિવાર્ય પદાર્થો છે. આમાં કોઈ ત્રાજવાં કે કોઈ કાટલાં ન ચાલે, આ ઍબ્સલ્યુટ વૅલ્યુઝ છે. જ્યાં સુધી તમે મુસલમાનને માપવા હિન્દુ કાટલાં કે હિદુને માપવા મુસલમાનનાં કાટલાં વાપરતા રહેશો ત્યાં સુધી તમે બાપુઓના (કે મૌલવીઓના) મંડપમાંથી અને નેતાજીની મેદનીમાંથી બહાર નહીં નીકળી શકો. જો મુક્ત થવું હોય અને ખુદવફાઈ કેળવવી હોય તો ગાંધીજીનું તાવીજ કામમાં આવે એવું છે અને બીજું કોઈ તાવીજ પણ નથી.
આ તાવીજને ગળે બાંધીને નરેન્દ્ર મોદીના શાસન વિશે નયનતારા સેહગલથી લઈને આમિર ખાન સુધીના જે કેટલાક લોકોએ પોતાના અભિપ્રાય આપ્યા છે એ વિશે અભિપ્રાય બનાવો. પહેલી વાત તો એ કબૂલ કરવી પડશે કે દરેક વ્યક્તિને પોતાની રીતે આકલન કરવાનો અને અભિપ્રાય આપવાનો અધિકાર છે. આ લખનાર સહિત અનેક લોકોને એમ લાગે છે કે દેશમાં અસહિષ્ણુતા વધી રહી છે તો એમાં તમને શા માટે તકલીફ થઈ રહી છે? તમને એવું ન લાગતું હોય તો એનું સ્વાગત છે. તમને રામરાજ્ય નજરે પડતું હોય તો જાહેરમાં આરતી ઉતારવાનો પણ તમને અધિકાર છે. જેટલો આમિર ખાનનો અધિકાર મૂલ્યવાન છે એટલો જ તમારો અધિકાર પણ મૂલ્યવાન છે. તમારા અધિકારની આડે કોઈ આવશે તો તમારા પડખે ઊભા રહેવાની હું ખાતરી આપું છું. ‘મી નાથુરામ ગોડસે બોલતોય’ નાટક મરાઠીમાં આવ્યું અને કેટલાક લોકોએ એના મંચન સામે વિરોધ કર્યો ત્યારે મેં નાથુરામના અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો બચાવ કર્યો હતો. નાથુરામે ભલે ગાંધીજીનું ખૂન કરીને ગાંધીજીનું સ્વાતંત્ર્ય કાયમ માટે છીનવી લીધું હોય, પરંતુ ગાંધીજનોએ નાથુરામના સ્વાતંત્ર્યના પક્ષે ઊભા રહેવું જોઈએ અને એમાં ગાંધીજીનો વિજય છે. નાથુરામ ગાંધીજીને નુકસાન નહીં પહોંચાડી શકે, પણ જો આપણે નાથુરામના અધિકારના પક્ષે ઊભા નહીં રહીએ તો ગાંધીજીને નુકસાન જરૂર પહોંચાડીશું.
આ ગાંધીજીનું તાવીજ છે જે મંડપ અને મેદનીની ગુલામીથી બચાવે છે. આ તાવીજ અપનાવવાથી આંગળિયાત થવાપણાથી કે છેતરાવાથી બચી શકાશે. એ દરમ્યાન મહેરબાની કરીને તમારી છેતરાયા હોવાની પીડા બીજા પર લાદવાનું બંધ કરો. આમ કરવાથી આમિર ખાનને તો કોઈ નુકસાન થવાનું નથી. નરેન્દ્ર મોદીને થવાનો હશે તો થોડો રાજકીય ફાયદો થશે, પરંતુ દેશને લાંબા ગાળાનું નુકસાન થશે. તમે દ્વેષની તિરાડો પહોળી કરવાનું કામ કરો છો. આના કરતાં પણ વધારે મોટું નુકસાન એ છે કે તમે પોતે તમારા અંતરાત્માના ગુનેગાર ઠરો છો. આ ખોટનો સોદો પાછો એટલા માટે છે કે અસત્યના ઓજાર બનવામાં તમારો કોઈ અંગત સ્વાર્થ પણ નથી.
એક બીજો મુદ્દો પણ વિચારવા જેવો છે. આર્થિક શોષણ કેવું હોય એનો પ્રત્યક્ષ અનુભવ કરનાર શોષિત જેટલું સમજી શકશે એટલું તમે ક્યારે ય નહીં સમજી શકો. યૌન શોષણ કેવું હોય એ એનો ભોગ બનનારી સ્ત્રી જેટલું સમજી શકશે એટલું પુરુષ ક્યારે ય નહીં સમજી શકે, પછી તે ગમે એટલો સંવેદનશીલ હોય. સામાજિક ભેદભાવ કેવા હોય એ દલિત જેટલો સમજી શકશે એ સવર્ણ ક્યારે ય નહીં સમજી શકે, પછી ભલે તે મહાત્મા ગાંધી પોતે હોય. અસલામતી કેવી હોય એ બહુમતી કોમની વચ્ચે રહેતો લઘુમતી કોમનો માણસ સમજી શકશે એ તમે ક્યારે ય નહીં સમજી શકો, પછી ભલે તમે પ્રગતિશીલ સેક્યુલરિસ્ટ હો. પીડિતની પીડા પીડિત જ સમજી શકે. આ વાસ્તવિકતા છે જે મોટા દાવાઓ કરવાથી કે બાંયધરીઓ આપવાથી કે જગતનું શ્રેષ્ઠ બંધારણ ઘડવાથી મટવાની નથી. લોકોમાં રહેલી આવી પીડા અને અસલામતીમાંથી એક પ્રકારની ખાસ માનસિકતા જન્મે છે જેનો જે-તે વર્ગના રાજકારણીઓ રાજકીય લાભ લે છે.
સમાજના વિભિન્ન વર્ગો વચ્ચે અવિશ્વાસની ખાઈ (ટ્રસ્ટ ડેફિસિટ) છે એ ભારતની વાસ્તવિકતા છે. એ ટ્રસ્ટ ડેફિસિટ ખતમ કરવામાં નહીં આવે ત્યાં સુધી નક્કર રાષ્ટ્રીય એકતા સધાવાની નથી. એ ટ્રસ્ટ ડેફિસિટ એટલી પ્રચંડ છે અને એટલી ર્દીઘકાલીન છે કે એ રાતોરાત દૂર થવાની નથી. ગાંધીજીએ પૂરી પ્રામાણિકતા સાથે આ ટ્રસ્ટ ડેફિસિટ ખતમ કરવાનો પ્રયાસ કર્યો હતો અને એ છતાં ભારતનું વિભાજન થયું હતું અને ડૉ. આંબેડકરે હિન્દુ ધર્મ ત્યજી દીધો હતો. ગાંધીજી જેવા ગાંધીજીની શક્તિ ઓછી પડી હતી ત્યાં તમે કઈ વાડીનો મૂળો? તમે તમારી જાતને સહિષ્ણુ હોવાનું સર્ટિફિકેટ આપી દો એટલે લોકો સ્વીકારી લેવાના? આને માટે સહિષ્ણુ બનવું પડે અને અસહિષ્ણુતાની નિંદા કરવી પડે. એ પછી પણ તાત્કાલિક પરિણામ નથી આવવાનું, કારણ કે અવિશ્વાસની ખાઈ ઘણી ઊંડી છે. આ ખાઈ ચોક્કસ પૂરી શકાશે જો ગાંધીજીનું તાવીજ અપનાવીને સત્ય અને માનવતાના પક્ષે ઊભા રહીશું.
ગાંધીજીની હત્યા પછી અને હજી થોડા આગળ જઈએ તો જવાહરલાલ નેહરુના અવસાન પછી કોઈ રાજકીય પક્ષે ટ્રસ્ટ ડેફિસિટ ઘટાડવાનો પ્રયાસ કર્યો નથી. ભારતીય જનતા પાર્ટી, અકાલી દળ, શિવસેના અને કેટલાક મુસ્લિમ પક્ષો નગ્ન કોમવાદી રાજકારણ કરે છે તો બાકીના પક્ષો તુષ્ટિકરણનું રાજકારણ કરે છે. ગાંધી-નેહરુના ગયા પછી અવિશ્વાસની ખાઈ વધી છે, ઘટી નથી.
હવે એક સવાલ સુજ્ઞ વાચકને : તમે તમારી જિંદગીમાં કોઈ મુસ્લિમનો કે દલિતનો વિશ્વાસ સંપાદન કરવાનો કેટલી વાર પ્રયાસ કર્યો છે? કાલ કે પરમ દિવસે નહીં, આખી જિંદગીમાં? છાતી પર હાથ રાખીને પૂછી જુઓ તમારી જાતને આ સવાલ. પાનું સાવ કોરું રહે તો આશ્ચર્ય નહીં થાય. પોતે જ પોતાની જાતને માણસાઈનું સર્ટિફિકેટ આપી દેવું અને જાતને સાબિત કરવી એમાં જમીન-આસમાનનું અંતર છે.
સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 29 નવેમ્બર 2015
http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-29112015-16