Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9345137
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઓહ મોદી, આહ મોદી

વિપુલ કલ્યાણી|VK - Ami Ek Jajabar|30 November 2015

आदतन तुम ने कर दिये वादे 

आदतन हम ने ऐतबार किया

                                         ~ गुलज़ार 

સન 1986ના અરસામાં એન્ડૃીઅસ વ્હીટમ સ્મિથ, સ્ટીવન ગ્લૉવર અને મૅથ્યૂ સીમન્ડ્સ નામના ત્રણ નામી પત્રકારોએ “ધ ઇન્ડિપેન્ડન્ટ” નામક એક દૈનિકનો અહીં આરંભ કરેલો. એણે એક નવી કેડી કંડારી; અનેરી નવી હવા ઊભી કરી. રૂપર્ટ મર્ડોકને વૉપિંગ મુદ્દે ઉધામા ચડેલા અને પછી અખબારી જગતમાં નવી આબોહવા ફેલાઈ, તેમાં 2010થી એક રુસી તાલેવંત એલેકઝાન્ડર લેબૅદૅવ તે અખબારના માલિક બન્યા છે અને મૂળ હિન્દવી નસ્સલના અમલ રાજન આ ભાતીગળ દૈનિકના મુખ્ય તંત્રીપદે બિરાજમાન છે. આ જાજરમાન દૈનિકનાં ઠઠ્ઠાચિત્રો(કાર્ટૂન)નું આ મુલકે ગૌરવ શું સ્થાન છે. તેમાં ડેવ બ્રાઉન નામક ઠઠ્ઠા-ચિત્રકાર અગ્રગામી છે. 07 નવેમ્બર 2015ના અંકમાં ડેવ બ્રાઉને ‘ધ રેડ કારપેટ’ મથાળા સાથેનું ઠઠ્ઠાચિત્ર આપ્યું છે. 10 ડાઉનિંગ સ્ટૃીટ માંહે દેશના વડાઓનું સ્વાગત કરવા રાતી જાજમની બિછાત થતી હોય છે. અહીં નીંગળતાં લોહીની જાણે કે જાજમ બિછાવાઈ છે. વડા પ્રધાન ડેવિડ કેમરૂન બાલદી ને લૂછણિયું લઈને સાફસૂફી કરતાં દર્શાવાયા છે. અને તેમાં પડેલાં પગલાંમાં ચીનના વડા શી જિન પિંગ, ઇજિપ્તના વડા અબ્દેલ ફતાહ અલ-સીસીનાં નામો ઉપસી આવેલાં છે.

અને વિધિની વક્રતા તો જૂઓ : આ હારમાળામાં આ બે વડાઓની પાછળ ભારતના નરેન્દ્ર મોદીની પધરામણી થઈ. અને હવે ડેવ બ્રાઉનની પીંછી કમાલ કરે છે 13 નવેમ્બર 2015ના દૈનિકમાં. પોતાના ત્રણ દિવસના રોકાણ વેળા, બીજે દિવસે, બ્રિટિશ વડાપ્રધાન અને તેમના મહેમાન નરેન્દ્ર મોદી ગાંધીની પાર્લામેન્ટ સ્ક્વેરમાં મુકાઈ નવીનક્કોર પ્રતિમાએ પુષ્પાંજલિ  અર્પવા ગયા છે. અને ત્યારે મોદીભાઈ હેરત પામેલા કેમરૂનભાઈને તિલક કરે છે અને વદે છે : ‘બિન્દી … ? ઊપ્સ ! જસ્ટ અૅ સ્પૉટ અૉફ બ્લડ અોન માઇ હેન્ડ્સ !’ 

વરસોથી, અહીં, ‘આવાઝ ફાઉન્ડેશન’ નામે એક એનજીઓ કાર્યરત છે. આ મુલકના કેટકેટલાં બુદ્ધિશાળી કર્મશીલોમાંના એક સુરેશ ગ્રોવર પણ આ સંસ્થાના અગ્રેસર છે. દક્ષિણ એશિયાઈ દેશોના મૂળ વતનીઓને અડતા-નડતા-સાંકળતા અનેક મુદ્દે, ધર્મનિરપેક્ષતાને કેન્દ્રમાં આરોપતી સક્રિય આ સંસ્થાએ આઠમી નવેમ્બરની મોડી સાંજે, આધુનિક ટેકનોલોજી વડે, પેલેસ અૉવ્ વેસ્ટમિનસ્ટરની દિવાલો પર બીંબ પાડી જાહેર કર્યું : ‘મોદી નોટ વેલકમ’. વળી, સાથે, મોદીની આકૃિત ને હાથમાં નાગી તલવાર ચીતરી હતી. નાઝીવાદની ચાડી ખવાતી હોય તેમ સ્વસ્તિકને ઠેકાણે ઓમકારનું મનઘડત પણ ઘસાતું આલેખન દર્શાવ્યું હતું. વળતે દિવસે હાઉસ અૉવ્ કૉમન્સમાં પણ આ ઘટનાના વિપરીત પડઘા ય પડ્યા.

વારુ, બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉરપોરેશનના સંવાદદાતા જુબૈર અહમદ પૂછતા હતા તેમ પૂછીએ, બ્રિટન પ્રવાસને પરિણામે મોદીએ શું મેળવ્યું ? આ સવાલના જવાબ આપણે કોને પૂછીએ છીએ તે મુજબ અલગ અલગ છેડાના મળવાના છે, અને તેની ક્ષેત્રમર્યાદા વચ્ચે જબ્બર ખાઈ વર્તાતી રહેવાની. બ્રિટનમાં મોદીનું ‘સુપરસ્ટાર’ જેવું સ્વાગત થયું. આવું છતાં, આ બ્રિટિશ યાત્રા મોદી માટે એમની ઇચ્છા મુજબ નહોતી તે નહોતી. અમારા વડા પ્રધાન કેમરૂન સાથે યોજાયેલી પત્રકાર પરિષદમાં બ્રિટિશ પત્રકારોએ મોદીને ય અણિયાણા સવાલો પૂછી જ કાઢ્યા હતા. ગુજરાતના 2002ના કોમી તોફાન વિશેના સવાલ પણ તેમાં સામેલ. મોદીને આ ગમતું જ નહોતું. ગાંધી પ્રતિમાએ ફૂલ ચડાવી રહ્યા હતા ત્યારે નેપાળી, કાશ્મીરી તથા પંજાબી સમુદાયે વિરોધી નારાબાજી કરી હતી. દેશી સમૂહમાધ્યમોમાં આલોચકો એમને ઇજ્જતના દાયરામાં સારાનરસા ચીતરતા રહેતા હોય છે; પરંતુ અહીં તો આ સમુદાય ‘મોદી હત્યારા’ અને ‘મોદી આતંકવાદી’ જેવા જેવા નારા લગાવ્યા કરતો રહ્યો.

ભારતીય તેમ જ અહીંના દેસી સમૂહમાધ્યમોમાં મોદીના વધતા જતા કદની વાહ વાહ પોકારાતી હતી, તો બીજી પાસ, બ્રિટિશ મીડિયામાં કંઈક જૂદું ચિત્ર ય ઊપસતું રહ્યું. “ધ ગાર્ડિયને” તેના એક સંપાદકીયમાં લખ્યું, ‘ઓવર ધ ટૉપ …’ એટલે કે જરૂરતથી વધારે ! જ્યારે “ધ ઈન્ડિપેન્ડન્ટ” તો કહેતું રહ્યું કે ગુજરાતના તોફાનો થયા તેની જવાબદારી જો કોઈની હોય તો તે એ ખુદ જ જવાબદાર છે કેમ કે એમના રાજમાં આ ગમખ્વાર ઘટનાઓ ઘટેલી. કંઈ કેટલાંય અખબારોએ વળી ડેવિડ કેમરૂનને ભારતીય વડા પ્રધાનની ખુશામત કરવા સારુ આડે હાથ વીંઝી કાઢ્યા છે. આ ખુશામતની ચાડી આ લિંક પર વર્તી શકાય : https://www.youtube.com/watch?v=zoCSWxfWT8Y

દરમિયાન, જાણીતા લેખક પત્રકાર સલિલ ત્રિપાઠીના ફેઇસબુક પાને, 14 નવેમ્બર 2015ના રોજ, અંગ્રેજીમાં એક સંવાદ પેશ હતો. તેનો ગુજરાતી અનુવાદ આમ છે :

ઊબેરની ટેક્સીમાં બેસતી વેળા મેં કૂરતો પહેર્યો છે અને ફરતે શાલ વીંટી છે. મારો ચાલક સોમાલી છે. ભારતનો છું તેમ હું તેને કહું છું. કાંઈ બોલ્યા વગર તે તો ગાડી હંકારતો રહ્યો. અને પછી બોલ્યો : ‘તો તમે ગઈ કાલે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા હતા, નહીં ?’

અને તે મને તરત ગમી ગયો. અમારી વચ્ચે મનોબંધનની લાગણી પેદા થયાનું લાગ્યું. મોદી આજકાલ આવા મનોબંધનની જ વાત કહ્યા કરે છે ને. તેણે જારી રાખ્યું, ‘તે સાવ સામાન્ય માણસ છે, તમારા લોકો તેને આટઆટલો કેમ ચાહે છે ? શીખને તે ગમતા નથી, ખરું ને ?’

ગઈ કાલે અને પરમ દિવસે શીખોએ ય દેખાવો કર્યા જ હતા ને. મેં હા ભણી; કહ્યું, તેમને જૂની અદાવત છે.

અને નેપાળી પ્રજાને ય વાંધાવચકા છે, તે બોલતો રહ્યો. ભારત નેપાળ સામે કેમ ઘૂરક્યા કરે છે ?

મેં ખૂલાસા કરવાનો પ્રયત્ન કર્યો પણ થોડા વખત પછી દલીલ ટાળી − નેપાળ વિષેની ભારતની મનસ્વી નીતિને બચાવવાનું કામ મારું નહોતું.

તે દિવસે સાંજે એક મજલિસમાં હતો અને મને મઝા પડી ગયેલી. મિલનમાં કેટલાય વેપારવણજના અગ્રેસરોને મળવાનું થયું. આગલી સાંજે વેમ્બલી જવાનો તેમને જે મોકો મળેલો તેનાથી તે દરેક આનંદવિભોર હતા. હું તેમને કહેતો રહ્યો કે આમ જોઈએ તો ત્યાં કેમરૂનની પ્રતિષ્ઠામાં જ વધારો થતો હતો.

અલબત્ત, ખરું, એકે વાત સ્વીકારી. પરંતુ દરેક ત્યાં મોદીને નામ જ હતા.

જરૂર, મેં કહ્યું. પાડ માનીએ કે તેમને ભારતમાં મતદાન આપવાનો યોગ થવાનો નથી, મેં ઉમેર્યું.

હા, તે માણસે કહ્યું.

વિન્સટન ચર્ચિલથી માંડીને આજ સુધીના તમામ બ્રિટિશ વડા પ્રધાનોમાં આટલી નિમ્ન સ્તરે જઈ ભાટાઈ કરનારા વડા પ્રધાન જોયાજાણ્યા નથી. વિચારતા, કદાચ, નેપોલિયન બૉનાપાર્ટને નામ ખતવાયેલું વાક્ય સ્મરણમાં આવતું રહ્યું : ‘ઇંગ્લૅન્ડ ઈઝ અૅ નેશન અૉવ્ શોપકિપર્સ’ ! આજના કોરપોરેશન પ્રભાવક જાગતિક અર્થતંત્રમાં દિશા અને દશાની પોતીકી ભાળ કાઢવામાં બ્રિટન મુંઝાયેલું દેખાય છે. યુરોપીય સંઘમાં રહેવું કે નીકળવું તેની વાવંટોળિયા અડિયોદડિયોમાં બ્રિટન સપડાયું છે. તો બીજી પાસ, વેપારવણજમાં જ્યાંત્યાં ફાફાં માર્યા કરવાની નીતિ પોકારાઈ રહી છે. અને તેથી ચીન, ઇજિપ્ત અને ભારત સાથેનો આ સંગ.

અને તે પછી પણ એક વાત દીવા જેવી ચોખ્ખીચણક રહી : વેમ્બલી સ્ટેિડયમમાં જનારા તો મોટે ભાગે બ્રિટિશ દેસીઓ હતા અને તે આ મુલકે જ મતદાન કરે છે. તેનો ફાંટું ભરીને લાભ તો કેમરૂનને અને ટોરી પક્ષને જ ફાળે રહેવાનો ! સરેરાશ ભારતીય બ્રિટિશ ભણેલો છે, મહત્ત્વાકાંક્ષી છે, અને બહુધા બે પાંદડે સુખી છે. ટૂંકામાં, તે કન્સર્વેટિવ પક્ષનો જ તરફદાર.

કહે છે કે કુડીબંધ સાંસદોએ હાજર નહીં રહેવાની રજૂઆત કરી તેથી હાઉસ અૉવ્ લૉર્ડના એક સભાખંડમાં મોદીનું ભાષણ ગોઠવાયું. દેખીતું હતું કે મૂળ ભારતીય નસ્સલનાં સાંસદો જ હોંશીલા ફૂલાયાં કરતાં હતાં. પણ આ મુલકની આમ જનતા પર તેની કેવડી અને કેટલી અસર ?

વેમ્બલી સ્ટેિડયમમાં ભરચક્ક હાજરી વચ્ચે રાજ બબ્બર જેમને પરિધાન મંત્રી કહે છે તેમ મોદીની સભા થઈ. અને તે મહાસભાની ગતિવિધિની લિંક અહીં પેશ છે  : https://www.youtube.com/watch?v=dyoQWOHDdak

કેમરૂન બોલતા હતા ત્યારે મોદીની ‘બૉડી લેંગવેજ’ નીરખવા જેવી હતી. ખેર ! કેમરૂનભાઈ તો અધધધ હેરત વચ્ચે ડોલતા હતા. મોદીભાઈ માટે સ્ટેિડયમ માંહેની આવી આવી સભાઓ નવીનવાઈની નહોતી. ન્યૂ યૉર્કના મેડિસન ગાર્ડન, સિડનીના અૉલિમ્પિક સ્ટેિડયમ અને કેલિફોર્નિયામાં શાર્ક ટેન્કના અનુભવો એમને ગજવે વજન કરતા જ હતા. કેમરૂન કહેતા હતા તેમ મોદી માટે આ સૌથૌ મોટી રેલી હતી તેથી તેનો જબ્બર નશો ય દેખાતો હતો.

મોદીનું ભાષણ રસિક હતું. બોલતા હતા વેમ્બલીમાં, ને એમની નજર ભારતમાંના શ્રોતાઓ ભણી હતી. બિહાર ચૂંટણી પરિણામો પછીનું વાતાવરણ હતું. અસહિષ્ણુતાનું વાતાવરણ જે ફેલાતું રહ્યું છે તેની પછીત પણ હતી. મુલકમાંથી ગરીબી હટાવની વાત તેથી કેન્દ્રગામી રહી. વિવિધતામાં એકતા પર એ ભાર મુકતા હતા.

ટૂંકામાં, ભારત અને બ્રિટનના હિતોનો આ ત્રણ દહાડાની મુલાકાતમાં સંગમ બનતો હતો. કોણ કેનો વધુ લાભ મેળવે, તેની ગોઠવણ દેખાતી રહી.

પાનબીડું : 


हर सिम्त बड़े लोगों की भीड़ है निकहत 
हम इतने ख़ुदाओं की इबादत नहीं करते 

                                                       ~ नसीम निकहत 

ઓ નિકહત, ચારેકોર આપવડાઈવાળાં માણસોનાં ટોળાં છે. આપણે કંઈ આટઆટલાં દેવદેવીઓ(આપવડાઈવાળાં લોકો)ને ભજતાં નથી.

હૅરો, 20 નવેમ્બર 2015

Loading

30 November 2015 વિપુલ કલ્યાણી
← હિંદુના હાડનું કૅન્સર
તહેવાર અને વેપાર – અમેરિકા →

Search by

Opinion

  • લાકડાના વેપારીની બોઇંગ કંપનીનું સો વર્ષનું એકચક્રી શાસન ડામડોળ થઇ રહ્યું છે
  • ….. તો શું થાત?
  • અમેરિકી પ્રમુખ ટ્રમ્પને નોબેલ ‘અશાંતિ’ પુરસ્કાર અપાવો જોઈએ …
  • ભારતીય ઉડ્‍ડયન ક્ષેત્રના રન-વેની વિટંબણાઓઃ સલામતી, આર્થિક મજબૂતાઈ, નીતિની ગૂંચ જેવા બર્ડ હિટ
  • પશ્ચિમનો યુગ પૂરો થઈ ગયો છે

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • ગાંધીમાર્ગ કઠિન છે?
  • બાપુનો દાંત
  • વિરાટદર્શન
  • નિર્મમ પ્રેમી
  • મારી અહિંસા-યાત્રા

Poetry

  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …
  • તારવણ
  • હે કૃષ્ણ ! કોણ છે તું?
  • આ યુદ્ધ છે !

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved