Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9376889
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હિંદુના હાડનું કૅન્સર

સ્વામી આનંદ|Opinion - Opinion|27 November 2015

હિંદુ-મુસલમાન એકતા એ ગાંધીજીના જીવનની એક અતિ જોરાવર તાલાવેલી અને લગની હતી અને એની વેદી ઉપર જ અંતે એમણે પોતાના પ્રાણની આહુતિ આપી, એ બીના સર્વ વિદિત છે. આફ્રિકાથી હિંદ આવી વસ્યા બાદ શરૂના દસકામાં જ સને 1921ની આસપાસ એમણે પોતાના ‘યંગ ઇન્ડિયા’, ‘નવજીવન’ પત્રોમાં ‘હિંદુ-મુસ્લિમ તંગદિલી, એનું નિદાન અને ચિકિત્સા’ એવે નામે એક જબ્બર લેખ લખેલો. એ લેખમાં એમણે લખ્યું કે ‘સરેરાશ હિંદુ સ્વભાવે જે બાયલો ને મુસલમાન લાંઠ છે.’ આ લેખ લખીને તે કાળના અસંખ્ય આર્યસમાજીઓનો તેમ જ બીજા આગેવાન હિંદુઓનો વસમો રોષ એમણે વહોરી લીધેલો. આમ છતાં આ અભિપ્રાયને પાછળથીયે એમણે કદિ બદલ્યાનું કે મૉળો કર્યાનું જાણમાં નથી.

કાપ્યો કપાય નહિ, બાળ્યો બળે નહિ એવા અમર અનાદિ આત્માનું અને પાર્થિવ દેહની નશ્ચરતાનું શિક્ષણ ને સંસ્કાર ગળથૂથીમાંથી મળ્યા છતાં હિંદુમાં મરણભય ભારોભાર છે એ બીના ગાંધીજીને બહુ સાલતી. એ મરણભય ટાળવાની તક અને તાલીમ આપણા જુવાનોને મળે તે ખાતર પહેલા વિશ્વયુદ્ધ વખતે એમણે લોકમાન્ય જેવા વડીલ દેશનેતાની ઇચ્છા વિરુદ્ધ જઈને પણ અંગ્રેજી સલ્તનતને સારુ લશ્કર-ભરતીનું કામ કરેલું. દયાનંદે પણ હિંદુઓને પ્રાણવાન બનાવવા સારુ પોતાની ઉગ્ર પ્રચાર પદ્ધતિથી પોતાના અનુયાયીઓને સ્વધર્મી-વિદ્યર્મી પોથી પંડ્યા પાખંડીઓ સામે મિશનરી ધગશથી ઝઝૂમતાં ને મરણભેટ કરતાં શીખવ્યું, જેને પરિણામે શરૂના દાયકાઓમાં અસંખ્ય મેધાવી તેજસ્વી આર્યસમાજીઓ શહાદતને વર્યા. વિવેકાનંદે હિંદુસંસ્કૃિતની રજૂઆતમાં નવો પ્રાણ પૂરીને ચારેછેડે દેશની આખી શિક્ષિત હિંદુઆલમને પ્રભાવિત કરી અને અરવિંદ ઘોષથી માંડીને રાધાકૃષ્ણન સુધીના બધા અનુગામી રજૂઆતદારોને નવી દૃષ્ટિ તેમ જ પ્રેરણાનું ભાતું બંધાવ્યું. આમ છતાં એ બધાના કળશરૂપે એમનો જીવન સંદેશ એક જ શબ્દમાં Man-Making રહ્યો. નિવેદિતાએ પોતાના ગુરુચરિત્રમાં લખ્યું છે કે વિવેકાનંદની આરાધ્યમૂર્તિ 1857ના બળવાના દિવસોનો એક મુનિવ્રતધારી બાવો હતો જેને પોતાને સંગીનથી ભોંકી મારનાર ટૉમી કટકિયાને ‘તુંયે નારાયણ’ કહીને પ્રાણ છોડેલા.

આવાં ઊંચાણો સર કરનારી, આવું ગૌરવવંતું તત્ત્વજ્ઞાન, આભ ઊંચા આદર્શો અને અપરંપાર અંતરસમૃદ્ધિના વારસવાળી હિંદુ પ્રજા દુન્યવી વહેવારના કે પુરુષાર્થના તખ્તા ઉપર દુનિયાની પ્રજાઓના ઇતિહાસમાં ઊણી ઠરી. દુનિયાની ઈતર પ્રજાઓ અને જાતિઓ જોડે જ્યાં ક્યાંયે અથડામણનો પ્રસંગ એને આવ્યો ત્યારે લગભગ હંમેશાં પાછી પડીને પરાજિત થઈ. વ્યક્તિગત શૌર્યઔદાર્ય, ઊંચાણ કે ચાતુર્યમાં કોઈથી ગાંજ્યા ન જાય એવા છતાં સમગ્ર દર્શનમાં અને સંગઠન-ક્ષમતામાં હિંદુઓ હંમેશાં ઊણાવામણા ઠર્યા. બીજી પ્રજાઓ તેમ જ કોમો વચ્ચે રહેવા-વસવા-વિચરવાનો પ્રસંગ આવતાં સદાયનાં સૂતક પડ્યા હોય એવી આભડછેટિયા વૃત્તિથી જીવી વરતીને બીજાઓની ખોફખફગી, નફરતને પાત્ર ઠર્યા. એમના બ્રાહ્મણ (જૈનાદિ અને શ્રવણ) અગ્રણીઓના પુરુષાર્થ કે જ્ઞાનપાંડિત્ય મોટે ભાગે ઘરઆંગણે નાતજાતનાં ટચુકડાં વર્તુળોમાં શેખી મોટપનાં પ્રદર્શનો પૂરતાં અગર તો બાલની ખાલ કાઢનારી પોકળ શસ્ત્રચર્ચાઓમાં બંધિયાર રહ્યાં. એમના શ્રેષ્ઠતાના દાવા પોલા કે પાખંડ ઠર્યા ને એમનાં ત્યાગ, વૈરાગ્ય, ભાવશક્તિ, ભજનપૂજન એમની વેવલાઈ કે ખંધાઈનાં મોન્યુમેન્ટ બન્યાં.

અગસ્ત્ય, ભગીરથ જેવા વિશાળ વ્યાપક દષ્ટિવાળા સમર્થ શોધકો અને સાહસિકો ભલે એમનામાં પાક્યા હોય, પણ દુનિયા દેશાવર જવા-વસવા-ફેલાવા અંગે હિંદુજાતિ સદાય અનિચ્છુક અને વિરોધી રહી. અને જ્યારે ક્યારેય ગઈ જ, ત્યારે આગંતુક ભાવે સરાઈના મુસાફરની જેમ ચિડિયા રેનબસેરા (રાતવાસો રહેવા આવનાર પંખીની) વૃત્તિથી વસી. હરહંમેશ મૂળવતનનું ગામ, ન્યાત ન્યાતીલા કે ઘરઆંગણેનાં અવસરટાણાં ઉપર જ મીટ માંડીને સદાય જીવી. પેઢીઓ વીતી તો ય નવા દેશને કે ત્યાંની પ્રજાને અપનાવવાની કલ્પના તેમનામાં કદી જન્મી નહિ.

આવી આ હિંદુ જાતિના સંપર્કમાં જે કોઈ આવ્યું તે પણ કાં તો હિંદુઓને રાંકડા જોઈ તેમના પર શિરજોર થઈ જીવતાં શીખ્યું, કાં હિંદુઓની તંગદિલી અને ઊંચનીચપણું પકડી લઈ પોતાની આસપાસ વાડાવંડી-વર્તુળ કરીને ઘરઘૂસિયા જિંદગી ગાળતાં શીખ્યું. સમાનતાની ને સાહસ-પુરુષાર્થની વૃત્તિ એનામાંથી આથમી ગઈ.

આ પ્રજાકીય રાજરોગનું નિદાન ઇતિહાસના તેમ જ પ્રજાઓના પતન-ઉત્થાનના અભ્યાસી વિચારવંતો અનેક રીતે કરતા હોય છે ને કર્યું છે. એ બધા વચ્ચે પોતાની સામુદાયિક કે પ્રજાકીય સિદ્ધિઓ બદલ માનમગરૂબી કે ગૌરવ હોય એ પણ સ્વાભાવિક છે. પણ સાથે સાથે પ્રજાના હાડમાં કંઈ વિકારવ્યાધિ જોવામાં આવ્યાં હોય તો તેની પણ નોંધ-નિદાન ને ચિકિત્સા કરવાં, એ કોઈ પણ તંદુરસ્ત પ્રજામાનસને માટે તેટલું જ જરૂરી છે. સામાન્ય માણસ કનેથી આવી સમજણની કે ઇંતેજારીની આશા ભાગ્યે રાખી શકાય. સમાજના કે પ્રજાના હિતચિંતક વિચારકો પાસેથી જ એવી સમજણ અને ચીવટ-ધગશની અપેક્ષા રાખી શકાય.

તાજેતરના કાળના ગુજરાતના એક પીઢ અને અસાધારણ સંતુલનવાળા વિચારક સ્વ. મશરુવાળાએ પોતાની પાછલી અવસ્થાએ ‘સમૂળી ક્રાંતિ’ નામે એક નાનકડો પ્રેરક ગ્રંથ લખીને આપણા આ રાજરોગનું નિદાન શોધવાનો પ્રયાસ કરેલો, જેમાં એમણે આપણી પ્રજાના હાડમાં હજારો વર્ષથી ઘર કરી બેઠેલી જન્મજાત ઊંચનીચની ભાવના અને અધિકારવાદ, આપણી સંકીર્ણતા (Exclusiveness) એ જ આપણાં તમામ પ્રજાકીય અનિષ્ટોના મૂળમાં છે એવું નિદાન કરેલું. આ જન્મજાત ઊંચનીચપણાની ભાવનામાંથી નાતજાતનાં બંધારણોની એવી વાડાવંડીઓ ઊભી થઈ કે જે ચાહે તેવા પુરુષાર્થ કરો તો પણ આ જન્મ દરમ્યાન કદિ તૂટી ન જ શકે. ( આ જન્મે સુકૃત કરો તો આવતે જન્મે એમાં સુધારો થવાની એટલે કે ચડિયાતી જાતિમાં જન્મ મળવાની આશા રાખી શકાય. માટે નીચલી હરોળના ગણાતા હિંદુએ નમ્રપણે અને શ્રદ્ધાભક્તિપૂર્વક ગોબ્રાહ્મણની સેવા કરીને આવતો ભવ સુધારવાની ઉમેદ રાખવી, એવી જ) આ ભાવના આખા સમાજમાં પેઢી દર પેઢી ચાલુ રહીને પ્રજાના હાડમાં વણાઈ ગઈ.

આમાંથી જે પ્રજાકીય અનિષ્ટ ઊભું થયું તેનો સંસારના સામાજિક ઇતિહાસમાં ભાગ્યે ક્યાં ય જોટો જડે. આમાંથી ધીમે ધીમે માણસનું ચરિત્ર કે વહેવાર ચાહે તેવાં સારાંનરસાં હોય તેમ છતાં તે બીજા કરતાં જિંદગીભરને માટે ઊંચો કે હલકો છે એમ સમજવાની મૂઢતા અને સંકીર્ણતા ઊભી થઈ. સમાજનો એક વર્ગ જ્ઞાનવિજ્ઞાન, વિદ્યાકળાચાતુર્ય, માનવીને ઉન્નત કરનારાં તમામ ક્ષેત્રોની તકોનો હંમેશને માટે હકદાર ને ઠેકેદાર થઈને બેઠો; અને બાકીના સમાજમાંથી માનવીય ગૌરવ હણાઈ જઈને તમામ આશા ઉમેદ અને પુરુષાર્થ આથમી ગયાં.

ઇતિહાસના આરંભકાળથી માંડીને પોતાની બુદ્ધિશક્તિને જોરે સામાજિક પ્રતિષ્ઠાની હાયરાર્કિઓ અને નબળા વર્ગોનું શોષણ કરનારી ધણિયામા પ્રથાઓ દુનિયાભરમાં ઓછીવત્તી ચાલતી આવી છે એ સાચું. પણ એક માત્ર જન્મના પાયા પર માનવીને દુન્યવી-અદુન્યવી પુરુષાર્થનાં કે માનવીય ગૌરવ પ્રતિષ્ઠાનાં તમામ ક્ષેત્રોમાં જિંદગીના છેડા સુધી વંચિત અને તુચ્છ, તિરસ્કૃત લેખવાનું શીખવનારી હિંદુઓની આ સિદ્ધિ અજબ છે.

સ્વ. મશરૂવાળા માનતા કે જન્મજાત ઊંચનીય અધિકારની આ ભાવના જ આખા ઇતિહાસકાળ દરમ્યાન હિંદુઓના હાડના કૅન્સર રૂપનું જ કામ કરી રહી છે. ‘સમૂળી ક્રાંતિ’માં એમણે આને જ આપણી ઘણીખરી રાજદ્વારી, કોમી, સમાજિક તેમ જ આર્થિક સમસ્યાઓના મૂળમાં ગણાવી અને તેના ઉકેલો સારુ આજે આપણી સામે બે જ વિકલ્પો છે, ત્રીજો માર્ગ છે જ નહીં એમ કહ્યું. એ વિકલ્પોની ચર્ચા કરતાં ગ્રંથના આરંભમાં જ એમણે લખ્યું :

‘કાં તો …. આપણે સમજી લેવું જોઈએ કે હિંદુ સમાજમાંથી જ્ઞાતિભાવના એ કદી ન ટળનારો સંસ્કાર અને સંસ્થા છે. જ્ઞાતિવિરહિત હિંદુ સમાજની રચના થાય એમ કદી બની શકવાનું નથી માટે દેશની રાજકીય વગેરે વ્યવસ્થાઓ એ હકીકત સ્વીકારીને જે વિચારવી જોઈએ … આ વસ્તુ આપણા રોમેરોમમાં રહેલી છે એમ સમજી એમાંથી જ માર્ગ કાઢવાનો નિશ્ચય કરો. એટલે એક નહિ પણ અનેક, એકબીજાથી સામાજિક વહેવારોમાં અસ્પષ્ટ રહેનારી નાનીનાની કોમો અને જ્ઞાતિઓને અનિવાર્ય માનો, અન બધાની આકાંક્ષાઓ સંતોષાય એ માટે અનેક જાતનાં પાકિસ્તાનો, જુદાં જુદાં મતદાર મંડળ, સંખ્યાનુસારી પ્રતિનિધિઓ વગેરે રચો.

‘આમ ન જ થઈ શકે એવું નથી. પણ એનાં પરિણામો માટે પણ તૈયાર રહેવું જોઈએ. એમાંથી બહુ બળવાન સંગઠિત દેશ ન થઈ શકે અને નાનાં નાનાં રાજ્યોમાં દેશને વિભક્ત રહેવું પડે એ સમજી લેવું જોઈએ. ઉપરાંત, તેમાંથી કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓનું ભાવિ યહૂદીઓના જેવું જ કાળાંતરે થાય. મોડી વહેલી નીચ ગણાતી જ્ઞાતિઓ ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મમાં ભળી જવામાં જ પોતાનું હિત જોશે. ઉચ્ચ જ્ઞાતિઓ રાજકીય મહત્ત્વાકાંક્ષા છોડી દઈ કેવળ બુદ્ધિબળ પર, કેટલીક વાતો કરવામાંઅને વેપાર ખેડવામાં સંતોષ માનશે તો સુખેથી પોતાના અલગ ચોકામાં અને દેવપૂજાઓમાં બીજાઓની કનડગત વિના જીવી શકાશે, જેમ ઈરાન, અરબસ્તાન વગેરેમાં આજે પણ કેટલાય હિંદુઓ રહે છે તેમ. અને તેમ નહિ કરે તો યહૂદીઓની જેમ તિરસ્કૃત સમાજ તરીકે ભટકશે. જેમ જેમ નીચેના થરો જાગૃત થતા જશે તેમ તેમ જાત્યભિમાની લોકોને પાછળ હઠવું જ પડવાનું છે.

‘અથવા ઉચ્ચ જ્ઞાતિઓને માટે બીજો માર્ગ રહેશે. બળવાન પ્રયત્ન કરી ફાસીસ્ટ સંસ્થા બનવાનું. બીજી સર્વે કોમો, જ્ઞાતિઓ, ધર્મો વગેરેને દાબી દઈ ત્રિવર્ણશાહી સ્થાપવાનું. ઊંડે ઊંડે આવી વૃત્તિ રાખનારો વર્ગ આપણામાં છે એમ હું માનું છું. રાજાઓ, બ્રાહ્મણ-પંડિતો, વેપારીઓ અને મોટા ખેડૂતો, એ ચારેનું ચાલે તો આવું જરૂર કરે.

‘જે આ વિકલ્પ સ્વીકારવા અને તેને અનુરૂપ જ હિંદુસ્તાનની રચના કરવા તૈયાર છે તેમનો માર્ગ તે રીતે સ્પષ્ટ છે. એમને એ ધ્યેય પ્રત્યે નેમ રાખી બીજા કશાનો વિચાર કર્યા વિના પ્રવૃત્તિ કરવી સૂઝી શકે એમ છે.

‘પણ જેને આ વિકલ્પ અને તેનાં પરિણામો પર પહોંચવું માન્ય ન હોય, તેમણે બીજી રીતે પણ એટલા જ નિશ્ચિત થઈ જવાની અને તેના ઉપાયોમાં સ્થિર પગલે લાગી જવાની જરૂર છે, તે આપણા લોહીમાંથી જ્ઞાતિભાવનાનો સંસ્કાર અને સમાજમાંથી જ્ઞાતિસંસ્થા નાબૂદ કરવાની; અને સમગ્ર હિંદુ જનતા પોતાને એક અને સમાન માનવજાતિ માનતી થાય અને તેવી રીતે વ્યવહાર કરતી થાય એવી ક્રાંતિ નિર્માણ કરવાની.’

આવી ક્રાંતિ લાવવા શું કરવું અનિવાર્ય છે તે વિચારી લેવું ઘટે છે.

હિંદુજાતિના ઘડવૈયા બ્રાહ્મણોને હજારો હજારો વર્ષ લગણ એક જ સંસ્કાર પ્રજાને આપ્યો કે ખુદ પરમેશ્વરે જ માનવસમાજને વરણા-વરણીવાળો સરજ્યો છે. એમાં કોઈથી મીનમેખ ન થઈ શકે. ઈશ્વરે બ્રાહ્મણોને પોતાના મુખમાંથી, ક્ષત્રિયને બાહુથી, વૈશ્યોને ઉદરથી અને શુદ્રોને પગેથી પેદા કર્યા. તમામ જ્ઞાનવિજ્ઞાન, તપતેજ, વિદ્યાકળા, શોધસંશોધન સદગુણોને ખેડવા, કેળવવાનો હક બ્રાહ્મણો એકલાનો, સમાજનું સંરક્ષણ કરવાની ફરજ ક્ષત્રિયની, પોષણ કરવની વૈશ્યની અને બાકીનાં બધાં હળવાં-નીચાં-ગંદાં હલકામાં હલકાં સુધીનાં કામો કરીને ત્રણે ઉપલા વર્ગોની સેવા કરવાની ફરજ શુદ્રોની. શુદ્રોમાં કડિયા સૂતાર, લુહાર, કુંભાર, તમામ શિલ્પી-શ્રમજીવી અને અંત્યજ લેખાતી કોમો આવી ગઈ.

આમ હિંદુ અગ્રણીઓએ નરા જન્મના પાયા પર જે રીતે માણસના જીવનધર્મ અંગે, એના હકો અને તક અંગે એની જિંદગી આખીને આવરી લેનારો ફેંસલો આપી દઈને એના જન્મભરના-કદાચ જનમોજનમ સુધીના-ભાવિ પર તાળું માર્યું. સમાજની ધારણાપોષણાને સારુ અનિવાર્ય એવાં વિવિધ કામો બજાવનારા આ શુદ્ર વર્ગોની કદર-ગૌરવ કરવાનું તો દૂર રહ્યું પણ સમાજના વિધાતા(Law Giver)–ઓએ એમને રગતપિતિયાં જેવાં અસ્પૃશ્ય ઠરાવ્યાં અને દુન્યવી અભ્યુદયના કે પરમાર્થના ક્ષેત્રમાં ત્રૈવર્ણિકોની બરોબરી તો શું પણ અનુકરણ સુધ્ધાં કરવા માટે અનફીટ ઠરાવ્યાં ! એમણે જ હિંદુને દુન્યવી પુરુષાર્થમાં ઉદાસીન, સ્વરક્ષણની શક્તિ-વિહોણો અને પરલોક ઉપર મીટ માંડીને આવતો ભવ સુધારવાના કાલ્પનિક પુરુષાર્થોમાં ગૂંથાતો કરી મૂક્યો. વળી પરલોક-પરમાર્થનાં આવાં સ્વપ્નાં સેવવાં આડે રોજિંદા વહેવાર-વર્તનમાં સદાચાર (Rectitude) જાળવવાની ચીવટ કે આગ્રહ એના અગ્રણીઓમાં રહ્યાં નહિ અને હિંદુ પામર બની બીજી જાતિઓના નિંદાઉપહાસનું ટારગેટ થઈ પડ્યો. બલ્કે એથીયે કરુણ બીના તો એ કે ભદ્ર વર્ગનો હિંદુ જન્મજાત ઊંચપણાના હીન કાલ્પનિક માનસમાં પેઢી દર પેઢી ઘૂંટાઈ ઘૂટાઈને એવો તો રીઢો બની ગયો કે એને એની આજની દીન દશાની સમજ રહી નહિ અને આજે પણ એ મોટેભાગે પોતાની કાલ્પનિક શ્રેષ્ઠતા-ઊંચાઈનાં ચિત્રો દોરી મનનાં ખાજાં ખાવામાં અને પોતાના ભૂતકાળના વડવાઓની સિદ્ધિઓના વારસા અને વૈભવનાં ગીત ગાવામાં જે ગુલસાન રહેતો જોવા મળે છે. કોઈ એક જૂના વિદેશી લેખકની ચોપડીમાં એક વાર ક્યાંક વાંચ્યાનું મને યાદ છે કે વાઈસરોયની ડોઢીએ બેઠેલ દરવાન પૂરબિયો વાઈસરોયના ગોરા કારકૂન કે બેરાબટલરની ‘જી હુજૂર’ કહીને તહેવાન ભરવામાં નામ નહિ માને, છતાં મનથી એવા એ ‘ગોમાંસભક્ષક’ મ્લેચ્છયવનની નફરત સેવવામાં અને એના હાથનું અડેલું પાણી પીવાની આભડછેટ માનવામાં એને કશો આંચકો વિસંગતિ કે નીચાજોણું નહિ લાગે !

આ Contradiction કે દંભ હિંદુની નસનસમાં એવો તો વ્યાપ્યો છે કે તેને કારણે એ આજે આખી દુનિયાની નિંદા-નફરત અને ઉપહાસનું પાત્ર બન્યો છે. સાવ સાંકડી બનીને મૂઠીમાં આવી ગયેલી આજની દુનિયાના તખ્તા ઉપર રોજેરોજના વહેવારોમાં એના એ દંભે આજે ડગલે ને પગલે એને વામણો ને અળખામણો બનાવી મૂક્યો છે. ઘર આંગણે પણ આજના લોકશાહી તંત્ર હેઠળ રાજદ્વારી તરીકે, શિક્ષક, નોકરિયાત કે નાગરિક તરીકે હિંદુ કેવો Wily, સ્વાર્થપટુ અને ઘૃણાપાત્ર તરીકે ઓળખાય છે એનું એને ભાગ્યે જે ભાન છે. અને ક્વચિત ક્યારેક એવું ભાન એને થાય છે તો પણ એના વારસાગત શિક્ષણસંસ્કાર એને ખાસો રીઢો રાખે છે. જાડી ચામડી જાળવવી એ દુનિયાના વહેવારમાં જરૂરી ચતુરાઈનું લક્ષણ છે એવી શેખી પણ એ મારે છે ને બીજાઓની નજરમાં વધુ હાંસીપાત્ર બને છે.

આને જ સ્વ. મશરુવાળા હિંદુની સંકીર્ણતા (Exclusiveness) કહેતા. હું એને હિંદુના હાડનું કેન્સર કહું છું.

હિંદુજાતિના આ હાડરોગનું બીજું પણ એક કુલક્ષણ આપણા વિચારવંતોની ગંભીર વિચારણા માગી લે છે. હિંદુ પુનર્જન્મ અને ભવોભવના વારસાગત સંસ્કારોમાં માનનારો હોઈ વર્તમાન જિંદગીને મોટેભાગે પાછલા જન્મોમાં સારાંમાઠાં કર્મોના સમુચ્ચય કે બંડલ રૂપે ગણે છે. આ પાર્શ્વભૂમિકાને નજર સામે રાખીને આપણી પ્રજાનો ઇતિહાસ તપાસીએ તો એમાં એક એવી અજાયબે જડશે કે જેનો ખુલાસો નથી મળતો. એ અજાયબી એ કે કોઈપણ કારણસર એક વાર હિંદુજાતિમાંથી વટલાઈને પરધર્મમાં દાખલ થયેલો હિંદુ ત્યાર પછીના એના આખા જીવન અને કારકિર્દી દરમ્યાન હિંદુજાતિ, હિંદુધર્મ, હિંદુ સમાજ-સંસ્કૃિત-જીવનદર્શન, વિધિ, સંસ્કાર, રીતરસમ તમામનો હાડોહાડ વેરી બનીને જ પોતાનું આયુષ્ય પૂરું કરે છે. વટલાઈને પરધર્મમાં ગયા પછી હિંદુના નામે ઓળખાતી કોઈપણ ભાવના, વિચારણા કે વ્યક્તિ-વિભૂતિ માટે, હિંદુ લેબનવાળા કક્ષાને માટે પણ, રજમાત્ર આદર કદર કે સહાનુભૂતિ એનામાં રહેતા નથી અને કેમ જાણે હિંદુજાતિ અને સમાજ સામે ભવોભવનાં વેરની વસૂલાત કરવા સારુ જ પોતાનું બાકીનું આયુષ્ય ગીરો મૂક્યું હોય એ રીતે જ એ બાકીનું આયુષ્ય ગાળતો જોવામાં આવે છે. એના વંશપરંપરાના સંસ્કાર એક જ ફટકે ક્યાં વરાળ થઈ ઊડી જાય છે એનો ખુલાસો મળતો નથી.

વળી આવો વટલેલો માણસ હિંદુ સમાજ બંધારણ જેટલા ઊંચા થરમાંથી ઠેકીને પરધર્મમાં ગયો હોય તેટલો જ પછીની જિંદગીમાં તે હિંદુઓનો વધુ કટ્ટો ને વધુ ઝનૂની હાડવેરી થઈને ઊભો રહેતો માલમ પડશે.

આ Phenomenon લગભગ નિરપવાદ માલમ પડશે.

ટૂંકમાં, હિંદુના હાડરોગનું નિદાન કરવામાં આ સર્વસામાન્ય ઐતિહાસિક બીના પણ આપણા વિચારવંતોને હાથે ગંભીર વિચારણા માગી લે છે. એ કરવા સારુ હું આપણા અગ્રણી વિચારકોને નોતરું છું.

તા. 25-9-1964                                                                       

સાભાર ‘સમાજચિંતન અને બીજા લેખો’

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 નવેમ્બર 2015; વર્ષ : 63, અંક : 05; પાન 03-05

Loading

27 November 2015 સ્વામી આનંદ
← નેવુંમે વર્ષે
A SECULARIST RESPONDS TO MINISTER RAJNATH SINGH …. →

Search by

Opinion

  • ‘સાવન ભાદો’ની કાળી અને જાડી રેખાનું નમકીન આજે 70 વર્ષે પણ અકબંધ 
  • હંસને કી ચાહને કિતના મુઝે રુલાયા હૈ
  • પણે કેવળ પ્રાસંગિક થઈને રહી ગયા છીએ ….
  • બિઈંગ નોર્મલ ઈઝ બોરિંગ : મેરેલિન મનરો
  • અર્થ-અનર્થ – આંકડાની માયાજાળમાં ઢાંકપિછોડા

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • સરદારનો ગાંધી આદર્શ 
  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!
  • ગાંધીજી જીવતા હોત તો

Poetry

  • વરસાદમાં દરવાજો પલળ્યો
  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved