રીટા કોઠારીનો પરિચય ગુજરાતી સાહિત્યપ્રેમીઓને આપવાની જરૂર નથી. તેઓ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરી શકનારા, આંગળીને વેઢે ગણી શકાય એવા જૂજ અનુવાદકોમાંના એક છે. તેમણે જોસેફ મેકવાનની ‘આંગળિયાત’, મુનશીની ‘પાટણની પ્રભુતા’, ઈલા આરબ મહેતાની ‘વાડ’ જેવી ઘણી
કૃતિઓના અંગ્રેજી અનુવાદ કર્યા છે. પણ આ પરિચય એક અધૂરો પરિચય છે.
ગુજરાતી સાહિત્યમાં ભલે એ અનુવાદક તરીકે ઓળખાય, પણ તેમનું કામ ભાષાશાસ્ત્ર, અનુવાદશાસ્ત્ર, માનવશાસ્ત્ર જેવા વિષયોમાં પણ એટલું જ મહત્ત્વનું લેખાય છે. તેમણે કચ્છમાં રહેતા સિંધી સમુદાયની, ભારત વિભાજન બાદ થયેલ વિસ્થાપન દ્વારા અનુભવાયેલી પીડા આલેખી છે, તો ભારતના અનેક ભક્તકવિઓ પર કામ ય કર્યું છે. અંગ્રેજી અને પ્રાદેશિક ભાષાઓ વચ્ચેના રાજકારણની વાત કરી છે, તો ભાષામાં વણાઈ ગયેલા અને રહેલા જાતિવાદી અને પિતૃસત્તાક તત્ત્વોની પણ ચર્ચા કરી છે. પોતે ગુજરાતી, સિંધી, અંગ્રેજી, હિન્દી, અને મરાઠી ભાષા જાણે છે. અનુવાદશાસ્ત્રના તો એ international authority ગણાય છે. તેમના લેખો/પુસ્તકો દેશ-વિદેશની કોલેજોમાં ભણાવાય છે. નહિ નહિ તો ત્રીસેક વર્ષથી એ અધ્યાપક તરીકે સક્રિય છે, દેશ-વિદેશની ઘણી યુનિવર્સિટીઝમાં તેમણે ભણાવ્યું છે. એક સ્કોલર, અનુવાદક અને શિક્ષક તરીકેની ત્રીસેક વર્ષની ઝગમગતી કારકિર્દી બાદ તેમણે એક પુસ્તક લખ્યું છે : “Uneasy translations : Self, experience and Indian literature”. તાજેતરમાં જ એ પ્રકાશિત થયું છે, અને મેં હમણાં જ પૂરું કર્યું. આજે એ પુસ્તકની થોડી વાત કરવી છે.
“Uneasy”નો શબ્દકોશમાં અર્થ જોઈએ તો અર્થ થાય છે અ-સરળ. આ પુસ્તક અસરળ, કહો કે અઘરા અનુવાદો વિશે છે. આ શબ્દનો એક બીજો અર્થ પણ થાય છે : અસ્વસ્થ. અસ્વસ્થ અનુવાદો. પુસ્તકના શીર્ષકમાં આ બંને અર્થ અભિપ્રેત છે, કારણ કે રીટા કોઠારી જે અનુવાદોની વાત કરે છે એ ખાલી પુસ્તકોના અનુવાદોની નથી, પણ સ્વાનુભવને ભાષામાં જ્યારે વ્યક્ત કરીએ ત્યારે એ અનુભવના થતા અનુવાદની પણ વાત છે. શિક્ષણ, સંશોધન, અનુવાદ—આ ત્રિવિધ ધરી પર ફરતાં રીટા કોઠારીનાં ત્રીસ વર્ષના અનુભવોનો નીચોડ આ પુસ્તકમાં છે.
કોઈ પણ પુસ્તક એ કેવા સવાલો પૂછે છે એના થકી જ મહાન હોય છે. આ પુસ્તકમાં એવા અનેક સંકુલ, દાર્શનિક સવાલો પૂછાયા છે, ચર્ચાયા છે. દા.ત. ભાષામાં વ્યક્ત થવું એટલે શું? સૌ પહેલા આપણે કશુંક અનુભવીએ છીએ અને પછી એને ભાષા થકી સમજીએ છીએ, કે પછી ભાષા જ આપણા અનુભવને ઘડે છે? ધારો કે કોઈ ભાષાની linguistic range સીમિત છે અને કોઈ એક અનુભવને વ્યક્ત કરી શકવાની એ ભાષાની ક્ષમતા નથી, તો એ અનુભવનું શું કરવાનું? એને શું નામ આપવાનું? અને ખાસ તો, મૂળ ભાષામાં જ કોઈ અનુભવ સરખી રીતે વ્યક્ત ન થઈ શક્યો હોય ત્યારે એનો અનુવાદ કેમનો કરવો?
અનુભવ અને એ અનુભવને ભાષામાં વ્યક્ત કરવા જઈએ ત્યારે જે ચુકી જવાય છે ત્યાં કવિતા વાસ કરે છે. એ ચુકી જવાતી જગ્યા જ આ પુસ્તકનું મુખ્ય થીમ છે. એ ખાલી જગ્યાને કોઠારીએ અલગ અલગ દૃષ્ટિકોણથી માપી જોઈ છે. અનુભવને અને ભાષાને ચગડોળે ચડાવ્યા છે, હિન્દી, મરાઠી, ગુજરાતી, સિંધી અને અંગ્રેજી ભાષાઓમાંથી કૃતિઓ લઈને આ સવાલો સાહિત્યકૃતિઓ થકી ચકાસ્યા છે. ક્રાંતિકારી દલિત સાહિત્યકાર નીરવ પટેલની વાર્તા ‘ક્રિમી લેયર’નું વિશ્લેષણ વાર્તાના અનેક લેયર્સ ઉઘાડી આપે છે. વાત ખાલી દલિત અને સવર્ણ અનુભવ વચ્ચેના તફાવતની નથી, પણ ઉચ્ચ શિક્ષણ પામેલ અને શહેરમાં વસનાર દલિત વ્યક્તિ અને અશિક્ષિત, ગામડાંમાં રહેનાર દલિત વ્યક્તિ વચ્ચેના તફાવતની છે. અનુભવના તફાવતને વ્યક્ત કરવા ભાષા કેવી ટૂંકી પડે છે એ કોઠારી નીરવ પટેલની વાર્તા થકી દર્શાવે છે.
તો રમેશ પારેખની અત્યંત જાણીતી ગઝલ “આમ અછતા ન થયા, આમ ઉઘાડા ન થયા”ના વિશ્લેષણથી ગુજરાતી અને અંગ્રેજી ભાષાની અલગ તાસીર આ ગઝલનો અનુવાદ કરતી વખતે કેવા સીધા ચઢાણ ચડાવે છે એની વાત કરી છે. રમેશ પારેખની આ ગઝલના દાર્શનિક, સામાજિક અને ભાષાકીય કાકુઓ કોઠારીએ એવા તો ઉઘાડી આપ્યા છે કે જે કોઈ પણ એમનું વિશ્લેષણ વાંચશે એને ર.પા.ની આ ગઝલ નવેસરથી જ જોવી પડશે. આવું આવું તો ઘણું છે પુસ્તકમાં. ભાષાપ્રેમીઓએ, સાહિત્યપ્રેમીઓએ, અનુવાદપ્રેમીઓએ આ જરૂર વાંચવું જોઈએ.
સૌજન્ય : અભિમન્યુ આચાર્યની ફેઇસબૂલ દીવાલેથી સાદર