અનુવાદ વિશેની અમુક પ્રચલિત માન્યતાઓ હવે જૂની થઈ છે : અનુવાદિત કૃતિ (translated text) મૂળ કૃતિ(source text)ને ‘વફાદારીપૂર્વક’ વળગી રહે છે કે કેમ એ બિલોરીકાચ લઈને નજર રાખતા લોકોનો ઉદ્યમ કંટાળો ઉપજાવે છે. અનુવાદિત કૃતિએ શું ગુમાવ્યું છે એ વાત બહુ ચાલી, અનુવાદિત કૃતિ શું મેળવી આપે છે એની વાત હવે થવી જોઈએ. મુખ્ય પ્રશ્ન છે મૂળ કૃતિ અને અનુવાદિત કૃતિ વચ્ચે એક પ્રકારનો અધિક્રમિક (hierarchical) સંબંધ ઊભો કરવાનો—મૂળ કૃતિ ઊંચી ને અનુવાદિત કૃતિ નીચી, મૂળનો લેખક ક્રિયેટીવ અને અનુવાદક માત્ર લહિયો. આ માન્યતાઓથી દૂર થઈશું તો અનુવાદ વિશે થોડી સંકુલતાથી વિચારવાનું શરૂ કરી શકાશે.
ગીતાંજલી શ્રી લિખિત, બુકર પ્રાઈઝ વિજેતા કૃતિ ‘રેત સમાધિ’ના બંને વર્ઝન્સ હમણાં એકસાથે વાંચી રહ્યો છું – મૂળ હિન્દી, તેમ જ ડેઈઝી રોકવેલ દ્વારા થયેલો અંગ્રેજી અનુવાદ ‘Tomb of Sand’. અને બંને સાથે રાખીને જોતા અનુવાદની પ્રક્રિયા થોડીઘણી સમજાય છે. એવું સમજાય છે કે મૂળ કૃતિ અને અનુવાદિત કૃતિ વચ્ચેનો સંબંધ માલિક-સેવકનો નહિ, પણ પ્રેમમાં રહેલા એક યુગલ જેવો છે. પશ્ચિમમાં એક નૃત્ય પ્રકાર છે – Waltz. જેમાં યુગલ એકસાથે નાચે છે, એક વ્યક્તિ ડગલું આગળ લે, તો બીજી વ્યક્તિ પાછળ લે. શરીરો તાલબદ્ધ રીતે એકબીજાને સપોર્ટ કરતા રહે, અને વળી પોતપોતાની મસ્તીમાં ય લહેરાતા રહે. એ નૃત્યમાં એક રમતિયાળપણું રહેલું છે. ‘રેત સમાધિ’ અને તેનો અંગ્રેજી અનુવાદ પણ જાણે એક Waltz છે. મૂળ નવલકથા વિશે અનુવાદક ડેઈઝી રોકવેલ કહે છે કે ‘રેત સમાધિ’ એવી રમતિયાળ નવલકથા છે, જ્યાં અલગ અલગ કથાઓના તાર કોઈએ ગૂંથી આપ્યા હોય. એનું માળખું ય નવીન છે, પણ મુખ્ય રમત છે તેની ભાષામાં. આખાને આખા પ્રકરણ જાણે શબ્દરમત હોય એવું લાગે, શબ્દો એકબીજાને ચીપકતા, અથડાતા, પડઘાતા લાગે. એ ચીપકવું, અથડાવું, પડઘાવું જ નવા દરવાજા ખોલી આપે, નવા અર્થો પ્રગટાવી આપે, નવા સંવેદનો ધ્વનિત કરે. ડેઈઝી રોકવેલ માટે આ શબ્દધ્વનિ જ નવલકથાનો મુખ્ય આત્મા છે, અને અનુવાદમાં એ ધ્વનિ પ્રગટાવવો એ જ તેમનો મુખ્ય હેતુ પણ છે. શબ્દનો અનુવાદ થઈ શકે, પણ ધ્વનિનો અનુવાદ કેમ કરવો? માત્ર શબ્દધ્વનિનો નહિ, પણ ધ્વનિત થતા અર્થનો પણ. અનુવાદક માટે આ એક ચેલેન્જ છે, અને એટલે જ કદાચ અનુવાદકને મજા પણ પડતી હોય છે.
‘રેત-સમાધિ’ના અનુવાદક આ ધ્વનિને અંગ્રેજીમાં ઉતારવા માટે કઈ કઈ ટેકનીક વાપરે છે? શબ્દધ્વનિ અને અર્થ વચ્ચેની ખેંચ-તાણમાં કોને પ્રાધાન્ય આપે છે? ધ્યાનથી, ઊંડાણપૂર્વક સમજી શકાય એટલા માટે મેં એક નાનકડો અંશ પસંદ કર્યો છે, મૂળ હિન્દીમાં પૃષ્ઠ ૨૩૨-૨૩૩ (રાજકમલ પ્રકાશન, છઠ્ઠી આવૃત્તિ, ૨૦૨૨) અને અંગ્રેજીમાં પૃષ્ઠ ૪૭૧-૪૭૩ (પેંગ્વિન બુક્સ, ૨૦૨૨).
ડેઈઝી રોકવેલ મુખ્યત્વે ત્રણ ટેકનીક્સનો ઉપયોગ કરે છે : ૧) સરવાળો ૨) બાદબાકી ૩) બદલાવ.
‘સરવાળો’ એને કહીશું જ્યારે મૂળ કૃતિના ધ્વનિને ખોલવા માટે અનુવાદક અનુવાદમાં નવા શબ્દો જોડે. જેમ કે, હિન્દીમાં “ચીટી નિકલ ગયી, સીમાપાર, ખૈબર પાસ પાસ કરકે, એક ઔર જગ મેં. પાસ સે પાસ”- આ પંક્તિનો અનુવાદ રોકવેલ આ રીતે કરે છે – “The ant crosses over to the other side […] passes the Khyber pass […] Past the pass. Close to the Close.” અનુવાદમાં ‘Close to the close’ વાક્યનું ઉમેરણ તે અનુવાદકનું ઉમેરણ છે. મુખ્ય કૃતિમાં એ નથી. અને છતાં, એ અહીં ખૂંચતું નથી કારણ કે આખો ફકરો શબ્દોના પુનરાવર્તન (repetition) પર નભે છે. એકનો એક શબ્દ ફરી-ફરી સામે આવે છે અને નવા અર્થો ખોલે છે. ત્યારે ‘close to the close’ પણ એ ચાલી રહેલી પેટર્નમાં ઉમેરણ કરે છે. વળી, માત્ર પુનરાવર્તિત શબ્દોનો ધ્વનિ ન બની રહેતા એ આખી કથામાં વ્યંજિત થતા અર્થમાં પણ ઉમેરણ કરે છે. અંગ્રેજીમાં ‘Close’ શબ્દના ત્રણ જાણીતા અર્થો છે—એક છે ‘બંધ’, બીજો છે ‘અંત’ અને ત્રીજો છે ‘નિકટ’. અહીં, અંગ્રેજીમાં ઉમેરેલું વાક્ય આ ત્રણે અર્થોની ત્રુગલબંધી (!!) થકી મુખ્ય કથાનકને આગળ ધપાવે છે, અને નાયિકા કેવી રીતે પોતાની મંઝીલની નજીક છે એ પણ દર્શાવે છે. આમ, સરવાળા થકી અનુવાદ મુખ્ય કૃતિમાં વૃદ્ધિ કરે છે.
બાદબાકીના દાખલા પણ અહીં હાજર છે. જે મુખ્ય કૃતિમાં હોય પણ અનુવાદમાં સદંતર ગેરહાજર હોય એ પ્રક્રિયાને ‘બાદબાકી’ કહીશું. મૂળ હિન્દીમાં એક વાક્ય છે – “તભી અંધે કી આંખ દૂર દેખતી રહ જાતી હૈ”. પણ આ વાક્ય અંગ્રેજી અનુવાદમાં ગેરહાજર છે. કેમ? એક દેખીતું કારણ છે વિરોધાભાસ. આંધળાની આંખો દૂર સુધી જોઈ શકે એ વિરોધાભાસ ટાળવા કદાચ અનુવાદકે એ વાક્ય ન રાખ્યું હોય. પણ રોકવેલ એટલા સરળ નથી. નવલકથામાં ઠેકઠેકાણે વિરોધાભાસી વાક્યો આવે છે પણ રોકવેલ દરેક વખતે એવું નથી કરતા. અહીં કરે છે એનું કારણ છે પુનરાવર્તન ટાળવા. આ પહેલા આપેલા દાખલામાં શબ્દોના પુનરાવર્તનમાં ઉમેરણ થકી નવા અર્થો ખોલવાની મથામણ હતી, પણ અહીં અર્થનું પુનરાવર્તન ટાળવાની મથામણ છે. આ વાક્યથી હિન્દીમાં નવા ફકરાની શરૂઆત થાય છે. આગળના ફકરાની અંતિમ પંક્તિ, અને આ વાક્ય પછીની પંક્તિ જોઈશું તો સમજાશે કે એ બંને પંક્તિઓ કશુંક છુપાવવા વિશે છે, અને એ છુપાયેલું ક્યાં હશે એના વિશે છે. ટૂંકમાં, એક જ મૂડ ને આ પંક્તિઓ ઘૂંટે છે. એવામાં આ બંને પંક્તિ વચ્ચે “અંધે કી આંખ દૂર દેખતી રહ જાતી હૈ” વાક્ય મૂકવામાં આવ્યું છે, જે આ મૂડને તોડે છે. આનાથી એવું સમજાય છે કે મૂડનું સાતત્ય જાળવવા રોકવેલ બાદબાકીનો સહારો લે છે.
ત્રીજી ટેકનીક છે બદલાવની. આમાં અનુવાદક મૂળ કૃતિનો અનુવાદ તો કરે છે, પણ એનો અર્થ બદલી નાખે છે. કહો કે વિસ્તારે છે. દાખલા તરીકે હિન્દીમાં વાક્ય છે – “બાતે ઉલજ કર આતી હૈ જૈસે સંવાદ”. આનો અનુવાદ અંગ્રેજીમાં આ રીતે થયેલો છે – “Lines get crossed like conversations”. અહીં ‘બાતે’નું સાદું અંગ્રેજી ‘Talk’ અથવા ‘dialogue’ કરી શકાયું હોત. પણ રોકવેલ ‘lines’ પસંદ કરે છે, ત્યારે અર્થ એ છે કે કોઈ એક્ટર જાણે પોતાની લાઈન બોલતો હોય. એ રીતે અનુવાદ મૂળની નજીક જ છે કારણ કે બોલાયેલા શબ્દની જ વાત થઈ રહી છે, પણ છતાં ‘lines’નો ગર્ભિત અર્થ અહીં મૂળ કૃતિના અર્થને વિસ્તારે છે. ‘Lines’નો અર્થ સીમા કે રેખા પણ છે, અને આખી નવલકથા સીમાઓ ઓળંગવાની વાત કરે છે. વળી, ‘crossed’ શબ્દનો ઉપયોગ પણ અર્થ-વિસ્તારમાં મદદ કરે છે. ‘crossed’ના બંને અર્થો છે – ગૂંચવાઈ જવું (જે હિન્દીના મૂળ ‘ઉલજના’ શબ્દનો અનુવાદ છે) અને ઓળંગવું. ૧૯૪૭ના ભાગલાને મુખ્ય ઘટના બનાવી નવલકથા અલગ અલગ પ્રકારના સીમાડાઓ ઓળંગે છે; તેના વસ્તુ અને સ્વરૂપ બંનેમાં સીમાઓ ઓળંગવાની વાત ફલિત થાય છે. એટલે જ ‘lines get crossed’ ખૂબ જ સમજી વિચારીને થયેલો અનુવાદ છે. આમ, મુખ્ય કૃતિની નજીક રહીને પણ સીધો શબ્દાનુવાદ ન કરતા રોકવેલ અહીં અર્થમાં ઊંડે ઉતરે છે.
આ ત્રણે દાખલાથી દેખીતું છે કે અનુવાદ ખૂબ જ અઘરી પ્રક્રિયા છે, અને લગભગ દરેક વાક્ય અનુવાદક સામે નવા રસ્તા ખોલતું હોય છે. અનેક ખુલ્લા રસ્તાઓમાંથી અનુવાદક કયો રસ્તો પસંદ કરે છે એ અનુવાદકની આવડત, કળા, વિચારધારા અને વૈયક્તિક પસંદગી – આ બધાનો મામલો છે. અનુવાદને સર્જનથી ઉતરતું ન ગણીએ તો આ પ્રકારની ઊંડાણપૂર્વકની પ્રક્રિયામાં જવાનું પણ આપણા માટે સરળ બને. એનાથી આપણી સાહિત્યિક આબોહવાને ફાયદો થશે જ એમાં કોઈ શંકા નથી.
સૌજન્ય : અભિમન્યુભાઈ આચાર્યની ફેઇસબૂક દીવાલેથી સાદર