હિન્દુ ધર્મ સવર્ણોનો છે. હિન્દુ ધર્મ આધારિત કહેવાતી રાષ્ટ્રીયતા પણ હિન્દુ સવર્ણોની છે ત્યારે એ રાષ્ટ્રીયતા દરેકે સ્વીકારવી જોઈએ એવો આગ્રહ ટકે ખરો? હિન્દુત્વવાદીઓ આગ્રહ રાખે છે કે ભારતના વિધર્મીઓએ પોતાને હિન્દુ તરીકે ઓળખાવવા જોઈએ; જેમ કે મુસ્લિમ હિન્દુ, ખ્રિસ્તી હિન્દુ, યહૂદી હિન્દુ, સિખ હિન્દુ, જૈન હિન્દુ વગેરે. દલિતો અને આદિવાસીઓને હિન્દુ ગર્ભગૃહમાં સ્થાન નહીં આપનારાઓ કયા મોઢે વિધર્મીઓ પાસેથી આવો આગ્રહ રાખે છે?
તમે જો ઘેલા દેશપ્રેમી કે ઝનૂની રાષ્ટ્રવાદી હો તો આ લેખ તમારા માટે નથી, કારણ કે તમારા માટે દેશની વાસ્તવિકતા જ્યાં હોવી જોઈએ ત્યાં નહીં પણ તમારા મનમાં તમારી કલ્પનાની દુનિયામાં છે. આ લેખ એવા લોકો માટે છે જે પોતાની બુદ્ધિથી વિચારવા જેટલી સ્વતંત્રતા અને વિવેકબુદ્ધિ ધરાવે છે.
સવાલ એ છે કે કાશ્મીરમાં જે ઘટના બની અને બનતી રહે છે એમાંથી શું ધડો લેવો જોઈએ? કાશ્મીરમાં અને ભારતના ઈશાન પ્રદેશોમાં અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે અને એમાં આશ્ચર્ય પામવા માટે કોઈ કારણ નથી. દેખીતી વાત છે કે જેમ દૂધમાં સાકર ભળે એમ આ પ્રદેશની પ્રજા બાકીના ભારત સાથે સાંસ્કૃિતક અને સામાજિક રીતે હજુ ભળી નથી. સાચી રાષ્ટ્રીય એકતા તો ત્યારે અનુભવાય જ્યારે સાંસ્કૃિતક અને સામાજિક એકતા સ્થાપિત થઈ હોય. આ લાંબી પ્રક્રિયા છે, ખૂબ લાંબી પ્રક્રિયા છે, ધીરજની કસોટી કરે એટલી લાંબી પ્રક્રિયા છે. દેશના એક નિસ્બત ધરાવતા નાગરિક તરીકે આપણી એ પ્રક્રિયામાં ભાગીદારી કેટલી એ સવાલ પણ આપણે આપણી જાતને પૂછવો જોઈએ. આપણી ભાગીદારી ઉપકારક કરતાં અપકારક તો નથીને એવો સવાલ પણ આપણે આપણી જાતને પૂછવો જોઈએ.
ઉતાવળા અને આગ્રહી માણસો ક્યાં નથી હોતા! જેમ આપણા ઘરમાં આવા માણસો હોય છે એમ સમાજમાં પણ હોય છે. કાશ્મીરમાં અને ઈશાન ભારતમાં કેટલાક આગ્રહી માણસો એમ માને છે કે જો બૃહદ્દ ભારતીય સંસ્કૃિતને અપનાવીશું તો આપણી વેગળી અસ્મિતા આપણે ગુમાવી દેશું. તેમની અસ્મિતા તળ ભારત કરતાં ખાસ્સી વેગળી છે એનો તો અસ્વીકાર થઈ શકે એમ નથી. જો એમ ન હોત તો આપણો સાંસ્કૃિતક વહેવાર એ પ્રદેશ સાથે હોત જેમ આપણો, કાશી, ગયા, પુરી, રામેશ્વર, દ્વારકા, ઉજ્જૈન કે બદ્રીકેદાર સાથે છે. જો એમ ન હોત તો આપણું કોઈ સગુંવહાલું શ્રીનગર, ગુવાહાટી કે ત્રિપુરામાં વસતું હોત જે રીતે દિલ્હી, ચેન્નઈ, કલકત્તા, હૈદરાબાદ કે બૅન્ગલોરમાં વસે છે. જો એમ ન હોત તો આપણે એ લોકોના ભોજનને અપનાવ્યું હોત જે રીતે પંજાબી, મારવાડી, સાઉથ ઇન્ડિયન કે બંગાળી મીઠાઈ જેવી વાનગી આપણે અપનાવી લીધી છે. જો એમ ન હોત તો ભારતીય સ્ત્રીઓએ ઈશાન ભારતની મેખલા સાડી અપનાવી લીધી હોત જે રીતે પંજાબી, બંગાળી કે ગુજરાતી પોશાકની શૈલી અપનાવી છે. સાંસ્કૃિતક અંતર બતાવનારાં આવાં બીજાં અનેક ઉદાહરણ આપી શકાય.
ભૌગોલિક પરિબળો એવાં હતાં જેના કારણે ત્યાંની પ્રજા બાકીના ભારતથી દૂર રહી અને દૂર રહી એટલે તેમની સંસ્કૃિત આપણા કરતાં જરા જુદી રીતે વિકસી. ત્યાં વસતા કેટલાક લોકો એવો આગ્રહ રાખે છે કે આપણે આપણી વેગળી સાંસ્કૃિતક ઓળખ જાળવી રાખવી જોઈએ. જો મરાઠીઓ, બ્રાહ્મણો, જૈનો, પારસીઓ અને નવબૌદ્ધ મહારો સુધ્ધાં વેગળાપણું જાળવી રાખવાનો આગ્રહ ધરાવતા હોય અને કવચિત તોફાને ચડતા હોય તો કાશ્મીરીઓ અને ઈશાન ભારતના આદિવાસીઓ આવો આગ્રહ રાખે તો તેઓ કયો નવો ગુનો કરી રહ્યા છે? આપણે તો તળ ભારતમાં વસીએ છીએ અને ભારતીય સાંસ્કૃિતક ગર્ભગૃહનો હિસ્સો છીએ. બીજી બાજુ કાશ્મીરીઓ અને ઈશાન ભારતના આદિવાસીઓ તો ભારતીય સાંસ્કૃિતક મંદિરથી ખૂબ દૂર વસે છે. તેમને તો માત્ર ભારતીય સાંસ્કૃિતક મંદિરની ધજા અથવા તો વધુમાં વધુ કળશ નજરે પડે છે. સાંસ્કૃિતક ગર્ભગૃહ તો હજુ બહુ દૂર છે.
દરમ્યાન છેલ્લાં દોઢસો વરસ દરમ્યાન બે ઘટના બની. એક તો ટ્રાન્સપોર્ટનાં સાધનો વિકસવાના કારણે ભૌગોલિક અંતર વ્યવહારમાં ઘટી ગયું. બીજી ઘટના એવી બની કે માનવીએ પરંપરાગત રાજ્યને સીમાબદ્ધ સાંસ્કૃિતક રાષ્ટ્રમાં ફેરવી નાખ્યું. પહેલાં અશોક અફઘાનિસ્તાન પર રાજ કરતો હતો, પરંતુ તામિલનાડુ પર નહોતો કરતો. જેની જેટલી જીતવાની તાકાત. જો પૂર્વનો પ્રદેશ જીતી શકાતો હોય તો એને જીતીને રાજ્યમાં ભેળવી દેવાનો, પછી ભલે એ પ્રદેશની સંસ્કૃિત આપણાથી ભિન્ન હોય. બીજી બાજુ દક્ષિણનો પ્રદેશ સાંસ્કૃિતક રીતે આપણો જ હોય પણ જીતી શકાય એમ ન હોય તો ભલે એ રાજ્યની બહાર રહે. હજારો વરસથી રાજ્યો આ રીતે રચાતાં હતાં અને બદલાતાં હતાં. અશોકથી લઈને ઔરંગઝેબ સુધીના શાસકોના નકશાઓ જુદા-જુદા છે.
હવે રાજ્યની રચના રાષ્ટ્રીયતાના આધારે થાય છે અને રાષ્ટ્રીયતા મુખ્યત્વે સાંસ્કૃિતક હોય છે.
ભારત ત્યાં સુધી હોવું જોઈએ જ્યાં સુધી ભારતીયતા પહોંચે છે. મારું રાજ્ય ત્યાં સુધી હોવું જોઈએ જ્યાં સુધી મારા સૈનિકે મારી આણ વિસ્તારી છે એ રાજ્યની જૂની વ્યાખ્યા બહુ સહેલી હતી. લશ્કરી તાકાત નિર્ણાયક હતી. હવે રાષ્ટ્રજન્ય રાજ્યની વ્યાખ્યા એવી છે કે મારો દેશ ત્યાં સુધી હોવો જોઈએ જ્યાં સુધી મારી સંસ્કૃિત પહોંચે છે અને મારી સંસ્કૃિત એ જ રાષ્ટ્રીય સંસ્કૃિત છે. આ બહુ જ અટપટી, સંદિગ્ધ અને આગ્રહી વ્યાખ્યા છે. બીજું, જીતે એનું રાજ્ય એ જૂની રાજ્યકલ્પના હજારો વરસ જૂની છે અને અત્યાર સુધી ટકાઉ હતી, જ્યારે રાષ્ટ્રીયતા પહોંચે ત્યાં સુધી રાજ્યની આધુનિક રાષ્ટ્રવાદી રાજ્યરચના માંડ અઢીસો વરસ જૂની છે.
સવાલ છે કઈ રાષ્ટ્રીયતા? કોની રાષ્ટ્રીયતા? એ રાષ્ટ્રીયતા બની શેમાંથી? રાષ્ટ્રીયતા વિકસાવનારાં સાધનો કયાં-કયાં અને કોનાં? ધર્મ, ભાષા, પહેરવેશ, પરંપરા, રીતિરિવાજ, ભોજન, ઇતિહાસમાં થયેલા મહાપુરુષો-સંતો, એકંદરે ઇતિહાસ વગેરે રાષ્ટ્રીયતા વિકસાવનારાં સાધનો છે; પરંતુ એ સાધનો છે કોનાં? નિશ્ચિતપણે એ દેશના મધ્ય ભાગમાં (મેઇનલૅન્ડ ઇન્ડિયા) વસતી બહુમતી કોમના છે, પરંતુ જેઓ મધ્ય ભાગમાં વસતા હોવા છતાં પણ લઘુમતીમાં છે અને બહુમતી કોમના રાષ્ટ્રીયતાના હમણાં જે ગણાવ્યા એ પદાર્થો શૅર ન કરતા હોય તો? જ્યારથી રાષ્ટ્રીયતા-આધારિત રાજ્યની વ્યવસ્થા વિકસી છે ત્યારથી આખું જગત આ સંકટનો સામનો કરી રહ્યું છે અને એમાં કોઈ દેશ બાકાત નથી.
પહેલાંના જમાનામાં તલવારના જોરે રાજ્ય રચાતાં હતાં અને બદલાતાં હતાં ત્યારે એમાં પ્રજાનો કોઈ સહભાગ નહોતો. રાજા બદલાય કે રાજ્યની સરહદ બદલાય એનાથી પ્રજાને કોઈ ફરક પડતો નહોતો. હા, સુખદુ:ખમાં વધારો-ઘટાડો થતો હતો. હવે રાષ્ટ્રીયતા-આધારિત રાજ્યની કલ્પના જ્યારથી વિકસી છે ત્યારથી પ્રજા એમાં ભાગ લેતી થઈ છે. ખાસ કરીને બહુમતી કોમ આગ્રહી બની ગઈ છે અને એનું કારણ એ છે કે એની કલ્પનાની રાષ્ટ્રીયતા જ્યાં સુધી સ્વીકારાય ત્યાં સુધી જ તેનું રાજ્ય પહોંચી શકે એમ છે. આગ્રહી રાષ્ટ્રવાદી હિન્દુઓને એમ લાગે છે કે તેમની રાષ્ટ્રીયતા આજનાં પાકિસ્તાન, બંગલા દેશ, નેપાલ અને શ્રીલંકા સુધી પહોંચે છે એટલે એ પ્રદેશો ભારતમાં હોવા જોઈએ. તેમનાથી પણ વધારે આગ્રહી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને એમ લાગે છે કે તેમની રાષ્ટ્રીયતા અફઘાનિસ્તાન અને બર્મા સુધી પહોંચે છે એટલે એ પણ ભારતીય રાષ્ટ્રનો હિસ્સો બનવા જોઈએ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભારતમાતાના ધ્વજમાં અફઘાનિસ્તાન અને બર્મા તેમ જ શ્રીલંકાનો પણ સમાવેશ થાય છે. તમે એક વાત નોંધી? અફઘાનિસ્તાન અને બર્માની આગળ તો હિન્દુત્વવાદીઓ પણ જતા નથી, જ્યારે સિકંદર અને નેપોલિયનને રાષ્ટ્રીયતાની કોઈ મર્યાદા નડતી નહોતી.
હવે સવાલ એ છે કે તમે (બહુમતી કોમે) તો તમારી કલ્પનાનું રાષ્ટ્રીય મંદિર બનાવ્યું, રાષ્ટ્રીયતાના પદાર્થો કે સાધનો પણ શોધી કાઢ્યાં, એનું ગર્ભગૃહ અને પવિત્ર ભૂમિની સીમા પણ નક્કી કરી લીધી; પણ પ્લીઝ, પ્લીઝ રિમેમ્બર એ તમારી કલ્પનાનું ચિત્ર છે, સો ટકા નક્કર વાસ્તવિકતા નથી. કલ્પનાનું ચિત્ર સાવ અધ્ધર છે એવું નથી, પણ અધૂરું જરૂર છે. ભારતની બહુમતી હિન્દુ કોમે બસ આટલું સ્વીકારવું જોઈએ કે ભારતીય રાષ્ટ્રની કલ્પનાનું ચિત્ર અધ્ધર નથી, પણ અધૂરું છે અને સંકલ્પ કરવો જોઈએ કે એ પૂરું કરવું છે. આ અધૂરું ચિત્ર પૂરું કરવું હોય તો શું કરવું જોઈએ એ વિશે વિચારવું જોઈએ.
અહીં ઊના નજીક મોટા સમઢિયાળામાં બનેલી ઘટના વિશે વિચારો. એ ગામમાં સવર્ણ હિન્દુઓએ દલિતો સાથે અત્યાચાર કર્યા હતા, કારણ કે ગાય હિન્દુઓ માટે પૂજનીય છે. હિન્દુ ધર્મની રક્ષા કરવા માટે હિન્દુ ધર્મરક્ષકોએ અત્યાચાર કર્યા હતા, પણ શું દલિતો હિન્દુ નથી? એક બાજુ હિન્દુ એકતાની વાતો કરો અને બીજી બાજુ સવર્ણ હિન્દુઓ દલિત હિન્દુઓ સાથે અત્યાચાર કરે તો હિન્દુ એકતા ક્યાં સધાવાની? રાષ્ટ્રીય એકતા તો બહુ દૂરની વાત છે. આવી ઘટનાઓ એ પ્રદેશમાં બની રહી છે અને છાશવારે બની રહી છે જે અંગ્રેજીમાં કહીએ તો મેઇનલૅન્ડ ઇન્ડિયા છે અને શોષક અને શોષિત બન્ને હિન્દુ છે. તમે દલિતોને પોતાના પડખામાં સ્થાન નથી આપી શકતા, હિન્દુ ધર્મમાં માનનારા મેઇનલૅન્ડ ઇન્ડિયાના આદિવાસીઓને પડખામાં નથી બેસાડતા તો કાશ્મીરના મુસલમાનો અને ઈશાન ભારતના આદિવાસીઓ તો બહુ દૂરની વાત છે.
આનો અર્થ એ થયો કે તમારો હિન્દુ ધર્મ સવર્ણોનો છે. હિન્દુ ધર્મ આધારિત કહેવાતી રાષ્ટ્રીયતા હિન્દુ સવર્ણોની છે ત્યારે એ રાષ્ટ્રીયતા દરેકે સ્વીકારવી જોઈએ એવો આગ્રહ ટકે ખરો? હિન્દુત્વવાદીઓ આગ્રહ રાખે છે કે ભારતના મુસલમાનોએ અને ખ્રિસ્તીઓએ પોતાને હિન્દુ તરીકે ઓળખાવવા જોઈએ; જેમ કે મુસ્લિમ હિન્દુ, ખ્રિસ્તી હિન્દુ, યહૂદી હિન્દુ, સિખ હિન્દુ, જૈન હિન્દુ વગેરે. દલિતો અને આદિવાસીઓને હિન્દુ ગર્ભગૃહમાં સ્થાન નહીં આપનારાઓ કયા મોઢે વિધર્મીઓ પાસેથી આવો આગ્રહ રાખે છે?
મુસલમાનો અને ઈસાઈઓ સામે મોરચા માંડીને હિન્દુ એકતા સાકાર કરવાનું નેગેટિવ રાજકારણ ટકાઉ નથી નીવડવાનું. ક્યારેક અયોધ્યા, ક્યારેક ૨૦૦૨નું ગુજરાત, લવ-જેહાદ, ઘરવાપસી, ગોરક્ષણ, ચર્ચને આગ ચાંપવાની ઘટનાઓ, મિશનરીઓની મારઝૂડ કરવાની ઘટનાઓનો ઉપયોગ વિધર્મીઓ સામે હિન્દુઓનું ધ્રુવીકરણ કરવા માટે કરવામાં આવે છે. આને કારણે તાત્કાલિક ધોરણે ઉત્તેજનામાં આવીને હિન્દુઓ વિધર્મીઓ સામે સંગઠિત થઈ જતા હોય છે. આવું આવી દરેક ઘટના વખતે જોવા મળ્યું છે અને એનો BJPને રાજકીય લાભ પણ થયો છે, પરંતુ એ એકતા ટકાઉ નથી એ ઊનાએ બતાવી આપ્યું છે. દલિત હિન્દુઓ જ હિન્દુઓના ઠેકેદારો સામે વીફર્યા છે.
આનો જો કોઈ ટકાઉ ઉપાય જોઈતો હોય તો ઉદારતા અપનાવો. હિન્દુત્વ એ જ રાષ્ટ્રીયત્વ નહીં પણ ભારતીયત્વ એ જ રાષ્ટ્રીયત્વની વ્યાખ્યા સ્વીકારો. નેગેટિવ પૉલિટિક્સ કરીને થોડો સમય હિન્દુ સંગઠિત થઈ જશે, પરંતુ એનાથી રાષ્ટ્રીય એકતા સધાવાની નથી. ઉદારમતવાદી રચનાત્મક અભિગમ અપનાવીને બૃહદ્દ ભારતીયતાના ગર્ભગૃહમાં ધીરે-ધીરે દરેક કોમને અંદર આવવા દો. છેવાડેના પ્રદેશોમાં વસતા લોકોની શંકા-કુશંકા જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી ધીરજ ધરો. જે લોકો કોમી ધ્રુવીકરણ કરે છે તેમનો રાજકીય એજન્ડા છે. સાચી રાષ્ટ્રીય એકતા માટે તેઓ સાચી નિસબત નથી ધરાવતા એ વાસ્તવિકતા સ્વીકારી લો.
સૌજન્ય : ‘નો-નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 31 જુલાઈ 2016
http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-31072016-7