તેજગઢમાં આદિવાસી અકાદમીની સ્થાપના 1996માં કરવામાં આવી. ત્યાં દસેક વર્ષ કામ કર્યા પછી એવો વિચાર આવ્યો કે હવે દેશના પર્વતીય વિસ્તારોમાં અને દરિયાકિનારે રહેતા લોક-સમુદાય સાથે કામ કરવું જોઈએ. આઝાદી પછીના સાત દાયકામાં જે રીતે આદિવાસીઓની ભાષા અને સંસ્કૃિત ભૂંસાતી ગઈ તે જ રીતે દરિયાકિનારાના અને હિમાલયમાં વસેલા સમુદાયોનું પણ ભાષિક અને સાંસ્કૃિતક ધોવાણ થતું આવ્યું છે. મેં વિચાર્યું, આરંભ હિમાલયથી કરીએ. આ વિચાર સાથે સૌથી પહેલાં હિમાચલ પ્રદેશ પહોંચ્યો. જે આદિવાસીઓનાં કામ માટે વર્ષો સુધી ગુજરાતના તેજગઢમાં ત્યાંના લોકોને સાંભળવા સમય વિતાવવો પડ્યો તે જ રીતે હિમાચલ પ્રદેશના લોકોને સમજવા ખાસ્સો સમય આપવો પડ્યો.
હિમાચલ પ્રદેશના સૌથી ઊંડાણના વિસ્તારોમાં કિન્નૌર અને લાહુલ-સ્પિતિ જિલ્લો છે. સિમલાથી કિન્નૌર જવાનો રસ્તો વર્ષમાં કમસે કમ 10-11 મહિના ખુલ્લો રહે છે, પણ મનાલીથી કેલાંગ (લાહુલ-સ્પિતિ) જવાનો રસ્તો વર્ષમાં માંડ ચાર કે પાંચ મહિના જ ખુલ્લો હોય છે. રોહતાંગ ઘાટ પાર કર્યા પછી કેલાંગ વિસ્તારની શરૂઆત થાય છે. કેટલાકે તો આ વિસ્તારને સફેદ રણ તરીકે વર્ણવેલો છે.
કિન્નોર પહોંચવાનો માર્ગ : નેશનલ હાઇવે 22 [છબો સૌજન્ય : ગૂગલ ઇમેજિસ]
2008માં કેલાંગ ગામે હિમાલયન સંસ્કૃિતના જતન માટે એક સામૂહિક સાંસ્કૃિતક કેન્દ્ર ઊભું કરવાનું નક્કી કર્યું. હિમાચલ પ્રદેશ સરકારની સહાયથી 2009માં આ કેન્દ્રની સ્થાપના થઈ. મને યાદ છે કે જે દિવસે કેન્દ્રની સ્થાપના થઈ તે દિવસે લાહુલ અને સ્પિતિ, બન્ને વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, બહેનો આ કેન્દ્ર સુધી પારંપરિક ગીતો ગાતાં અને વાદ્યો વગાડતાં વગાડતાં ઊમટ્યાં હતાં. ત્યાં તેમનાં પારંપરિક ગીતો ગાઈ અને નાટકની ભજવણી કરી તેમનો મહદ્ આનંદ વ્યક્ત કર્યો હતો. મને લાગ્યું કે હવે પછી કેલાંગમાં જ રહી સાધના માર્ગ સ્વીકારવો યોગ્ય રહેશે. પણ જેમાંથી દુનિયા સઘળી સર્જાઈ એ શબ્દ અને ધ્વનિ વિશેનું ઘણું બધું કામ કરવાનું બાકી રહ્યું હતું. એ દિશામાં આગળ પગલાં લેવા નક્કી કર્યું કે 2010ના ઉનાળા દરમિયાન હિમાલયમાં વસેલાં તમામ રાજ્યોને કેન્દ્રમાં રાખી ભાષા વિશેની કાર્યશાળા ગોઠવવી.
કેલાંગ કાર્યશાળામાં કાશ્મીર અને જમ્મુ તેમ જ લડાખથી સાહિત્યકારો, સર્જકો, ભાષાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા. સાથે સાથે ઉત્તરાખંડથી તેમ જ ઉત્તર બંગાળના લેપ્ચા સમાજમાંથી પણ અભ્યાસીઓ આવ્યા. ખુદ હિમાચલ પ્રદેશના ઘણા બધા સામેલ થયા જ હતા. મે મહિનામાં મુંબઈ કે વડોદરામાં એ.સી. વગર એકાદ કલાક ગાળવો પણ અશક્ય હોય છે. જ્યારે અહીં કેલાંગમાં કમસે કમ બે-ત્રણ સ્વેટર પહેર્યા વગર જીવવું મુશ્કેલ હતું. સાંજે બરફ બની ગયેલા પાણીને ગરમ કર્યા વગર પી ન શકાય. કાર્યશાળાના દિવસોમાં એક દિવસ અચાનક ઉપરથી બરફનો વરસાદ થવા માંડ્યો. ભાષાના વિચાર ભૂલી, દિમાગમાં મૃત્યુના વિચાર આવવા લાગ્યા. પણ એ દિવસોમાં હિમાલયનાં ત્રણેક રાજ્યોના ભાષિક સર્વેનો કાચો મુસદ્દો ઉપસી આવ્યો. હવે મને દરિયાકિનારે પહોંચવાનો વિચાર સતાવવા લાગ્યો.
પછી હું આંધ્રપ્રદેશ ગયો, ત્યારબાદ કેરળ પહોંચ્યો. અંદામાન અને નિકોબાર, પોંડિચેરી અને તામિલનાડુ આવી પહોંચ્યો. ગોવા ગયો. ત્યાર પછી અન્ય રાજ્યોમાં ભ્રમણ કરવાનું શરૂ કર્યું. આસામ, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ ગયો. બંગાળ, ઓરિસ્સા, બિહાર ગયો. પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ સુધી પહોંચ્યો. ભારતની તમામ ભાષાઓનો સર્વે કરવાનું નક્કી કર્યું. આ કામ હિમાલય જેવડું હતું, એની સામે હું મંકોડા જેવો. છતાં મને લાગ્યું કે હિમાલયમાં સાધના કરવાને બદલે હિમાલય જેવડી સાધના કરવી વધુ સારી. એક-દોઢ વર્ષમાં દેશના દરેક હિસ્સામાં, રાજ્યોમાં, જિલ્લાઓમાં ભાષાપ્રેમીઓને એકઠા કર્યા. લગભગ 3000થી પણ વધારે વ્યક્તિ આ કાર્યમાં તન-મનથી સામેલ થઈ. લગભગ 35000 પૃષ્ઠોની મૂલ્યવાન સામગ્રી ભેગી કરી. પચાસ ખંડોમાં આ સામગ્રીનું પ્રકાશન કરવાનું નક્કી કર્યું. 780 ભાષા માહિતીરૂપે ઉજાગર થઈ. અંતે મને લાગ્યું કે જે હિમાલયની મને ખોજ હતી તે ભાષા-હિમાલય હતો. સારું લાગ્યું, પણ આ બધું શા માટે ?
ગત બે દશકોમાં ભાષા-વિજ્ઞાનીઓએ ભાષાના અસ્તિત્વનું પૂર્વાનુમાન કરતા ગાણિતિક નમૂના રજૂ કર્યા. નિરપવાદરૂપે આ અનુમાનોએ સૂચવ્યું કે માનવજાતની ભાષાની વિરાસતનો એક બહોળો ભાગ લુપ્ત થવાના આરે ઝડપથી ધપી રહ્યો છે. આ અનુમાનો, આ તોળાતું સંકટ ચોક્કસ રીતે કેટલા મોટા પ્રમાણમાં હશે તે વિષે એકમત નથી, તેમ છતાં સર્વે એક તથ્ય પર સહમત છે કે આજની જીવંત સઘળી ભાષાઓમાંથી, હાલમાં ત્રણ-ચતુર્થાંશ ભાગ કે તેથી પણ વધારે ભાષાઓ મૃત:પ્રાય અવસ્થામાં છે. બીજી તરફ ભાષાના વૈશ્વીકરણના તરફદારો છે. તેઓ એક અથવા જૂજ ભાષાઓના સાર્વત્રિક પ્રસારને આવકારે છે. જેથી કરી પ્રત્યાયનની પ્રક્રિયા દેશના સીમાડાઓ ઓળંગીને લોકભોગ્ય બની રહે. દેખીતી રીતે એ એવા દેશો અને સમુદાયો, જેમણે એક ભાષામાં સીમિત રહેવાનું કોઠે પાડી દીધું છે. એમનો આર્થિક વ્યવહાર પોતાની ભાષા ઉપરાંત અન્ય ભાષા પર અવલંબતો નથી. એમની જ્ઞાનપરંપરાઓ પોતાની ભાષામાં સુરક્ષિત છે. આથી ભાષા લુપ્ત થવાની પીડાઓ અનુભવી શકે નહીં. વળી આમ ભાષા લુપ્ત થતાં માનવના બૌદ્ધિક અને સભ્યતાના વૈશ્વિક સમુચ્ચયનો જ હ્રાસ થશે. એ દરેકને અનેકવિધ, આડકતરી રીતે પણ કમજોર કરતી અસરો પહોંચાડશે, કારણ કે સઘળી સૃષ્ટિમાં ભાષા એક જ એવી હસ્તી છે જે આપણને માનવ બનાવે છે, અન્ય જીવસૃષ્ટિ અને ચેતન પ્રકૃતિથી આપણને અલગ દરજ્જો આપે છે. માનવીય ચેતન-શક્તિ વાચિક અભિવ્યક્તિના પ્રભાવથી કાર્યરત છે ત્યારે એવી પરિસ્થિતિમાં ભાષાને માનવ સંસ્કૃિતની એક મહામૂલી મૂડી ગણવી જોઈએ. આ મહામૂલી મૂડી સંચિત કરતાં આપણને આશરે પાંચ લાખ વર્ષોનો અવિરત શ્રમ કરવો પડ્યો છે. હવે આપણા સમયમાં આપણે આ સંચિત પૂંજીને મહદંશે ખોઈ બેસવાના આરે ઊભા છીએ. કેટલાંક ભવિષ્યકથનો અનુસાર હાલે અંદાજિત 6000 જીવંત ભાષાઓમાંથી ફક્ત 300 જેટલી ભાષાઓ જ બાવીસમી સદીમાં અસ્તિત્વ ધરાવતી હશે. અલબત્ત, ભાષાઓના સઘન અન્વેષણના અભાવમાં એ કહેવું મુશ્કેલ છે કે ખરેખર કુલ કેટલી ભાષાઓ જીવંત છે. વળી આમાંથી કેટલી ભાષાઓ અને કઈ ભાષાઓ ચોક્કસરૂપે આવનારા સમયમાં ટકી શકશે? આમ જોઈએ તો દરેક ભાષાના ઇતિહાસના વિચિત્ર અને ક્યારેક સાવ અણધાર્યા વળાંકો હોય છે, જેમ કે ભારતની અમુક આદિવાસી ભાષાઓમાં, દાખલા તરીકે ભીલી ભાષામાં, જોવા મળતી ચડતીનો પ્રવાહ તે બધી સ્થાપિત સામાજિક-ભાષાકીય ધારણાઓને પડકારે છે. ઇતિહાસ જોતાં એવું પણ જોવામાં આવ્યું છે કે સમર્થ રાજ્યોની નિશ્રામાં રહેલી મહાન ભાષાઓ પણ કાળક્રમે વિઘટન પામી હાંસિયા પર ઊભરતાં નવાં શક્તિ-કેન્દ્રોના પ્રભાવે, નવી ભાષા સ્થાપિત થઈ હોય. પરંતુ જ્યાં એક બાજુ આવા આશ્ચર્યજનક અપવાદો જોવા મળે છે અને ભવિષ્યમાં પણ જોવા મળતા રહેશે, ત્યાં બીજી બાજુ જુદા-જુદા નાઈજીરિયા, મેક્સિકો, પપુઆ ન્યુ ગિની, ઇન્ડોનેશિયા અને ભારત જેવા દેશના લોકોનો અનુભવ કહે છે કે મોટા ભાગની ભાષાઓ વાણિજ્ય અને વાક્-વ્યાપારનાં ક્ષેત્રોમાં નોંધપાત્ર ઘટાડાના તબક્કામાંથી પસાર થઈ રહી છે. એવું પણ જોવા મળે છે કે બિન-વૈશ્વિક ભાષા બોલનારા લોકોની જટિલ સંકુલ વિચાર અભિવ્યક્તિની ક્ષમતામાં ચોંકાવનારો ઘટાડો થયો છે. સાથે બહુધા ભાષાઓમાં શબ્દોની અર્થચ્છાયા ક્ષીણ થતી ગઈ છે.
સભ્યતાના ઇતિહાસકારો જણાવે છે કે સાવ સરખી નહિ તો ય સંભવત: સરખાવી શકાય તેવી પરિસ્થિતિ લગભગ સાતથી આઠ હજાર વર્ષો પહેલાં નિર્માણ પામી હતી. આવું ત્યારે થયું જ્યારે માનવે કુદરતના ચમત્કાર રૂપી બીજની ખોજ કરી. શિકાર-પ્રવૃત્તિ અથવા પશુસંવર્ધન પર સંપૂર્ણ આધરિત અર્થવ્યવસ્થા, પછીથી કૃષિ આધારિત અર્થવ્યવસ્થામાં પરિવર્તન પામી ત્યારે, એવું કહેવાય છે કે, વિશ્વના ભાષાવૈવિધ્યને ગંભીર અસરો પહોંચી. અહીં એવું અનુમાન કરવું અયોગ્ય નહિ ગણાય કે માનવ ભાષાઓની વર્તમાન કટોકટી પણ મૂળભૂત અર્થવ્યવસ્થાના પરિવર્તનને આભારી છે, જેણે સમગ્ર વિશ્વને-ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ – ચારેબાજુથી આવરી લીધું છે. આ વખતે, અલબત્ત, વધુ એક ચિંતા ઉમેરાઈ : મોટા ભાગની માનવ પ્રવૃત્તિ, માનવ બુદ્ધિ(man made intelligence)ના પ્રભાવ હેઠળ થાય છે. જ્યારે અનેક માનવ પ્રવૃત્તિ કૃત્રિમ બુદ્ધિ (artificial intelligence) સાથે સંકળાયેલી તકનિકો સંપૂર્ણપણે માનવ મનના વ્યવહાર અને વાક્-વ્યાપારનાં માળખાં પર નિર્ભર છે. ચેતાકોષીય અને મનોભાવના સંચલન પર આધારિત બુદ્ધિશાળી યંત્રોનું ચલણ હજી સર્વસામાન્ય નથી. માનવ સમુદાયને જોડતાં અર્થનાં નિર્ધારિત વિશ્વોમાં ભાષા આધારિત તકનિકી હવે સહભાગી બની છે. આથી તે બધાં વિશ્વો (અથવા વિશ્વ) પુન: રચિત અને પુન: નિર્મિત થઈ રહ્યાં છે. સાંપ્રત પરિસ્થિતિમાં સઘળું તાત્ત્વિકરૂપે વિચારી શકાય અથવા સમાજશાસ્ત્રીય સૂત્રો વડે નિર્દેશિત કરી શકાય, પરંતુ વાસ્તવમાં તો એ લોકજીવન જ છે, જે અસરગ્રસ્ત થઈ રહ્યું છે. વિલક્ષણ સંક્રાંતિકાળમાં એવા સમુદાયોનો અવાજ ગૂંગળાઈ જાય છે, જેઓ બિનલાભાન્વિતમાંના હોય છે. જોડણીકૃત આલેખનની વ્યવસ્થામાં સ્થાન નહિ પામી શકેલી ભાષા જાણે એક બોજારૂપ જવાબદારી, પ્રગતિનો રકાસ કરનારી અને પછાતપણાની નિશાનીરૂપે જોવામાં આવે છે. આવી ભાષાઓમાં નિહિત જ્ઞાનભંડારને અ-જ્ઞાન ગણી તુચ્છકારી દેવાય છે. અગાઉ જણાવેલા દેશો, જેમણે સદીઓ બાદ વિપુલ ભાષાઓ વિકસાવી, તેઓના વિવિધ અંદાજો પરથી મળતા આકલન અનુસાર પાપુઆ ન્યુ ગિની (900), ભારત (700), ઇન્ડોનેશિયા (600), નાઇજીરિયા (400), મેક્સિકોમાં (300) ભાષાઓ હતી, પરંતુ આજે તેઓ પોતાની સાંસ્કૃિતક મૂડી સમા આ વિધવિધ ભાષાબાહુલ્યને ભૂલી રહ્યા છે. આપણા દેશમાં 1971ની વસ્તીગણતરીની પ્રક્રિયા બાદ સંબંધિત સત્તાધીશોએ ઠેરવ્યું કે 10,000થી ઓછા લોકો વડે બોલાતી ભાષાની આંકડાકીય માહિતી ખુલ્લી પાડવી જરૂરી નથી. આને કારણે આવી ભાષાઓને, ભારત જેવા દેશમાં જ જે પુરાતનકાળથી ભાષાઓનું ગણરાજ્ય રહ્યું છે, ગેરવતની ઠેરવી દેવાઈ. 1970ની વસ્તીગણતરી દરમિયાન લેવાયેલો આ નિર્ણય સાવ જ બેહુદો હતો કે અણધાર્યો ન હતો. આ પ્રક્રિયાનો આરંભ સામ્રાજ્યવાદના સમયમાં થયો, જ્યારે ભારતની ફક્ત બે ટકા જેટલી ભાષાઓ મુદ્રિત થતી હતી. વધુમાં એ સમય બૌદ્ધિક ઇતિહાસની પરાકાષ્ઠાનો હતો, જે પાછલી બે સદીમાં ઘડાઈ રહ્યો હતો.
1970ના દશકમાં મેં ગ્રિઅર્સનનો ‘સર્વે’ પ્રથવ વાર વાંચ્યો. એક નવવાચક રૂપે મને એ મહાન કૃતિમાં સૌથી વધુ પ્રભાવિત કરતી તેમની ભારતીય ભાષાઓની વિસ્મયજનક જાણકારી ન હતી કે નહીં દુર્નિવાર કસોટીઓ પાર પાડી કાર્ય સંપન્ન કરવાનો તેમનો દૃઢ નિર્ધાર. અહીં. એ કહેવાની જરૂર નથી કે કોઈ પણ પાઠક આનાથી પ્રભાવિત થયા વિના ન રહી શકે, પરંતુ મને ગ્રિઅર્સનના સર્વેમાં સૌથી વધુ નોંધનીય લાગ્યું તેમના કાર્યમાં રહેલો અમુક અવકાશ. વીસમી સદીના આરંભમાં જ આ અહેવાલમાંથી એમના દ્વારા દસ્તાવેજીકરણ થયેલી 179 ભાષાઓમાંથી લગભગ 165 જેટલી ભાષાઓના ધીમા અંતનો અણસાર આપણને મળે છે. ગ્રિઅર્સનની ભાષાકીય ‘ડિસ્ક્વરી ઑફ ઇન્ડિયા’ અને એમના સમર્થ પુરોગામી સર વિલિયમ જોન્સ દ્વારા કરાયેલી સમાન શોધની તુલનાએ આવતું કોઈ પણ પ્રકારનું કાર્ય આજ સુધી મારી જાણકારીમાં નથી. જોન્સ ભારતમાં જોવા મળતી ‘વિવિધ’ પ્રકારની ભાષાઓથી રોમાંચિત હતા. આમ છતાં તેમના સમયમાં કુલ કેટલી ભાષા વિદ્યમાન હતી તે જાણવાનો એમની પાસે કોઈ માર્ગ ન હતો. એની સામે ગ્રિઅર્સનના આલેખનમાં કંઈ ખાસ ‘યુરેકા’ જેવી વાત ન હતી. ગ્રિઅર્સનના સર્વેના ખંડો જોતાં વાચક એવી છાપ કેળવશે કે તેમાં મહદંશે ગ્રામ્ય પ્રભેદો જ છે, જે ફક્ત બાલીશ ગીતોના સંગ્રહ માટે કે પછી નૃવંશશાસ્ત્રને સહાયક લોકવિદ્યાના કોઈ જાણકારને જ ખપમાં આવે. એમણે વર્ણવેલી આશરે બસ્સો ભાષા સાથે પાંચસોથી વધુ ‘બોલીઓ’નો ઉલ્લેખ કર્યો છે. ગ્રિઅર્સનના મહાન કાર્યનું આ અંકગણિત એમના મૂળભૂત પૂર્વગ્રહનું દ્યોતક છે. ભારતને સભ્યતાના એક અજ્ઞાત ઉપખંડ રૂપે ખોજતા વિલિયમ જોન્સના કાર્યના દેખીતા હર્ષોન્માદ છતાં ય સંભવત: આ પૂર્વગ્રહનું મૂળ ગ્રિઅર્સનની રચનામાં નિહિત છે.
ઉપેક્ષિત મૌખિક પરંપરા
ભારતની જૈવસાંસ્કૃિતક અને જ્ઞાન પરંપરાઓના બોધગામી વ્યાવર્તક વર્ગીકરણ અથવા જ્ઞાનકોટીઓ માટેના સઘન પ્રયત્નો, સૂચન અને ઘડતર રૂપે, સર વિલિયમ જોન્સના સમયથી આદરવામાં આવેલા છે. સાથોસાથ આજની વિસંસ્થાનીકરણની પ્રક્રિયાથી પણ, પાશ્ચાત્ય આધુનિકતાના સંદર્ભમાં પરંપરાગત જ્ઞાન અને સંસ્થાનકાલીન આવિષ્કૃત જ્ઞાન વચ્ચે સુમેળ સાધવાના પ્રયત્નોને બળ મળ્યું છે. પાશ્ચાત્ય જ્ઞાનકોટીઓ અને આપણી લોક સમુદાયોની પાઠ પરંપરા, એટલે કે મૌખિક ભાષા, વ્યવહારમાં નિબદ્ધ જ્ઞાન પરંપરાઓને સુસંગત બની રહે એવા જ્ઞાનના સંઘર્ષ કે સહકાર, ભારતના બૌદ્ધિક કલ્પનને વ્યસ્ત રાખે છે. જ્યારે મુખ્ય ધારાની જ્ઞાન સંસ્થાઓ-શાળાઓ, વિશ્વવિદ્યાલયો, અસ્પતાલો, ન્યાયાલયો વગેરેએ એવાં સ્વરૂપો ધર્યાં છે કે એ બધાં, ‘ભારતીય ઉપખંડની સભ્યતાના મહાનતમ પરિવર્તન’ સાથે સંકળાયેલી જટિલતાને ઘણી વખત અણદેખી કરે છે. આ પરિસ્થિતિ એક એવો બૌદ્ધિક પડકાર ઊભો કરે છે જે એકવીસમી સદીના ચિંતકોએ ઉપાડવો જ રહ્યો. આ જ્ઞાનકોટીઓમાં સૌથી મહત્ત્વપૂર્ણ તે એવાં ક્ષેત્રો છે જે ‘સભ્યતાના પરિવર્તનની તાણ’ને સહે છે. જેમ કે ભાષામાંની સર્જનાત્મક અભિવ્યક્તિ અને ભાષાવર્ણનો. સમકાલીન ભારતીય બૌદ્ધિકો માટેનું સૌથી મોટું કાર્ય છે ભૂતકાળ પરત્વે પુરાણપંથી બન્યા વિના, ભારતીય સૌન્દર્યશાસ્ત્રનું વિસંસ્થાનીકરણ કરવાનું તેમ જ સાંપ્રત સમયમાં ભાષા અને મૌખિકતાના સંદર્ભમાં વર્ણાત્મક કોટીઓનો પ્રશ્ન રજૂ કરવાનો. ‘ભારત ભાષા લોક-સર્વેક્ષણ’નું આ જ મહત્ત્વપૂર્ણ કેન્દ્રબિંદુ રહ્યું છે. ભાષાઓને વર્ણવવી એ ‘ભારત લોક-સર્વેક્ષણે’ હેતુ સાધવા અનુસરેલી પદ્ધતિ છે. આથી ‘ભારત ભાષા લોક-સર્વેક્ષણે’ જાણપૂર્વક ઇતિહાસમૂલક ભાષાશાસ્ત્રના પ્રશ્નો – જેવા કે ભાષાનું ઉદ્ગમ અને તેનું કુળ – વગેરેથી અંતર રાખ્યું છે. ચોક્કસ ‘ભાષાકુળ’ના સંદર્ભમાં સંબંધ સ્થાપી, ભાષાની ઓળખ નિર્ધારિત કરતા સિદ્ધાંતો ઉપરાંત, જોન્સથી માંડી ગ્રિઅર્સન સુધી, અને તે સિવાય અન્ય ઘણાઓમાં, જે સિદ્ધાંતનું ચુસ્તપણે પાલન થયું છે તે ભાષા અને બોલીના ભેદનું. આશરે ત્રણ દાયકાના મારા ચિંતન બાદ, વિવિધ પરિષદો તથા ‘ભારત ભાષા લોક-સર્વેક્ષણ’ના સંપાદક મંડળના મારા સહકર્મીઓ સાથે થયેલી અઢળક લાંબી ચર્ચાઓને અંતે એવું ઠેરવ્યું, કે કોઈ પણ ભાષાને બોલી તરીકે લેખવી નહિ. જે લોકો એવું માને કે બહોળો ભાગ જે ચોક્કસ ભાષા બોલે છે તે બોલી નથી, બલકે ભાષા છે, તો પછી તેને ભાષારૂપે જ સ્વીકારવામાં કોઈ હરકત નથી. પછી ભલેને ભાષાવિજ્ઞાન તે દાવાને સબળ ન ગણે. ભાષાશાસ્ત્ર માટે, જેણે પાછલી બે સદીઓમાં આશ્ચર્યજનક પ્રગતિ કરીને ખુદને અધ્યયન ક્ષેત્રમાં સ્થાપિત કર્યું છે એમના માટે, જટિલ અને અમૂર્ત વ્યાપારો વ્યક્ત કરવા વાચિક-ચિહ્નોના વ્યવહારની આસપાસ વ્યાપ્ત રહસ્ય સંબંધિત પ્રશ્નોના ઉત્તર આપવા, હજી લાંબો રસ્તો કાપવાનો બાકી છે. અહીં બોલીની વિભાવનાનો પ્રશ્ન પણ વણઉકેલાયેલા અન્ય પ્રશ્નોમાંનો એક છે.
ભાષા અને વાસ્તવ
માનવ ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં અનેક રહસ્યો ધરબાયેલાં છે. આ પ્રક્રિયાની આપણી અપૂરતી સમજ આપણને તથાકથિત વૈજ્ઞાનિક પૂર્વધારણા ઘડવા પ્રેરે છે, પરંતુ આમાંની મોટા ભાગની પૂર્વધારણા એવી છે કે સદંતર વિરોધાભાસી પૂર્વધારણાઓ પણ એટલી જ પ્રતીતિજનક લાગે છે !
ભાષા એક સામાજિક સંસ્થા છે. માનવ ઉત્ક્રાંતિની મહાગાથાનાં કેટલાંક રહસ્યોની જેમ ભાષાના ઉદ્ગમની પ્રકૃતિ અને એની સંરચનાની સ્પષ્ટ શૃંખલા વગેરેનાં પણ કેટલાંક રહસ્યો છે.
શું વિશ્વની નિર્મિત ક્ષણે તેનો સહવર્તી કોઈ ધ્વનિ હતો ? શું પ્રાણીની ધ્વનિસંવેદનની શક્તિ પહેલાં ધ્વનિનું અસ્તિત્વ હતું? શું આદિશબ્દ – અનાહત ધ્વનિ – અને ધ્વનિજનક રજ્જુઓ (vocal cords) વડે સ્પંદિત ધ્વનિ એક જ સ્થૂળ ધ્વનિવર્ગ ધરાવે છે? શા માટે માનવપ્રાણીએ અર્થ-વ્યાપાર માટે ધ્વનિજનક રજ્જુઓ દ્વારા શ્વાસ નિયંત્રણની પસંદગી કરી, જ્યારે આંખો અથવા શરીરનાં કોઈ પણ અન્ય અંગો પણ (મધમાખીઓની જેમ) સમાન રીતે અસરકારક રહ્યાં હોય? આ બધા પ્રશ્નોના ઉત્તર આપવા સૈદ્ધાંતિક સ્ત્તરે શક્ય છે, પરંતુ એ ઉત્તરો તાત્ત્વિક વિધાનના સ્તરને ઓળંગાતા નથી. એ ઉત્તરો યથાર્થ હોય તો પણ સંપૂર્ણપણે નહિ. બુદ્ધિમત્તાના વિકાસમાં એક તબક્કે ધ્વનિજનક રજ્જુઓ વડે શ્વાસનું નિયંત્રણ, અર્થ-વ્યાપારની કેન્દ્રવર્તી સરણી બની રહી. ઉત્તરોત્તર રીતે અંકો અને વર્ણો, સંકેતોના ઊંચા ધ્વનિના દુયમપાલકો (surrogates) બની ગયા પછી શા માટે લિપિકૃત ભાષાએ સંપૂર્ણપણે ધ્વનિત ભાષાને વિસ્થાપિત કરી નહિ?
આજે જ્યારે શિશુની મનોસંરચનામાં નિહિત, ભાષાગ્રહણ ક્ષમતાના સિદ્ધાંતો ઘડાઈ ચૂક્યા છે ત્યારે, શા માટે હજુ સુધી પહેલા અક્ષર તરીકે ઓળખાતા ભૌમિતિક આકારો અને અક્ષરવાચક-ચિહ્નો (syllables) તરીકે ઓળખાતા માનવ ધ્વનિ સંબંધ પ્રસ્થાપિત કરતી નૈસર્ગિક શક્તિના સિદ્ધાંતની તજવીજ થઈ નથી?
‘અર્થ-વ્યાપાર’ એટલે આંગિક હાવભાવ, ધ્વનિ-નિયંત્રણ અને લિપિચિહ્ન તેમ જ આ ત્રણેયની પાર રહેલા અશબ્દ-અવકાશ-અધ્યાહાર અને અવિચલન વડે અભિવ્યક્ત થતો અર્થ. આથી ‘અર્થ’નો નિર્ધાર ચોક્કસપણે શાના દ્વારા થાય છે તેના વિષે કોઈ નિશ્ચિત નિષ્કર્ષ પર આવવું શક્ય નથી. વધુમાં વધુ અર્થનિર્ધારના સિદ્ધાંતો તાત્ત્વિક અનુમાનના સ્તરે જ સીમિત રહ્યા છે. વધારેમાં, હજુ સુધી ખાતરીપૂર્વક કહેવું શક્ય બન્યું નથી, શું અર્થ એ જ ભાષા? કે પછી અર્થ, ભાષા પહેલાં અવતરિત થયો? કે પછી વાચિક ભાષાથી સાવ જ નિરાળી બીજી અન્ય સામાજિક કે પારભૌતિક વ્યવસ્થા છે જે માનવ ભાષાને અતિક્રમવા સક્ષમ છે? એ સાચું છે કે ભાષા એક અનુભવજન્ય ઘટનારૂપે વ્યક્તિની અનુભૂતિની સીમામાં છે, પરંતુ એટલું જ સાચું એ પણ છે કે વ્યક્તિની જગતને અનુભવવાની શક્તિ, વાચિક ભાષાથી પ્રભાવિત હોય છે : આ તથ્યે આપણને એ નિષ્કર્ષ તરફ દોર્યા કે ભાષા એ એક સામાજિક વ્યવસ્થા છે.
અહીં થોડા પ્રશ્નો ઊભા થાય છે :શું ભાષા કોઈ ‘અર્થ’ છે કે પછી કોઈ સ્થૂળ ‘ચીજ’ છે? શું તે કોઈ ભૌતિક વિશ્વની મર્યાદાથી પર એવી ઊર્જા છે કે પછી નિતાંતરૂપે એક સામાજિક વ્યવસ્થા? શું તે વિકાસક્રમમાં માનવશરીર અને મનને મળેલ એક જૈવિક સંચલન માત્ર છે ? અથવા તે એકસાથે આ સઘળું છે? ભાષા-ઘટના, તત્ત્વના વિવિધ સ્વરૂપે, અનેકવિધ માનવ વિજ્ઞાનોમાંના એક ‘ભાષાવિજ્ઞાન’ના પૂર્ણ વિકાસ છતાં ઉપરોક્ત સઘળા પ્રશ્નોનું વિસ્તારપૂર્વક ચિંતન આવશ્યક છે.
એક સુવિદિત મત છે કે સંસ્કૃિતને ભાષા ઉપરાંત અન્ય કોઈ અભિવ્યક્તિ નથી અને બંને એક જ છે. સાથે એ પણ સ્વીકારાયેલું છે કે જ્ઞાનબોધ ભાષા વિના અશક્ય છે. આવો જ કંઈક મત અર્થ બાબતે પણ પ્રવર્તે છે. બીજા શબ્દોમાં કહીએ તો, બુદ્ધિમત્તાની બાહ્ય પરિસીમા નિશ્ચિત કરતા દરેક વ્યાપારનો પર્યાય ‘ભાષા’ને લેખવામાં આવે છે.
સ્વપ્નોની સંરચના ભાષાસામાગ્રી પર આધારિત ન હોવા છતાં એનું વિભાવન ભાષાની સંરચના જેવું જ કરાય છે. સ્વપ્નનું મૂળ વ્યક્તિની યાદ કરવાની શક્તિમાં છે; એની સ્મૃિતમાં છે. અન્ય રીતે જોઈએ તો આપણને કહેવાયું કે ભાષાના આત્યંતિક અભાવમાં સ્મૃિત પરિણમી શકે નહિ. એ જ રીતે આપણી માન્યતા રહી છે કે અન્ય મનોવિકલ્પો, સ્ફુરણા, કલ્પના અને તર્ક ભાષાની અનુપસ્થિતિમાં શક્ય બને નહિ.
જ્યારે આ બધી પૂર્વધારણા સામાન્ય સહજ અને અબાધ્ય જણાય છે ત્યારે સત્ય એ પણ છે કે માનવપ્રાણી, અન્ય પ્રાણીઓ સાથે અનુભવ સામ્ય ધરાવે છે, જેમાં ધ્વનિ-નિયંત્રણ આધારિત ભાષાનો ખાસ રીતે બાધ હોય છે. આવા અનુભવોમાં મુખ્યત્વે ચક્કર આવવાં, પડી જવાનો ભય, પ્રેમ અથવા યૌન આકર્ષણ જોવા મળે છે.
માનવબોધનાં વિજ્ઞાનોમાંનું એક પ્રતિભાસમીમાંસા (phenomenology) છે. એના મત અનુસાર ભાષા, માનવ મન દ્વારા અનુભવાતા ઘટનાના અવિરત ફેલાતા વિસ્તાર સાથે ‘એક સૂર’ થઈ વિકાસ પામે છે. આ સાથે એવી દલીલ પણ રજૂ થઈ કે ઈન્દ્રિયગોચર વાસ્તવનો મન દ્વારા બોધનો વિકાસ, એની હરહંમેશ વિકસતી ભાષા દ્વારા જટિલતાઓની સમજના પ્રમાણમાં હોય છે. ખરેખર તો એવું ઠરાવવું સાચે જ મુશ્કેલ છે કે અનુભવક્ષેત્રથી અળગું, એથી પર કોઈ અસ્તિત્વ હોય છે. સાથે સાથે આવા અનુભવ-ક્ષેત્રના અસ્તિત્વને નકારવું એથી પણ વધુ કઠિન છે. એવો જ કંઈક ગૂંચવાયેલો પ્રશ્ન છે, ‘શું પેલા અર્ધ-શાબ્દિક અથવા શાબ્દિક તત્ત્વો વર્ણલિપિઓ, વ્યાકરણો અને સંસ્કૃિતઓ જે ભાષા રૂપે લેખાતાં નથી, તે ભાષા છે કે નહિ? વધુંમાં વધુ તેઓ નગણ્ય એવા વર્ગો બોલી અને પ્રાદેશિક વિવિધતામાં પોતાનું સ્થાન મેળવે છે. હકીકતમાં તો અર્થના અમર્યાદિત ફલક પર, ધ્વનિના ગૂઢ ઉદ્ગમથી શરૂ કરી સ્થળ અને કાળમાં તેના સાર્વત્રિક પ્રસાર સુધી, માનવ ભાષાઓને અવિચ્છિન ધ્વનિ વિવિધ બોલીઓ રૂપે જોઈ શકાય.
આવી જ રીતે અર્થની પૂર્ણ પરિસીમામાં, સ્થૂળ અને પ્રતીક સંજ્ઞાઓ વડે થતા અર્થવહનની સાપેક્ષે ધ્વનિ-પ્રતીક આધારિત ભાષાને બોલી રૂપે ગણવી જ નહિ.
વધુમાં, વિશ્વની આપણી સમજની પ્રક્રિયામાં થતા સતત વિસ્તાર અને ઊંડાણ એક શક્યતાને ઇંગિત કરે છે : કદાચ આપણા વિકાસક્રમના વર્તમાન તબક્કે, આપણને જણાતું ભાષાતત્ત્વ, ખરેખર તો માનવ ઇન્દ્રિયગમ્ય અર્થતત્ત્વની છેવટની મૂળ શક્યતાઓનો આંશિક ભાગમાત્ર હોય. આથી એક રીતે જોતાં ભાષાને, અનુભવની સમગ્રતાના એક અંશ રૂપે, એક બોલી તરીકે જોવી પડશે. શબ્દો અને લિપિઓ વડે પ્રસ્થાપિત માનવ ભાષાના સમુચ્ચયને હરેક અનુભવ, અર્થ, ધ્વનિસમુચ્ચયની એકાઈ રૂપે, એક બોલી રૂપે જોવી જ રહી. એટલે બોલી હોવાનો અર્થ, કોઈ દ્વારા પાછળ છોડી દેવાનો નથી હોતો, બલકે એનો અર્થ નવોન્મેષની અગ્રેસરતાને (avant-garde) હોય છે.
બોલીની ખરી પ્રકૃતિને કોઈ ત્યારે જ સમજી શકશે જ્યારે એને ભાષા એક જરૂરી ઘટક રૂપે જોશે, નહીં કે એક વિઘટિત થતા અવશેષ રૂપે. ભાષાની તો એ નિયતિ રહેવાની કે એમણે સદા વિકસતા વાસ્તવના અશાંત સંવાદક્ષેત્રે ઉપસ્થિત રહેવાનું તેમ જ અર્થની અણદીઠી સીમાઓ પામવા ‘અગ્રિમ પક્ષ’ રચવાનું. ભાષાઓનાં ઇતિવૃત્તો એવું દર્શાવે છે કે બોલીઓ સાથે રહેવા પરિવર્તિત થવું એ જ ભાષાઓની નિયતિ છે, નહિ કે બોલીઓની. બોલીઓનું પ્રારબ્ધ એ રહ્યું છે કે અર્થની નવી શક્યતાઓની શોધમાં મંડ્યા રહેવું. સાથેસાથ પ્રમાણભૂત ભાષાઓ સાથે, રાજકીય અને ઐતિહાસિક પરિસ્થિતિઓને લીધે ઊભા થયેલા સંબંધોને પણ સાચવવા. બોલીનું કમનસીબ રહ્યું છે કે ચલણમાં રહેવાનું પણ બદનસીબીએ ભાષાની નકલ રૂપે. રૂપકાત્મક રીતે જોતાં, બોલી નવા રચાતા ગ્રહ ફરતે રહેલા નવજાત તત્ત્વ સમાન છે, જેણે પોતાના પરિભ્રમણ પથ પર આવર્તનની અંતિમ સરેરાશ માંડવાની બાકી છે. ભાષાના ગ્રહનું પર્યાવરણ તેની બોલીઓ દ્વારા બંધાય છે. ભાષાઓ, બોલીએ દ્વારા જ પોતાની બહારના વિશ્વ સાથે સતત સંપર્ક જાળવી રાખે છે : એ રીતે તેઓ વૈશ્વિક સંરચનાના સભ્યો બને છે.
હાલ સુધી એવું મનાયું છે કે સબળ સમાજની ‘વર્ગબોલી’, અધિકૃત ભાષાનું માનભર્યું સ્થાન મેળવે છે, જ્યારે ‘નબળા’ લોકોની ભાષા ‘બોલીઓ’ રૂપે પ્રચલિત થાય છે; આ મત ઇંગ્લેન્ડમાં અંગ્રેજી ભાષાના ઇતિહાસને જોતાં સ્થાપિત થયો છે. આ તર્ક પ્રમાણે ચાલતાં રાજકીય રીતે અગ્રેસર લોકો દ્વારા બોલાતી હિન્દી, અત્યાર સુધીમાં અધિકૃત હિન્દી તરીકે સ્થપાઈ ચૂકી હોત અને મરાઠા શાસકોની ‘મરાઠી’ તેનો મુખ્ય પ્રકાર બની ચૂકી હોત, પરંતુ આવું હકીકતમાં નથી. ભારતીય અનુભવના આધારે સૂચવી શકાય કે બોલીવિજ્ઞાનનું પરિશીલન, જરૂરી વૈજ્ઞાનિક આધાર પૂરો પાડતું નથી.
ઉપરાંત એવી સંસ્કૃિતઓ, જ્યાં રાજકીય વર્ચસ્વ ધરાવતો વર્ગ ‘ગેરવતની’ ભાષાનો પ્રયોગ કરતો હોય અને જ્યાં સાંસ્કૃિતક પ્રભુત્વ ધરાવતો વર્ગ ‘એકભાષીય’ ન રહ્યો હોય, ત્યાં બોલીઓના વિષય અંગે શરૂઆતથી પુનર્વિચાર કરવો પડશે. જો આપણે આ વાંધાજનક સમીકરણ બાજુ પર મૂકી એવું સ્વીકારીને ચાલીએ કે અનુભવના અનંતપણે ફેલાતા વિશ્વને બુદ્ધિગ્રાહ્ય બનાવવા માટે ભાષા એક ‘માધ્યમ’ છે, તો અનુસંધાન એ થશે કે બોલીઓ(અથવા ગૌણ ભાષાઓ)નું ભાષા-સંદર્ભ-અર્થની આત્માનુભૂતિની પ્રક્રિયામાં અદકેરું મહત્ત્વ છે. આ પ્રક્રિયામાં, નૂતન સંવેદનોનું, પ્રાચીન સ્મૃિતઓ સાથે અર્થપૂર્ણ સાયુજ્ય રચવું ખૂબ જ જરૂરી બની જાય છે. ‘સાયુજ્ય’ રચવામાં બોલીઓ, પોતાનું અસ્તિત્વ અને અસ્મિતા દાવ પર લગાવે છે અને જે-તે ભાષાને અભિવ્યક્તિની સમૃદ્ધ સંવેદનશીલતા, દક્ષતા બક્ષે છે.
બોલીઓ વિના ભાષા, અર્થવિહોણા રૂઢ થયેલા પુરાણા શબ્દોનો ગંજમાત્ર બની રહેશે. આવી પરિસ્થિતિમાં શબ્દો અજ્ઞેય અને અસંજ્ઞાત પદાર્થોમાત્ર બની રહેશે. શકય છે એવી ભાષા વૈયાકરણિક શુદ્ધતાના જોરે ગણિતના જેવી પરિપૂર્ણ અમૂર્તતાનું સામર્થ્ય કેળવે, પરંતુ એમાંનું ધ્વનિ-ચિહ્ન એટલું તો વ્યક્તિ-નિરપેક્ષ હશે કે એવા ‘જીવ’, ઉપભોક્તાને પોતાની જીવંત ચેતના સાથે સમૂળગા અલગ-અલગ કરી નાખશે. ભાષાને પોતાનું અસ્મિતાપૂર્ણ અસ્તિત્વ હોવું જ જોઈએ. માનવીઓ ભાષાનો ભાર ત્યાં લગી જ વેઠશે, જ્યાં લગી તેમને પોતાની ભાષા સાથેના સંબંધનો ગર્વ હશે.
સદીઓ સુધી યુરોપિય ભાષાવિદોએ આદિમ ભાષાના સ્રોતનો તાગ મેળવવા પ્રયત્નો આદર્યા. આ પ્રયત્નોની પૃષ્ઠભૂમિમાં બેબલના ટાવરનું મિથ હતું, જેમાં એક કાલ્પનિક મૂળભાષા, સમય જતાં અસંખ્ય અનુકરણોમાં પરિણમી. ‘પતિત’ બોલીઓ, શુદ્ધ ભાષાના પૃષ્ઠભાગ રૂપે ખરી રીતે તો ઊર્જા છે, જેણે ભારતીય ભાષા પ્રવાહોને વહેતા રાખ્યા છે. વહેણના આ રૂપકને આગળ વધારતાં એમ કહી શકાય કે કહેવાતી મુખ્ય ભાષાઓ, આ વહેણના કિનારા છે; બોલી સ્વયં વહેણ છે અને આ વહેણને પ્રવાહિત રાખવું, એટલું તો ઓછામાં ઓછું આપણે સૌએ કરવું જ રહ્યું.
ઉપેક્ષિત અવાજો
સંસ્થાનવાદના સમય પૂર્વે ભાષાની જ્ઞાનમીમાંસામાં ‘અધિકૃત’ અને ‘બોલી’ જેવી સંજ્ઞાઓ પ્રચલિત ન હતી. ભાષાવૈવિધ્ય જીવનની એક સહજ સ્વીકૃત હયાતી હતી. સાહિત્યકાર પોતાની એક રચનામાં અનેકવિધ ભાષા પ્રયોજી શકતા. તેમનો વાચકવર્ગ આવાં લખાણને સહજપણે અપનાવતો. વીસમી સદીના પૂર્વાર્ધ સુધી, ‘મહાભારત’ જેવું ઉત્કૃષ્ટ મહાકાવ્ય, વિવિધ ભાષાઓમાંથી ઊતરતાં અનેકવિધ વૃત્તાંત-સ્વરૂપો રૂપે મળતું રહ્યું. સાહિત્યના વિવેચકોએ સિદ્ધાંતો ઘડ્યા ત્યારે તેમણે જુદી-જુદી ભાષાઓમાં લખાતા સાહિત્યની પણ નોંધ લીધી. માતંગનો મધ્યયુગીન શૈલી-સંગ્રહગ્રંથ ‘બૃહદ દેશી’ વિવેચનનું અપ્રતિમ ઉદાહરણ છે એ ભાષા વૈવિધ્યને સહજતાથી અપનાવતા સિદ્ધાંતમાંથી નિષ્પન્ન થાય છે. સામ્રાજ્યવાદી કાળમાં ભારતની મોટા ભાગની ભાષાઓ યાંત્રિક મુદ્રણ હેઠળ લવાઈ. એ પહેલાંના સમયમાં હસ્તલેખનનો પ્રસાર હતો. ઘણી લિપિઓમાં લેખનકાર્ય સંપન્ન થતું. હસ્તલિખિત ગ્રંથોના પ્રકાશન માટે કાગળનો પણ ઉપયોગ થયો. આમ ‘લેખિત‘ સ્વરૂપે પ્રાપ્ય હોવા છતાં ગ્રંથ મુખ્યત્વે મૌખિક માધ્યમથી જ વધુ પ્રસારિત થતા.
યાંત્રિક મુદ્રણકળાએ વિદ્યમાન મૌખિક પરંપરાનો હ્રાસ કર્યો. સાહિત્યનાં નવાં ધોરણો આવિષ્કાર પામ્યાં. જેમાં ‘મૌખિક’ની તુલનાએ લેખિતની મહત્તા વધુ અંકાઈ. એથી એવો વિચાર અપનાવાયો કે સાહિત્યકૃતિએ એકભાષીય હોવું અત્યંત આવશ્યક છે. આવા વિચારો, શાસનકાળ દરમિયાન પ્રવર્તતાં આવાં શક્તિમૂલક સમીકરણોએ ભારતની ભાષાઓના સમગ્ર જૂથને ક્રમશ: અસર કરવાનું શરૂ કર્યું. જે ભાષાઓને મુદ્રણ તકનિકી અંતર્ગત સમાવાઈ નહિ એવી ભાષાઓને ‘ઉતરતી’ ભાષા ગણાવવામાં આવી. સ્વાતંત્ર્ય બાદ ભારતમાં રાજ્યોની રચના ભાષાને આધારે થઈ, જે ‘ભાષાકીય રાજ્યો’ તરીકે હાલ ઓળખાય છે. જે ભાષાને લિપિ હતી અને જ્યાં મુદ્રિત સાહિત્ય હતું એવી ભાષાને સ્વાતંત્ર્યોત્તર ભારતમાં, અલગ રાજ્યરૂપે ‘ચોક્કસ ભૌગોલિક વિસ્તાર‘ આપવામાં આવ્યો. જેમાં મુદ્રિત સાહિત્ય ન હતું, છતાં મૌખિક પરંપરા સમૃદ્ધ હતી તેવી ભાષાઓને ‘રાજ્યો’ પ્રાપ્ત થયાં નહિ. વળી, પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણના માધ્યમ રૂપે રાજ્યની ‘અધિકૃત ભાષાનો’ ઉપયોગ કરાયો. એવી જ રીતે, એક વિશેષ ભાષા અનુસૂચિ (8મી અનુસૂચિ) ભારતીય બંધારણ અંતર્ગત ઘડવામાં આવી. એમાં શરૂઆતમાં 14 ભાષાઓની સૂચિ હતી. વર્તમાનમાં 22 ભાષાઓ સમાવિષ્ટ છે. સરકાર માટે શિક્ષણ સંબંધી સઘળો ખર્ચ આ બધી ભાષાઓ માટે કરવાનું ફરજિયાત બન્યું.
ભારતની 1961ની વસ્તીગણતરી મુજબ 1652 ‘માતૃ-ભાષા’ઓની યાદી તૈયાર થઈ. ત્યાર પછીની વસ્તીગણતરી(1971)ના અહેવાલ મુજબ આંકડાઓ નોંધપાત્ર રીતે ઘટ્યા. 10,000થી વધારે લોકો દ્વારા બોલાતી માત્ર 108 ભાષાઓ જ અધિકૃત રીતે માન્ય રખાઈ. આમ આશરે 1950 ‘માતૃભાષાઓ’ ભાષાની બહાર કરી દેવામાં આવી. એમાં મોટા ભાગની વિચરતી જનજાતિઓ અને આદિવાસીઓ દ્વારા બોલાતી ભાષા છે. એમાંની બહુધા વિલુપ્ત ન થઈ હોય, પણ ઝડપથી એ દિશામાં ધસી રહી છે. ભારતીય ભાષાવર્ણપટ પરના આવા ‘હાંસિયા’ જે મુખ્યત્વે આદિવાસી અને વિચરતી જાતિઓના બનેલા છે, એ વ્યવસ્થિત રીતે આરોપિત ‘વાચાઘાત’(aphasia)ને લીધે-હડસેલાઈ ગયેલા છે. ‘ભારત ભાષા લોક સર્વેક્ષણ’ એ ભારતીય લોકોનો, પોતાના ’અવાજો’ નોંધાવવાનો એક સામૂહિક પ્રયત્ન છે. ગ્રિઅર્સનના ‘સર્વે’ની આ અનુકૃતિ નથી કે નહિ તેની ફેરબદલ અથવા અવેજી. પેલી મોજણીઓની સફળતા માટેનાં ધોરણો અલગ હતાં. ‘ભારત ભાષા લોક-સર્વેક્ષણ’ એક અનૌપચારિક પ્રયાસ છે. એ જગત સમક્ષ ભારતના અનુપમ ભાષાવૈભવને ઉજાગર કરવા ચાહે છે. એના અનુસંધાને જગતની અન્ય ભાષાઓને પણ આવરવા ચાહે છે, જેથી વિશ્વના જૈવસ્તરને જીવંત રાખવા, ભારતને લાંબી અને મુશ્કેલ લડત બાદ હાસલ થઈ છે એ લોકશાહીનું જતન કરવાનો ઉદ્દેશ સાધી શકાય.
કઈ-કઈ ભાષાઓ ‘વાચાઘાત’(aphasia)ની પરિસ્થિતિની ખૂબ નજદીક પહોંચી છે, કઈ ભાષાઓ ચોક્કસપણે એ દિશામાં આગળ વધી રહી છે અને કઈ ભાષાઓ માત્ર એક સહજ ભાષાકીય સ્થળાંતરની પ્રક્રિયામાં પસાર થઈ છે, એવું નક્કી કરવાનું કામ ખરેખર ખૂબ જ દુષ્કર છે. એવું કહેવું અયોગ્ય નહિ ઠરે કે સૂચિત હેતુ સાધવા આપણી પાસે ઉપલબ્ધ ‘ભાષાકીય માહિતી’ હાલ પર્યાપ્ત નથી.
વિચરતી વસ્તીઓનો બહોળો ભાગ ધરાવતા દેશોમાં વસ્તીગણતરીના પ્રયાસો કેટલા સંકુલ હોઈ શકે, ખાસ તો સાક્ષરતા સ્તર પર અવલંબિત વસ્તીગણતરીની ચોકસાઈ ધ્યાનમાં લેતાં. આપણને એ વાતનું આશ્ચર્ય નહિ થાય કે આજ સુધી એકત્રિત માહિતી અપૂરતી, મર્યાદિત રહે છે. આમ છતાં, આશ્ચર્ય એ વાતનું છે કે કુલ મળીને 310 જેટલી ભાષાઓ – જેમાં કુલ પાંચથી ઓછી વ્યક્તિઓ દ્વારા બોલાતી 263 જેટલી ભાષા અને 1000થી ઓછા લોકો દ્વારા બોલાતી 47 અન્ય ભાષા વિલુપ્તિના આરે આવી ચૂકી હોવી જોઈએ. 1961ની વસ્તીગણતરીમાં સૂચિત 1652 ‘માતૃભાષાઓ’માંથી કુલ આવી 310 ભાષાઓ ‘ભયજનક‘ શ્રેણીમાં આવી. અલબત્ત આ વસ્તીગણતરીમાં કેવા પ્રકારની કાર્યપદ્ધતિનો ઉપયોગ થયો છે એ વિવાદાસ્પદ છે. બીજા શબ્દોમાં કહીએ તો, પાછલાં પચાસ વર્ષોમાં ભારતના ભાષાના વારસાનો પાંચમો ભાગ કાયમ માટે લુપ્ત થવાના આરે છે. વધુમાં, પાછલી ત્રણ વસ્તીગણતરીઓમાં મોજણી માટે પ્રયોજેલ પદ્ધતિઓ, માહિતીમાં નવા આંકડાકીય ઘટાડાને નજર અંદાજ કરવાનો પણ અવકાશ આપે છે. આશંકા એ વાતની રહે છે કે આવી પરિસ્થિતિ માત્ર એક જ દેશની નહિ હોય. શક્ય છે, વાસ્તવમાં વિશ્વના અનેક દેશોમાં આવી સ્થિતિ હોય, કારણ કે એક દેશમાં ભાષાના પતન માટે જવાબદાર પરિબળો, વિશ્વના અન્ય દેશની આધુનિકતાના સંદર્ભે પણ રચતા હોય.
ભારતમાં વર્તાતો ભાષાનો લોપ ફકત ‘અલ્પસંખ્યક’ અને ‘અવર્ગીકૃત બોલીઓ’ પૂરતો જ સીમિત નથી. એવી ‘બહુસંખ્યક’ ભાષાઓ પણ છે જેમાં સાહિત્યની લાંબી
પરંપરાઓ, કાલ્પનિક તથા તત્ત્વચિંતનને લગતાં લખાણોનો સમૃદ્ધ વારસો હોય, એ ભાષા પણ લુપ્ત થવાની અસરો હેઠળ છે. ભાષાસમુદાયોમાં ‘બહુસંખ્યક’ સાહિત્યિક ભાષાઓ – ગુજરાતી, કન્નડ અને ઓરિયાને ‘માતૃભાષા’ તરીકે ગણાવવામાં આવે છે, એમાં હાલની યુવાપેઢીને આ ભાષાઓના લેખિત વારસાનો અલ્પ અથવા બિલકુલ સંપર્ક રહ્યો નથી. જ્યારે ‘માતૃભાષી’ હોવાને લીધે આ ભાષાઓ ‘બોલવામાં’ તો સક્ષમ છે જ. ભાષાની આવી પરિસ્થિતિને ‘ભાષાની આંશિક પ્રાપ્તિ’ની સ્થિતિ ગણી શકાય, કેમ કે શિક્ષણની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરનારો સાક્ષર પોતાની ‘માતૃભાષા’ સિવાયની અન્ય ભાષા વાંચવા-લખવા અને બોલવા સક્ષમ છે. અહીં વક્રતા એ છે, કે ભાષાને પોતાની ‘માતૃભાષા’ તરીકે ઠેરવે છે એને આ સાક્ષર ફક્ત બોલી જ જાણે છે; પણ લખી શકતો નથી.
ભાષાની વિરાસતમાં જોવા મળતો ભાષાનો લોપ, ભાષાકીય, પરિવર્તનો અને પતન માટે ભાષાનાં સંરચનાત્મક પરિબળોને જ દોષ આપી શકાય નહીં. અહીં ઉદાહરણાર્થ બંધારણની સૈદ્ધાંતિક જોગવાઈ, કલમ 347, પ્રસ્તુત છે જે આ મુજબ છે :
રાષ્ટ્રપતિશ્રી જો એવી લોકમાગણીથી સંતુષ્ટ હોય કે રાજ્યની કુલ વસ્તીના મોટા ભાગના લોકો દ્વારા વપરાશમાં બોલાતી કોઈ પણ ભાષા રાજ્ય દ્વારા માન્ય ઠરે, તો તે સબબ રાષ્ટ્રપતિ એવો નિર્દેશ કરી શકે કે સમગ્ર રાજ્યમાં અથવા તો રાજ્યના કોઈ વિસ્તારમાં, તેઓશ્રી દ્વારા ઠેરવેલ હેતુ અર્થે તેવી ભાષાને સત્તાવાર રૂપે માન્યતા આપી શકાય.
અહીં બીજાં થોડાંક પણ વધારે ચિંતા ઉપજાનારાં પરિબળો જોવા મળે છે. આ પરિબળોમાં મુખ્ય છે ઝડપથી સ્વીકૃત વિશ્વનો વિકાસ વિમર્શ. હવે ભારતમાં અને સાથે એશિયાના અને આફ્રિકાના અન્ય દેશોમાં જોઈ શકાય છે હાલનાં માતા-પિતા બાળકોને અંગ્રેજી, ફ્રેંચ અથવા સ્પેિનશ માધ્યમમાં ભણાવવાની ઇચ્છા-અપેક્ષા રાખે છે. આ ભાષા ‘ઉત્પાદક શ્રમના આંતરરાષ્ટ્રીય બજારમાં’, એમનાં બાળકો યુવાન થશે ત્યારે વધારે સ્પષ્ટ દેખાશે. આ પ્રકારની અભિલાષાએ શાળા-અભ્યાસની પ્રણાલિકાને અસર કરી. આંતરરાષ્ટ્રીય ભાષાઓના માધ્યમમાં અપાતા શિક્ષણની તરફેણ, વિશ્વમાં પહેલાંના કોઈ પણ સમયમાં જોવાઈ ન હતી.
ઓગણીસમી સદીનાં શરૂઆતનાં વર્ષોમાં ભારતના સામાજિક સુધારાની ચળવળના કેન્દ્રબિંદુએ એક રસપ્રદ વિવાદ જાગ્યો. એ અરસામાં બંગાળી બૌદ્ધિકોએ અંગ્રેજી ભાષાના માધ્યમમાં શિક્ષણ આપવા સતત માગણીઓ કરી. એ વખતે એક અંગ્રેજ અફસર, માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટને કહ્યું કે શાળામાં ‘ભારતીય ભાષાઓ’ વધુ આવકાર્ય છે. આ વિવાદનો અંત સને 1835ની સાલમાં આવ્યો. લોર્ડ મેકૉલની ‘મિનિટ્સ ઓન એજ્યુકેશન’ અનુસાર ભારતમાં શિક્ષણનું માધ્યમ અંગ્રેજી રાખવાનું ઠેરવ્યું. આ મતનું ત્યારબાદ તુરત જ વુડના ‘ડિસ્પેચ’ દ્વારા અનુમોદન થયું. ખાસ તો ત્યાર પછી આધુનિક ભારતીય ભાષાઓનાં સાહિત્યોએ ઉલ્લેખનીય સર્જનશીલતાનો પરિચય કરાવ્યો. અહીંના ઉપરોક્ત કથનનો સહેજ પણ એવો આશય નથી કે નાના વિદ્યાર્થીઓ માટે ‘માતૃભાષા’ સૌથી યોગ્ય માધ્યમ છે. હું ફક્ત આ તથ્ય તરફ ધ્યાન દોરવા માગું છું કે માતૃભાષામાં ભણતરની સુલભતાનો અભાવ, એ માનવ સર્જનશીલતાના ધ્વંસ માટેનું પર્યાપ્ત સાંસ્કૃિતક પરિબળ છે – સૌથી મહત્ત્વપૂર્ણ ચિંતાજનક પરિસ્થિતિ અહીં એ છે કે એથી એવા અભાવમાં જીવતા સમુદાયની જીવન ટકાવવાની કોઈ આશા નથી.
એક ભાષા બોલતો સમુદાય એવું માનવા લાગે કે અન્ય ભાષાના માધ્યમમાં મેળવેલ શિક્ષણ એ જ તેમના જીવનનિર્વાહ માટેનો એકમાત્ર માર્ગ છે, ત્યારે તે સમુદાય નવી ભાષા પરિસ્થિતિને અનુકૂળ થવાનું શરૂ કરે છે. આથી એવું માનવું શું ઉચિત રહેશે કે સાંપ્રત જગતના પ્રભાવી વિકાસવિમર્શમાં જ કંઈક એવું અંતરંગ તત્ત્વ છે, જે વિશ્વની ભાષાઓના વારસાને કમજોર કરવા ચાહે છે, અથવા તો આ પ્રકારની ‘ભાષાહત્યા’ કરવા માગે છે? જો એવી જ બાબત હોય તો માનવભાષાઓનું ભવિષ્ય ભયાવહ છે. એવા સમુદાયો જે સ્થાનિક કે રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં લઘુમતી બનીને રહી ગયા છે; એમની પોતાનાં હિતો મુખરિત કરવાની શક્તિ જ છીનવી લેવાઈ છે. આ બધાં જ દેખીતી રીતે, ‘ભાષાહત્યા’ની અગ્રિમ પંક્તિમાં ગોઠવાઈ ચૂક્યાં છે.
ભારતમાં વૈશ્વિક સ્તરનું શિક્ષણ મેળવવું એ વાલીઓની ફરજ અને સંતાનનો અધિકાર છે. રાજ્ય સરકાર દ્વારા અનુદાનથી ચાલતું શાળાનું ભણતર લગભગ નિઃશુલ્ક હોય છે. ઘણા ગરીબ લોકોને પણ પરવડે એવું હોય છે. એમાં બાળકો માટે મધ્યાહ્ન ભોજનની પણ જોગવાઈ છે, જેથી ખોરાકને લગતી અસુરક્ષિતતા બાળકોને વર્ગખંડોની બહાર ખેંચી ન જાય. સંઘ સરકાર અને રાજ્ય સરકાર શાળાકીય શિક્ષણને પોતાની પ્રાથમિક જવાબદારી ગણી તેનું વહન કરે છે. બાળ-મજૂરી અધિકૃતપણે ગેરકાયદે ઠેરવાઈ છે. ઘણાં રાજ્યોમાં સ્ત્રીઓ માટે ઉચ્ચ અભ્યાસ નિઃશુલ્ક કરાયો છે. અનુસૂચિત જાતિ-જનજાતિ અને અન્ય પછાત વર્ગોનાં બાળકો માટે શૈક્ષણિક આરક્ષણની જોગવાઈ પણ કરાયેલી છે. ભારત દેશ તેની પ્રાથમિક શાળાનું સંચાલન 50 જેટલી ભારતીય ભાષાઓ અને બીજી અનેક વિદેશી ભાષાઓમાં કરે છે. પ્રૌઢ સાક્ષરતા અને બિનપરંપરાગત અભ્યાસને સતત પ્રોત્સાહિત કરાય છે. આ બધી બંધારણીય બાંયધરીઓ છે, જે શૈક્ષણિક કાર્યક્રમોના ભાગરૂપે બધી અનુસૂચિત ભાષાઓના પ્રસાર અર્થે છે.
આવા પ્રયત્નો છતાં ય ઘણી ઉપેક્ષિત ભાષાઓ અને અમુક ‘બહુસંખ્યક’ ભાષાઓ પોતાની સંભાળ પરત્વે સમજી ન શકાય એવી ઉદાસીનતા સેવે છે. કલ્પી ન શકાય એટલી મોટી સંખ્યામાં બાળકો, એવી શાળાઓમાં પ્રવેશ મેળવી રહ્યાં છે જેમાં શુલ્ક અતિ ભારે હોય છે, માધ્યમ અંગ્રેજી હોય છે. બાળક ભારતીય ભાષાના માધ્યમમાં અપાતા શિક્ષણ ધરાવતી શાળામાં પ્રવેશ મેળવે છે ત્યારે એને સામાજિક અધ:પતનની શરૂઆત રૂપે જોવામાં આવે છે. આવા સંજોગોમાં, જેને માટે વિશેષ પ્રયત્નોની જરૂર છે એવી ભાષાઓનું જતન કરવું સાચે જ એક વિકટ કાર્ય છે. આ કાર્ય ‘સંરચનાત્મક’ ફેરફારો માત્ર કરવાથી હાંસલ થઈ શકે તેમ નથી. ભાષાઓનું સંરક્ષણ અને સંવર્ધન પ્રાચીન વસ્તુઓની જાળવણી કરતાં અલગ છે. ભાષા એક સામાજિક વ્યવસ્થા હોવાના નાતે, વિષયમૂલક તટસ્થ અસ્તિત્વ ધરાવતી હોવાથી, એનાં ‘શબ્દકોશ’ અને ‘વ્યાકરણો’ તૈયાર કરી શકાય. ભાષા લિપ્યંતર, જોડણીકોશ તથા નકલ અથવા ટેપરેકોર્ડર પર ધ્વનિ-અંકન કરીને તેને કોઈ ‘દસ્તાવેજ’ કે ‘પદાર્થ’ની જેમ સાચવી શકાય, પરંતુ વસ્તુત: ભાષાનું, માનવ ચેતનાથી અલગ સ્વતંત્રપણે પોતાનું કોઈ જ અસ્તિત્વ હોતું નથી. આથી જે તે ભાષાઓની જાળવણી માટે, તે તે ભાષાને ચલણમાં લાવતા ‘સમુદાય’ની જાળવણી પણ સાથોસાથ અતિ આવશ્યક બને છે.
ચોક્કસ સમુદાયની સામૂહિક ચેતના અને તે ચેતનાને ભાષિક કરવા પ્રયોજાતી ભાષા – આ બન્ને વચ્ચે જે છે તે સમુદાયની ‘વિશ્વદૃષ્ટિ’. ભાષાનું જતન એટલે ભાષા સંરક્ષણમાં જે તે સમુદાયની ‘વિશ્વદૃષ્ટિ’નું સન્માન સામેલ છે. માનવીઓનું ભાગ્ય પૃથ્વી સાથે સંકળાયેલું છે. પૃથ્વીને, એના પર આપણી માલિકીનો દાવો કરીને દૂભવી શકાય નહીં – એવું માનતા ‘સમુદાયની’ ભાષાનું સંવર્ધન અત્યારે અશક્ય બની રહ્યું છે. રાજકીય કલ્પનોનું આદાનપ્રદાન કરવા આમંત્રીએ છીએ ત્યારે એક આખો એવો સમુદાય છે જે વિકાસના ઓછાયા હેઠળ પૃથ્વીની નૈસર્ગિક સંપત્તિની લૂંટમાં વિશ્વાસ રાખે છે. આવી પરિસ્થિતિમાં ‘સમુદાય’ પાસે બે વિકલ્પો હશે : એક, તે કહેવાતી ‘સ્વપ્નભૂમિ’ને તિરસ્કૃત કરે જે કુદરતી સ્રોતોને માનવાધિકાર ગણાવી, છેવટે એ કુદરતી સંપત્તિને સંપૂર્ણપણે વ્યાપારિકરણમાં તબદીલ કરવા અનુમતી આપે. અથવા આવા ‘જીવનદર્શન’નો પરિત્યાગ કરે અને એવા ‘જીવનદર્શન’માં બાંધતી જે-તે ‘ભાષા વ્યવસ્થામાંથી’ પોતે જ બહાર આવી જાય.
વિશ્વભરમાં ભાષાઓની સ્થિતિ-પરિસ્થિતિ ખરેખર અનિશ્ચિત થઈ ગઈ છે. અનિશ્ચિત ભાષાઓમાં મુખ્યત્વે સમાવેશ થાય છે આદિવાસીઓની નદીકિનારે, પર્વતો ઉપર રહેતા સમુદાયોની ભાષાઓ. આ ઉપરાંત ઉપેક્ષિત અને લઘુમતી સમુદાયો અને સંસ્કૃિતઓ બહારના અજાણ્યા સાંસ્કૃિતક પ્રભાવને સતત સહેતા આવ્યા છે. આવામાં ચેતવણીનો સૂર ઉઠાવવાનો સમય હવે સહેજે નથી. છતાં એથી એક અભિલાષા સેવવામાં આવશે કે શાસનતંત્ર પર આવો બોજો અને જવાબદારી સોંપીને પણ, આ કાર્યને અલ્પ તો અલ્પમાત્રામાં લેનારું ‘મિશન’ આગળ ધપાવવું જ પડશે. એમાં જાતની સાથે દેશ અને રાજ્યોની અથવા સ્વતંત્ર વિવિધ કાર્યકારી સંસ્થાઓની અથવા સભ્ય સમાજના ઘટકો : વિશ્વવિદ્યાલયો, સાહિત્યિક અને ભાષાકીય સંસ્થાઓ, સદ્ભાવી સમાજો અને મંડળીઓ, બિનસરકારી સંગઠનો, વૈયક્તિક વિદ્વજ્જનો, સંશોધકો, કાર્યકર્તાઓ વગેરેનો સહકાર જરૂરી છે. ક્ષીણ થતી ભાષાઓમાં નવા પાઠોનું સર્જન, શબ્દકોશ, શબ્દસૂચિ અને વ્યાકરણનું પ્રકાશન ઉપયોગી પુરવાર થાય, એવી જ રીતે દસ્તાવેજીકરણ, સંગ્રહીકરણ અને અભિલેખન થોડાંક ઉપયોગી બને. ખાસ તો ભાષાને જીવંત રાખવાની આશા-અપેક્ષા હોય તો હાંસિયાના ભાષા સમુદાયોને ગૌરવ અને સન્માન આપવાની જરૂર છે, જેના તેઓ અધિકારી પણ છે. આ સન્માન એમને ‘નૃવંશવિદ્યાકીય’ સ્વરૂપે કે પછી ‘સ્વની આદિમ અને અલ્પવિકસિત આંશિક નિશાની’ રૂપે અભિપ્રેત ન હોઈ શકે, પરંતુ તેઓ ‘પોતે જે સ્વરૂપે છે’ એ માટે જ સન્માનના યથાર્થ અધિકારી છે.
એક જાતિસમૂહને એક ભાષાનું નિર્માણ કરતાં સદીઓ લાગે છે. માનવસમૂહો દ્વારા નિર્મિત બધી જ ભાષાઓ આપણો સામૂહિક સાંસ્કૃિતક વારસો છે. આથી આપણી સૌની સામૂહિક જવાબદારી છે કે વર્તમાન સમયમાં ફેલાતી વૈશ્વિક ‘ભાષાહત્યા’ની આ પીડા ભવિષ્યમાં કોઈને પણ ભોગવવી ન પડે.
સૌજન્ય : “સાહચર્ય”, વાર્ષિકી : 2014; પૃ. 07-19