સાંદિપની ઋષિ સુરગુરુ સરખા અધ્યાપક અનંત,
તેને મઠ ભણવાને આવ્યા હળધર ને ભગવંત.
તેની નિશાળે ઋષિ સુદામો વડો વિદ્યાર્થી કહાવે,
પાટી લખી દેખાડવા રામ-કૃષ્ણ સુદામા પાસે આવે.
એટલે કે જ્યાં એક વડો વિદ્યાર્થી શિક્ષકના સહાયક તરીકે કામ કરતો હોય, જ્યાં છોકરાઓ પાટી પર લખતાં શીખતા હોય, અને પોતે લખેલું વડા વિદ્યાર્થીને બતાવતા હોય એવી નિશાળો કૃષ્ણ-સુદામાના જમાનામાં હોય કે ન હોય, પણ પ્રેમાનંદના જમાનાના ગુજરાતમાં તો હતી જ. અલબત્ત, ૧૯મી સદીમાં તેમાં સાંદિપની ઋષિ જેવા ‘અધ્યાપક અનંત’ ભાગ્યે જ ભણાવતા. થોડું ગણી, લખી, વાંચી શકતા હોય તેવા બ્રાહ્મણો તેમાં ઉપલા વર્ણના છોકરાઓને ભણાવતા. ઓગણીસમી સદીની પહેલી બે પચ્ચીસી સુધી આવી નિશાળો બોમ્બે પ્રેસિડેન્સીનાં શહેરોમાં અને કેટલાંક ગામડાઓમાં ફેલાયેલી હતી. અલબત્ત, બીજી પચ્ચીસીની શરૂઆતથી ધીમે ધીમે બ્રિટીશ પદ્ધતિથી શિક્ષણ આપતી સ્કૂલોએ તેમનું સ્થાન લેવા માંડ્યું.
આપણે ત્યાં એક એવી માન્યતા ઘર કરી ગઈ છે કે અંગ્રેજોએ આપણા દેશમાં આવીને ગુલામ જેવા કારકૂનો પેદા કરવા માટે બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ દાખલ કર્યું. એટલું જ નહીં, આપણે ત્યાં પરંપરાગત રીતે શિક્ષણ આપતી જે નિશાળો હતી તેનો મૃત્યુઘંટ તેમણે વગાડ્યો. પણ વાત આટલી સીધી સાદી નથી. બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપવાનું શરૂ કર્યું, લગભગ તે જ વખતે બોમ્બે પ્રેસિડેન્સીની સરકારે આખા ઈલાકામાંની પરંપરાગત રીતે શિક્ષણ આપતી નિશાળોની મોજણી કરાવી હતી અને એ પ્રકારની નવી નિશાળો ખોલવી જોઈએ કે નહીં, ખોલીએ તો કેટલો ખર્ચ થાય, એ ખર્ચને કઈ રીતે પહોંચી શકાય, એને માટે કેટલા શિક્ષકો જોઈએ, વગેરે બાબતોનો વિચાર કર્યો હતો. ધ સેક્રેટરી ટુ ધ ગવર્નમેન્ટ ઓફ બોમ્બે મિસ્ટર ફેરિશે એક પ્રશ્નાવલી તૈયાર કરીને ૧૮૨૪ના માર્ચની ૧૦મી તારીખે રાજ્યના દરેક જિલ્લાના કલેકટર અને જજને મોકલી આપી. તેમાંના દસ પ્રશ્નોના જવાબ તેમણે લખી મોકલવાના હતા, વહેલામાં વહેલી તકે. અને ખરેખર આ અંગ્રેજ અધિકારીઓએ બને તેટલી ત્વરાથી જવાબો મોકલ્યા. એટલે ૧૮૨૫ના માર્ચની દસમી તારીખે તો અહેવાલ તૈયાર થઈ ગયો અને મિ. ફેરિશે તે સરકારને સુપરત પણ કરી દીધો – માત્ર એક જ વર્ષના ગાળામાં. મુસાફરી અને સંદેશ વ્યવહારનાં એ વખતનાં ટાંચાં સાધનોને જોતાં આ કામ ઝડપથી થયું ગણાય.
આ અહેવાલમાંની કેટલીયે વિગતો જાણવામાં આજે ય આપણને રસ પડે તેમ છે. જેમ કે સુરત જિલ્લામાં ૬૫૬ ગામ હતાં પણ નિશાળોની સંખ્યા હતી ફક્ત ૧૩૯ અને તેમાં ભણતા છોકરાઓની સંખ્યા હતી ૩,૨૨૩. જ્યારે ભરૂચના પાંચ કસબામાં કુલ ૧૩ નિશાળ હતી જેમાંની છ તો જંબુસરમાં હતી. આ નિશાળોમાં જ્યારે છોકરો ભણવા બેસે ત્યારે માસ્તરને બે પાવલી – આજના ૫૦ પૈસાની દક્ષિણા આપવામાં આવતી. છોકરાને ઊંધી થાળી પર લખતાં શીખવવાનું શરૂ થાય ત્યારે માસ્તરને દક્ષિણામાં એક રૂપિયો મળતો અને અભ્યાસ પૂરો કરીને છોકરો નિશાળ છોડે ત્યારે માસ્તરને બેથી પાંચ રૂપિયાની દક્ષિણા મળતી. આ રોકડા રૂપિયા ઉપરાંત રોજેરોજ જ્યારે છોકરો ભણવા જાય ત્યારે મૂઠી – બે મૂઠી અનાજ માસ્તર માટે લઈ જતો. બ્રાહ્મણના છોકરાઓએ માસ્તરને દક્ષિણારૂપે કશું જ આપવાનું રહેતું નહોતું. અમદાવાદના કલેકટરે મોકલેલા રિપોર્ટમાં જણાવેલું કે અમદાવાદ કલેકટરેટમાં કુલ ૯૨૮ ગામડાં છે જેમાંથી ફક્ત ૪૯ ગામડામાં નિશાળો છે અને તેમાં કુલ ૨,૯૭૩ વિદ્યાર્થીઓ ભણે છે. પણ તેમાંના ૧,૩૩૩ છોકરાઓ તો અમદાવાદ શહેરમાં આવેલી ૨૧ નિશાળોમાં ભણતા હતા. અમદાવાદ કલેકટરેટની સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓમાં સૌથી મોટી સંખ્યા ૧,૦૮૦ – વાણિયાઓની હતી. બીજે નંબર ૫૨૪ કણબી વિદ્યાર્થીઓ હતા, જ્યારે બ્રાહ્મણ વિદ્યાર્થીઓની સંખ્યા ૪૦૮ની હતી. મુસ્લિમ છોકરાઓની સંખ્યા હતી માત્ર ૬૪. અમદાવાદ કલેકટરેટની નિશાળોના અભ્યાસક્રમની જે માહિતી આપી છે તે જોતાં જણાય છે કે અંકગણિત અને લિપિલેખન સિવાય બીજું કશું શીખવાતું નહોતું. શીખવવા માટે છાપેલાં પુસ્તકો બિલકુલ વપરાતાં નહીં. અંક ગણિતમાં પણ પહેલાં એકથી સો સુધીના આંકડા ગોખાવવામાં આવતા અને પછી અંક લેખન શીખવાતું. ત્રીસ સુધીના આંક ઉપરાંત પા, અડધા, પોણાના આંક પણ ગોખાવતા. આ ઉપરાંત તોલમાપ, લંબાઈ, વજન વગેરેની માહિતી અપાતી. આટલું ભણી રહે પછી નિશાળ છોડતાં પહેલાં વિદ્યાર્થીને નીતિ અને ધર્મના થોડા પાઠ ભણાવતા.
આખી બોમ્બે પ્રેસિડેન્સીની વાત કરીએ તો શહેરો અને ગામડાંઓમાં બધું મળીને કુલ ૧,૭૦૫ નિશાળો હતી જેમાં કુલ ૩૫,૧૫૩ છોકરા ભણતા હતા. એ વખતે બોમ્બે પ્રેસિડેન્સીની કુલ વસ્તી લગભગ ૪૭ લાખની હતી. એટલે કે દર ૧૩૩ વ્યક્તિમાંથી ફક્ત એક વ્યક્તિ ભણવા માટે નિશાળે જતી હતી. અલબત્ત, જે ગુજરાતીભાષી વિસ્તારો જુદાં જુદાં દેશી રાજ્યોની હકૂમત નીચે હતાં તેમનો સમાવેશ આ સર્વેમાં થયો નહોતો, પણ કેટલાંક અપવાદરૂપ દેશી રાજ્યોને બાદ કરતાં બીજાં રાજ્યોમાં શિક્ષણને ભાગ્યે જ પ્રોત્સાહન અપાતું. મરાઠીભાષી વિસ્તારો અને ગુજરાતીભાષી વિસ્તારોની નિશાળો વચ્ચેનો કેટલોક તફાવત પણ ધ્યાનપાત્ર છે. ગુજરાતની નિશાળોમાં મુખ્ય શિક્ષણ અંક ગણિતનું રહેતું અને તે પૂરું થયા પછી વાંચતાં-લખતાં શીખવાતું. ગણિતમાં સૌથી વધુ ભાર જાતજાતના આંક ગોખાવવા પર રહેતો. જ્યારે મરાઠીભાષી વિસ્તારોમાં પહેલાં વાંચતાં-લખતાં શીખવાતું. અને ગણિતના શિક્ષણમાં આંક ગોખાવવા પર ઝાઝો ભાર અપાતો નહિ. ગુજરાતની પ્રજા એકંદરે વેપાર-પ્રધાન હોવાથી ગણિત અને આંક ઉપર વધુ ભાર અપાતો હોવો જોઈએ. ગુજરાતની નિશાળોમાં વડા વિદ્યાર્થીની પ્રથા પ્રચલિત હતી, જે મરાઠીભાષી વિસ્તારની નિશાળોમાં જોવા મળતી નહોતી.
આ અહેવાલમાંની બીજી કેટલીક હકીકતો પણ નોંધપાત્ર છે: એક પણ નિશાળને પોતાનું અલાયદું મકાન નહોતું. નિશાળ કાં મહેતાજીને ઘરે કે પછી મંદિર અથવા ધરમશાળા જેવી કોઈ જાહેર જગ્યાએ બેસતી. એવી કોઈ સગવડ ન હોય તો ખુલ્લામાં ઝાડ નીચે પણ છોકરાઓ ભણતા. લગભગ બધા મહેતાજીઓ બ્રાહ્મણ હતા. જેમ કે અમદાવાદની નિશાળોમાં કુલ ૨૧ મહેતાજીઓ હતા અને તે બધા જ બ્રાહ્મણ હતા. અછૂત ગણાતી જાતિઓનો છોકરો ભણતો હોય એવો એક પણ દાખલો અહેવાલમાં ક્યાં ય નોંધાયો નથી. તેવી જ રીતે એક પણ નિશાળમાં છોકરી ભણતી હોય તેવું નોંધાયું નથી. આ નિશાળોમાં છાપેલાં પુસ્તકનો ઉપયોગ થતો નહિ. ગામડામાં કોઈની પાસે હાથે લખેલો કોઈ દસ્તાવેજ કે કાગળ હોય તો તેનો ઉપયોગ કરીને નિશાળમાં વાંચતાં શીખવાતું. સાધારણ રીતે સાતથી બાર વર્ષની ઉંમરના છોકરાઓ આ નિશાળોમાં ભણવા આવતા. સાધારણ રીતે છોકરો દોઢથી ત્રણ વર્ષ સુધી નિશાળમાં ભણતો. વાર્ષિક પરીક્ષા જેવું કશું નહોતું. છોકરાના બાપને કે મહેતાજીને લાગે કે જરૂર પૂરતું ભણવાનું પૂરું થયું છે એટલે છોકરો નિશાળ છોડતો અને કૌટુંબિક વ્યવસાયમાં જોડાતો. એ વ્યવસાય માટેની જરૂરી જાણકારી તેને કુટુંબના વડીલો તરફથી મળી રહેતી.
ઓગણીસમી સદીના આરંભે હજી દેશમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ હતું. પણ એ રાજવટ ચાલુ રાખવા માટેની મંજૂરી કંપનીએ વખતો વખત બ્રિટનની પાર્લામેન્ટ પાસેથી મેળવવી પડતી અને દરેક વખતે મંજૂરી આપતાં પહેલાં પાર્લામેન્ટ નવી શરતો ઉમેરતી. ૧૭૯૩માં જ્યારે કંપની સરકારનો પરવાનો રિન્યૂ કરવાનો થયો ત્યારે સરકાર પોતાની આવકનો એક નાનકડો હિસ્સો ‘દેશીઓ’ – નેટીવ્ઝ – ના શિક્ષણ પાછળ ખર્ચે એવી કલમ ઉમેરવાની હિમાયત કેટલાક સજાગ અંગ્રેજોએ કરેલી. પણ તે વખતે તેમને સફળતા ન મળી. પછી ૧૮૧૩માં જ્યારે પરવાનો રિન્યૂ કરાવવાનો થયો ત્યારે કંપની સરકારે દર વર્ષે ઓછામાં ઓછા એક લાખ રૂપિયા ‘દેશીઓ’ના શિક્ષણ માટે અને તેમના સાહિત્યના ઉત્કર્ષ માટે ખરચવા એવી કલમ ઉમેરવાનું શક્ય બન્યું. આ એક લાખ રૂપિયાની રકમ આખા બ્રિટિશ ઇન્ડિયા માટે હતી, માત્ર બોમ્બે પ્રેસિડેન્સી માટે નહિ. પણ આ કલમનો લાભ લઈને શિક્ષણ માટે એક સોસાયટી ઊભી કરવાની પહેલ બોમ્બે પ્રેસિડેન્સીના અંગ્રેજોએ કરી. ૧૮૧૫ના જાન્યુઆરીની ૨૯મી તારીખે મુંબઈમાં વસતા કેટલાક અંગ્રેજોએ એક બેઠકમાં લાંબુ લચક નામ ધરાવતી ‘સોસાયટી ફોર પ્રમોટિંગ ધ એજ્યુકેશન ઓફ ધ પૂઅર વિધિન ધ ગવર્નમેન્ટ ઓફ બોમ્બે’ નામની સંસ્થાની સ્થાપના કરી. ભલું થજો કેટલાક સમજુ અંગ્રેજોનું કે થોડા વખતમાં જ આ લાંબુ લચક નામ બદલીને તેનું ટૂંકુ નામ રખાયું: ‘ધ બોમ્બે એજ્યુકેશન સોસાયટી.’ તેના બીજા વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે આખા હિન્દુસ્તાનમાં આ પ્રકારની આ પહેલી અને એકમાત્ર સોસાયટી છે. વળી તે ખાનગી દાનને આધારે જ ચાલતી હતી. શરૂઆતમાં તેને સરકારની આર્થિક મદદ મળતી નહોતી. અલબત્ત, તે વખતે તેનો ઉદ્દેશ ગરીબ ખ્રિસ્તી છોકરાઓને માટે શિક્ષણની સગવડ ઊભી કરવાનો હતો. ૧૭૧૮થી મુંબઈમાં ચાલતી એક ધર્માદા સ્કૂલ સોસાયટીએ પોતાને હસ્તક લઈ લીધી અને ૧૮૧૫માં મુંબઈના કોટ વિસ્તારમાં એક ‘સેન્ટ્રલ સ્કૂલ’ શરૂ કરી. પણ પહેલેથી જ એમ ઠરાવવામાં આવ્યું કે જે દેશી છોકરાઓ આ સ્કૂલમાં અભ્યાસ કરવા માગતા હોય તેમને પણ વાજબી ફી લઈને દાખલ કરવા. બંને નિશાળમાં ભણતા ખ્રિસ્તી વિદ્યાર્થીઓ માટે ચર્ચ ઓફ ઇન્ગ્લન્ડ પુરસ્કૃત ખ્રિસ્તી ધર્મનું શિક્ષણ ફરજિયાત હતું, પણ દેશી વિદ્યાર્થીઓ ઉપર ધાર્મિક શિક્ષણ અંગે કોઈ પ્રકારનું દબાણ લાવવું નહિ એમ ઠરાવાયું હતું. ૧૮૧૮ના જાન્યુઆરીની પહેલી તારીખે ભણતા કુલ ૮૩ વિદ્યાર્થીઓમાંથી ૭ પારસી, પાંચ હિંદુ, અને એક મુસ્લિમ હતા. બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ મેળવનારા આ પહેલા દેશી છોકરાઓ. ૧૮૧૮ સુધીમાં સોસાયટીએ એક ગર્લ્સ સ્કૂલ પણ શરૂ કરી હતી, પણ તેમાં એક પણ દેશી છોકરી ભણતી નહોતી. તે અંગે સોસાયટીના ત્રીજા વાર્ષિક અહેવાલમાં કહ્યું છે કે હિંદુઓમાં છોકરીઓને ભણાવવાનો ચાલ નથી તેથી આ સ્કૂલમાં એક પણ દેશી છોકરી ભણતી નથી.
૧૮૧૭માં સુરત અને થાણે ખાતે એક એક સ્કૂલ સ્થાનિક પાદરીઓની દેખરેખ નીચે શરૂ થઈ હતી. મુંબઈ બહાર ગુજરાતીભાષી અને મરાઠીભાષી વિસ્તારોમાં બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી આ બંને પહેલવહેલી સ્કૂલો. સુરતની સ્કૂલમાં શરૂઆતમાં ૧૧ યુરપિયન છોકરાઓ ઉપરાંત પાંચ પારસી અને બે હિંદુ છોકરાઓ પણ ભણતા હતા. જ્યારે થાણેની સ્કૂલમાં ૨૦ યુરપિયન છોકરાઓ ઉપરાંત ૨૪ ‘દેશી’ છોકરાઓ ભણતા હતા, જેમાંના મોટા ભાગના પારસી હતા. ૧૮૧૮માં આ સોસાયટીએ એક મહત્ત્વનું પગલું લીધું. તેણે મુંબઈમાં કેવળ ‘દેશી’ છોકરાઓ માટે ત્રણ સ્કૂલ શરૂ કરી – એક મુંબઈના કોટ વિસ્તારમાં, બીજી ગિરગાંવ વિસ્તારમાં, અને ત્રીજી મઝગાંવ વિસ્તારમાં. તેમાંની પહેલી સ્કૂલ ૧૮૧૮ના ઓગસ્ટની ૧૨મી તારીખે શરૂ થઈ ત્યારે તેમાં ૪૦ છોકરાઓ દાખલ થયા હતા. પણ થોડા જ વખતમાં આ સંખ્યા વધીને ૯૦ જેટલી થઈ. ૧૮૧૮ના ડિસેમ્બરમાં શરૂ થયેલી ગિરગાંવની સ્કૂલમાં શરૂઆતમાં ૪૫ અને મઝગાંવની સ્કૂલમાં ૨૦ છોકરા દાખલ થયા. અલબત્ત, આ ત્રણે સ્કૂલોમાં જે દેશી છોકરાઓ ભણતા હતા તેમાંના મોટા ભાગના પારસી હતા. હકીકતમાં જ્યાં જ્યાં દેશીઓ માટેની નવી સ્કૂલો શરૂ થઈ ત્યાં ત્યાં નવી પદ્ધતિનું શિક્ષણ અપનાવવામાં પારસી કોમે પહેલ કરી હતી. ૧૮૧૯ના ચોથા વાર્ષિક અહેવાલમાં આ નવી સ્કૂલો વિષે માહિતી આપવામાં આવી છે. તેની સાથોસાથ જ બે મુશ્કેલીઓનો પણ ખાસ ઉલ્લેખ કર્યો છે. એક, દેશીઓ માટેની સ્કૂલોમાં શીખવી શકે તેવા શિક્ષકોની અછત. અને બીજી, આ સ્કૂલોમાં શીખવી શકાય તેવાં દેશી ભાષાઓમાં છાપેલાં પુસ્તકોનો લગભગ અભાવ. તેમાંથી બીજી મુશ્કેલી દૂર કરવાના હેતુથી કલકત્તાની સ્કૂલ બૂક સોસાયટી પાસેથી તેણે તૈયાર કરેલાં પુસ્તકો મગાવવામાં આવ્યાં. બીજી બાજુ મુંબઈ ઈલાકાના સ્થાનિક લોકોને પણ તેમણે લખેલાં અથવા અનુવાદ કરેલાં પુસ્તકો મોકલવા માટે વિનંતી કરવામાં આવી. કલકત્તાથી કેટલાંક પુસ્તકો આવ્યાં પણ ખરાં, પણ બોમ્બે પ્રેસિડેન્સીની સ્કૂલોમાં કામ લાગે તેવાં તે નહોતાં. સ્થાનિક લોકો તરફથી માત્ર એક જ પુસ્તક મળ્યું હતું – મરેના અંગ્રેજી વ્યાકરણની બાવનમી આવૃત્તિનો અરદેશર બહેરામજી લશ્કરીએ કરેલો ગુજરાતી તરજૂમો, જે મુંબઈ સમાચારના છાપખાનામાં છપાયો હતો. એટલે સોસાયટીને લાગ્યું કે ગુજરાતી-મરાઠી જેવી સ્થાનિક ભાષાઓમાં નવાં પાઠ્ય પુસ્તકો તૈયાર કરાવ્યા સિવાય છૂટકો નથી.
નવાં પુસ્તકો તૈયાર કરાવવાની સોસાયટીના મનની આ મુરાદ મનમાં જ રહી જાત, કારણ તે માટેનાં આર્થિક સાધનો તેની પાસે નહોતાં. પણ ત્યાં જ બોમ્બે પ્રેસિડેન્સીના સારા નસીબે ૧૮૧૯ના નવેમ્બરની પહેલી તારીખે માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન બોમ્બે પ્રેસિડેન્સીના ગવર્નર બન્યા. સોસાયટી શરૂ થઈ ત્યારથી ગવર્નર તેના પ્રમુખ બને એવો ચાલ હતો. એટલે ૧૮૧૯માં એલ્ફિન્સ્ટન સોસાયટીના પ્રમુખ બન્યા. ગુજરાતી-મરાઠી પાઠ્ય પુસ્તકોના અભાવ અંગેની મુશ્કેલી તરત તેમના ધ્યાનમાં આવી. તેમણે કહ્યું: પાઠ્ય પુસ્તકો નથી? તો ચાલો, આપણે જ તૈયાર કરી છાપીએ. ૧૮૨૦ના ઓગસ્ટની ૧૦મી તારીખે તેમના પ્રમુખપદે મળેલી સોસાયટીની વાર્ષિક સભામાં ‘ધ નેટિવ સ્કૂલ એન્ડ સ્કૂલ બુક કમિટી’ની સ્થાપના કરવામાં આવી. તેનું અલગ ભંડોળ રચવા માટે તાત્કાલિક ઉઘરાણું કરવામાં આવ્યું. તેમાં એલ્ફિન્સ્ટને અંગત રીતે ૬૦૦ રૂપિયા આપ્યા અને દર વર્ષે ૩૦૦ રૂપિયા આપવાનું વચન આપ્યું. થોડા વખતમાં ૪,૨૫૦ રૂપિયાનું ભંડોળ એકઠું થયું અને દર વર્ષે ૧,૮૮૧ રૂપિયાના દાનનાં વચનો મળ્યાં. કુલ ૫૭ વ્યક્તિ પાસેથી દાન મળ્યાં હતાં. તેમાંના ૪ — દેવીદાસ હરજીવનદાસ, નાગરદાસ હિરજી મોદી, રઘુનાથ જોશી, વેન્કોબા સદાશિવ હિંદુ હતા અને ૪ — ફરામજી કાવસજી, હોરમસજી બમનજી, જમશેદજી બમનજી, જમશેદજી જીજીભાઈ પારસી હતા. દાન આપનારા બાકીના બધા અંગ્રેજો હતા. નવી કમિટીના સંચાલક મંડળમાં ૧૨ અંગ્રેજો ઉપરાંત ૧૨ દેશી વ્યક્તિઓને સ્થાન આપવામાં આવ્યું. તેમાંના ચાર પારસી હતા: ફરામજી કાવસજી, હોરમસજી ધનજી, મુલ્લા ફિરોઝ, જમશેદજી જીજીભાઈ, ચાર હિંદુ હતા: દેવીદાસ હરજીવનદાસ, નાગરદાસ હિરજી મોદી, જગન્નાથ શંકરશેઠ, ધાકજી દાદાજી, અને ચાર મુસલમાન હતા: મુંબઈના કાજી, કાજી ગુલામ હુસેન, મોહમ્મદ અલી રોગે, મોહમ્મદ ઈબ્રાહીમ મકાબા. બે મંત્રીઓ પણ નીમવામાં આવ્યા જેમાંનો એક અંગ્રેજ અને એક હિંદુ હતો. આજે આપણને આ કોઈ બહુ મોટી વાત ન લાગે. પણ એ વખતે બીજા કેટલાક અંગ્રેજ અધિકારીઓએ દેશીઓને સંચાલનમાં સહભાગી બનાવવાના એલ્ફિન્સ્ટનના આ પગલાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. કારણ તેમને બીક હતી કે આ રીતે આજે આંગળી આપશું તો વખત જતાં દેશીઓ પોંચો પકડશે. પણ એલ્ફિન્સ્ટનનું દૃઢપણે માનવું હતું કે દેશીઓને સાથે રાખ્યા વગર શિક્ષણનું કામ થઈ શકશે નહિ. ૧૮૨૨ના ઓગસ્ટની ૨૧મી તારીખથી નવી સંસ્થા કમિટીમાંથી સોસાયટી બની અને માતૃસંસ્થાથી અલગ, સ્વતંત્ર રીતે કામ કરતી થઈ. ૧૮૨૩ના સપ્ટેમ્બર સુધીમાં તેણે આટલાં ગુજરાતી પાઠ્ય પુસ્તકો પ્રગટ કર્યાં હતાં: (૧) લિપિધારા, ૭૨૫ નકલ, રૂ. ૩ (૨) એડવાઈઝ ટુ ચિલ્ડ્રન ઇન શોર્ટ સેન્ટન્સીસ, ૭૮૨ નકલ, રૂ. ૩ (૩) ટેબલ્સ ઇન બનિયન ગુજરાતી, ૧૯૫ નકલ, રૂ. ૩ (૪) ટેબલ્સ ઇન પારસી ગુજરાતી, ૧૦૦ નકલ, રૂ. ૩ (૫) અ ટ્રિટાઈઝ ઓન ધ મેનેજમેન્ટ ઓફ સ્કૂલ્સ, ૧૦૦૦ નકલ, રૂ. ૩ (૬) લેફ્ટનન્ટ કર્નલ કેનેડીએ તૈયાર કરેલો શબ્દકોશ, રૂ. ૧૨ (છેલ્લાં બે પુસ્તકો વિદ્યાર્થીઓ માટે નહિ, શિક્ષકો માટે હતાં.) આપણે ત્યાં એક એવો ભ્રમ પ્રચલિત થયો છે કે ૧૮૫૯માં પ્રગટ થયેલાં હોપ વાચન માળાના સાત ભાગ તે ગુજરાતી ભાષાનાં પહેલાં પાઠ્ય પુસ્તકો. પણ હકીકતમાં પહેલાં પાઠ્ય પુસ્તકો તો ૧૮૨૩ સુધીમાં પ્રગટ થયેલાં આ છ પુસ્તકો. તેવી જ રીતે સોસાયટીએ પાંચ મરાઠી પાઠ્ય પુસ્તકો પણ પ્રગટ કર્યાં હતાં તે પણ મરાઠી ભાષાનાં પહેલવહેલાં પાઠ્ય પુસ્તકો.
૧૮૨૩ના અરસામાં સોસાયટીએ ગુજરાતી અને મરાઠી પાઠ્ય પુસ્તકો પ્રગટ કરીને પોતાના કામની શરૂઆત તો કરી દીધી, પણ એ પ્રગટ થતાંવેંત બે અણધારી મુશ્કેલી આવી પડી. છાપેલાં પુસ્તકો અને નવી સ્કૂલો પોતાના પેટ પર પાટું મારશે એ વાત પરંપરાગત નિશાળોમાં ભણાવતા ચતુર બ્રાહ્મણ શિક્ષકો તરત કળી ગયા. ગોરપદું કરનારા બ્રાહ્મણો પણ સમજી ગયા કે વહેલા મોડા શાસ્ત્ર ગ્રંથો પણ છપાશે અને તો ધાર્મિક ક્રિયાઓને નામે લોકો પાસેથી મનમાની રકમ પડાવવાનું મુશ્કેલ બનશે. એટલે બ્રાહ્મણોએ લોકોમાં એવી અફવા ફેલાવી કે આ પાઠ્ય પુસ્તકો છાપવા માટે વપરાયેલી શાહીમાં પશુની ચરબી ભેળવવામાં આવી છે અને તેનો ખરો હેતુ હિન્દુઓને વટલાવવાનો છે. અલબત્ત, આ કેવળ જુઠ્ઠાણું હતું. પણ સરકારે એક જુઠ્ઠાણાનો જવાબ બીજા જુઠ્ઠાણાથી આપ્યો. તેણે જાહેર કર્યું કે આ શાહી તો ગાયનું ઘી વાપરીને બનાવવામાં આવે છે. એટલે બીજો પ્રચાર શરૂ થયો કે આવાં મોંઘાં દાટ પુસ્તકો વેચીને સરકાર લોકોનાં ખિસ્સાં ખાલી કરવા માગે છે. આના જવાબમાં સરકારે આ પુસ્તકો વેચવાને બદલે મફત વહેંચવાનું શરૂ કર્યું.
સોસાયટી પાસે જે ભંડોળ હતું તેમાંથી કાંઈ ઝાઝાં પુસ્તકો છાપી શકાય એમ નહોતું. એ માટે સરકારી મદદ મળે તો જ કામ થઈ શકે. આથી સોસાયટીએ સરકાર પાસે આર્થિક મદદ માગી. પણ તેને બદલે સરકારે તો જણાવ્યું કે હવે પછી પુસ્તકો તૈયાર કરાવવા અંગે તથા છાપવા અંગે જે કાંઈ ખર્ચ થાય તે બધો સરકાર ભોગવશે. કયાં પુસ્તકો છાપવાં, કેટલાં છાપવાં, તે સોસાયટી નક્કી કરશે. માત્ર છાપતાં પહેલાં ખર્ચ અંગેનો અંદાજ સરકારને મોકલવાનો. તેને મંજૂરી મળે તેની પણ રાહ જોવાની જરૂર નહિ. શાલેય પાઠ્ય પુસ્તકના લેખક કે અનુવાદકને એક સો રૂપિયાથી માંડીને ૪૦૦ રૂપિયા સુધીનું ઇનામ સોસાયટી આપી શકે. વધુ ઊંચા ધોરણની ગુણવત્તા ધરાવતાં પુસ્તકો માટે ઇનામની રકમ પાંચ હજાર રૂપિયા સુધી વધારી શકાય. માત્ર જો કોઈ પુસ્તક પાછળ પાંચ હજાર રૂપિયા કરતાં વધુ ખર્ચ થાય તેમ હોય તો જ તે માટે સરકારની આગોતરી મંજૂરી જરૂરી હતી. આમ ૧૮૨૫માં સરકાર તરફથી સોસાયટીને લગભગ ‘બ્લેન્ક ચેક’ મળ્યો અને પુસ્તક પ્રકાશનના કામે વેગ પકડ્યો. થોડા વખત પછી પુસ્તકો છાપવા માટે ત્રણ લિથોગ્રાફ પ્રેસ પણ સરકારે સોસાયટીને ભેટ આપ્યાં. અલબત્ત, સરકારના આવા ઉદાર વલણ પાછળ કારણભૂત હતી એલ્ફિન્સ્ટનની શિક્ષણ માટેની ઉદાર નીતિ.
બહુ ઓછા અભ્યાસીઓ પણ આજે જેમનું નામ જાણે છે તે કેપ્ટન જ્યોર્જ રિસ્તો જર્વિસનો ફાળો સૌથી મોટો અને મહત્ત્વનો હતો, પહેલવહેલાં ગુજરાતી-મરાઠી પાઠ્ય પુસ્તકો તૈયાર કરવામાં. ૧૭૯૪ના ઓક્ટોબરની છઠ્ઠી તારીખે જન્મ. વ્યવસાયે એન્જિનિયર. ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં નોકરી લઈને ૧૮૧૧ના સપ્ટેમ્બરની છઠ્ઠી તારીખે પહેલી વાર મુંબઈ આવ્યા. ૧૮૧૮માં પીંઢારા સામેની અંગ્રેજોની લડાઈમાં ભાગ લીધો. પછી ત્રણ મહિનાની રજા લઈ સ્વદેશ ગયા. ૧૮૨૨ના જાન્યુઆરીની ૨૮મીએ હિન્દુસ્તાન પાછા આવ્યા અને ચીફ એન્જિનિયરના મદદનીશ તરીકે નિમણૂક થઈ. મુખ્ય કામ બોમ્બે પ્રેસિડેન્સીમાં નવા બંધાતા રસ્તાઓ પર દેખરેખ રાખવાનું હતું. તેથી ગુજરાતી અને મરાઠીભાષી પ્રદેશોમાં સતત ફરવાનું થયું. એટલે એ બંને ભાષાઓથી સારા એવા માહિતગાર થયા. વળી દેશીઓના શિક્ષણ અંગે એલ્ફિન્સ્ટનની જેમ જર્વિસ પણ દૃઢપણે માનતા હતા કે શાલેય શિક્ષણ માટેનું માધ્યમ તો ગુજરાતી-મરાઠી જેવી ‘દેશી’ ભાષાઓ જ હોઈ શકે. એટલે ધ નેટિવ સ્કૂલ એન્ડ સ્કૂલ બુક કમિટીના અંગ્રેજ સેક્રેટરીની જગ્યાએ કામ કરવા માટે એલ્ફિન્સ્ટને તેમની સેવા ઉછીની માગી લીધી. સોસાયટીના સેક્રેટરી તરીકે જર્વિસે ગુજરાતી-મરાઠી પાઠ્ય પુસ્તકો તૈયાર કર્યાં. તેમને નામે છપાયેલાં ઓછામાં ઓછાં ૧૫ ગુજરાતી અને ૧૩ મરાઠી પુસ્તકો અંગેની માહિતી આજે મળે છે. અલબત્ત, આમાંનાં ઘણાંખરાં પુસ્તકો અંગ્રેજી પાઠ્ય પુસ્તકોના અનુવાદ હતા. પણ જુદા જુદા વિષયો માટેની પરિભાષા આ બે ભાષાઓમાં નીપજાવવામાં જર્વિસનો મોટો ફાળો. નર્મદ તો તેનાથી પણ આગળ વધીને ગુજરાતી ગદ્યના જનકનું માન જર્વિસની આપે છે: “ગદ્યમાં લખેલું આપણી પાસે કંઈ નથી. ગદ્યમાં કાગળો લખાતા ને દરબારમાં કામ ચાલતાં. પણ તે કેવી રીતના હતા ને છે તે સહુને માલમ છે ને એ કંઈ ભાષા વિદ્યા ન કહેવાય. ભાષા વિદ્યાને જન્મ આપ્યાનું પ્રથમ માન જેરવીસને છે ને સને ૧૮૨૮ના વરસને ગુજરાતી ભાષા-વિદ્યાનો શક કહેવો જોઈએ, કે જે વરસથી ગદ્યમાં લખવાનું શરૂ થયું.” (નર્મગદ્ય, ખંડ ૧, સં. રમેશ મ. શુક્લ, ૧૯૯૬, પા. ૧૧૭)
પાઠ્ય પુસ્તકો તૈયાર કરીને છપાવતાં જર્વિસને હાથે જાણ્યે અજાણ્યે એક મહત્ત્વનું કામ થયું. આજે આપણે ગુજરાતી લખવા-છાપવામાં જે જે વિરામ ચિહ્નો વાપરીએ છીએ તેમાંનું એક પણ ચિહ્ન સંસ્કૃત કે બીજી કોઈ ભારતીય ભાષામાં નહોતું. જર્વિસે તૈયાર કરેલાં પાઠ્ય પુસ્તકોમાં પહેલી વાર અંગ્રેજીમાં વપરાતાં વિરામ ચિહ્નોનો ઉપયોગ ગુજરાતી છાપકામમાં થયો. તે અગાઉ પારસીઓએ અને પાદરીઓએ જે થોડાંક ગુજરાતી પુસ્તકો છાપ્યાં હતાં તેમાં અંગ્રેજીમાં વપરાતાં વિરામ ચિહ્નો વપરાયાં નહોતાં.
વખત જતાં જર્વિસ સરકારમાં જુદા જુદા મહત્ત્વના હોદ્દે નીમાયા હતા. ૧૮૨૩ના જુલાઈમાં બ્રિટિશ તેમ જ ‘દેશી’ વિદ્યાર્થીઓને એન્જિનિયરીંગનાં શિક્ષણ અને તાલીમ આપવા માટે સરકારના આદેશથી જર્વિસે ‘ગણિત શિલ્પ વિદ્યાલય’ની સ્થાપના કરી અને તેના સુપ્રિન્ટેન્ડન્ટ બન્યા. વિદ્યાલયની બે શાખાઓ હતી – એક સર્વેયર્સ અને બીજી બિલ્ડર્સ. બંનેમાં અંગ્રેજી ઉપરાંત ગુજરાતી-મરાઠીમાં શિક્ષણ અપાતું. તેમાં પહેલે વર્ષે ૭ ગુજરાતી છોકરાઓ ભણતા હતા, પણ વર્ષને અંતે પરીક્ષા લેવાઈ તેમાં પાસ થનાર છોકરાઓમાં એક પણ ગુજરાતીભાષી નહોતો. બીજે વર્ષે પણ આમ જ બન્યું. એટલે સરકારે જર્વિસ પાસે ખુલાસો મગાવ્યો. તેમણે આપેલો ખુલાસો ત્રીજા વર્ષના અહેવાલમાં જોવા મળે છે. આ સંસ્થામાં ભણતા છોકરાઓ પાસ થાય પછી તેમને સરકારમાં યોગ્ય નોકરી આપવાની ખાતરી અપાઈ હતી. તો બીજી બાજુ પાસ થયા પછી પોતે ઓછામાં ઓછાં પાંચ વર્ષ સરકારી નોકરી કરશે એવી લેખિત બાંહેધરી દરેક છોકરાએ દાખલ થતી વખતે જ આપવી પડતી. પણ ત્યાં જે શિક્ષણ અને તાલીમ મળતાં તેનો ઉપયોગ કરીને ખાનગી કામ કરીને સરકારી નોકરી કરતાં વધુ આવક મેળવી શકાતી. એટલે ગુજરાતી છોકરાઓ આખું વર્ષ ધ્યાન આપીને ખંતપૂર્વક ભણતા ખરા, પણ છેવટે પરીક્ષા ન આપતા અને ખાનગી ધંધો કે નોકરી કરતા! સરકારી નોકરીમાંથી રાજીનામું આપી ફિરોઝ નામની સ્ટીમર દ્વારા જર્વિસ યુરપ જવા મુંબઈથી ૧૮૫૧ના એપ્રિલની ત્રીજી તારીખે નીકળ્યા. મુસાફરી દરમ્યાન જ ૧૮૫૧ના ઓક્ટોબરની ૧૪મી તારીખે ઉત્તર ફ્રાન્સના એક શહેર Bologne-sur-Merમાં તેમનું અણધાર્યું અવસાન થયું.
પુસ્તકોની વાત થાળે પડી એટલે નવા શિક્ષકોની તાલીમ અને નિમણૂક અંગે સોસાયટી વધુ સક્રિય બની. ૧૮૨૬ના મે મહિનાની ૧૯મી તારીખે મરાઠી સ્કૂલોના શિક્ષકો માટે પહેલી વાર પરીક્ષા લેવાઈ તેમાં કુલ ૧૪ ઉમેદવારો પાસ થયા. તેમને પૂના, સતારા, ધારવાડ, અહમદ નગર, નાસિક અને ધૂળીયા ખાતે મોકલવામાં આવ્યા. તેવી જ રીતે ગુજરાતી શિક્ષકો માટેની પરીક્ષા તે જ વર્ષના ઓગસ્ટ મહિનાની ૧૪મી તારીખે લેવાઈ જેમાં કુલ ૧૦ ઉમેદવારો પાસ થયા. તેમાંથી દુર્ગારામ મંછારામ, પ્રાણશંકર ઉમાનાથ, હરિરામ દયાશંકર એ ત્રણને સુરત મોકલવામાં આવ્યા. તુલજારામ સુખરામ, ધનેશ્વર સદાનંદ, અને ગૌરીશંકર કૃપાશંકર એ ત્રણને અમદાવાદ મોકલવામાં આવ્યા. મુકુન્દરામ આશારામ અને હરહરરામ આશારામ એ બે ભાઈઓને ભરૂચ અને મયારામ જયશંકર અને લક્ષ્મીનારાયણ સેવકરામને ખેડા મોકલવામાં આવ્યા. આ દસ શિક્ષકોએ જે દસ નવી સ્કૂલ શરૂ કરી તે બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી ગુજરાતીભાષી વિસ્તારની પહેલી સ્કૂલો. અહીં એક વાત નોંધવી જોઈએ કે આ બધા જ મરાઠી અને ગુજરાતી શિક્ષકો બ્રાહ્મણો હતા.
આપણને ગમે કે ન ગમે પણ મોટા ભાગની સંસ્થાઓ અને સરકારો સુધ્ધાં કેવાં કામ કરશે અને કેવાં કામ નહિ કરે, કઈ રીતે કરશે અને કઈ રીતે નહિ કરે, એનો ઘણો આધાર તે સંસ્થા કે સરકારના કેન્દ્રમાં રહેલી વ્યક્તિ ઉપર રહેતો હોય છે. એલ્ફિન્સ્ટન ગવર્નર હતા ત્યાં સુધી તો મુંબઈ સરકારના ચારે હાથ સોસાયટી પર રહ્યા. પણ નવા ગવર્નર આવ્યા પછી ૧૮૩૨માં સરકારની રુખ બદલાઈ. ૧૮૩૨ના સપ્ટેમ્બરની ૨૧મી તારીખે સોસાયટીને એક પત્ર લખીને સરકારે જણાવ્યું કે ૧૮૨૫થી આજ સુધીમાં સોસાયટીનાં પુસ્તકો પાછળ સરકારે ૯૭,૨૨૩ રૂપિયા, ૩ આના અને ૮ પાઈનો જંગી ખર્ચ કર્યો છે. જેમને માટે આ પુસ્તકો છાપ્યાં તે ‘દેશીઓ’એ આ કામ માટે બહુ ઓછો ફાળો આપ્યો છે. એટલે હવે પછીથી દર વર્ષે સરકાર સોસાયટીને ૨૦ હજાર રૂપિયાની ગ્રાન્ટ આપશે. આ રકમ ક્યાં, કઈ રીતે વાપરવી તે સોસાયટી નક્કી કરી શકશે. જ્યારે વધુ રકમ મેળવવા માટે સોસાયટીએ લખાપટ્ટી કરી ત્યારે સરકારે અગાઉની અમુક લેણી નીકળતી રકમ શોધી કાઢી અને જણાવ્યું કે આ રકમ સામે દર વર્ષે રૂ. ૬,૯૬૮ ગ્રાન્ટની રકમમાંથી કાપી લેવામાં આવશે અને પૂરેપૂરી રકમ ભરપાઈ ન થાય ત્યાં સુધી વાર્ષિક ગ્રાન્ટ રૂપે ૧૩,૦૩૨ રૂપિયા જ સોસાયટીને મળશે.
છતાં ૧૮૩૯-૧૮૪૦ સુધી સ્કૂલો અને પાઠ્ય પુસ્તકો અંગે સોસાયટી બનતા બધા પ્રયત્નો કરતી રહી. ૧૮૩૯ના ૧૨મા વાર્ષિક અહેવાલ પ્રમાણે એ વર્ષે પૂના કલેકટર હેઠળના વિસ્તારમાં કુલ ૧૯ સ્કૂલ હતી, નગર કલેકટર હેઠળ ૧૧ સ્કૂલ હતી, શોલાપુર કલેક્ટરના તાબા નીચે ૪ સ્કૂલ હતી તો ઉત્તર અને દક્ષિણ કોંકણમાં કુલ ૧૮ સ્કૂલ હતી. આમ મરાઠીભાષી વિસ્તારમાં કુલ બાવન સ્કૂલ કામ કરતી હતી. જ્યારે ગુજરાતીભાષી વિસ્તારમાં આવેલી સ્કૂલોની કુલ સંખ્યા ૨૯ની હતી. સુરત, ભરૂચ અને અમદાવાદમાં બે બે સ્કૂલ હતી જ્યારે બીજાં ૨૩ ગામોમાં એક એક સ્કૂલ હતી. તેમાં એક સ્કૂલ કાઠિયાવાડના ઘોઘામાં પણ હતી. આપણા એક અભ્યાસીએ આ સ્કૂલનું શ્રેય ભાવનગર રાજ્યને આપ્યું છે. પણ તે વખતે ઘોઘા ભાવનગર રાજ્યના તાબામાં નહિ, પણ બ્રિટિશ સરકારના તાબામાં હતું. સૌથી વધુ છોકરા (૧૨૫) ભરૂચની મુકુન્દરામ આશારામની સ્કૂલમાં અને ૭૫ છોકરા પ્રાણલાલ જીવણરામની સ્કૂલમાં ભણતા હતા. આટલી મોટી સંખ્યામાં છોકરાઓ બીજા કોઈ શહેરમાં ભણતા નહોતા. તો બીજી બાજુ, ચીખલીમાં આવેલી હરિરામ આશારામની સ્કૂલમાં એક પણ છોકરો ભણતો નહોતો! આ જ અહેવાલમાં સોસાયાટીએ પ્રગટ કરેલાં પુસ્તકોની યાદી પણ આપી છે જે પૂરાં છ પાનાં રોકે છે.
૧૮૪૦ના એપ્રિલની પહેલી તારીખે મુંબઈ સરકારે ‘બોર્ડ ઓફ એજ્યુકેશન’ની સ્થાપના કરી અને તેના દ્વારા શિક્ષણ વ્યવસ્થા પોતાને હસ્તક લઈ લીધી. તેમાં પ્રમુખ ઉપરાંત સરકારે નીમેલા ત્રણ અંગ્રેજ સભ્યો અને સોસાયટી દ્વારા નિમાયેલા ત્રણ દેશી સભ્યો રહેશે એવું ઠરાવવામાં આવેલું. સોસાયટીની છેલ્લી મિટિંગમાં બે જ કામ કરવામાં આવ્યાં – બોર્ડ ઓફ એજ્યુકેશન માટે ત્રણ સભ્યોનાં નામ નક્કી કરવાનું અને સોસાયટીને વિખેરી નાખવાનું. સોસાયટીએ નીમેલા ત્રણ સભ્યો હતા — જગન્નાથ શંકરશેઠ, ફરામજી કાવસજી, અને મહમ્મદ ઇબ્રાહિમ મક્બા. લગભગ ૧૫ વર્ષના આયુષ્યમાં બોર્ડ ઓફ એજ્યુકેશને ઠીક ઠીક પ્રગતિ કરી. ૧૮૫૪-૫૫ના વર્ષને અંતે બોર્ડ દ્વારા કુલ ૧૯૪ વર્નાક્યુલર સ્કૂલો ચલાવાતી હતી. પણ પછી ૧૮૫૫માં શિક્ષણની બધી જવાબદારી માટે મુંબઈ સરકારે ડિરેક્ટર ઓફ પબ્લિક ઇન્સ્ટ્રકશનનો હોદ્દો ઊભો કર્યો, અને તે સાથે બોર્ડ ઓફ એજ્યુકેશનની કામગીરીનો અંત આવ્યો. આઝાદી પછી ૧૯૫૧માં ડિરેક્ટર ઓફ પબ્લિક ઇન્સ્ટ્રકશનનું નામ બદલીને ડિરેક્ટર ઓફ એજ્યુકેશન, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ કરવામાં આવ્યું.
એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસની પ્રેરણાથી ૧૮૪૮માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના થઈ ત્યારે મુંબઈની સોસાયાટીએ શરૂ કરેલી બે સ્કૂલ અમદાવાદમાં કામ કરતી હતી. અલબત્ત, ત્યાં સુધીમાં એ સોસાયટી બરખાસ્ત થઈ ગઈ હતી અને એ સ્કૂલો બોર્ડ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતી હતી. તે ઉપરાંત કરુણાશંકર દયાશંકર નામના માસ્તર એક ખાનગી સ્કૂલ પણ ચલાવતા હતા. તેમાં છોકરાઓ સાથે ભણવા માટે કેટલીક છોકરીઓ પણ આવતી. પણ સરકારી સહાય વગર આ સ્કૂલ ચલાવવાનું અઘરું હતું એટલે સ્કૂલની જવાબદારી લઈ લેવા તેમણે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને વિનંતી કરી અને ૧૮૪૯ના જુલાઈની ૮મી તારીખથી સોસાયાટીએ એ સ્કૂલ પોતાને હસ્તક લઈ લીધી. થોડા વખત પછી છોકરીઓ માટે અલાયદી કન્યા શાળા – હરકુંવરબાઈ કન્યા શાળા – શરૂ કરવામાં આવી, પણ પછી માત્ર છોકરાઓ માટે ચાલતી કરુણાશંકરવાળી સ્કૂલ બંધ કરી. પાછળથી હરકુંવરબાઈ કન્યા શાળાનો વહીવટ પણ સોસાયાટીએ એક અલાયદી સમિતિને સોંપી દીધો.
આપણે ત્યાં એક એવો ખ્યાલ પ્રવર્તે છે કે ૧૮૫૭માં મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના થઈ તે પછી જ ઉચ્ચ શિક્ષણની શરૂઆત થઇ=ઈ. પણ હકીકતમાં આ યુનિવર્સિટીની સ્થાપના થઈ તે પહેલાં અસ્તિત્ત્વમાં આવેલી એલ્ફિન્સ્ટન કોલેજ દ્વારા બોમ્બે પ્રેસિડેન્સીમાં ઉચ્ચ શિક્ષણની શરૂઆત થઈ હતી. ૧૮૨૭ના નવેમ્બરની પહેલી તારીખે બોમ્બે પ્રેસિડેન્સીના ગવર્નરને પદેથી એલ્ફિન્સ્ટન નિવૃત્ત થયા. તેમની સ્મૃિતને કાયમ રાખવા માટે શું કરવું જોઈએ એ અંગે વિચારણા કરવા નાગરિકોની એક જાહેર સભા ૧૮૨૭ના ઓગસ્ટની ૨૮મી તારીખે મુંબઈમાં મળી. એલ્ફિન્સ્ટન પ્રોફેસરશીપ શરૂ કરવી એ ઉત્તમ રસ્તો છે એવું ઠરાવવામાં આવ્યું. તે માટે ‘દેશીઓ’ પાસેથી ફાળો ઉઘરાવવાનું પણ નક્કી થયું. કુલ રૂ. ૨,૨૬,૧૭૨નો ફાળો ભેગો થયો. અંગ્રેજી ભાષા-સાહિત્ય ઉપરાંત યરપનાં કળા, સાહિત્ય, વિજ્ઞાન વગેરે વિષયો શીખવી શકે એવા એક કે વધુ પ્રોફેસરોની પસંદગી એલ્ફિન્સ્ટન પોતે કરે એવી વિનંતી પણ સરકારને કરવામાં આવી. અલબત્ત, સરકાર સાથેની લખાપટ્ટીમાં ઘણો વખત ગયો. છેવટે ૧૮૩૫માં એલ્ફિન્સ્ટન કોલેજની સ્થાપના થઈ શકી. પહેલા બે પ્રોફેસરો ઓર્લેબાર અને હાર્કનેસ મુંબઈ આવ્યા પછી ૧૮૩૬માં પહેલવહેલા વર્ગો શરૂ થયા. અલબત્ત, બીજી કોઈ જગ્યાની સગવડ થઈ ન હોવાથી એલ્ફિન્સ્ટન કોલેજની શરૂઆત મુંબઈના ટાઉન હોલના મકાનમાં થઈ હતી. મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના પછી ૧૮૬૦માં તેની સાથે આ કોલેજ સંલગ્ન થઈ હતી.
૧૯મી સદીમાં બોમ્બે પ્રેસિડેન્સીમાં અર્વાચીન શિક્ષણ પ્રણાલીનો પાયો નાખવામાં અને તેની ઈમારતનું ઘડતર અને ચણતર કરવામાં જો કોઈ એક વ્યક્તિએ સૌથી વધુ મહત્ત્વનો ફાળો આપ્યો હોય તો તે માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટને. તેઓ પ્રમુખ થયા તે પહેલાં સોસાયટીએ જે થોડી સ્કૂલો શરૂ કરી હતી તેને સ્થાનિક પાદરીઓની દેખરેખ નીચે મૂકી હતી. એલ્ફિન્સ્ટન ચતુર હતા, સુજાણ હતા. ધર્માન્તરની પ્રવૃત્તિને કારણે દેશી લોકો પાદરીઓ તરફ શંકાની નજરે જુએ છે એ તેઓ જાણતા હતા. એટલે તેમણે સોસાયટીની બધી સ્કૂલોને જે-તે પ્રદેશના કલેકટર કે જજની દેખરેખ નીચે મૂકી. એટલું જ નહિ, સોસાયટીની સ્કૂલોમાં કોઈ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપવું નહિ એમ ઠરાવ્યું. બીજું, શાલેય શિક્ષણ ગુજરાતી-મરાઠી વગેરે દેશી ભાષાઓમાં જ અપાવું જોઈએ એવો પોતાનો દૃઢ મત સાથી અમલદારોનો વિરોધ વહોરીને પણ અમલમાં મૂક્યો. અલબત્ત, સાથોસાથ તેમણે અંગ્રેજીના શિક્ષણ પર પણ ભાર મૂક્યો. આપણા દેશની શિક્ષણ વ્યવસ્થામાં જે કાંઈ ખામીઓ જણાય છે તેનો દોષ આજે પણ આપણે લોર્ડ મેકોલેને આપીએ છીએ. પણ મેકોલેની નીતિની અસર કલકત્તા અને મદ્રાસ પ્રેસિડેન્સીમાં અપાતા શિક્ષણ પર વધુ થઈ હતી. બોમ્બે પ્રેસિડેન્સીમાં એલ્ફિન્સ્ટનની સમન્વયકારક નીતિ વધુ પ્રભાવક બની હતી. બીજું, તેમણે ગુજરાતી-મરાઠીમાં નવાં પાઠ્ય પુસ્તકો તૈયાર કરવાના કામને ખૂબ મહત્ત્વ આપ્યું. અને ત્રીજું, શિક્ષકોની તાલીમ માટેની વ્યવસ્થા ઊભી કરી. ૧૭૭૯માં જન્મ. ઇસ્ટ ઇન્ડિયા કંપનીની નોકરીમાં જોડાઈને ૧૭૯૬માં કલકત્તા આવ્યા. બીજાં કેટલાંક સ્થળોએ મહત્ત્વની કામગીરી બજાવ્યા પછી ૧૮૧૯ના નવેમ્બરની પહેલી તારીખે બોમ્બે પ્રેસિડેન્સીના ગવર્નર બન્યા અને ૧૮૨૭ના નવેમ્બરની પહેલી સુધી એ પદ પર રહ્યા. તે પછી લગભગ તરત સ્વદેશ જવા રવાના થયા અને બે વર્ષની મુસાફરી કર્યા પછી ૧૯૨૯માં સ્વદેશ પહોંચ્યા. એ પછી બે વખત હિન્દુસ્તાનના ગવર્નર જનરલના પદે તેમની નિમણૂક કરવાની દરખાસ્ત રજૂ થઈ હતી, પણ એ પદ સ્વીકારવાની તેમણે સંમતિ આપી નહોતી. કારણ? કારણ સ્વદેશ પાછા ફર્યા પછી તેઓ હિન્દુસ્તાનનો ઈતિહાસ લખી રહ્યા હતા અને તેનું લેખન પૂરું ન થાય ત્યાં સુધી બીજી કોઈ જવાબદારી સ્વીકારવા માગતા નહોતા. એ પુસ્તક ૧૮૪૧માં પ્રગટ થયું હતું. ૧૮૫૯ના નવેમ્બરની ૨૦મી તારીખે તેમનું અવસાન થયું. દેશી લોકોના શિક્ષણ ઉપર એલ્ફિન્સ્ટન કેટલો ભાર મૂકતા હતા એ એક પ્રસંગ પરથી જણાઈ આવે છે. એક વખત તેઓ જિલ્લામાં તપાસ માટે ફરી રહ્યા હતા. એક લશ્કરી છાવણી પાસે તેમણે મુકામ કર્યો. તેઓ તંબુમાં એકલા બેઠા હતા. બાજુમાં ગુજરાતી-મરાઠી પુસ્તકોનો નાનો ઢગલો પડ્યો હતો. ફાનસના ઝાંખા અજવાળામાં તેઓ એક એક પુસ્તક હાથમાં લઈ ધ્યાનથી ઉથલાવતા હતા. ત્યાં એક લશ્કરી અફસર કર્નલ બ્રિગ્સ તેમને મળવા આવ્યા. પૂછ્યું: આવા ઝાંખા અજવાળામાં શું વાંચો છો, સાહેબ? જવાબ મળ્યો: દેશી ભાષાનાં પુસ્તકો. બ્રિગ્સે પૂછ્યું: પણ આ પુસ્તકોનો ઉપયોગ શો, સાહેબ? દેશીઓને ભણાવવા માટે. બ્રિગ્સ: પણ દેશીઓને ભણાવવા એટલે તો આપણે માટે અહીંથી સ્વદેશ પાછા જવાનો રસ્તો બાંધવો. ભણ્યાગણ્યા પછી એ લોકો આપણા તાબામાં થોડા જ રહેશે? એલ્ફિન્સ્ટન કહે: ભવિષ્યમાં જે થવાનું હશે તે થશે. પણ દેશીઓને ભણાવવા એ શાસક તરીકે આપણી ફરજ છે અને સાચો અંગ્રેજ કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની ફરજ બજાવવાનું ચૂકી શકે નહિ.
૧૮૫૭માં દેશમાં પહેલી ત્રણ યુનિવર્સિટીઓ સ્થપાઈ તેમાંની એક યુનિવર્સિટી ઓફ બોમ્બે ૧૮૫૭ના જુલાઈની ૧૮મી તારીખે અસ્તિત્ત્વમાં આવી. તે વખતે તેમાં માત્ર બે જ વિદ્યા શાખા હતી – આર્ટસ અને મેડસિન. પણ શરૂઆતમાં શિક્ષણ માટેની કોઈ વ્યવસ્થા ન હોવાથી આર્ટ્સના વિદ્યાર્થીઓ એલ્ફિન્સ્ટન કોલેજમાં અને મેડસિનના વિદ્યાર્થીઓ ૧૮૪૫માં સ્થપાયેલી ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા. વિદ્યાર્થીઓને ડિગ્રી આપવાની સત્તા અગાઉ આ બે કોલેજો પાસે હતી તે તેમણે યુનિવર્સિટીને સોંપી દીધી. ૧૮૫૯માં યુનિવર્સિટીએ પહેલી વાર મેટ્રિકની પરીક્ષા લીધી. મુંબઈના ટાઉન હોલ ખાતે લેવાયેલી આ પરીક્ષામાં કુલ ૧૩૨ છોકરાઓ બેઠા હતા, પણ તેમાંથી માત્ર ૨૨ પાસ થયા હતા. તેમાંના બે ગુજરાતીભાષી હતા: ઝવેરીલાલ ઉમિયાશંકર અને નાનાભાઈ હરિદાસ. એ વખતે મેટ્રિકની પરીક્ષામાં ગુજરાતી-મરાઠી વગેરે ભાષાઓના દરેકના ત્રણ-ત્રણ પેપર રહેતા: એક વ્યાકરણનો, બીજો અંગ્રેજીમાંથી અનુવાદનો, અને ત્રીજો ગુજરાતી-મરાઠી વગેરેમાંથી અંગ્રેજી અનુવાદનો. ત્યાર બાદ ૧૮૬૨માં પહેલી વાર બી.એ.ની પરીક્ષા લીધી તેમાં તો માત્ર ચાર છોકરા જ પાસ થયા હતા, જેમાંનો એક પણ ગુજરાતીભાષી નહોતો. લાઈસેનસિયેટ ઇન મેડસિનની ડિગ્રી મેળવનારાઓમાં ત્રણ પારસી હતા અને એક હતા મરાઠીભાષી. ૧૮૬૩ની બી.એ.ની બીજી પરીક્ષામાં માત્ર ત્રણ છોકરા ગ્રેજ્યુએટ થયા હતા, અને એમાંનો એક ગુજરાતીભાષી હતો. તેમનું નામ નગીનદાસ તુલસીદાસ મારફતિયા. ૧૮૬૩ના એપ્રિલની છઠ્ઠી તારીખે તેમને બી.એ.ની ડીગ્રી મળી. આ નગીનદાસ તે કવિ નર્મદના મિત્ર. ૧૮૬૨માં છપાયેલા પહેલા મૌલિક ગુજરાતી નાટક ‘ગુલાબ’ના કર્તા. બી.એ. પછી એલએલ.બી. થઈ વ્યવસાયે વકીલ બન્યા, પણ વૃત્તિએ સમાજ સુધારાના પુરસ્કર્તા રહ્યા. પોતાની માતૃસંસ્થા વિષે લખેલો એક લાંબો નિબંધ તેમણે ૧૮૬૯માં પ્રગટ કરેલો. નામ હતું જરા લાંબુ લચક: ‘મુંબઈનું સર્વવિદ્યોત્તેજકાલય એટલે મુંબઈની યુનિવર્સિટી વિષે એક ગુજરાતી નિબંધ.’
યુનિવર્સિટી ઓફ બોમ્બેની શરૂઆતથી જ તેમાં ગુજરાતી, મરાઠી સહિતની કેટલીક સ્થાનિક ભાષાઓના શિક્ષણની જોગવાઈ મેટ્રિકથી બી.એ. સુધી કરવામાં આવી હતી. શરૂઆતનાં વર્ષોની માહિતી મળતી નથી, પણ ૧૮૬૩-૬૪માં ફર્સ્ટ એક્ઝામિનેશન ઇન આર્ટ્સના અભ્યાસક્રમમાં આ ગુજરાતી પુસ્તકોનો સમાવેશ થતો હતો: બાલમિત્ર ભાગ ૧,૨, નર્મદનું અલંકારપ્રવેશ અને દલપતરામ સંપાદિત કાવ્યદોહન ભાગ ૧નાં પહેલાં ૭૭ પાનાં. તો ૧૮૬૪-૬૫ના વર્ષ માટે જુદાં જ ચાર પુસ્તકો હતાં: માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટને લખેલ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયાના ગુજરાતી અનુવાદના પહેલા બે ખંડ, ફરદુનજી મર્ઝબાનજીએ કરેલો પંચતંત્રનો અનુવાદ પન્ચોપાખ્યાન, શામળકૃત અબોલારાણી, અને કાવ્યદોહનનાં પા. ૭૭ થી ૧૫૦.
પરીક્ષા શરૂ થાય તે પહેલાં પેપર ફૂટી ન જાય તે માટે આજે યુનિવર્સિટીઓ જાતજાતની તરકીબ અજમાવે છે, અને છતાં ઘણી વાર પેપર ફૂટી જાય છે. જ્યારે એ જમાનામાં દરેક પ્રશ્નપત્રને મથાળે જ તેના પેપર સેટર્સનાં નામ છાપવામાં આવતાં! લેખિત પરીક્ષા પછીની મૌખિક પરીક્ષા પણ એ જ પેપર સેટર્સ લેતા, છતાં તેમનાં નામ આ રીતે જાહેર કરવામાં વાંધો જણાતો નહોતો. તેવી જ રીતે ઉત્તરપત્રમાં દરેક પાનાને મથાળે વિદ્યાર્થીએ પોતાનું નામ અને નંબર લખવાનાં રહેતાં. એટલે કે એ વખતે યુનિવર્સિટીને પરીક્ષકો તેમ જ વિદ્યાર્થીઓ પર પણ પૂરેપૂરો વિશ્વાસ હતો.
પણ દેશી ભાષાઓનું શિક્ષણ કમનસીબે ઝાઝો વખત ન ટક્યું. ૧૮૬૩માં સર એલેક્ઝાન્ડર ગ્રાન્ટ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર બન્યા. બોમ્બે પ્રેસિડેન્સીમાં ૧૮૬૪ પહેલાં પ્રગટ થયેલાં પુસ્તકોની સૂચિ પણ તેમણે બનાવી હતી. એને આધારે તેમનું માનવું હતું કે યુનિવર્સિટી કક્ષાએ શીખવી શકાય એવાં પુસ્તકો દેશી ભાષાઓમાં નથી. એટલે તેમણે આદેશ આપ્યો: ડિગ્રી લેવલે દેશી ભાષાઓ ભણાવવાનું બંધ કરો. કેટલાક દેશીઓ ઉપરાંત ડો. જોન વિલ્સન જેવા અંગ્રેજોએ વિરોધ કર્યો, પણ તેમની વાત યુનિવર્સિટીએ માની નહિ, અને ૧૮૬૭થી દેશી ભાષાઓ ડિગ્રી લેવલે ભણાવવાનું બંધ કર્યું. એ પછી છેક ૧૮૮૧માં યુનિવર્સિટીની સેનેટમાં આ ભાષાઓ ભણાવવાનું ફરી ચાલુ કરવા અંગેની દરખાસ્તો રજૂ થઈ, પણ તે પસાર થઈ નહિ. યુનિવર્સિટી ઓફ બોમ્બેના પહેલવહેલા ગ્રેજ્યુએટ મહાદેવ ગોવિંદ રાનડેએ ૧૮૯૪માં આ વાત પોતાના હાથમાં લીધી. વિદ્યાર્થી તરીકે તેઓ પોતે આ જ યુનિવર્સિટીમાં મરાઠી ભણ્યા હતા. કોઈ પણ તંત્ર ફેરફાર કરવા માટે રાતોરાત તૈયાર ન થાય એ હકીકત તેઓ જાણતા હતા. એટલે તેમણે માગણી કરી કે સંસ્કૃત, અરબી, ફારસી જેવી ક્લાસિકલ ભાષાઓ તો ભણાવાય છે જ, તો તેમની સાથે સાથે ‘દેશી’ ભાષાનું પણ એક-એક પુસ્તક અભ્યાસ ક્રમમાં દાખલ કરવું. પણ તેમની આટલી અમથી માગણી પણ સ્વીકારાઈ નહિ. ૧૮૯૮માં તેમણે આ માગણી ફરી રજૂ કરી. પણ રસ્તો જરા જૂદો લીધો. રોયલ એશિયાટિક સોસાયટીના જર્નલમાં અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં લેખો લખીને તેમણે મરાઠી ભાષાનું સાહિત્ય કેટલું સમૃદ્ધ છે તે બતાવ્યું. અને પછી ફરી દરખાસ્ત રજૂ કરી. હવે યુનિવર્સીટીએ આ અંગે ‘અભ્યાસ’ કરવા માટે ત્રણ સભ્યોની એક સમિતિ બનાવી જેના એક સભ્ય રાનડે પોતે હતા. એ સમિતિની ભલામણને આધારે છેવટે યુનિવર્સિટીએ દેશી ભાષાઓ ફરીથી શીખવવાનું નક્કી કર્યું. પણ એ નિર્ણયના સમાચાર જાણવા માટે રાનડે પોતે હયાત નહોતા. કારણ એ અંગેનો ઠરાવ પસાર થયો તે પહેલાં જ ૧૯૦૧ના જાન્યુઆરીની ૧૬મી તારીખે તેમનું અવસાન થયું હતું. ગુજરાતી, મરાઠી વગેરેને માનભર્યું સ્થાન અપાવવાની આ ચળવળમાં એક ગુજરાતીએ રાનડેને સતત સાથ આપ્યો હતો. એ હતા સર ચીમનલાલ સેતલવાડ.
૧૮૭૫માં યુનિવર્સિટી ઓફ બોમ્બેને બેળગાંવના પોસ્ટ માસ્તર એસ. ખરસેતજીએ કાગળ લખીને પૂછાવ્યું કે મારી દીકરી ફિરોઝા સોરાબજી મેટ્રિકની પરીક્ષામાં બેસી શકે કે નહિ? આ પત્ર સિન્ડિકેટ પાસે ગયો. યુનિવર્સિટીની સ્થાપના કરતા કાયદામાં બધે વિદ્યાર્થી માટે અંગ્રેજીનો ‘હી’ શબ્દ જ વપરાયો હતો. આથી સિન્ડિકેટે જવાબ આપ્યો કે કોઈ છોકરીને પરીક્ષા માટે પરવાનગી આપવાની સત્તા અમને કાયદા દ્વારા આપવામાં આવી નથી. પોસ્ટ માસ્તરે અને તેમની દીકરીએ તો વાત પડતી મૂકી, પણ ખુદ સિન્ડિકેટના જ કેટલાક સભ્યો આ નિર્ણયથી નાખુશ હતા. આઠ વર્ષ સુધી તેમણે કરેલા પ્રયત્નોને પરિણામે છેવટે કાયદામાં એવી કલમ ઉમેરવામાં આવી કે જો તેમની ઈચ્છા હોય તો છોકરીઓ પણ યુનિવર્સિટીની પરીક્ષામાં બેસી શકે છે. જાણે આવી તકની રાહ જોઈને જ બેઠી હોય તેમ પૂનાની એક છોકરીએ ૧૮૮૩માં પોતાનું નામ ડેક્કન કોલેજમાં નોંધાવ્યું અને ૧૮૮૮માં બી.એ.ની ડિગ્રી મેળવી. એ છોકરીનું નામ કોર્નેલિયા સોરાબજી. એ હતી મુંબઈ યુનિવર્સિટીની પહેલી સ્ત્રી ગ્રેજ્યુએટ, બોમ્બે પ્રેસિડેન્સીની પહેલી સ્ત્રી ગ્રેજ્યુએટ, અને પહેલવહેલી ગુજરાતીભાષી સ્ત્રી ગ્રેજ્યુએટ.
ગુજરાતીભાષી વિસ્તારમાં ૧૮૬૦માં અમદાવાદમાં સર થિયોડોર હોપના પ્રયત્નોથી ગુજરાત પ્રોવિડેન્શિઅલ કોલેજ શરૂ તો થઈ પણ તે અલ્પાયુષી નીવડી. ત્યાર બાદ ૧૮૭૯માં ગુજરાત કોલેજ શરૂ થઈ. ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યાં સુધી તે યુનિવર્સિટી ઓફ બોમ્બે સાથે સંલગ્ન હતી. ૧૮૮૧માં વડોદરામાં શરૂ થયેલી બરોડા કોલેજ એ દેશી રાજ્યોમાંની પહેલી કોલેજ. વખત જતાં તે વિકસીને ૧૯૪૯માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી બની. તો ૧૮૮૫માં ભાવનગરમાં શરૂ થયેલી શામળદાસ કોલેજ કાઠિયાવાડની પહેલી કોલેજ હતી.
૧૮૧૫માં ધ સોસાયટી ફોર પ્રમોટિંગ ધ એજ્યુકેશન ઓફ ધ પૂઅર વિધીન ધ ગવર્ન્મેન્ટ ઓફ બોમ્બેની સ્થાપના થઈ ત્યારથી ૧૯૪૭ સુધીનાં ૧૩૨ વર્ષમાં અર્વાચીન પદ્ધતિનું શિક્ષણ દૃઢમૂલ બની ચૂક્યું હતું. આ નવી પદ્ધતિએ આપણને શું શું આપ્યું? એક: વ્યવસ્થિત શિક્ષણ માટે જરૂરી એવાં સ્ટ્રક્ચર્સ ઊભાં કર્યાં અને પોષ્યાં. તેમાં પહેલું તે સ્કૂલોનું સ્ટ્રક્ચર. પરંપરાગત નિશાળો એકબીજી સાથે સંકળાયેલી નહોતી અને દરેક નિશાળ તેના માસ્તરની મુનસફી પ્રમાણે ચાલતી. જ્યારે નવી પ્રથામાં બધી સ્કૂલો પહેલાં સોસાયટી સાથે અને પછી સરકાર સાથે સંકળાયેલી બની. બીજું સ્ટ્રક્ચર તે શિક્ષકોનું સ્ટ્રક્ચર. અગાઉની જેમ શિક્ષકનો વ્યવસાય વંશપરંપરાગત ન રહેતાં તેને માટે વ્યવસ્થિત તાલીમ લેવાનું જરૂરી બન્યું. અલબત્ત, નવી વ્યવસ્થામાં પણ શરૂઆતમાં બ્રાહ્મણોનું વર્ચસ્વ રહ્યું પણ પછી ધીમે ધીમે જુદી જુદી જ્ઞાતિના પુરુષો શિક્ષણના વ્યવસાયમાં આવતા થયા. ત્રીજું સ્ટ્રક્ચર તે અભ્યાસક્રમનું. શું, કેટલું, ક્યારે, કઈ રીતે શીખવવું તે અગાઉ દરેક માસ્તર જાતે નક્કી કરતો. તેને બદલે નવી વ્યવસ્થામાં સુઆયોજિત ક્રમિક અભ્યાસક્રમને સ્થાન મળ્યું. વળી અગાઉ માત્ર અંક ગણિત અને પાયાનું લેખન-વાચન એટલું જ શીખવાતું. તેને બદલે નવી વ્યવસ્થામાં બીજ ગણિત, ત્રિકોણમિતિ, ભૂમિતિ, ઇતિહાસ, ભૂગોળ, પ્રાથમિક વિજ્ઞાન, જેવા વિષયો ઉમેરાયા અને દેશી ભાષાઓ અને તેમના સાહિત્યને અભ્યાસ ક્રમમાં સ્થાન મળ્યું. બીજું, અગાઉ શિક્ષણનો બધો મદાર શિક્ષકના બોલાતા શબ્દ પર હતો. જ્યારે નવું શિક્ષણ પુસ્તકકેન્દ્રી બન્યું. આ માટેનાં જરૂરી પુસ્તકો તૈયાર કરી છપાવવાનો મોટો કાર્યક્રમ પહેલાં સોસાયટીએ અને પછી સરકારે હાથ ધર્યો. ત્રીજું, સૌથી મહત્ત્વની વાત તો એ કે શાળાનું શિક્ષણ તો ગુજરાતી, મરાઠી જેવી સ્થાનિક ભાષાઓમાં જ હોવું જોઈએ એ વાત પર ભાર મૂકાયો અને તેનો અમલ કરાયો. બોર્ડ ઓફ એજ્યુકેશનની સ્થાપના થઈ તે પછી ફરીથી બધું શિક્ષણ અંગ્રેજીમાં આપવાની દરખાસ્ત રજૂ થઈ હતી. બોર્ડના ત્રણે દેશી સભ્યો ઉપરાંત સરકારી સભ્ય કેપ્ટન જર્વિસે પણ તેનો વિરોધ કર્યો અને એટલે તેનો અમલ થઈ શક્યો નહિ. વખત જતાં દેશી વિદ્યાર્થીઓને પણ અંગ્રેજી સ્કૂલોમાં ભણવા દેવાની માગણી લોકોએ જ કરી, ત્યારે પણ એમ ઠરાવાયું કે વિદ્યાર્થીને કોઈ પણ એક સ્થાનિક ભાષાનું વ્યાકરણ પૂરેપૂરું આવડે અને અંક ગણિત પર તેનો સારો એવો કાબૂ આવી જાય એટલું એ ગુજરાતી-મરાઠી સ્કૂલમાં ભણે પછી જ તેને અંગ્રેજી સ્કૂલમાં પ્રવેશ મળે. આ માટે પ્રવેશ પરીક્ષા પણ લેવાતી. ૧૮૪૦ના અરસામાં એન્ગ્લો-વર્નાક્યુલર સ્કૂલો શરૂ થઈ જેમાં પ્રાથમિક શિક્ષણ ગુજરાતી-મરાઠીમાં અને પછીનું શિક્ષણ અંગ્રેજીમાં અપાતું. ૧૯મી સદીના પૂર્વાર્ધમાં મુદ્રણ, પુસ્તક પ્રકાશન અને શિક્ષણ, ત્રણે એકબીજાનો હાથ પકડીને ચાલ્યાં. તેને પરિણામે આપણા સમાજનો ગણનાપાત્ર ભાગ મધ્યકાલીન યુગમાંથી અર્વાચીન યુગમાં ધીમે ધીમે દાખલ થયો. આજે આપણે જે સુધારક યુગ અને પંડિત યુગની વાતો કરીએ છીએ તેમાં જે કાંઈ વિચારાયું, લખાયું, અને થયું તે મુદ્રણની સગવડ વગર અને અર્વાચીન શિક્ષણ વગર શક્ય બન્યું ન હોત.
શિક્ષણમાં અંગ્રેજી અથવા ગુજરાતી-મરાઠી જેવી સ્થાનિક ભાષાઓ એમ નહિ, પણ અંગ્રેજી અને ગુજરાતી-મરાઠી જેવી સ્થાનિક ભાષાઓ, એવી સમતોલ વિચારણા ૧૯મી સદીના પૂર્વાર્ધમાં તો ઘણા અંગ્રેજ અધિકારીઓની હતી. ૧૮૬૫ના માર્ચની ૨૫મી તારીખે જેમણે ગુજરાતી સભા, મુંબઈની સ્થાપના કરી, અને એ જ વર્ષના ઓગસ્ટની ૩૧મી તારીખે માત્ર ૪૩ વર્ષની ઉંમરે જેમનું અવસાન થયું તે એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસે દલપતરામના ભૂતનિબંધનો અંગ્રેજી અનુવાદ કરીને પુસ્તક રૂપે પ્રગટ કર્યો હતો. તેની પ્રસ્તાવનામાં ફાર્બસે લખ્યું છે:
It is, of course, exceedingly desirable to introduce, as widely as possible into India, the knowledge of the English language; but it by no means follows that the cultivation of vernacular literature should, therefore, be neglected. What does in truth follow is precisely the contrary to this. Not to use obvious general arguments, the experience of those employed in managing English educational institutions themselves, distinctly leads to the conclusion that the study of the English and vernacular literatures, must go together.”
[સાહિત્ય અકાદેમી, દિલ્હી, ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ, બળવંત પારેખ સેન્ટર, વડોદરા, અને ગુજરાત વિદ્યા સભા, અમદાવાદ દ્વારા એપ્રિલ ૨-૩, ૨૦૧૬ના રોજ અમદાવાદમાં આયોજિત “ઓગણીસમી સદીના મુંબઈ ઇલાકામાં સાહિત્ય અને બીજી કલાઓની ગતિવિધિ અને તેનો બૃહદ્ સાંસ્કૃિતક સંદર્ભ” વિશેના પરિસંવાદમાં રજૂ કરેલું વક્તવ્ય.]
e.mail : deepakbmehta@gmail.com