ગાયની સામે માનવના હિતનો ભોગ લેવામાં આવતો હવાને કારણે ગોરક્ષણના મૂળ હેતુને જ હાનિ પહોંચે છે
હિંદુરાષ્ટ્રની સંકલ્પનાના એક પ્રમુખ ઉદ્દગાતા વિનાયક દામોદર સાવરકરે લખ્યું છે : ‘ગોરક્ષણ એ ધર્મ છે, એ પુણ્ય છે, ગાય દેવતા છે, એટલું જ નહીં તો એના પેટમાં ત્રીસ કરોડ દેવતાઓ વસે છે આવી પાગલ કલ્પનાઓ પર શ્લોકો રચીને, ગોપૂજન એ જ હિંદુ ધર્મ છે એવું સૂત્ર રાષ્ટ્રની સામે મૂકવાને કારણે ગાયનું રક્ષણ તો થતું નથી જ, પણ રાષ્ટ્રમાં ભોળપણની વૃત્તિ વધી પડે છે અને દેશભક્તિનો ડૂચો વળી જાય છે.’ મરાઠી ગ્રંથમાળા ‘સમગ્ર સાવરકર’ના નવમા ખંડ(1993)માં ‘વિજ્ઞાનનિષ્ઠ નિબંધો’ વિભાગમાં ‘ગોપાલન જોઈએ, ગોપૂજન નહીં’ મથાળા હેઠળ તેમણે ગોભક્તિ કેવી રીતે અનારોગ્યકારક અને અવૈજ્ઞાનિક છે એ બતાવી આપ્યું છે. અલબત્ત, તેમણે ગાયની ઉપયોગિતાનું પણ યથોચિત ગૌરવ કર્યું છે. તેઓ આ પણ લખે છે : ‘ગાયની સામે માનવના હિતનો ભોગ લેવામાં આવતો હોવાને કારણે ગોરક્ષણના મૂળ હેતુને જ હાનિ પહોંચે છે. ગમે તેટલી ઉપયોગી હોય તો પણ ગાય એક પશુ, એને દેવતા માનવાથી ગોપૂજન ધર્મ બને છે, આ બાબત ગાંડપણભરી છે, એ સમાજની બુદ્ધિહત્યા માટે કારણરૂપ બને છે.’
જો કે સાધારણ હિંદુ વ્યક્તિ સાવરકર જેટલો રૅશનલ અભિગમ દાખવીને તેની ધાર્મિક લાગણીઓને છોડી શકતો નથી; અને ધર્મનું રાજકારણ ખેલનારા એ લાગણીનો ગેરલાભ લેવાનું છોડી શકતા નથી. એટલે ભારતના ચોવીસ રાજ્યોમાં ગોવંશ હત્યા અને તેના માંસ પરના પ્રતિબંધનો કાયદો લાદવામાં આવે છે. આ કાયદો ઘડવા માટેનો આધાર બંધારણના માર્ગદર્શક સિદ્ધાન્તોની કલમ 48 છે. તેમાં ગાય, વાછરડાં, દૂધ આપનારાં અને ભાર વહન કરનારાં પ્રાણીઓની કતલ પર પ્રતિબંધ મૂકવાનું સરકારને જણાવવામાં આવ્યું છે. પણ સાથે આ બધી જાતનાં પ્રાણીઓને આધુનિક વૈજ્ઞાનિક ઢબે વિકસાવવાનું પણ જણાવવામાં આવ્યું છે.
ઉપયોગી પ્રાણીઓની હત્યાના પ્રતિબંધની સામે બંધારણે આપેલા ધર્મ અને માંસાહારી ખોરાકની પસંદગીના વ્યક્તિસ્વાતંત્ર્યનો મુદ્દો ઊભો રહે છે. તેથી આ કાયદો વિવાદાસ્પદ રહ્યો છે. એટલે ‘કાયદાથી ગાયની કતલ કદી અટકાવી ન શકાય. સમજ, કેળવણી અને ગાય વિશેનો પ્રેમ જ તેને અટકાવી શકશે’ (હરિજન બંધુ, 15-9-1946), એમ કહેનાર પરમ ગોભક્ત હિંદુ ભારતીય એવા ગાંધી વિવેકી અને દૂરદર્શી હતા. ગાયને ‘દયાધર્મની મૂર્તિમંત કવિતા’ (યંગ ઇન્ડિયા, 6-10-1921) માનનારા ગાંધીએ તેનો ખૂબ મહિમા કર્યો છે. ગાય ભારતીયોનાં હૈયે વસેલી છે.
એ જ ગાયને નામે ગૌરક્ષકો બની બેઠેલા ધર્મઝનૂની ગુંડા કેન્દ્રમાં એન.ડી.એ.ની સરકાર આવી છે ત્યારથી આતંક મચાવી રહ્યા છે. જે હિંદુ ધર્મને નામે ગૌરક્ષાની વાત ચલાવવામાં આવી રહી છે તેમાં ગોવંશમાંસ એટલે કે બીફ ખાવા પર પ્રતિબંધ ચર્ચાસ્પદ છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરે ભારતના પ્રાચીન ઇતિહાસના અલગ અલગ તબક્કામાં આર્યો, બ્રાહ્મણો અને એકંદર હિંદુઓ માંસ અને ગોવંશમાંસ બંને ખાતા હતા એ સંખ્યાબંધ ભારતીય ધર્મગ્રંથોમાંના અવતરણો સાથે સાબિત કર્યું છે. સાથે તેમણે ગોમાંસભક્ષણ માટેનો તિરસ્કાર અસ્પૃશ્યતાના માટેનાં માપદંડ તરીકે છે કેવી રીતે ખોટો છે એ પણ બતાવી આપ્યું છે. આ બધું ‘અસ્પૃશ્યો કોણ હતા ?’ (1948) નામના તેમના ગ્રંથમાં વાંચવા મળે છે. જો કે બાબાસાહેબ પૂર્ણ શાકાહારી હતા અને એ ભાષણોમાં દલિતોને માંસાહાર ન કરવાની હાકલ પણ કરતા. ધર્માનંદ કોસાંબીએ ‘એન્શ્યન્ટ ઇન્ડિયા’ (1965) અને સર્વપલ્લી રાધાકૃષ્ણને ‘રિલિજિયન અૅન્ડ સોસાયટી’(1967)માં ગોવંશમાંસાહાર વિશે લખ્યું છે. દિલ્હી યુનિવર્સિટીના અધ્યાપક દ્વિજેન્દ્ર નારાયણ ઝાએ ‘હોલિ કાઉ : બીફ ઇન ઇન્ડિયન ડાયેટરી ટ્રૅડિશન’ (2002) અને ‘મિથ ઑફ ધ હોલિ કાઉ’ (2009) નામનાં પુસ્તકો લખ્યાં છે. છોત્તેર વર્ષના આ સંશોધક ધાકધમકીનો ભોગ બનતા ન રહ્યા હોય તો જ નવાઈ.
ગૌરક્ષકો જે હિંદુ ધર્મનું નામ વટાવી રહ્યા છે તે સંખ્યાબંધ જ્ઞાતિજાતિઓનો બનેલો છે, જેમાંથી કેટલી ય બીફ ખાય છે. દલિત વિષયના જાણીતા અભ્યાસી આનંદ તેલતુંબડે નોંધે છે કે અનુસૂચિત જાતિ,જનજાતિ, આદિવાસીઓ, અન્ય પછાત વર્ગો, મુસ્લિમો અને ખ્રિસ્તીઓ એમ થઈને ભારતની વસ્તીના કુલ સાઠ ટકા લોકો બીફ ખાય છે. બીફ ખાતા દેશોમાં ભારત સાતમા ક્રમે છે. બીફ ખાનારા લોકોમાં જે દલિતો, આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગના લોકો છે તેમાં ગરીબ શ્રમજીવીઓનો હિસ્સો મોટો છે. તેમના માટે બીફ સસ્તો અને વધુ પોષક ખોરાક છે. બીફ પરના પ્રતિબંધને કારણે આ બધાની હાલત કફોડી થઈ ચૂકી છે.
ગૌરક્ષણના આ હિંસક જુવાળને કારણે અર્થતંત્રને બહુ મોટો ફટકો પડ્યો છે. માંસના પ્રોસેસિંગનો ઓગણતીસ હજાર કરોડનો આખો ય ઉદ્યોગ ખતરામાં આવી પડ્યો છે. ચામડાની નિકાસ આઠ ટકા ઘટી ગઈ છે. ખાલ ઊતારવાનું અને તેને કમાવાનું કામ કરનાર દબાયેલા લોકોએ રોજી મોટા પાયે ગુમાવી છે. ઢોરની ચરબી અને જિલેટીનનો ઉપયોગ કરનારા સાબુ અને દવાના ઉદ્યોગો મુશ્કેલીમાં આવી ગયા છે.
જ્યારે ગૌવંશને બચાવવાના આંધળુકિયા થાય છે ત્યારે એક વાત ઓછી ધ્યાનમાં આવે છે. તે એ કે નિરુપયોગી ઢોરનો નિકાલ કરવો એ હંમેશાં અધાર્મિકતા કે ક્રૂરતા નથી. મોટે ભાગે તો એનાથી વિપરિત સાચું છે. આપણા દેશમાં રખડતાં ઢોરોની સંખ્યા ત્રેપન લાખ જેટલી આપવામાં આવે છે. આ આંકડો મોટો થતો જવાનો કેમ કે ગૌરક્ષોની બીકે બિનઉપયોગી ઢોરને કતલખાને લઈ જવાનું પ્રમાણ ઓછું થતું જાય છે. મહારાષ્ટ્રમાં તાજેતરમાં પડેલા દુકાળમાં તો ખેડૂતો બહુ જ મૂંઝવણમાં હતા. માણસને જીવવાનું આકરું હતું ત્યાં પાલતુ પશુઓને જીવાડવાની ફરજ પાડવામાં આવી રહી હતી. વળી, આપણે ત્યાં ગાયોની કેટલી ઉપેક્ષા થાય છે તે આપણને રસ્તાઓ પર પણ દેખાય છે. બંધારણે વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવા જણાવ્યું છે. તેલતુંબડેની ચર્ચા અનુસાર પશ્ચિમના દેશોમાં આ થયું છે, પણ કૃષિ અને પશુપાલન આધારિત અર્થતંત્ર ધરાવતા અપણા દેશમાં હજુ જૂનીપુરાણી પદ્ધતિઓ ચાલે છે. એ ગાયનો જ દાખલો આપીને મુદ્દો સમજાવે છે.
ગાંધીને ફરીથી યાદ કરવા જેવા છે. તેમણે લખ્યું : ‘જેમ કોઈ માણસના જાન બચાવવા માટે હું ગાયની હિંસા ન કરું, તેવી જ રીતે કોઈ ગાયનો જાન બચાવવા હું માણસની હિંસા ન કરું.’ (યંગ ઈન્ડિયા,18-5-21) દેશમાં દર વર્ષે જન્મતાં અઢી કરોડ જેટલાં બાળકો પાંચ વર્ષની ઉંમર પહેલાં મરી જાય છે, હજારો ખેડૂતો આત્મહત્યા કરે છે, દર વર્ષે સરસરી 130 માણસો કોમી હુલ્લડોમાં મરી જાય છે, દરરોજ બે દલિતોની હત્યા થાય છે. આવા કાળમાં ગાય એ આપણા દેશમાં અગ્રતાક્રમે શી રીતે હોઈ શકે ? ગાંધીએ ‘હિંદ સ્વરાજ’માં એ મતલબનું લખ્યું છે કે એમને ‘ગૌરક્ષાપ્રચારિણી સભા એ ગૌવધ પ્રચારિણી સભા’ ગણાવી જોઈએ. એમ કહેવાનું થાય કે અત્યારના ભારતમાં ખરેખર તો એ ‘માનવવધ પ્રચારિણી સભા’ બનતી જાય છે.
28 જુલાઈ 2016
+++++++
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની કોલમ, “નવગુજરાત સમય”, 29 જુલાઈ 2016
e.mail : sanjaysbhave@yahoo.com