રાષ્ટ્રવાદ એક અલ્પ દર્શન છે. ઇતિહાસનો જરા ય બોધ ન હોય તેવી વ્યક્તિ પણ ઝનૂનના નામ પર રાષ્ટ્રવાદને સમજવાનો દાવો કરી શકે છે
રશિયા અને તુર્કી વચ્ચે 1877 અને 78 વચ્ચે યુદ્ધ થયું ત્યારે તુર્કીના મિત્રદેશ બ્રિટનમાં દારૂનાં પીઠાંમાં એક ગીત ફેમસ થયું હતું:
વી ડોન્ટ વોન્ટ ટુ ફાઇટ
બટ બાય જિંગો ઇફ વી ડુ,
વી હેવ ગોટ ધ શીપ્સ,
વી હેવ ગોટ ધ મેન,
વી હેવ ધ મની ટુ,
વી હેવ ફોર ધ બેર બીફોર, એન્ડ વ્હાઇલ
વી આર બ્રાઇટન ટ્રુ
ધ રશિયન્સ શેલ નોટ હેવ કોન્સ્ટેન્ટેનોપલ.
એનો મતલબ એવો થાય કે અમારી પાસે બહુ તાકાત છે અને અમારે લડવાની ઇચ્છા નથી, પણ લડવાની ફરજ પડી તો કોન્સ્ટેન્ટેનોપલને બચાવવા માટે અમે લડીશું ખરા પણ અમારી એ લડાઈ કટ્ટર અને અંધરાષ્ટ્રવાદ(જિંગો)થી ભરેલી હશે. 1878માં જ્યોર્જ હોલીઓકે નામના એક કટ્ટર બ્રિટિશરે ડેઇલી ન્યૂઝ નામના સમાચારપત્રને એક પત્ર લખ્યો હતો. તેમાં એણે આ ‘જિંગો’ શબ્દ પરથી જિંગોઇઝમ નામનો શબ્દ પ્રયોજ્યો હતો. જિંગોઇઝમ એટલે દેશાહંકાર, કોમપરસ્તી, યુદ્ધપ્રિયતા અથવા અંધરાષ્ટ્રવાદ.
અંગ્રેજી ભાષાનો સૌથી મહાન શબ્દકોશ તૈયાર કરનાર ડૉ. સેમ્યુઅલ જ્હોન્સને એક પ્રસિદ્ધ વિધાન કરેલું કે, ‘રાષ્ટ્રવાદ એ બદમાશ લોકોનો છેલ્લો અખાડો છે.’ એમ્બ્રોસે બીયર્સે નામના બ્રિટિશ વ્યંગકારે આમાં સુધારો કરીને જોક કરેલી કે, ‘વિદ્વાન શબ્દકોશકારની માફી માગીને કહું છું કે રાષ્ટ્રવાદ એ બદમાશોનો છેલ્લો નહીં, પણ પહેલો અખાડો છે.’
ભારતમાં બે પવિત્ર ગાય છે, ધાર્મિક શ્રદ્ધા અને રાષ્ટ્રવાદ. બેમાંથી એકેયની બુરાઈ કે અવજ્ઞા કરો તો તેમને જીવવા દેવામાં ન આવે. બંને માટે બીજા બે શબ્દો પણ છે, હઠધર્મિતા અને જિંગોઇઝમ.
ગયા અઠવાડિયે કાશ્મીરમાં બુરહાન વાની નામનો એક આતંકવાદી યુવાન સુરક્ષા બળોના હાથે માર્યો ગયો એ પછી કાશ્મીર ભડકે બળ્યું અને અંધરાષ્ટ્રવાદે ફરી ઊથલો માર્યો. મીડિયાએ બુરહાનને ‘હીરો’ બનાવ્યો છે, સેક્યુલર લોકો (એના માટે સિક્યુલર શબ્દ વપરાય છે, સિક એટલે બીમાર) દેશ વિરોધી છે એટલે સેનાની કાર્યવાહીની ટીકા કરે છે, આતંકવાદીને ભડાકે દેવા બદલ સરકારે કે સૈન્યએ ‘સોરી’ અનુભવવાની જરૂર નથી, કાશ્મીરમાં તો ઇંટનો જવાબ (પાકિસ્તાનને) બંદૂકથી જ હોય અને આતંકવાદીઓ પ્રત્યે માનવતાવાદી અભિગમ ન જ હોવો જોઈએ એવા ‘ઉગ્ર આક્રોશો’ પાછા ઊછળ્યા.
એક વ્યક્તિ પોતાના વતન, પોતાની સંસ્કૃિત અને પોતાની ભાષાની સાથે પોતાની ઓળખ બતાવે અથવા લગાવ વ્યક્ત કરે એ રાષ્ટ્રવાદ છે. કેટલાક લોકોને આ સીમિત લાગે છે, અને દેશ માટે ‘મુસીબત’ સમાન હોય તેવા દેશ કે લોકો કે સમુદાયને આકરા પાઠ ભણાવવાની વકીલાત કરે છે જેને અતિ-રાષ્ટ્રવાદ અથવા જિંગોઇઝમ કહે છે.
પહેલી વાત તો એ કે રાષ્ટ્રવાદ એક નાનું અથવા અલ્પ દર્શન છે, માનવતાવાદ મોટું દર્શન છે, પરંતુ માનવતાવાદ વ્યાવહારિક સ્તરે એટલો સફળ થતો નથી કારણ કે દુનિયામાં મોટાભાગના લોકો અચ્છા ઇન્સાન બની જાય તો પણ નપાવટ લોકો દુનિયાને ચાલવા નહીં દે. આમાં મુશ્કેલી ત્યારે આવે છે જ્યારે દુશ્મન કોણ છે અને કેવી રીતે છે તેની વ્યાખ્યા વ્યક્તિ વ્યક્તિએ જુદી હોય.
રાષ્ટ્રવાદના ઝનૂનની ખૂબી એ છે કે કોઈ ધોરણસરની વિચારશક્તિ ન હોય. માનવજીવનની જટિલતાની સરખી સમજ ન હોય અને ઇતિહાસનો જરા ય બોધ ન હોય તેવી વ્યક્તિ પણ ઝનૂનના નામ પર રાષ્ટ્રવાદને સમજવાનો દાવો કરી શકે છે. મોટાભાગે આ નકલી રાષ્ટ્રવાદ હોય છે, કારણ કે એમાં ઝનૂન બતાવ્યાના સંતોષ સિવાય કશું નક્કર કામ હોતું નથી. જૂના જમાનામાં સામંતવાદી લોકો હતા જે કોમપરસ્તીના નામે એમના ચૂલા સળગતા રાખતા હતા. આજે તમને કોઈ એવો રાષ્ટ્રવાદી નહીં મળે જે ઘર બાળીને તીરથ કરતો હોય. એ પ્રજાતિમાં કદાચ ગાંધીજી અંતિમ રાષ્ટ્રવાદી હતા.
રાષ્ટ્રવાદનો મતલબ નફરત નથી. આ સમજવા માટે બહુ દૂર જવાની જરૂર નથી. જ્યાંથી રાષ્ટ્રવાદ આવ્યો તે પશ્ચિમમાં પ્રથમ વિશ્વયુદ્ધનો પાયો જ નફરતમાં હતો. સર્બિયાના લોકો ઓસ્ટ્રો-હંગેરિયનોને નફરત કરતા હતા. ઓસ્ટ્રો-હંગેરિયનો રશિયનનોની ઘૃણા કરતા હતા. રશિયનો જર્મની લોકોના લોહીના તરસ્યા હતા અને જર્મનોને ફ્રેન્ચ પસંદ ન હતા. આમાં ઇટલી પણ કૂદ્યું કારણ કે અંગ્રેજો પૂરી દુનિયાના લોકોને નફરત કરતા હતા. નફરતની આ ચિનગારી સળગી એટલે બધા એકબીજા સાથે લડવા લાગ્યા.
બીજા વિશ્વયુદ્ધમાં હિટલરે આ નફરતની આગમાં પૂરા યુરોપ અને અમેરિકાને ઝૂલસી દીધું તે પછી યુરોપની ઇલાકાઈ ઓળખ સમાપ્ત થઈ ગઈ અને યુરોપિયનોનો એક એવો સમૂહ બન્યો જે નફરતના બદલે સહકાર અને રાષ્ટ્રવાદના બદલે સીમાઓનું અરાષ્ટ્રીયકરણ ઇચ્છતો હતો. આમાંથી તો આપણે કશું શીખ્યા નહીં અને જે શીખ્યા એ ય ખોટું શીખ્યા. પશ્ચિમમાં તો એક દેશના લોકો બીજા દેશના લોકોની નફરત કરતા હતા. આપણા નકલી રાષ્ટ્રવાદીઓ પોતાના જ લોકોની વિરુદ્ધ છે.
એટલા માટે જ ભારત-પાકિસ્તાનની મેચ હોય, કાશ્મીર ગડબડ હોય, ભારત માતા કી જય ન બોલવાનું હોય, જન ગણ મનનું ગાન હોય, દાદરીમાં ગોમાંસ અને હત્યાનો મામલો હોય, દલિત યુવાન રોહિત વેમુલાની આત્મહત્યા હોય કે પછી કનૈયા કુમારના દેશવિરોધી નારા હોય આપણે ત્યાં બહુ આસાનીથી કોઈ પણ માણસ કોઈ પણ સમયે કોઈ પણ સામે અતિ-રાષ્ટ્રવાદનો ઝંડો લઇને ઊભો થઈ જાય છે.
કોઈ વર્ગ કે કોઈ માણસને પજવતો એ રાષ્ટ્રવાદ નથી. એક સાદું ઉદાહરણ છે. પંદર વર્ષ પહેલાં ચેન્નાઇમાં સચિન તેંડુલકરની જબરદસ્ત બેટિંગ અને ભારતીય ખેલાડીઓની કાબિલેદાદ જદ્દોજહદ છતાં પાકિસ્તાનની ટીમ ક્વૉલિટી ક્રિકેટમાં સવાશેર નીકળી અને માત્ર 12 રન માટે થઈને ભારતના હાથમાં આવેલી ટેસ્ટ મેચ ઝૂંટવી ગઈ. પાંચમા દિવસે મેચ પૂરી થઈ ત્યારે જે રીતે ચેન્નાઇના સ્ટેિડયમમાં પાકિસ્તાની ટીમને સ્ટેિન્ડગ ઓવેશન આપવામાં આવ્યું હતું તે કોઈ પણ દેશની મહાનતાને છાજે તેવું હતું. આજે? આજે આપણે પાકિસ્તાની ખેલાડીઓના ‘નાપાક’ કદમ ‘પવિત્ર’ ભારત ભૂમિ પર પડે તેના વિરોધી છીએ. એવું તે શું થઈ ગયું?
શું એ વખતના ચેન્નાઇના પ્રેક્ષકો દેશ-વિરોધી હતા? ઓછા રાષ્ટ્રવાદી હતા? એ પછીની તે વખતના, કોલકાત્તામાં રમાયેલી ભારત-પાકિસ્તાનની મેચમાં પાકિસ્તાન વિરોધી જે માહોલ પેદા થયો અને વ્યાપક પ્રમાણમાં હિંસા ફાટી નીકળી એ રાષ્ટ્રપ્રેમનું પ્રદર્શન હતું? રાષ્ટ્રવાદની આપણી વ્યાખ્યા ધર્મ કેન્દ્રિત અને સમુદાય કેન્દ્રિત થઈ ગઈ છે.
આમાં સૌથી કમનસીબ બાબત એ છે કે નાનાં બાળકો, જેને હજુ ભણતરની ય ગડ પડી નથી, તે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રવિરોધની ભાષા બોલતાં થઈ ગયાં છે. જાપાનની એક આખી પેઢી આવી જ રીતે હિરોશીમાના ડંખ સાથે જન્મી હતી પરંતુ એ ડંખને કાબૂમાં રાખીને દેશને સુપરપાવર બનાવી દીધો હતો. જર્મન લોકો હિટલરની નફરત અને ઝનૂનને અતિક્રમીને યુરોપનું પાવરહાઉસ બની ગયા હતા. સાંસ્કૃિતક ક્રાંતિના નામે ચીનનો પણ એક બદનામ ભૂતકાળ છે, પણ એમાં બંધાયેલા રહેવાના બદલે ચીનાઓ એમના આધુનિક અને તરક્કીપસંદ દર્શનના જોરે આજે વિશ્વના પાવર કેન્દ્ર તરીકે ઊભર્યા છે.
દેશની સીમાઓ અને દેશની જમીનો પવિત્ર ગાય છે અને પરદેશીઓ એમાં પગ ન મૂકવા જોઈએ એ માનસિકતા જૂની અને જાહીલ છે. દેશોની રાજકીય સરહદો દુનિયાભરમાંથી ભૂંસાઈ ગઈ છે, અને આપણે તો ખુદના ઘરમાં જ દીવાલો ચણી રહ્યા છીએ. આમાં ખાલી પાકિસ્તાનની જ વાત નથી. આપણો અતિ રાષ્ટ્રવાદ નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ચીન તરફ પણ એટલો જ અણિયાળો છે. હમણાં દિલ્હી એરપોર્ટ પર મણિપુરની એક યુવતીને એટલા માટે અટકાવવામાં આવી હતી કારણ કે એ ચાઇનીઝ દેખાતી હતી.
અમારા લેખક મિત્ર નિખિલ મહેતા લખે છે, ‘બુરહાન વાનીની અંતિમયાત્રામાં હજારો કાશ્મીરીઓ હાજર રહ્યા એ કાશ્મીરની સચ્ચાઈ છે કે પછી ત્રાસવાદીઓની ધમકીથી ડર્યા વિના લાખો કાશ્મીરીઓ ભારતની લોકશાહીના સમર્થનમાં ચૂંટણી સમયે મતદાન કરવા ઘરની બહાર નીકળ્યા હતા એ કાશ્મીરની સચ્ચાઈ છે?’
ક્રિકેટની મેચમાં પાકિસ્તાનની ટીમ માટે તાળીઓ પાડવી એ દેશદ્રોહ કહેવાય? એ પ્રશ્ન જેટલો જ ઉચિત પ્રશ્ન એ છે કે મતદાન કરવા આવેલા રાષ્ટ્રભક્ત કાશ્મીરીઓ બુરહાન વાનીની અંતિમયાત્રામાં જોડાઇને રાષ્ટ્રવિરોધી બની ગયા?
સૌજન્ય : ‘બ્રેકીંગ વ્યૂસ’ નામક લેખકની કોલમ, ’રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 24 જુલાઈ 2016
http://www.divyabhaskar.co.in/news/MAG-breaking-news-by-raj-goswami-in-sunday-bhaskar-gujarati-news-5379664-NOR.html